ગુંતુર (Guntur) (જિલ્લો): આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જે સમુદ્રકિનારો ધરાવે છે.

ભૌગોલિક સ્થાન : તે 16 30´ ઉ. અ. અને 80 4´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાનો વિસ્તાર 2,443 ચો. કિમી. જેટલો છે. આ જિલ્લાને આશરે 100 કિમી. લાંબો બંગાળના ઉપસાગરનો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે. આ જિલ્લાની વાયવ્યે ક્રિશ્ના જિલ્લો અને ઈશાને NTR જિલ્લો, દક્ષિણે બાપાટલા જિલ્લો અને અગ્નિ દિશાએ બંગાળનો  ઉપસાગર તેમજ પશ્ચિમે પલાન્ડુ જિલ્લો સીમા રૂપે આવેલા છે.

ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : આ જિલ્લાનો સમુદ્રકિનારો કોરોમાંડલ કિનારાના ભાગ રૂપે ઓળખાય છે. ક્રિશ્ના નદીનું  મુખ આ જિલ્લામાં આવેલું છે. ક્રિશ્ના નદીના સમતળ પ્રદેશમાં આ નદીનું પાણી અનેક ફાંટાઓ દ્વારા સમુદ્રમાં ભળી જાય છે. પરિણામે અહીં પૂરનાં મેદાનોનું પ્રમાણ અધિક છે. ક્રિશ્ના નદી ચોમાસામાં પાણીની સાથે અનેક સામગ્રી ઘસડી લાવીને કિનારે પાથરે છે. પરિણામે આ મેદાની પ્રદેશ ‘ફળદ્રૂપ’ બન્યો છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 30 મીટરની ઊંચાઈ ધરાવે છે.

આ જિલ્લાની આબોહવા ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. આ જિલ્લામાં ઉનાળાનું મહત્તમ તાપમાન 41 સે. જ્યારે લઘુતમ તાપમાન 20 સે. રહે છે. શિયાળાનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 32 સે. અને 13 સે. હોય છે. અહીં શિયાળાની ઋતુ પ્રમાણમાં સૂકી રહે છે. ચોમાસામાં વરસાદ આશરે 1000 મિમી. નોંધાયો છે. વર્ષા ઋતુમાં ચક્રવાતોનો અનુભવ થતો રહે છે. આ ચક્રવાતો મે અને  નવેમ્બર માસમાં થતા રહે છે. જિલ્લાની કુલ ભૂમિના 14 % જેટલો વિસ્તાર જંગલો હેઠળ રહેલો છે. અહીંના ટેકરાળ ભાગમાં ‘પેરેથેરલા આરક્ષિત જંગલ’ આવેલું છે.

ગુંતુર જિલ્લાનો નકશો

જળપરિવાહન – ખેતી – પશુપાલન : આ જિલ્લાની મુખ્ય નદી ક્રિશ્ના છે. જે 128 કિમી. જેટલું અંતર કાપીને બંગાળના  ઉપસાગરને મળે છે. ક્રિશ્નાની શાખા નદીઓ ગુંડલાકમ્મા, મુસી,  ચન્દ્રવંકા અને નાગુલેરુ છે.

આ જિલ્લો ખેતીપ્રધાન છે.  ખાદ્યાન્ન અને રોકડિયા પાકોની ખેતીમાં અગ્રસ્થાને છે. ખાદ્યાન્નમાં ડાંગર, બાજરી જ્યારે કઠોળમાં  અડદ, મગ અને ચોળા તેમજ રોકડિયા પાકોમાં કપાસ, તમાકુ, કેળાં, મગફળીની ખેતી લેવાય છે. અહીં મરચાંની ખેતી વધુ થતી હોવાથી તે ‘Land of Chillies’ તરીકે  પ્રસિદ્ધ છે. દરિયાકાંઠે નાળિયેરીની ખેતી લેવાય છે. આ જિલ્લામાંથી તમાકુ અને મરચાંની મહત્તમ નિકાસ થાય છે.

