ગુલબાસ : દ્વિદળી વર્ગમાં આવેલા નિક્ટેજીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mirabilis jalapa Linn. (સં. નક્તા; મ. ગુલબાશી, સાયંકાળી; બં. વિષલાંગુલિયા; હિં. ગુલવાસ; તે. ચંદ્રકાંતા, ચંદ્રમાલી; તા. અંધીમાલીગાઈ; ક. ચંદ્રમાલીગ, સંજામાલીગ; મલા. અંતીમાલારી; અં. ફોર ઓ’ક્લૉક પ્લાન્ટ, માર્વલ ઑવ્ પેરૂ) છે. તેના સહસભ્યોમાં વખખાપરો, પુનર્નવા, બોગનવેલ, વળખાખરો વગેરેનો સમાવેશ થાય છે.

ગુલબાસ (Mirabilis jalapa)

તે બહુવર્ષાયુ શાકીય કે ઉપક્ષુપ (undershrub) વનસ્પતિ છે અને આશરે 1.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. ભારતમાં તેને શોભન વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. ઘણાં સ્થળોએ તે ‘પલાયન’ (escape) તરીકે પણ મળી આવે છે. તેનાં મૂળ જાડાં અને કંદિલ (tuberous) હોય છે અને 10.0 સેમી. સુધીનો વ્યાસ ધરાવે છે. આ કંદિલ મૂળ જીવંત રહે છે અને ડહાલીઆ સાથે સામ્ય ધરાવે છે. પ્રકાંડ ગાંઠેથી ફૂલેલાં હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, અંડાકાર કે હૃદયાકાર, 5–15 સેમી. લાંબાં, ચળકતાં, લીલા રંગનાં અને કેટલીક વાર ચીકણાં હોય છે. પુષ્પો ગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલાં 2.5 સેમી. લાંબાં ગળણી આકારનાં, સરળ કે દ્વિદલ (double), સુવાસિત, સફેદ, પીળાં, જાંબલી, લાલ કે ગુલાબી અને પટ્ટિત (stripped) કે ટપકાંવાળાં (blotched) હોય છે. એક જ છોડ ઉપર જુદા જુદા રંગનાં પુષ્પો ઉદભવે છે. ‘તે અદભુત (miracle) છે.’ લિનિયસે તેના વિશે કહ્યું છે અને તેથી તેમણે પ્રજાતિ(genus)નું નામ ‘mirabilis’ આપ્યું છે. તેનું ફળ કાષ્ઠફળ (nut) પ્રકારનું, ઉપવલયી, રુક્ષ સપાટીવાળું (rugose) અને એકબીજમય હોય છે.

ગુલબાસનું બીજ કે અગાઉના વર્ષનાં કંદિલ મૂળ દ્વારા પ્રસર્જન થાય છે. તેને કૂંડાંઓ, ઝાડી (shrubbery) કે બહુવર્ષાયુ સીમાઓમાં વાવવામાં આવે છે. પુષ્પો વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તેઓ બપોર પછી ખૂલતાં હોય છે અને સવારે બંધ થતાં હોય છે.

તેનાં કંદિલ મૂળ ઘેરા બદામી રંગનાં હોય છે અને શૃંગી ગઠન ધરાવે છે. તે મંદ રેચક છે અને જાલપ(Exogonium purga)ની અવેજીમાં કે અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગી છે. મૂળના ચૂર્ણની લાક્ષણિક વાસ હોય છે અને સહેજ તીખો સ્વાદ તથા ભોંકાતી ઉષ્ણ લાગણી અને પછી સંવેદનરહિતતા અનુભવાય છે. તેનાથી લાળના સ્રાવની ક્રિયા ઉત્તેજાય છે. ભીનું ચૂર્ણ ત્વચા અને શ્લેષ્મપટલ (mucous membrane) માટે પ્રકોપક (irritant) હોય છે. મૂળમાં રાળ (3 %), ટ્રાઇગોનેલિન અને જલાપઘટન (hydrolysis) દ્વારા ગૅલેક્ટોઝ અને એરેબિનોઝ ઉત્પન્ન કરતો કાર્બોદિત હોય છે. પરિપક્વ ફળ 28° સે. તાપમાને સંપૂર્ણપણે દ્રાવ્ય સ્ટાર્ચ ધરાવે છે.

પર્ણો અને પ્રકાંડ શૂકરમાંસ (pork) સાથે રાંધીને ખવાય છે અને ચીનમાં તેનો બલકર (tonic) તરીકે ઉપયોગ થાય છે. બીજનો કાળા મરીના અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગ થાય છે. કચરેલાં પર્ણો વ્રણ અને દાઝ્યા ઉપર પોટીસ મૂકવામાં ઉપયોગી છે. પર્ણોનો રસ વ્રણ અને ક્ષત (bruise) પર લગાડવામાં તથા શીતપિત્ત(urticaria)માં થતી ખંજવાળ(itching)ને શાંત પાડવા માટે ઉપયોગમાં લેવાય છે.

M. himalaica syn. Oxybaphus himalaicus શાકીય જાતિ છે અને પશ્ચિમ હિમાલયમાં કુલુથી ગરવાર સુધી 1800–2700 મી.ની ઊંચાઈએ થાય છે. તેનો શિયાળામાં ચારા તરીકે ઉપયોગ થાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