હેસ, વિક્ટર ફ્રાન્ઝ (જ. 24 જૂન 1883, વાલ્દે સ્ટીન, કેસલ, ઑસ્ટ્રિયા; અ. 17 ડિસેમ્બર 1964, ન્યૂયૉર્ક) : બ્રહ્માંડ (કૉસ્મિક) વિકિરણની શોધ કરવા બદલ સી. ડી. એન્ડરસનની ભાગીદારીમાં 1936ના વર્ષનો નોબેલ પુરસ્કાર પ્રાપ્તકર્તા ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની.
વિક્ટર ફ્રાન્ઝ હેસ
તમામ શિક્ષણ ગ્રાઝ ખાતે લીધું જિમ્નેસિયમ 1893થી 1901 દરમિયાન. ત્યારબાદ 1901થી 1905 દરમિયાન ગ્રાઝ યુનિવર્સિટીમાં લીધું. 1910માં ગ્રાઝમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી.
થોડાક સમય માટે વિયેનામાં ફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટમાં રહી કાર્ય કર્યું. અહીં તે જ સમયે આરંભાયેલ રેડિયો-ઍક્ટિવિટીના ક્ષેત્રે સંશોધન શરૂ કર્યું. 1910થી 1920 સુધી વિયેમીઝ એકૅડેમી ઑવ્ સાયન્સીસના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રેડિયમ રિસર્ચ ખાતે સ્ટીફન મેયરના માર્ગદર્શન હેઠળ મદદનીશ તરીકે કામગીરી બજાવી. 1919માં ‘અલ્ટ્રારેડિયેશન’-(કૉસ્મિક રેડિયેશન)ની શોધ બદલ લાયબેન પુરસ્કાર મળ્યો. એકાદ વર્ષ બાદ ગ્રાઝ યુનિવર્સિટી ખાતે પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાનનું અનન્ય પ્રાધ્યાપક પદ મેળવ્યું.
1921થી 1923 સુધી તે રજા ઉપર ગયા. આ સમય દરમિયાન યુ.એસ.માં કામ કર્યું. અહીં ઑરેન્જ (ન્યૂજર્સી) ખાતે યુ.એસ. રેડિયમ કૉર્પોરેશનની, પોતે નિર્માણ કરેલી, રિસર્ચ લૅબોરેટરીનું નિયામકપદ લીધું. તે સાથે વૉશિંગ્ટન ડી.સી. ખાતે યુ.એસ.ના આંતરિક વિભાગમાં સલાહકાર ભૌતિકવિજ્ઞાની તરીકે કાર્ય કર્યું.
1923માં ગ્રાઝ યુનિવર્સિટી ખાતે પાછા આવ્યા. 1925માં પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1931માં ઇન્સબ્રૂક યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા. તે સાથે નવોદિત ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રેડિયોલૉજીના નિયામક બન્યા. કૉસ્મિક કિરણોના અભ્યાસ માટે 2,300 મીટર ઊંચાઈએ આવેલા હાફેલકેટ પર્વત ઉપર ઇન્સબ્રૂક પાસે સંશોધન મથક સ્થાપ્યું.
નોબેલ પુરસ્કાર ઉપરાંત, 1932માં જેનાસ્થિત કાર્લ ઝીસ ઇન્સ્ટિટ્યૂટનાં એબે મેમૉરિયલ પ્રાઇઝ અને એબે ચંદ્રક એનાયત થયાં. ઉપરાંત વિયેનાની એકૅડેમી ઑવ્ સાયન્સીસના corresponding સભ્ય રહ્યા.
તેમણે લગભગ 60 સંશોધનલેખો પ્રગટ કર્યા. ઉપરાંત રેડિયમના ઉષ્મા-ઉત્પાદન, આયનીકૃત વાયુમાં ઉષ્માનયનની ઘટના, વાતાવરણની વિદ્યુતવાહકતા અને તેનાં કારણો, હવાની વિદ્યુત, વાતાવરણમાં આયનોનું સરેરાશ આયુ, કૉસ્મિક કિરણોની તીવ્રતામાં વધઘટને લગતાં અને અન્ય પુસ્તકો લખ્યાં.
1944માં અમેરિકન નાગરિક બની મૃત્યુ લગી ન્યૂયૉર્કમાં રહ્યા.
પ્રહલાદ છ. પટેલ