હીરોડોટસ (જ. ઈ. પૂ. 484 ?, હેલિકારનેસસ, એશિયા માઇનોર; અ. ઈ. પૂ. 430-420, થુરિયા, દક્ષિણ ઇટાલી) : ગ્રીસનો પ્રથમ ઇતિહાસકાર. રોમન વક્તા સિસેરોએ તેને ‘ઇતિહાસના પિતા’ તરીકે ઓળખાવ્યો છે. એણે એના સમય સુધીનો ગ્રીસનો અને વિશ્વનો ઇતિહાસ સુંદર શૈલીમાં ગ્રીક ભાષામાં આલેખ્યો હતો. એ સમયે સાહિત્યની લગભગ બધી જ રચનાઓ પદ્યમાં થતી; પરંતુ એણે પહેલી જ વખત ગદ્યનો ઉપયોગ સારી રીતે કરી બતાવ્યો. એટલે યુરોપના ગદ્યલેખનના વિકાસમાં પણ એનો ફાળો મહત્વનો છે.

એણે એ સમયના જગતને પરિચિત એવા દેશો ઇજિપ્ત, મેસોપોટેમિયા, પૅલેસ્ટાઇન, દક્ષિણ રશિયા અને ઉત્તર આફ્રિકાનો વિસ્તૃત પ્રવાસ કર્યો હતો. એ દૃષ્ટિએ એને સાહસિક પ્રવાસી તરીકે પણ ઓળખાવી શકાય. આ પ્રવાસોથી એને ઘણું પ્રત્યક્ષ જ્ઞાન મળ્યું હતું. ઈ. પૂ. 447માં એ ઍથેન્સમાં આવીને ત્યાં ત્રણ વર્ષ સુધી રહ્યો. અંતે દક્ષિણ ઇટાલીના થુરિયા નામના નગરમાં એ કાયમ માટે સ્થિર થયો. આ થુરિયા નગરની સ્થાપના ગ્રીસના પેરિક્લિસે કરી હતી.

હીરોડોટસ

હીરોડોટસે ‘ઇતિહાસ’ (History) નામનો ગ્રંથ 9 ખંડોમાં લખ્યો હતો. એને માટે એ વિશ્વવિખ્યાત બન્યો છે. એણે આ ઉપરાંત બીજા ગ્રંથો લખ્યા હતા કે નહિ એ જાણવા મળતું નથી. એનો મુખ્ય આશય પર્શિયન સામ્રાજ્ય અને ગ્રીસ વચ્ચે થયેલા મૅરેથૉન (ઈ. પૂ. 490), થર્મૉપિલી (ઈ. પૂ. 480), પ્લેટિયા અને માઇકલ (ઈ. પૂ. 479) વગેરેનાં ભયંકર યુદ્ધો અને એ યુદ્ધોના અંતે ગ્રીસના થયેલા વિજયનું આલેખન કરવાનો હતો. ગ્રીસ જેવા નાના દેશે પર્શિયાના દરાયસ અને ઝર્કસીસ જેવા મહાન સમ્રાટોનાં મોટાં લશ્કરોને હરાવ્યાં એ એક ચમત્કાર અને જગતના ઇતિહાસનો નિર્ણાયક બનાવ હતો. પર્શિયા સામે વિજય મળવાને લીધે જ ગ્રીસ અને યુરોપની ભવ્ય સંસ્કૃતિનો ભવિષ્યમાં વિકાસ થઈ શક્યો. આ યુદ્ધમાં ગ્રીસનો પરાજય થયો હોત તો યુરોપનો અને જગતનો ઇતિહાસ કંઈક જુદો જ હોત.

આ યુદ્ધોની પૂર્વભૂમિકા રૂપે એણે શરૂઆતમાં પર્શિયન સામ્રાજ્યનો થયેલો ક્રમિક વિકાસ વર્ણવ્યો છે. એ સાથે એણે ઇજિપ્ત, રશિયા, લિબિયા, સિરેનૈકા વગેરે દેશોના લોકોની રીતભાત અને રહેણીકરણી વિશે ઘણી રસપ્રદ અને આશ્ચર્યજનક વાતો નોંધી છે. ઉપરાંત ગ્રીસનું રાજ્યતંત્ર, આર્થિક પ્રવૃત્તિઓ, સામાજિક જીવન, ધાર્મિક માન્યતાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરેનું વિસ્તૃત વર્ણન એણે કર્યું છે. ઍથેન્સ અને સ્પાર્ટા વિશે પણ ઘણી માહિતી આપી છે. નાઇલ નદીમાં વહાણો બાંધવાનો ઉદ્યોગ, યુફ્રેટિસ નદીનો ઝડપી જળપ્રવાહ અને એમાંના જંગી માલવાહક જહાજો, બૅબિલોનની ભવ્ય દીવાલો, એજિયન સમુદ્રના તોફાનમાંથી એના વહાણને સલામત રીતે બહાર લાવનાર વહાણનો કૅપ્ટન વગેરે વિશેની વાતો એણે લખી છે. હીરોડોટસ એની સપ્રમાણ, રસપ્રદ અને તટસ્થ વર્ણનશક્તિ માટે પ્રસિદ્ધ છે.

કોઈ એક બનાવ વિશેના જુદા જુદા અહેવાલો નોંધીને એમાંનો કયો સાચો હોઈ શકે એ એણે જણાવ્યું છે. અતિશય લાંબા અહેવાલો અને કથાઓનું સંક્ષેપમાં નિરૂપણ કરવાની કલા એણે પ્રાપ્ત કરી હતી. એને એક સારો કથાકાર પણ ગણવામાં આવે છે. એણે શ્રેષ્ઠ કથાઓને શ્રેષ્ઠ રીતે રજૂ કરી છે. એ સમયે ગ્રીસનાં નગરોમાં એના ‘ઇતિહાસ’ ગ્રંથનું એકાંતમાં વ્યક્તિગત રીતે નહિ, પરંતુ જાહેરમાં લોકસમૂહો વચ્ચે મોટેથી વાચન થતું અને લોકો તેનું શ્રવણ કરતા. એણે જે કાંઈ લખ્યું છે એ પૂર્વગ્રહ વગર અને તટસ્થ રીતે લખ્યું છે. એના પછી થયેલ ગ્રીસના ઇતિહાસકાર થુસીડાઇડીસ ઉપર તેની અસર હતી.

એણે પ્રથમ વાર ઐતિહાસિક બનાવોનાં કારણો અને પરિણામો શોધવાનો પ્રયત્ન કર્યો. કોઈ પણ દેશની પ્રજાએ કઈ સિદ્ધિઓ કેવી રીતે મેળવી એ જાણવાની એને જિજ્ઞાસા હતી. વર્ણનકલાના હેતુ માટે ગદ્યનો અસરકારક ઉપયોગ કરનાર એ પ્રથમ યુરોપિયન હતો. એના પૂર્વે બધું સર્જનાત્મક સાહિત્ય પદ્યમાં રચાતું હતું. ચોકસાઈ, ખુલ્લું મન અને નિષ્પક્ષતા એ એના ખાસ સદગુણો હતા. એની ભાષા મધુર અને શૈલી સરળ તથા સમજી શકાય એવી હતી. એનો ‘ઇતિહાસ’ ગ્રંથ અનેક રીતે વિશિષ્ટ હોવા ઉપરાંત એ યુરોપિયન સાહિત્યની મહાન કૃતિ ગણાય છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી