હેન્રી (નૌકાસફરી)
February, 2009
હેન્રી (નૌકાસફરી) (જ. 4 માર્ચ 1394, ઓપોર્ટો, પોર્ટુગલ; અ. 13 નવેમ્બર 1460, સેક્રેડ કેપ) : પોર્ટુગીઝ રાજકુમાર. પંદરમી સદી દરમિયાન પશ્ચિમી આફ્રિકી કાંઠાની જાણકારી મેળવવા અભિયાનોને પ્રોત્સાહિત કરનાર. આ અભિયાનોથી પશ્ચિમ આફ્રિકી કાંઠાનો ભૌગોલિક અભ્યાસ કરી શકાયો છે; એટલું જ નહિ, તે વખતનાં યુરોપીય રાષ્ટ્રોમાં નૌકાસફરના ક્ષેત્રે પોર્ટુગલ અગ્રેસર રહી શકેલું. હેન્રીએ પચાસથી વધુ અભિયાનો કરાવેલાં; પરંતુ તે જાતે ક્યારેય એક પણ અભિયાનમાં જોડાયો ન હતો.
હેન્રી રાજા જ્હૉન પહેલા અને રાણી ફિલિપાનો પુત્ર હતો. તે ખૂબ જ ગંભીર અને અભ્યાસી વૃત્તિવાળો યુવાન હતો. તેને ગણિત અને ખગોળશાસ્ત્રમાં ખૂબ રુચિ હતી. તેને અને તેના બે મોટા ભાઈઓ ડુઆર્ટ અને પેદ્રોને પુરવાર કરી આપવું હતું કે તેઓ સાહસ કરી શકે છે. પિતાની સંમતિ મેળવીને લશ્કરી તૈયારી કરી તેમણે મોરૉક્કોના એક વ્યાપારી શહેર સ્યુટા(Ceuta)નો કબજો મેળવ્યો. ભાઈઓને સાહસિક યોદ્ધાઓનો ખિતાબ મળ્યો અને હેન્રીને સ્યુટાનો ગવર્નર બનાવાયો.
હેન્રી (નૌકાસફરી)
સ્યુટા અને આફ્રિકાના અંતરિયાળ માર્ગો પર ફરવાથી હેન્રીને આફ્રિકાની ભૂગોળમાં રસ પડ્યો. હેન્રીને પોર્ટુગલનો વ્યાપાર-વિસ્તાર કરવો હતો અને આફ્રિકાના કંઠારવિભાગ પર પોર્ટુગલની આણ વર્તાવવી હતી. સેંકડો વર્ષોથી મુસ્લિમ વેપારીઓ મધ્ય આફ્રિકામાંથી સોનું ઉત્તર તરફ લઈ જતા હતા, તે સુવર્ણક્ષેત્રો શોધી કાઢવાની પણ તેની ઉત્કંઠા હતી. હેન્રીની ગણિત અને ખગોલીય કુશળતા તેને વાયવ્ય આફ્રિકી કાંઠાનાં અભિયાનો ગોઠવવામાં મદદરૂપ બની રહી. 1419માં તેણે મોકલેલા બે પોર્ટુગીઝ સાહસિકો મદીરા ટાપુસમૂહના પૉર્ટો સેન્ટો ટાપુ પર પહોંચ્યા, તેઓ બંને 1420ના દાયકાની શરૂઆતમાં મદીરા ટાપુ પર પણ ગયેલા. આ અભિયાનોને કારણે આ બંને ટાપુઓ પર પોર્ટુગીઝ વસાહતો પણ સ્થપાયેલી.
હેન્રીનું એક લક્ષ્ય પશ્ચિમ સહરાની ભૂશિર બોજાદોરની પેલી પાર પણ પોતાના સાહસિકો જાય – એ હતું. એ વખતે આ ભૂશિર યુરોપિયનો માટે છેલ્લું દક્ષિણી સ્થળ ગણાતું હતું. કેટલાંય નિષ્ફળ અભિયાનો બાદ, 1434માં ગિલ ઇયાન્સની દોરવણી હેઠળનું અભિયાન આ ભૂશિરને પાર કરવામાં સફળ રહ્યું. તે 1436માં પશ્ચિમ સહરામાંના રિયો દ ઓરો પર પણ પહોંચેલો.
હેન્રીએ મોકલેલા સાહસિકો પૈકી એન્ટાવ ગોન્સાલ્વીઝ 1441માં તેણે કરેલા એક અભિયાનમાંથી પકડેલા કેટલાક આફ્રિકી લોકોને પોર્ટુગલ લઈ ગયેલો. પશ્ચિમ આફ્રિકામાંથી યુરોપમાં લવાયેલા આ આફ્રિકી લોકો સર્વપ્રથમ ગુલામો હતા. ગુલામો પૈકીનો અદાહુ નામનો એક આફ્રિકી તો તેની ટોળીનો સરદાર હતો. તેણે હેન્રીને જણાવેલું કે જે વિસ્તારમાં તે રહેતો હતો તેનાથી વધુ દક્ષિણ તરફ તેમજ અંતરિયાળમાં પણ જઈ શકાય તેમ છે. 1441માં પશ્ચિમી સહરા અને મોરિટાનિયાની સીમા પરની દૂર આવેલી બ્લૅકની ભૂશિર સુધી નૂણો-ત્રિસ્તાવ હંકારી ગયેલો. 1445માં આજના સેનેગલની વર્ડેની ભૂશિર સુધી દિનિઝ દિયાઝ ગયેલો. 1460માં હેન્રી મૃત્યુ પામ્યો ત્યાં સુધીમાં તો પોર્ટુગીઝ વહાણો છેક સિયેરા લિયોન સુધી પણ પહોંચેલાં.
હેન્રીએ સફરો માટે નાણાભંડોળ એકઠું કરેલું. તેણે નકશાકારો, ખગોળવિદો અને ગણિતજ્ઞોને પોર્ટુગલની સેન્ટ વિન્સેન્ટની ભૂશિર નજીકના સાગ્રેસ ખાતે ભેગા કરેલા અને તેમની જાણકારીનો ઉપયોગ કરેલો. તેની નૌકાવિષયક જાણકારી તથા અનુભવનો તેના મૃત્યુ બાદ 50 વર્ષો સુધી ઘણી ઐતિહાસિક સફરો કરવામાં પણ ઉપયોગ થયેલો. પોર્ટુગીઝ અભિયાનકારોએ કરેલી આ સફરોમાં વાસ્કો દ ગામા અને બાર્થોલોમ્યુ ડાયસે કરેલી આફ્રિકાના દક્ષિણ છેડાની સફરોનો સમાવેશ થઈ જાય છે.
ગિરીશભાઈ પંડ્યા