આ જિલ્લામાં પશુપાલન ખેતી ઉપર નિર્ભર છે. મોટે ભાગે અહીં ગાય, ભેંસ જેવાં દુધાળાં પ્રાણીઓ વિશેષ છે. રાજ્યમાં ડુક્કરોના સંવર્ધનની યોજના અમલમાં મુકાઈ છે. દૂધનું ઉત્પાદન અધિક થતું હોવાથી દૂધ અને દૂધની પેદાશો માટે રાજ્યમાં આ જિલ્લો  મોખરે છે. નદીઓ, તળાવો અને મુખપ્રદેશમાં મીઠા પાણીની  મત્સ્ય તેમજ દરિયાકાંઠે ખારા પાણીની મત્સ્ય પકડવાનો વ્યવસાય અધિક વિકસ્યો છે.

ઉદ્યોગ – વેપાર : આ જિલ્લામાં ચૂનાના ખડક અને તાંબુ-જસત-સીસાના અયસ્ક મળતા હોવાથી નાનામોટા ઉદ્યોગો ખીલ્યા છે. અહીં સિમેન્ટ બનાવવાના એકમો, કપાસ ઉપર આધારિત સ્પિનિંગ મિલો, સિરેમિક એકમો, જંતુનાશકો, કીટનાશકો, ઇજનેરી એકમો, ઑટોમોબાઇલ એકમો, રસાયણઉદ્યોગો, માંસઉદ્યોગ, ચામડાં કમાવવાના એકમો અને ખાદ્યતેલો બનાવવાના એકમો જોવા મળે છે. નાના એકમો અને કુટિરઉદ્યોગ પણ જોવા મળે છે.

મગફળી, મરચાં, હળદર, તમાકુ, કપાસની પેદાશોનો વેપાર મુખ્ય છે. રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં આ પેદાશોનું મોટું બજાર પ્રાપ્ત થયું છે. આજે તો ગુંતુર જિલ્લો તમાકુ, મરચાં અને ડેરી-પેદાશોમાં અગ્રેસર રહ્યો છે.

પરિવહન – પ્રવાસન – વસ્તી : આ જિલ્લામાં રેલમાર્ગની લંબાઈ 406 કિમી. જ્યારે રાજ્ય ધોરી માર્ગોની લંબાઈ 1,258 કિમી. છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 16 પણ પસાર થાય છે. ગુંતુર રેલવેનું જંકશન છે. રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ-સેવા  ઉપલબ્ધ છે. આ સિવાય ખાનગી બસ, મોટર વગેરે વાહનોની સગવડ છે. વિજયવાડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક 54 કિમી. દૂર છે.

બુદ્ધ, નાગાર્જુન કોંડા

અહીં ઐતિહાસિક સ્થળોનું પ્રમાણ અધિક છે. જેમાં પોન્તુર, ઉન્ડાવલીની ગુફાઓ, ગુરાજાલા, મંગલાગિરિ, ટાડેપલ્લી, તેનાલી વગેરે સ્થળો જોવાલાયક છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ વાર-તહેવારે મેળા અને ઉત્સવો યોજાય છે. સૂર્યલંકા રેતપટ, બોબારલંકા રેતપટ અને નિઝામપટ્ટનમ્ રેતપટ મહત્વનાં પ્રવાસન સ્થળો છે.

ગુંતુર જિલ્લાની વસ્તી (2011 મુજબ) 48,87,813 હતી. સાક્ષરતાનું પ્રમાણ 67% જેટલું છે. અહીં પુરુષો કરતાં સ્ત્રીઓની વસ્તી વધુ છે. હિન્દુઓની વસ્તી 84%, મુસ્લિમ 13%, ખ્રિસ્તી અને અન્ય લોકોની વસ્તી અનુક્રમે 2.21% અને 0.48% છે. તેલુગુ ભાષા મુખ્ય છે. તેલુગુ ભાષા બોલનારની ટકાવારી 86% જેટલી છે, જ્યારે ઉર્દૂ ભાષા બોલનારાની સંખ્યા 12% છે.

ઇતિહાસ : તેલુગુ ભાષાનો શબ્દ ‘ગુન્તલાપુરી’ (Guntlapuri) ઉપરથી ‘ગુંતુર’ શબ્દ ઊતરી આવ્યો છે. જેનો અર્થ ‘પાણીના તળાવોથી ઘેરાયેલું સ્થળ’ થાય છે. તેલુગુ ભાષામાં ગુન્તાનો અર્થ તળાવ થાય છે એટલે કે તળાવોનું ગામ કહી શકાય. કેટલાકનું માનવું છે કે કુન્તા ઉરુ (Kunta Uru) ઉપરથી ગુંતુર (Guntur) શબ્દ બન્યો છે. ભૂમિ માપવાના અહીંના સ્થાનિક એકમ કુંટા (Kunta) પરથી આ સ્થળ જાણીતું બન્યું હશે.

