હેર્ત્ઝ ગુસ્તાફ

February, 2009

હેર્ત્ઝ ગુસ્તાફ (જ. 22 જુલાઈ 1887, હૅમ્બર્ગ, જર્મની; અ. 30 ઑક્ટોબર 1975, પૂર્વ જર્મની) : પરમાણુ ઉપર ઇલેક્ટ્રૉનના સંઘાત(impact)થી ઉદભવતી અસરને લગતા નિયમોની શોધ બદલ 1925નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની.

હેર્ત્ઝ ગુસ્તાફ

હેર્ત્ઝે ગોટિંગેન, મ્યૂનિક અને બર્લિન યુનિવર્સિટીમાં રહીને અભ્યાસ કર્યો હતો.

1913માં બર્લિન યુનિવર્સિટીના ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન મદદનીશ તરીકેની નિમણૂક મળી; પણ પ્રથમ વિશ્વયુદ્ધના આરંભે 1914માં તેમણે સૈન્યમાં જોડાવું પડ્યું. 1915માં ચાલુ ફરજે ગંભીર રીતે ઘવાયા. તે પછી હેર્ત્ઝ 1917માં બર્લિન પરત થયા અને Privatdozent થયા. 1920થી 1925 સુધી ફિલિપ્સ ઇન્કેન્ડેસંટ લૅમ્પ ફૅક્ટરીની ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળામાં તેમણે સંશોધન કર્યું.

1925માં હેલ (Halle) યુનિવર્સિટીના ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટના નિયામક અને નિવાસી પ્રાધ્યાપક તરીકે પસંદગી પામ્યા. 1928માં  ચાર્લોટેન્બર્ગ ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટીમાં ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટના નિયામક તરીકે બર્લિન પાછા ફર્યા. રાજકીય કારણસર આ પદેથી રાજીનામું આપીને સીમેન્સ કંપનીની સંશોધન પ્રયોગશાળાના નિયામક તરીકે તેઓ જોડાયા. 1945થી 1954 સુધી તત્કાલીન સોવિયેત યુનિયનની સંશોધન પ્રયોગશાળાના વડા તરીકે, ત્યારબાદ લિપઝિગમાં કાર્લ માર્કસ યુનિવર્સિટીમાં ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક અને નિયામક તરીકે તેઓ રહ્યા. 1961માં તેઓ સન્માનનીય (emeritus) પ્રાધ્યાપક બન્યા. ત્યારથી નિવૃત્તિ સુધી પહેલાં લિપઝિગ અને પછીથી બર્લિનમાં રહ્યા.

શરૂઆતમાં હેર્ત્ઝનું સંશોધન દબાણના સંદર્ભમાં કાર્બન ડાયૉક્સાઇડમાં અવરક્ત (infrared) શોષણને લગતું હતું. યુદ્ધ બાદ જુદા જુદા વાયુઓમાં આયનીકરણ સ્થિતિમાન(ionization potential)ના માપનનું કાર્ય કર્યું. ઇલેક્ટ્રૉનની પરમાણુ સાથે થતી અથડામણ દરમિયાન થતા ઊર્જા-વ્યય અને વર્ણપટીય (spectral) રેખાઓની શ્રેણી વચ્ચે સંબંધ સ્થાપિત કર્યો. તેમણે મેળવેલાં પ્રાયોગિક પરિણામો બોહરના પારમાણ્વિક સંરચનાના સિદ્ધાંત સાથે સુસંગત રહ્યા.

1928માં બર્લિન પાછા આવીને તેમનું પ્રથમ કાર્ય ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટનું નવીનીકરણ કરવાનું હતું. આ ધ્યેય સિદ્ધ કરવા તેમણે અથાગ પ્રયત્નો કર્યા. અહીં રહીને વિસરણ સોપાની (diffusian cascade) પદ્ધતિ વડે નિયૉનના સમસ્થાનિકો છૂટા પાડવાની જવાબદારી સ્વીકારી. તેમણે વ્યક્તિગત રીતે ઘણા સંશોધન-લેખો પ્રગટ કર્યા છે. વળી જેમ્સ ફ્રાન્ક અને ક્લોપર્સની સાથે ભાગીદારીમાં કેટલાક સંશોધન-લેખો તૈયાર કર્યા હતા. તે દરમિયાન ઇલેક્ટ્રૉન અને પરમાણુ વચ્ચે સંઘાત થતાં ઊર્જાની આપ-લેનો સંખ્યાત્મક (quantitative) અભ્યાસ કર્યો.

તેઓ બર્લિનમાં જર્મન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ અને ગોટિંગેન એકૅડેમી ઑવ્ સાયન્સીઝના સભ્ય બન્યા. હંગેરિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝના માનાર્હ સભ્ય અને ચેકોસ્લોવૅકિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝના સભ્ય તથા તત્કાલીન યુ.એસ.એસ.આર.ની એકૅડેમી ઑવ્ સાયન્સીઝના વિદેશી સભ્ય તરીકે રહ્યા. જર્મન ફિઝિકલ સોસાયટીનો મૅક્સ પ્લાન્ક ચંદ્રક તેમને મળ્યો હતો.

હેર્ત્ઝે એલન ની ડિહલમાન (Ellen ne’e Dihlmann) સાથે લગ્ન કર્યું હતું, જેનું 1941માં અવસાન થયું. તેમના બે દીકરા  ડૉ. હેલ્મુથ હેર્ત્ઝ અને ડૉ. જોહાનીસ હેર્ત્ઝ ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાનીઓ છે.

પ્રહલાદ છ. પટેલ