હેગ સમજૂતી : નેધરલૅન્ડ્ઝ અને ઇન્ડોનેશિયા પ્રજાસત્તાક વચ્ચે ડચ-ઇન્ડોનેશિયા દરમિયાન ચાલતા સંઘર્ષનો અંત લાવવા માટે 2 નવેમ્બર 1949ના રોજ કરવામાં આવેલ સમજૂતી. ઉપર્યુક્ત સમજૂતી હેઠળ વેસ્ટ ન્યૂ ગીનીનો પ્રદેશ બાદ કરતાં ડચ ઈસ્ટ ઇન્ડિઝનો બાકીનો સમગ્ર વિસ્તાર ઇન્ડોનેશિયાના પ્રજાસત્તાકને 30 ડિસેમ્બર, 1949 સુધી સોંપી દેવાનો કરાર કરવામાં આવેલો (જોકે હકીકતમાં કરાર મુજબની સોંપણી ત્રણ દિવસ અગાઉ 27 ડિસેમ્બર, 1949ના રોજ કરવામાં આવેલી.) તેના બદલામાં ઇન્ડોનેશિયાના નવા પ્રજાસત્તાકે તેની સત્તા હેઠળના વિસ્તારમાં ડચ રોકાણકારોને કેટલાક પ્રકારની ખાતરીઓ આપી હતી તથા ડચોએ તેમના શાસનકાળ દરમિયાન કરેલાં કુલ દેવાંમાંથી 4,300,000,000 ગીલ્ડર્સ જેટલા દેવાની ભરપાઈ કરવાની જવાબદારી પોતાના શિરે સ્વીકારી હતી. ઉપરાંત, વેસ્ટ ન્યૂ ગીનીના રાજકીય ભવિષ્ય માટે તે પછીના વર્ષે એટલે કે 1950માં ફરી વાટાઘાટો કરવાનું બંને પક્ષોએ સ્વીકાર્યું હતું.
આ સમજૂતી ઇન્ડોનેશિયન પ્રજાસત્તાક કરતાં નેધરલૅન્ડ્ઝ માટે વધુ લાભદાયી હતી. આ કારણસર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રવાદીઓમાં તેની સામે અસંતોષ ભભૂકતો હતો. છેવટે રાષ્ટ્રવાદીઓના દબાણ હેઠળ ઇન્ડોનેશિયન પ્રજાસત્તાકની સંસદે 21 એપ્રિલ, 1956ના રોજ આ સમજૂતી રદબાતલ જાહેર કરી હતી.
આ સમજૂતીને ગોળમેજ પરિષદ સમજૂતી (Round Table Conference Agreement) તરીકે પણ ઓળખવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે