હૅન્ડેલ જૉર્જ ફ્રેડરિક
February, 2009
હૅન્ડેલ, જૉર્જ ફ્રેડરિક (જ. 23 ફેબ્રુઆરી 1685, હૅલે, જર્મની; અ. 1759, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લિશ ઑરેટોરિયોઝ નામથી જાણીતી બનેલી સંગીતશૈલી ઇંગ્લિશ ચર્ચ-સંગીત, પશ્ચિમના કંઠ્ય તથા વાદ્ય-સંગીતના વિખ્યાત સ્વર-નિયોજક. સાત વર્ષના હતા ત્યારથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી અને બાર વર્ષની ઉંમરે હૅલે ખાતેના મુખ્ય ખ્રિસ્તી દેવળમાં તેના ગુરુ અને સ્વરનિયોજક ફ્રેડરિક વિલ્હેમ ઝાકા(1663–1712)ના મદદનીશ વાદક તરીકે કારકિર્દીની શરૂઆત કરી.
જૉર્જ ફ્રેડરિક હૅન્ડેલ
1703માં તેમણે યુરોપીય સંગીતના મુખ્ય મથક હૅમ્બર્ગ ખાતે સ્થળાંતર કર્યું, જ્યાં જાણીતા સ્વરનિયોજક રેનહાર્ડ કૈસરના વાદ્યવૃંદમાં વાયોલિનવાદક તરીકે જોડાયા. હૅમ્બર્ગ થિયેટર માટે તેમણે બે સંગીતનાટકો(ઑપેરા)ની સ્વરરચનાઓ કરી : ‘આલ્મિરા’ (1705) અને ‘નેરો’ (1705). 1706–1710ના ગાળામાં તેઓ ઇટાલીમાં રહ્યા, જ્યાં તેમણે તેમની બે ખૂબ લોકપ્રિય બનેલી સ્વરરચનાઓ ‘ટ્રાયમ્ફો ડેલ ટેમ્પો દ ડેત ડિસિંગાનો’ (1707) અને ‘લા રિસરેઝિઓને’ (1708) પ્રસ્તુત કરી. ‘ઍગ્રિપિના’ (1709) નામક સંગીતનાટકની રચના પણ તેમણે ઇટાલીના નિવાસ દરમિયાન જ નિર્માણ કરી હતી, જે ઇટાલિયન સંગીતશૈલી પરના હૅન્ડેલના પ્રભુત્વનો સજ્જડ પુરાવો પૂરો પાડે છે. વર્ષ 1710 અને 1711 આ બે વર્ષ તેમણે જર્મનીના હૅનોવર નગરમાં સંગીતની સંસ્થાના નિયામકપદે કામ કર્યું અને 1712માં તેઓ ઇંગ્લૅન્ડ જતા રહ્યા; જ્યાં તેમણે અવસાન સુધી કામ કર્યું (1759). તે પૂર્વે 1711માં તેમણે ઇંગ્લૅન્ડની મુલાકાત લીધેલી. આ મુલાકાત દરમિયાન ત્યાં તેમનું સંગીતનાટક ‘રિનોલ્ડો’ ભજવાયું હતું. 1729માં તેમણે ઔપચારિક રીતે ઇંગ્લૅન્ડની નાગરિકતા સ્વીકારી હતી. ઇંગ્લૅન્ડના કાયમી નિવાસ (1712–59) દરમિયાન તેમણે ઇટાલિયન શૈલીના સંગીતનાટકો ઉપરાંત ઇંગ્લિશ કોરલ સંગીત(choral music)ની શૈલી પણ આત્મસાત્ કરી. 1719–28 અને 1728 –34 દરમિયાન તેમણે ક્રમશ: રૉયલ અકાદમી ઑવ્ મ્યુઝિક અને સેકન્ડ અકાદમી ઑવ્ મ્યુઝિકના નિયામકપદે કામ કર્યું, જ્યાં તેમણે ઇટાલિયન સંગીતનાટકોની શૈલીમાં સંગીતરચનાઓનું નિર્માણ કર્યું. ત્યાં તેમને મળેલ ખ્યાતિને કારણે તેઓ ‘બરોક કાલખંડ’(baroque period)ના તે શૈલીના સર્વશ્રેષ્ઠ સ્વરરચનાકાર બન્યા. આ દરમિયાન તેમણે આશરે ચાળીસ જેટલાં સંગીતનાટકોનું નિર્માણ કર્યું, જેમાંથી મોટા ભાગની સ્વરરચનાઓ ઐતિહાસિક પાત્રોને લગતી સ્વરરચનાઓ હતી. તેમાંની કેટલીક સ્વરરચનાઓ તાજેતરમાં, એટલે કે વીસમી સદીમાં પુનરુજ્જીવિત કરવામાં આવી છે (‘ગીલિયો સીસારે’, ‘ટામેરલાનો’, ‘ઓરલૅન્ડો’, ‘આલ્સિના’ અને ‘સરસે’). તેમણે તેમના ઇંગ્લૅન્ડના નિવાસ દરમિયાન ઇંગ્લિશ શૈલીના જે સંગીતનાટકની સ્વરરચના કરી છે તેમાં ‘મસિહા’ (1741) સૌથી વધુ લોકપ્રિય નીવડી હતી. તેમની અન્ય નોંધપાત્ર સ્વરરચનાઓમાં ‘સૅમ્સન’, ‘બેલ્શાઝાર’, ‘સૉલોમન’, ‘થિયૉડૉર’ અને ‘જેક્થા’ ઉલ્લેખનીય છે. આ બધી જ સ્વરરચનાઓ તેમણે 1740 પછીના ગાળામાં નિર્માણ કરી હતી અને તે ‘ઑરેટોરિયોઝ’ નામથી ઓળખાય છે. તેમાંથી મોટા ભાગની સ્વરરચનાઓ બાઇબલમાંની વાર્તાઓ પર આધારિત છે.
હૅન્ડેલે વાદ્યવૃંદની લગભગ 150 જેટલી સ્વરરચનાઓ નિર્માણ કરી છે; જેમાં ‘વૉટર મ્યુઝિક’ (1717) અને ‘ફાયર વર્કસ મ્યુઝિક’ (1749) વિશેષ જાણીતી બની છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે