હેમલતા તેન્નાટી (જ. 15 નવેમ્બર 1938, નિમ્માલુલુ, જિ. ક્રિશ્ર્ના, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. સામાન્ય રીતે તેઓ લતા તરીકે જાણીતાં છે. તેઓ વિજયવાડામાં સ્થાયી થયાં. તેમણે પરંપરાગત શિક્ષણ મેળવ્યું નથી, પરંતુ ખાનગી શિક્ષકો દ્વારા તેમણે તેલુગુ અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કર્યો હતો.
ઘણી નાની વયે તેમણે ‘શિલાહૃદયમ્’ નામક નાટિકા આપી, જે 1953માં હૈદરાબાદના ડેક્કન રેડિયો પરથી પ્રસારિત કરાઈ હતી. 1956થી તેમણે અઠવાડિકા ‘આંધ્રપ્રભા’માં સાહિત્યિક ‘ઉહગાનમ્’ નામની કટાર લખવી શરૂ કરી. દશ વર્ષ સુધી તેમણે દૂરદર્શન, વિજયવાડા પર ઉદ્ઘોષકપટકથા લેખિકા તરીકે કામ કર્યું. તે દરમિયાન તેમણે સંખ્યાબંધ રેડિયો-નાટકો, નવલકથાઓ અને લેખો લખ્યાં.
નવલકથા તેમની વિશિષ્ટતા છે. તેમણે 100થી વધુ નવલકથાઓ આપી છે. તેમાં ‘મોહન બંસી’, ‘ઉમર ખય્યામ’, ‘વનકન્યા’, ‘નીલિનિદલુ’, ‘વારિજા’, ‘ઇદરિપુલૂ’, ‘ચરિત્ર સેશુલુ’, ‘પિટ્ચવલ્લસ્વર્ગમ્’, ‘પૌલસ્તુની પ્રેમકથા’, ‘પથવિહીન’ ઉલ્લેખનીય છે. તેમણે ‘વિષવૃક્ષ ખંડનામુ’ બે ભાગમાં આપી છે. તેની 6 નવલકથાઓ કન્નડમાં અનૂદિત કરાઈ છે.
તેમને ગૃહલક્ષ્મી સુવર્ણકંકણમ્ ઍવૉર્ડ, સુશીલા નારાયણ રેડ્ડી ઍવૉર્ડ, ગોપીચંદ ઍવૉર્ડ, ટિક્કના ઍવૉર્ડ, નેલ્લોર આપવામાં આવ્યા. 1981માં આંધ્રપ્રદેશ સરકારે તેલુગુમાં શ્રેષ્ઠ લેખિકા તરીકે તેમનું બહુમાન કર્યું હતું.
બળદેવભાઈ કનીજિયા