ઈ. સ. 1904માં કૃષ્ણા જિલ્લાની કૃષ્ણા નદીની દક્ષિણનો પ્રદેશ તથા નેલ્લોર જિલ્લાના ઓંગોલ તાલુકામાંથી ગુંતુર જિલ્લાની રચના કરવામાં આવી. 1859માં આ જિલ્લો નાબૂદ કરીને તેને મછલીપટનમ્ અને રાજામુન્દ્રી જિલ્લાઓમાં વહેંચી દેવામાં આવ્યો હતો. 1904માં ફરીથી અલગ ગુંતુર જિલ્લાની રચના કરવામાં આવી.

ગુંતુર (શહેર) : ગુંતુર જિલ્લાનું મુખ્ય વહીવટીમથક.

ભૌગોલિક સ્થાન : 16 18´ ઉ. અ. અને 80 27´ પૂ. રે. આ શહેર વધુ વસ્તી ધરાવતું હોવાથી તે પ્રથમ વર્ગના દરજ્જાવાળું ગણાય છે. રાજ્યમાં વસ્તીની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતું  આ શહેર છે. તે રમણીય કોંડાવીડુ હારમાળાની પૂર્વમાં 9 કિમી. અંતરે વિજયવાડા–ચેન્નાઈના ટ્રન્ડ રોડ પર આવેલું છે. આ શહેર ગુંતુર તાલુકાનું તાલુકામથક તેમજ  મહેસૂલી વિભાગનું મથક પણ છે. અહીંની મ્યુનિસિપાલિટીની સ્થાપના 1866માં થઈ હતી. તે મચરેલા, વિજયવાડા, હૈદરાબાદ અનન્તાપુર, બૅંગાલુરુ સાથે વિવિધ રાષ્ટ્રીય  ધોરી માર્ગો સાથે સંકળાયેલું છે. આ શહેરનું મુખ્ય રેલજંકશન છે. આ સિવાય નલ્લાપાડુ અને ન્યુ ગુંતુર રેલવેસ્ટેશનો પણ આવેલાં છે. ગુંતુર અને વિજયવાડા વચ્ચે  મેમુ (MEMU) અને સ્થાનિક રેલવે કાર્યરત છે.

આ શહેરમાં પ્રાથમિક શાળાથી શરૂ કરીને કૉલેજો સુધીના શૈક્ષણિક એકમો આવેલા છે. શહેરમાં સરકારી અને ખાનગી પુસ્તકાલયો આવેલાં છે. ‘અન્નામાયા’ પુસ્તકાલયમાં આશરે એક લાખ કરતાં પણ વધુ પુસ્તકો છે. બ્રિટિશરોના સમયની હિન્દુ કૉલેજ, એ.સી. કૉલેજ તેમજ જે.કે.સી. કૉલેજ વધુ જાણતી છે. ગુંતુર મેડિકલ કૉલેજ, કાતુરી મેડિકલ કૉલેજ, આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી, આચાર્ય એન. જી. રાંગા ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીઓ આવેલી છે.

આ શહેરમાં તમાકુ પ્રક્રમણના એકમો, ડાંગર છડવાની મિલો, કપાસની જિનિંગ-પ્રેસિંગ ફૅક્ટરીઓ તથા તેલની મિલો આવેલી છે.

પ્રવાસીઓ માટે કેટલાંક સ્થળો જોવાલાયક છે. શ્રી ગંગા-પાર્વતી સામેથા અગસ્તેસ્વરા મંદિર, ગાંધી પાર્ક, બૌદ્ધેશ્વરી આર્કિટૅક્ચર મ્યુઝિયમ, અમરેશ્વરાસ્વામી મંદિર, ઉન્ડાવલી ગુફાઓ, ઉપ્પાલાપાડુ પક્ષી અભયારણ્યનો સમાવેશ થાય છે.

આ શહેરનો વિસ્તાર 159.46 ચો.કિમી., સમુદ્રની સપાટીથી ઊંચાઈ 33 મીટર અને વસ્તી 7,43,354 (2011  મુજબ) હતી.

નીતિન કોઠારી