ગુલામ મુસ્તફાખાં (જ. 3 માર્ચ 1934, બદાયું; અ. 17 જાન્યુઆરી 2021, મુંબઈ) : સહસવાન ઘરાણાના ઉચ્ચ કક્ષાના ગાયક. સંગીતની તાલીમ એમણે ઉસ્તાદ નિસારહુસેનખાં પાસેથી મેળવી હતી. પોતાના ઘરાણાની મૂળ શૈલીમાં કેટલાંક મૌલિક તત્વો ઉમેરીને એમણે પોતાની આગવી શૈલી રચી છે. એ શાસ્ત્રીય
સંગીતની ખયાલની શૈલી ઉપરાંત તરાના તથા ટપ્પાની શૈલીઓના પણ નિષ્ણાત છે. વધુમાં સંસ્કૃત અષ્ટપદીઓ પણ તે ઉત્તમ રીતે ગાય છે. સ્વિટ્ઝર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ વગેરે દેશોમાં એમનું પુષ્કળ સંગીત રેકૉર્ડ કરવામાં આવ્યું છે. તે ગઝલ સંગીતના પણ નિષ્ણાત છે અને એમના શિષ્યોએ તે શૈલીનાં ગીતોમાં પુષ્કળ નામના મેળવી છે. ગુલામ મુસ્તફાખાંએ કેટલાંક ચિત્રપટોમાં પાર્શ્વ-સંગીતકાર તરીકે પણ કામ કર્યું હતું.
તેમને પદ્મશ્રી (1991), પદ્મભૂષણ (2006) અને પદ્મવિભૂષણ (2018) ઍવોર્ડથી ભારત સરકારે સન્માનિત કર્યા છે. સંગીત નાટક અકાદમી તરફથી હિન્દુસ્તાની વોકલ સંગીત માટે ઍવોર્ડથી સન્માનિત કર્યા છે.
બટુક દીવાનજી