ગુલછડી : હિં. रजनीगंधा, गुलचबु, અં. garden lily, sea daffodil, tube rose, લૅ. Polyanthes tuberosa L.
એકદળીના કુળ એમરીલિડેસીનો લગભગ ત્રીસેક સેમી. ઊંચો છોડ. તેની વચ્ચે વચ્ચે સાઠેક સેમી. ઊંચી દાંડીઓ ફૂટે છે. તે દાંડીઓ ઉપર સફેદ ચળકતાં ભૂંગળાં કે ગળણી આકારનાં સુગંધી ફૂલો ઑગસ્ટથી જાન્યુઆરી માસ સુધી આવે છે. સિંગલ કે ડબલ પાંખડીઓવાળી એમ બે જાતો બગીચામાં વવાય છે. ભાગ્યે જ તેનું પ્રાવરફળ ઉત્પન્ન થાય છે.
તેની વંશવૃદ્ધિ માટે મૂળ આગળથી નીકળતા પીલા છૂટા કરીને તેમજ જમીનમાં બાઝતા કંદને છૂટા કરીને રોપણી કરી શકાય છે. કંદને સુષુપ્ત રાખવાથી ફૂલનું પ્રમાણ વધે છે અને ફૂલની ઋતુને અનુકૂળતા પ્રમાણે કરી શકાય છે. કંદ રોપ્યા પછી ચારપાંચ માસમાં ફૂલો આવવા લાગે છે; પરંતુ બાજુના પીલા કે કંદને રોપ્યા પછી ફૂલો આવતાં બારેક માસ વીતી જાય છે. બે છોડ વચ્ચે ત્રીસેક સેમી. અંતર રાખવું હિતાવહ છે. ખાતર-પાણી વિશેષ માગે છે. કટ ફ્લાવર તરીકે હાર, બટન કે વેણીમાં વપરાય છે. ફૂલદાનીમાં લાંબો વખત રહે છે. તેમાં જો રંગીન પાણી (સૅફ્રાનીન) રાખીએ તો ફૂલો લાલ રંગ પકડે છે. તેનાં ફળ કે બીજ હજી સુધી મળ્યાં નથી.
મ. ઝ. શાહ