હૃદ્-વાહિની-ચિત્રણ હૃદ્(મુકુટ)વાહિની-નિવેશ વાહિની-પુનર્રચના અને પસારનલીકરણ (coronary catheterisation coronary angiography angioplasty and stenting)
February, 2009
હૃદ્-વાહિની-ચિત્રણ, હૃદ્(મુકુટ)વાહિની-નિવેશ, વાહિની-પુનર્રચના અને પસારનલીકરણ (coronary catheterisation, coronary angiography, angioplasty and stenting) : હૃદયને લોહી પૂરું પાડતી મુકુટધમનીઓ(coronary arteries)માં અનુક્રમે નિવેશિકાનળી (catheter) નાંખીને એક્સ-રે-રોધી દ્રવ્ય વડે ચિત્રણમાં પ્રદર્શિત કરવી, તેના સાંકડા ભાગને ફુગ્ગાથી ફુલાવવો અને તે પહોળી રહે માટે તેમાં ધાતુની જાળી જેવી પસારનળી (stent) મૂકવી તે.
એ એક અલ્પ-આક્રમક પ્રક્રિયા (minimally invasive procedure) છે. તેની મદદથી મુકુટધમનીમાં લોહીના ગઠ્ઠાથી થતો અંતર્રોધ (occlusion), ધમની સાંકડી થવાથી થતું સંકીર્ણન (stenosis), સારવારથી પહોળી કરાયેલી ધમનીનું પુન:સંકીર્ણન (restenosis), લોહીના ગઠ્ઠાનું જામવું (ગુલ્મન, thrombosis) કે મુકુટધમનીનો કોઈ ભાગ પહોળો થઈને પેટુ (aneurism) બનાવે તે જાણી શકાય છે. તે મુકુટધમનીમાં મેદતંતુકાઠિન્ય(atheroscle-rosis)નો વિકાર થયો છે તે દર્શાવતી પ્રક્રિયા નથી, પણ તેને કારણે મુકુટધમની ક્યાં અને કેટલી સાંકડી થઈ છે તે જાણી શકાય છે.
હૃદવાહિની પુનર્રચના : (1) હૃદય, (2) મહાધમની (aorta), (3) મુકુટધમની (coronary artery), (4) મુકુટધમનીનો સાંકડો ભાગ, (5) નિવેશકાનળી (catheter), (6) પ્રફુલ્લક અથવા ફુગ્ગો (ballon), (7) જાળીવાળી પસારનળી (stent)
હૃદયના ખંડોમાં હાથમાંથી નંખાયેલી પોલી નળી દ્વારા એક્સ-રે-રોધી દ્રવ્ય નાંખીને તેમને દર્શાવવાની પ્રક્રિયા સન 1929માં વેર્નર ફોર્સમને જર્મનીમાં કરી હતી. તેણે પ્લાસ્ટિકની નળી વાપરી હતી. 5મી નવેમ્બર, 1929ના રોજ તેણે તેને પ્રસિદ્ધિ આપી. ડાબા ક્ષેપકનું નિર્દેશન કરવાના પ્રયત્ન કરવામાં ભૂલથી સન 1960માં સોન અને શિરીને મુકુટધમની-ચિત્રણ દર્શાવ્યું. દર્દીને હૃદ્-સ્તંભન (cardiac arrest) થયું પણ તેને બચાવી લેવાયો હતો. તેમણે પોતાની પદ્ધતિને વધુ વિકસિત અને સુરક્ષિત બનાવી અને સન 1966માં 1,000 દર્દીઓ પરના અભ્યાસનો શોધપત્ર જાહેર કર્યો. ચાર્લ્સ ડોટર (1964) અને એન્ડ્રેસ ગ્રુએન્ઝિગ(1977)ના કાર્યે મુકુટધમની-નલિકાનિવેશનો ઉપયોગ નિદાન ઉપરાંત ચિકિત્સા તથા સંશોધન માટે પણ વિકસાવ્યો.
