હૅક્લૂત રિચાર્ડ (Hakluyt Richard)
February, 2009
હૅક્લૂત, રિચાર્ડ (Hakluyt, Richard) (જ. 1552, લંડન (?); અ. 23 નવેમ્બર 1616, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના જાણીતા ભૂગોળવિદ. ક્રાઇસ્ટ ચર્ચની વેસ્ટમિન્સ્ટર સ્કૂલમાં રાણીની શિષ્યવૃત્તિ મેળવીને તેમણે શિક્ષણ મેળવ્યું.
રિચાર્ડ હૅક્લૂત
1574માં ઑક્સફર્ડ યુનિવર્સિટીની બી.એ.ની પદવી મેળવી, તે પછીથી તેમણે ઑક્સફર્ડ ખાતે ‘આધુનિક ભૂગોળ’ પર સર્વપ્રથમ જાહેર વ્યાખ્યાન આપેલું, જે ખૂબ પ્રશંસાપાત્ર બનેલું. 1577માં તેમણે એમ.એ. પદવી મેળવેલી. 1577માં ફ્લેમિશ ભૂગોળવેત્તા અબ્રાહમ ઑર્ટેલિયસે (Abraham Ortelius) જ્યારે લંડનની મુલાકાત લીધેલી ત્યારે તેમણે તેમની સાથે સંપર્ક કરેલો. તેમણે હેક્લૂતને તેમની ભૌગોલિક શોધો અને સંશોધનો પ્રકાશિત કરવાની સલાહ આપેલી અને સલાહકાર તરીકેની નિમણૂક પણ મળેલી. ઑર્ટેલિયસ તેમજ માર્ટિન ફ્રોબિશર ઇંગ્લૅન્ડથી પૂર્વ તરફ જવા માટેનો દરિયાઈ માર્ગ શોધવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તે કામમાં રિચાર્ડ પણ સંકળાયેલા રહ્યા હતા. 1582માં મુસાફરોએ અમેરિકાની શોધ માટે આપેલી માહિતી સર્વપ્રથમ વાર લેખિત સ્વરૂપે રજૂ કરી હતી. 1597માં તેમની પત્નીના અવસાન પછી તેમણે જુદી જુદી સફરોને 1598થી 1600 દરમિયાન ત્રણ ગ્રંથમાં પ્રકાશિત કરેલી.
નીતિન કોઠારી