હેન્નેસી ઑબ્ઝર્વેટરી અને હેગ ઑબ્ઝર્વેટરી દેહરાદૂન

February, 2009

હેન્નેસી ઑબ્ઝર્વેટરી અને હેગ ઑબ્ઝર્વેટરી, દેહરાદૂન : એક કાળે દેહરાદૂનમાં કાર્યરત બે વેધશાળાઓ. આમાંની એક તે હેન્નેસી વેધશાળા. આનું નામ જે. બી. એન. હેન્નેસી(J. B. N. Hennessy)ના નામ પરથી પાડવામાં આવ્યું હતું. તેઓ તત્કાલીન અંગ્રેજ રાજ્યના સર્વે ઑવ્ ઇન્ડિયાના ટ્રિગોનૉમેટ્રિકલ બ્રાન્ચના ડેપ્યુટી સર્વેયર જનરલ હતા. રૉયલ સોસાયટીના પણ તેઓ ફેલો હતા. સૂર્યના ફોટા પાડવાની – ફોટોહેલિયોગ્રાફિક કામગીરીની સગવડ ખાતર ઈ. સ. 1884માં આ વેધશાળાની સ્થાપના કરવામાં આવી હતી અને તે માટે એક મોટું ફોટોહેલિયોગ્રાફ અહીં મૂકવામાં આવ્યું હતું. તેની મદદથી સૂર્યના 12 ઇંચ કદના ફોટા પાડી શકાતા હતા. ઈ. સ. 1898માં ભારતમાંથી દેખાયેલા ખગ્રાસ સૂર્યગ્રહણનું નિરીક્ષણ કરવા અંગ્રેજ ખગોળવિજ્ઞાની સર નૉર્મન લૉક્યર (Norman Lockyer : 1836–1920) ભારત આવ્યા, ત્યારે તેમણે આ વેધશાળાની મુલાકાત લીધી હતી. જોકે તેમની મુલાકાત વખતે વેધશાળાનું ઉપર જેનો ઉલ્લેખ કર્યો તે ફોટોહેલિયોગ્રાફ કામ કરતું ન હતું અને એક નોંધ મુજબ, તે જે ગુંબજમાં હતું, તે ગુંબજમાં મધમાખીઓએ અડ્ડો જમાવ્યો હતો ! જોકે એનાથી નાનું એવું એક બીજું (Dallmeyer) ફોટોહેલિયોગ્રાફ કામ કરતું હતું ખરું. તેમ છતાંય, ભારતમાં લગભગ બારે માસ સૂર્ય પ્રકાશતો હોવાના સંદર્ભે સૂર્યના ફોટા પાડતી આ વેધશાળાનું મહત્વ શું છે તે અંગે તેમણે પોતાના અહેવાલમાં લખ્યું. હવામાન ખાતા તરફથી તે કાળે આ વેધશાળાને કોડાઈકેનાલ ખસેડવાની હિલચાલ થતી હતી, જેનો લૉક્યરે બહુ સ્પષ્ટ વિરોધ કરેલો. એવું કહેવાય છે કે સન 1878થી 1925ના આશરે 47 વર્ષોના ગાળામાં આ વેધશાળામાંથી રોજેરોજ નિયમિતપણે સૂર્યના ફોટા લેવામાં આવતા હતા. કહે છે કે આ પ્લેટો (ફોટાઓ) દર અઠવાડિયે ઇંગ્લૅન્ડ મોકલવામાં આવતી હતી; પરંતુ વિજ્ઞાનના ઘણા ઇતિહાસકારો માને છે કે આજે પણ દેહરાદૂન ખાતે આવેલી સર્વે ઑફ ઇન્ડિયાની રૅકૉર્ડ ઑફિસમાં સૂર્યની આ પ્લેટો હોવી જોઈએ.

દેહરાદૂનમાં બીજી વેધશાળા ઈ. સ. 1886માં સ્થાપવામાં આવી, જેનું નામ મેજર જનરલ સી. હેગ(C. Haig)ના માનમાં હેગ ઑબ્ઝર્વેટરી પાડવામાં આવ્યું હતું. હેગ પણ ટ્રિગોનૉમેટ્રિકલ બ્રાન્ચના ડેપ્યુટી સર્વેયર જનરલ હતા. વેધશાળામાં રામસ્ડેન દ્વૈત્રૈજ્ય યંત્ર (Ramsden’s zenith sector), સ્ટ્રેન્જ દ્વૈત્રૈજ્ય યંત્ર (Strange zenith sector), બે ખગોલીય વૃત્ત (astronomical circles) અને ઝેનિથ દૂરબીન (zenith telescope) જેવાં ઉપકરણોનો સમાવેશ થતો હતો. આ બધાં ઉપકરણો લંડનમાં બન્યાં હતાં. પાછળથી દેહરાદૂનની આ બંને વેધશાળાઓ કામ કરતી બંધ થઈ.

સુશ્રુત પટેલ