સામાન્ય રીતે પગની જાંઘમાંની જંઘાધમની (femoral artery) કે હાથની અગ્રભુજા ધમની(radial artery)માં છિદ્ર કરીને માર્ગદર્શક તાર (guide wire) પરોવાય છે, જેના પર પોલી નિવેશિકાનળી-(catheter)ને સરકાવીને યથાસ્થાને પહોંચાડાય છે. જે સ્થાનેથી નિવેશિકાને પ્રવેશ અપાય છે તેને સ્થાનિક નિશ્ચેતના (local anesthesia) આપીને બહેરો કરાય છે. દર્દીને બેહોશ કરાતો નથી, જેથી તે કોઈ પણ તકલીફ અનુભવે તો તરત જણાવી શકે. હાલ સામાન્ય રીતે 5થી 8 મિનિટમાં નૈદાનિક કાર્ય પૂરું કરાય છે અને તેમાં 0.1 % (1 : 1000) જેટલો જ આનુષંગિક તકલીફો(complications)-નો દર રહેલો છે. આ તપાસ હૉસ્પિટલના તે માટેના વિશિષ્ટ કક્ષમાં કરાય છે. તેને હૃદ્-નલિકા-નિવેશ વિજ્ઞાનશાળા (cardiac catheterisation laboratory) અથવા ટૂંકમાં નિવેશિકા-કક્ષ(cath-lab)માં કરાય છે. દર્દીને સાંકડા એક્સ-રે પારગામક (radiolucent) ટેબલ પર ચત્તો સુવડાવાય છે અને દર્દીની બે સામસામેની જુદી દિશાઓમાં એક્સ-રે-નળી અને ચિત્રણ ઝીલતો (ચિત્રણગ્રાહક) કૅમેરા રખાય છે, જે છૂટથી ફેરવી શકાય છે. ચિત્રણોને નિરંતર આકલક (monitor) પર જોતાં રહીને પ્રક્રિયા અને સાધનોનું નિયંત્રણ કરાય છે. અદ્યતન નિવેશિકા-કક્ષોમાં એક્સ-રેના સ્રોતમૂળ (x-ray source) અને ચિત્રણગ્રાહક કૅમેરાની 2 જોડ હોય છે અને તેથી 2 સમતલોમાં ચિત્રણો મેળવીને જોઈ શકાય છે.
પ્રક્રિયાસમયે દર્દીની નાડી તથા લોહીનું દબાણ સતત મપાય છે. તેની મુકુટધમનીઓમાં નિવેશિકા દ્વારા વહેતા એક્સ-રે-રોધી દ્રવ્યની છાયાનું સતત નિરીક્ષણ અને આલેખન કરાય છે. નિવેશિકા-નળી આશરે 2 મિમી.(6 ફ્રેન્ચ)ના વ્યાસવાળી હોય છે. તેને મોટી ધમનીમાં નાંખીને મહાધમનીના એ ભાગ પર લવાય છે જ્યાં મુકુટધમનીનું મુખ હોય છે. તેની મદદથી અંત:ધમની રુધિરદાબ (intra-arterial blood pressure) માપતાં રહેવાય છે, જેથી ધમનીમાં નિવેશિકા પોતે લોહીના વહનમાં રોધ નથી કરતી તેની ખાતરી રહે છે. સામાન્ય રીતે 3થી 8 સીસી જેટલું એક્સ-રે-રોધી દ્રવ્ય નાંખવામાં આવે છે અને 3થી 5 સેકન્ડ સુધી રુધિરપ્રવાહનું નિરીક્ષણ કરાય છે. જે તે સ્થળે નિવેશિકાની ટોચ હોય તે પ્રમાણે હૃદયના ખંડો કે મુકુટધમનીઓને દર્શાવી શકાય છે. પ્રથમ એક્સ-રેની લઘુમાત્રામાં યોગ્ય સ્થાને નિવેશિકાનળીની ટોચને ગોઠવીને પછી પૂરતી માત્રામાં એક્સ-રે આપીને નિદાન-ચિત્રણો લેવાય છે. સામાન્ય રીતે 30 ચિત્રણો / સેકન્ડના દરે ચલચિત્ર (motion picture) બને છે. એક્સ-રે દ્રવ્યને નિવેશિકામાં નંખાય તે પહેલાં જો મુકુટધમનીની મેદચકતીઓમાં કૅલ્શિયમ જમા થયેલું હોય તો તે ઘણી વખત જોઈ શકાય છે.
