હેસલ, ઓડ (Hassel, Odd) (જ. 17 મે 1897, ઑસ્લો, નૉર્વે; અ. 11 મે 1981, ઑસ્લો) : આધુનિક આણ્વીય સંરચનામાં મહત્વનો ભાગ ભજવતા સંરૂપીય (conformational) વિશ્લેષણ(અણુઓની ત્રિપરિમાણી ભૌમિતિક સંરચનાનો અભ્યાસ)ની પદ્ધતિ પ્રસ્થાપિત કરનાર નૉર્વેજિયન ભૌતિક-રસાયણવિદ અને 1969ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. હેસલે ઑસ્લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને 1924માં બર્લિન યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1925માં તેઓ ઑસ્લો યુનિવર્સિટીના શિક્ષકગણ-(faculty)માં જોડાયા અને લાંબા સમય સુધી વિવિધ હોદ્દા પર સેવાઓ આપી. 1934થી 1964 દરમિયાન તેઓ ભૌતિક-રસાયણના પ્રાધ્યાપક તેમજ ભૌતિક-રસાયણ વિભાગના નિયામક (director) હતા.

ઓડ હેસલ

1930માં હેસલે સાઇક્લોહેક્ઝેન (6 કાર્બનવાળો હાઇડ્રોકાર્બન અણુ) અને તેનાં વ્યુત્પન્નોની સંરચનાનો અભ્યાસ કર્યો અને તેને પરિણામે સાઇક્લોહેક્ઝેનનાં બે રૂપો (forms) શોધી કાઢ્યાં. આને તેમણે હોડી (boat) અને ખુરસી (chair) આકારનાં સમવિન્યાસી સ્વરૂપો તરીકે પ્રસ્થાપિત કર્યાં. આ ઉપરાંત તેમણે સંરૂપીય વિશ્લેષણના પાયારૂપ સિદ્ધાંતોને પણ પ્રસ્થાપિત કર્યા અને Kristell chemie (1934) (Crystal Chemistry, 1935) નામનું પુસ્તક લખ્યું. 1940માં નૉર્વે ઉપર જર્મનીએ કબજો જમાવ્યો તે પછી તેમણે સ્કેન્ડિનેવિયન સામયિકોમાં પોતાનું સંશોધનકાર્ય પ્રકાશિત કરવાનું ચાલુ રાખ્યું. જોકે તેમનાં અગત્યનાં સંશોધનોમાં દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે વિક્ષેપ પડ્યો હતો. 1943થી 1945 દરમિયાન યુનિવર્સિટીના બીજા સભ્યો સાથે તેમને ગ્રિની (Grini) ખાતે આવેલા કૅમ્પમાં જેલવાસ વેઠવો પડ્યો હતો.

1950ના દાયકાની શરૂઆતમાં સંરચના અન્વેષણનું નવું ક્ષેત્ર, વીજભારાંતરણ (charge transfer) સંયોજનો અંગે શરૂ કર્યું અને આ પ્રકારનાં યોગાત્મક (addition) સંયોજનોની ભૂમિતિ માટેના નિયમો રજૂ કર્યા. 1950ના દાયકાના મધ્ય ભાગથી તેઓ કાર્બનિક હેલોજન સંયોજનોની સંરચના ઉપરના સંશોધન સાથે સંકળાયેલા રહ્યા હતા. 1964માં તેઓ નિવૃત્ત થયા.

હેસલને સંરૂપીય વિશ્લેષણનો ખ્યાલ વિકસાવવા અને રસાયણવિજ્ઞાનમાં તેના ઉપયોગ બદલ ગ્રેટ બ્રિટનના ડેરિક બાર્ટન સાથે 1969ના વર્ષનો રસાયણવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

જ. પો. ત્રિવેદી