હેટનર આલ્ફ્રેડ (Hettner Alfred)
February, 2009
હેટનર, આલ્ફ્રેડ (Hettner, Alfred) (જ. 6 ઑગસ્ટ 1859, ડ્રેસડન, જર્મની; અ. 31 ઑગસ્ટ 1941, હાઇડેલબર્ગ, જર્મની) : જાણીતા ભૂગોળવિદ. હેટનરે ભૂગોળ વિષયમાં સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી હતી. તેમણે રેટ્ઝેલ અને રિક્થોફેન પાસે શિક્ષણ મેળવેલું. 1895માં ભૌગોલિક પત્રિકામાં પોતાના વિચારો રજૂ કરીને તેમણે લેખનકાર્યનો પ્રારંભ કરેલો. જર્મનીની હાઇડેલબર્ગ યુનિવર્સિટીમાં ભૂગોળના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તેમના મુખ્ય વિષયો પ્રાદેશિક ભૂગોળ અને પ્રાકૃતિક ભૂગોળ હતા. પ્રાકૃતિક ભૂગોળ પર તેમણે અનેક સંશોધનપત્રો લખ્યાં હતાં, જે પાછળથી પુસ્તક રૂપે ચાર ખંડોમાં પ્રગટ થયેલાં (1919). 1927માં ‘ભૌગોલિક વિધિતંત્ર’ પ્રગટ થયા પછી તેની ખ્યાતિ વધતી ગયેલી. તેમનાં પુસ્તકોમાં હમ્બોલ્ટ, રેટ્ઝેલ, રિટર, માર્થે અને રિક્થોફેનના વિચારોની ઘણી અસર જોવા મળે છે.
આલ્ફ્રેડ હેટનર
પોતાના જીવનકાળ દરમિયાન તેમણે યુરોપની પ્રાદેશિક ભૂગોળ, પ્રાદેશિક ભૂગોળના આધારો (foundations of Regional Geography), તુલનાત્મક પ્રાદેશિક ભૂગોળ (comparative Regional Geography), રશિયાની ભૂગોળ, પૃથ્વી પર સંસ્કૃતિનો પ્રભાવ (The spread of culture over the earth), માનવભૂગોળ, માનવભૂગોળના આધારો, પરિવહન ભૂગોળ અને આર્થિક ભૂગોળ જેવાં ઘણાં પુસ્તકો લખેલાં; તે પૈકીનાં કેટલાંક તેમના મૃત્યુ બાદ પ્રગટ થયાં હતાં.
નીતિન કોઠારી