નિદાનલક્ષી નિવેશિકા-નળી(diagnostic catheter)ને સ્થાને માર્ગદર્શક નિવેશિકા (guiding catheter) નાંખીને તેના દ્વારા વિવિધ ઉપકરણોને મુકુટધમનીના વિકારગ્રસ્ત સ્થાને પહોંચાડી શકાય છે. સામાન્ય રીતે 0.014 ઇંચના વ્યાસવાળા માર્ગદર્શક તાર અને પ્રફુલ્લક-(ફુગ્ગા, baloon)વાળી નિવેશિકા-નળીને મુકુટધમનીના સાંકડા ભાગમાં પહોંચાડીને તેને ત્યાં ફુલાવાય છે. તેના કારણે ધમનીનો સાંકડો ભાગ પહોળો કરી શકાય છે. તેને વિસ્ફારણ (dilatation) કહે છે. તેથી આ પ્રકારની નિવેશિકા-નળીને પ્રફુલ્લક નિવેશિકા (baloon catheter) કે વિસ્ફારક નિવેશિકા (dilator catheter) પણ કહે છે. ફુગ્ગામાં એક્સ-રે-રોધી દ્રવ્ય ભરેલું હોય છે અને તેને જલદાબ (hydrolic pressure) વડે પહોળો કરાય છે. તેમાં એક્સ-રે-રોધી દ્રવ્ય હોવાથી તેનું નિરંતર નિરીક્ષણમાપન (monitoring) પણ કરી શકાય છે. સામાન્ય મુકુટધમનીમાં લોહીનું દબાણ 200 મિલી. પારોથી સહેજ ઓછું હોય છે (27 kPa). ફુગ્ગામાંનો જલદાબ 19,000 મિલી. પારો (2500 kPa) જેટલો હોય છે. વધુ પડતો ફુલાવો ન થાય માટે ભારે તણાવક્ષમ પ્લાસ્ટિક પટલવાળો ફુગ્ગો વપરાય છે. જો વધુ પડતું દબાણ અપાઈ જાય તો ફુગ્ગો ફાટી જાય છે અને તેને કાઢી નાંખવો પડે છે. માર્ગદર્શક નિવેશિકા દ્વારા લેસર-નિવેશિકા (laser catheter), પસારનળી-નિવેશિકા (stent catheter), ડોપ્લર નિવેશિકા, તાપ-દાબ-માપક નિવેશિકા (temperaturepressure measuring catheter), અંતર્વાહિની ધ્વનિચિત્રક નિવેશિકા (intravascular ultrasound catheter), ગુલ્મચૂર્ણક (clot grinding) કે ગુલ્મનિષ્કાસક (clot remover) નિવેશિકાઓ પણ સારવાર માટે નાંખી શકાય છે.
પસારનળી (stent) એક વિશિષ્ટ રીતે ઉત્પાદન કરાયેલી પહોળી થઈ શકે તેવી નિષ્કલંક પોલાદ(stainless steel)ની જાલનલિકા (mesh tube) હોય એટલે કે જાળીવાળી નળી છે, જેને પ્રફુલ્લક નિવેશિકા (ફુગ્ગા-નિવેશિકા) પર પહેરાવેલી હોય છે. તે ફુગ્ગાની સાથે પહોળી થઈને ધમનીના પહોળા કરાયેલા સાંકડા ભાગમાં ગોઠવાઈ જાય છે; જેથી જ્યારે ફુગ્ગાવાળી નિવેશિકા બહાર કાઢી લેવાય ત્યારે તે ત્યાં ચોંટી રહીને ધમનીનો માર્ગ ખુલ્લો રાખે છે. તેમના પર હવે દવાઓનું આવરણ ચડાવેલું હોય છે, જેથી તે ઝડપથી લોહીના ગઠ્ઠાને કારણે બંધ ન થઈ જાય. તે માટે સિરોલિમસ અને પેક્લિટેક્સેલ નામની દવાઓનો ઉપયોગ કરાય છે.
નસના પોલાણને એક્સ-રે-રોધી દ્રવ્ય વડે દર્શાવવામાં આવે તેને વાહિનીચિત્રણ (angiography) કહે છે. તે ધમનીચિત્રણ (arteriography) તથા શિરાચિત્રણ (venography) એમ 2 પ્રકારનાં હોય છે. નસના સાંકડા ભાગને પહોળો કરવાની ક્રિયાને વાહિની પુનર્રચના (angioplasty) કહે છે, જ્યારે તેમાં પસારનળી મૂકીને તે ભાગને પહોળો રાખવાની ક્રિયાને પસારનલીકરણ (stenting) કહે છે. તેના કારણે હૃદ્-સ્નાયુમાં ફરીથી લોહીનું રુધિરાભિસરણ થઈ શકે છે માટે તેને પુનર્રુધિરવાહિતાકરણ (revasculerisation) કહે છે. મુકુટધમની પુનર્રચના(coronary angioplasty)ને પારત્વકીય મુકુટધમની અંતર્વર્તન (percutaneous coronary intervention, PCI) પણ કહે છે.
ધમનીના સાંકડા ભાગને પહોળો કરતી વખતે સંકડાશ કરતા ભાગની જાડાઈ તથા કઠિનતા (કૅલ્શિયમતા, calcification) જાણવા માટે અંતર્વાહિની ધ્વનિચિત્રણ(intravascular ultrasound, IVUS)વાળી નિવેશિકા-નળીનો ઉપયોગ કરાય છે. ધમનીને ફુગ્ગા વડે પહોળી કરતી વખતે તેમાં પસારનળી મૂકવી કે પહેલાં ફુગ્ગા વડે ધમનીને પહોળી કરીને પછી પસારનળી મૂકવી એમ 2 રીતે આ કાર્ય થઈ શકે છે. જો સાંકડા ભાગની લંબાઈ વધુ હોય તો એકથી વધુ પસારનળીઓ મૂકવામાં આવે છે. પસારનળી ફરીથી બંધ ન થઈ જાય તે માટે તેને ઔષધના આવરણવાળી કરાય છે તથા દર્દીને એસ્પિરિન અને ક્લોપિડોગ્રેલ અપાય છે.
શિલીન નં. શુક્લ