ગુલમોર : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delonix regia Rafin. syn. Poinciana regia Bojer ex Hook. (પં. શંખોદરી, મ. ગલતુર, ગુલતુરા, ગુલ્પરી, શંખાસર, ધાક્ટી-ગુલમોહોર; તે. સામિડીતાં-ઘેડું; અં. ગોલ્ડન મોહર, ફ્લેમ ટ્રી, ફ્લેમ્બોયન્ટ) છે. તે ધ્યાનાકર્ષક, શોભન, મધ્યમ કદનું 10 મી. જેટલી ઊંચાઈ ધરાવતું છાયા વૃક્ષ છે. તેના સહસભ્યોમાં કચકચા, ચિલાર, શંખેશ્વર, લીબીડીડી, વાઇની, રામબાવળ, ગરમાળો, અશોક, દેવકંચન વગેરેનો સમાવેશ થાય છે. તેને વૃક્ષ-વીથિ અને ઉદ્યાનોમાં ભારતના હૂંફાળા અને ભેજવાળા ભાગોમાં ઉછેરવામાં આવે છે. તેનો પીંછાં જેવો પર્ણમુકુટ ફેલાતો હોય છે. તે છત્રીની જેમ ઝડપથી વધે છે. પાનખરમાં પાન ખરી પડતાં ફેબ્રુઆરી–માર્ચમાં પુષ્પનિર્માણ થાય છે. પુષ્પો લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પ ઘેરા કિરમજી રંગથી માંડી સિંદૂરી નારંગી અને નારંગી-ગુલાબી રંગનાં હોય છે. તે વિપુલ પ્રમાણમાં પહોળાં, ઉન્નત ગુચ્છમાં ઉદભવતાં હોઈ વૃક્ષનો ભવ્ય દેખાવ સર્જે છે. પુષ્પો જૂન સુધી કે તે પછી પણ ઉત્પન્ન થતાં હોય છે. પાંખડીઓ અને લીલાં વજ્રપત્રો નાનાં બાળકોને ખૂબ ભાવે છે. તેમાં વિટામિન ‘સી’ની માત્રા વધારે હોય છે. શિંગો 0.5 મી. જેટલી લાંબી. ચપટી, શરૂઆતમાં લીલી અને પછી કાળી બને છે. તે બીજી ઋતુ સુધી વૃક્ષ ઉપર લટકતી રહે છે. સૂકાં બીજ ખખડતાં હોય છે. તેનો આકાર તલવાર જેવો હોવાથી બાળકોને રમવાની મજા પડે છે.
ગુલમોર સામાન્યત: ચોમાસા દરમિયાન બીજ દ્વારા ઉછેરવામાં આવે છે. તેનું કટકારોપણ દ્વારા પણ પ્રસર્જન થાય છે. બધા જ પ્રકારની જમીનમાં તે થાય છે. તે પાણીનો ભરાવો થતો હોય ત્યાં કોહવાટ પામે છે. તે ખારાપાટમાં થતું નથી. તેની વૃદ્ધિ ઝડપથી થાય છે. ભારે પવનોથી તેને નુકસાન થાય છે. તે જમીનની અંદર સપાટીની નજીક ફેલાતાં મૂળ ઘાસ અને બીજી વનસ્પતિઓના વિકાસને અટકાવે છે.
તેનું કાષ્ઠ સફેદ, પોચું અને હલકું (448 કિગ્રા./ઘ.મી.) હોય છે. તે પૉલિશ સારું ગ્રહણ કરતું હોવા છતાં તેનું મૂલ્ય ઘણું ઓછું છે. તે લિગ્નિન 21.27 % અને પ્રોટીન 1.79 % ધરાવે છે.
બીજમાં ગુંદર હોય છે. તેનો ખોરાક અને વસ્ત્રઉદ્યોગમાં ઉપયોગ કરી શકાય છે. બીજમાં પાણી 6.37 %, પ્રોટીન 60.31 %, લિપિડ 9.68 %, કાર્બોદિત 16.22 % અને ભસ્મ 7.42 % હોય છે.
ગુલમોરને મળતી આવતી બીજી જાતિ સંઘેશરો (D. elata Gamble) સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નદી-નાળાં અને વોંકળા પાસે મળી આવે છે.
મ. ઝ. શાહ