હેઝલિટ, વિલિયમ (. 10 એપ્રિલ 1778, મેડસ્ટોન; . 18 સપ્ટેમ્બર 1830) : અંગ્રેજ વિવેચક અને નિબંધકાર. પિતા યુનિટેરિયન મિનિસ્ટર હતા. એમની ઇચ્છા અનુસાર 1793માં હેઝલિટે હેકનીની યુનિટેરિયન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. જોકે એમને ધર્મશાસ્ત્રથી વિશેષ તો ફિલસૂફી અને રાજકારણમાં રસ હતો. 1798માં કોલરિજ અને વર્ડ્ઝવર્થ સાથે એમનું મિલન થયું. એ ઘટના પછી એમના જીવનમાં ભારે પરિવર્તન આવ્યું. 1802માં એમણે ચિત્રકાર થવા માટે પૅરિસમાં અભ્યાસ કર્યો હતો, પણ એ માટેની યોગ્યતા એમનામાં ન હતી. એથી એમણે એનો ત્યાગ કર્યો, પણ જીવનભર ચિત્રકળા પ્રત્યેનો એમનો પ્રેમ એ વિષયનાં લખાણો દ્વારા પ્રગટ થતો રહ્યો. પછી એમણે સાહિત્ય પર એમનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું.

વિલિયમ હેઝલિટ

1805માં એમણે એમનો પ્રથમ નિબંધગ્રંથ ‘એસે ઑન ધ પ્રિન્સિપલ્સ ઑવ્ હ્યૂમન ઍક્શન’ પ્રગટ કર્યો. પછી એમણે ફિલસૂફી અને રાજકારણ અંગેના કેટલાક નિબંધોનું પ્રકાશન કર્યું. 1808માં એમણે સારા સ્ટોડાર્ટ સાથે લગ્ન કર્યું. લગ્ન નિષ્ફળ ગયું. એથી 1822માં એમણે લગ્નવિચ્છેદ કર્યો. 1824માં એમણે મિસિસ બ્રિજવૉટર સાથે દ્વિતીય લગ્ન કર્યું. એ લગ્ન પણ નિષ્ફળ ગયું. એથી 1824માં ટૂંક સમયમાં જ એમણે લગ્નવિચ્છેદ કર્યો. 1812માં ‘મૉર્નિંગ ક્રૉનિકલ’, 1814માં ‘એડિનબરો રિવ્યૂ’માં તથા અન્ય સામયિકોમાં રિપોર્ટર તરીકે કાર્ય કર્યું. 1817માં એમણે એમનો સાહિત્ય વિશેનાં લખાણોનો પ્રથમ સંગ્રહ ‘ધ રાઉન્ડ ટેબલ’ પ્રગટ કર્યો. એ જ વર્ષમાં એમણે એમના પ્રસિદ્ધ વિવેચનગ્રંથ ‘કૅરેક્ટર્સ ઇન શેક્સપિયર્સ પ્લેઝ’નું પ્રકાશન કર્યું. પછી 1818, 1819 અને 1820માં અનુક્રમે એમનાં એટલાં જ પ્રસિદ્ધ સાહિત્યિક વ્યાખ્યાનો  ‘ઑન ધી ઇંગ્લિશ પોએટ્સ’, ‘ઑન ધી ઇંગ્લિશ કૉમિક કૅરેક્ટર્સ’ અને ‘ઑન ધ ડ્રામેટિક લિટરેચર ઑવ્ ધી એઇજ ઑવ્ ક્વીન એલિઝાબેથ’નું પ્રકાશન કર્યું. 1821માં ‘ટેબલ ટૉક’માં અને 1825માં ‘ધ સ્પિરિટ ઑવ્ ધી એજ’માં એમણે શેલી અને અન્ય સમકાલીનો વિશે ટીકાત્મક વિવેચન કર્યું. 1828–30માં એમણે ચાર ગ્રંથોમાં ફ્રેન્ચ સમ્રાટ ‘નેપોલિયન બોનાપાર્ટ’નું જીવનચરિત્ર રચ્યું. 1830માં એમણે મહાન ચિત્રકાર ટિશિયનનું જીવનચરિત્ર – ‘ધ લાઇફ ઑવ્ ટિશિયન’ પ્રગટ કર્યું.

હેઝલિટનાં જીવનમાં અને વિવેચનમાં ફ્રેન્ચ ક્રાંતિનો પ્રભાવ હતો. એમનું વિવેચન આત્મલક્ષી, આવેશપૂર્ણ અને પૂર્વગ્રહપ્રેરિત છે. એમની શૈલીમાં ઉત્સાહ અને ઉદ્રેક છે. એમનાં લખાણો તાર્કિકતા અને બૌદ્ધિકતા માટે પ્રસિદ્ધ છે. રાજકારણમાં તેઓ વિદ્રોહી હતા અને ફ્રેન્ચ ક્રાંતિનાં મૂલ્યો પ્રત્યે આયુષ્યના અંત લગી એમની સંપૂર્ણ નિષ્ઠા હતી. શેક્સપિયર અને એલિઝાબેથના યુગનાં નાટકો વિશેનું એમનું વિવેચન એ અંગ્રેજી વિવેચન-સાહિત્યમાં એમનું મૂલ્યવાન અર્પણ છે.

નિરંજન ભગત