ગુલઝાર (સંપૂરણસિંઘ) (જ. 18 ઑગસ્ટ 1936, દિના, જિ. જેલમ [હાલ પાકિસ્તાન]) : ઉર્દૂ અને હિંદી કવિ અને ફિલ્મ પટકથા, ઊર્મિકાવ્યોના લેખક, નિર્માતા તથા દિગ્દર્શક. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ધુઆઁ’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે દિલ્હીમાં શિક્ષણ મેળવ્યું. તેઓ હિંદી, અંગ્રેજી, પંજાબી અને બંગાળી ભાષાના જાણકાર છે. તેઓ રવીન્દ્રનાથ, શરદચંદ્ર, જીવનાનંદ દાસ અને સુભાષ મુખોપાધ્યાયથી ખૂબ પ્રભાવિત થયા હતા. ગાલિબ, મીર અને ફૈજનો પ્રભાવ પણ તેમના પર રહ્યો.

ગુલઝાર

1950ના દસકામાં તેઓ મુંબઈ આવ્યા અને 1960ના દસકામાં પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક બિમલ રાયના મદદનીશ તરીકે તેમણે કામની શરૂઆત કરી. અત્યાર સુધીમાં તેમણે 9 કાવ્યસંગ્રહો, 3 વાર્તાસંગ્રહો અને 20 બાળગ્રંથો આપ્યા છે. તેમના વાર્તાસંગ્રહ ‘રાવી પાર’માંની વાર્તાઓ નાના નાના 4 સંગ્રહ રૂપે અંગ્રેજીમાં પ્રગટ થઈ છે. ઉર્દૂ અને હિંદીમાં પ્રકાશિત કાવ્યસંગ્રહ ‘ત્રિવેણી’ મરાઠીમાં અનૂદિત કરાયો છે. તેમની કૃતિઓમાં ‘મેરા કુછ સંતાન’, ‘એક બુંદ ચાંદ’ (ઉર્દૂ કાવ્યસંગ્રહ), ‘જાનમ’, ‘રાત પશ્મિને કી’ (ઉર્દૂ અને હિંદી કાવ્યસંગ્રહ), ‘રાત ચાંદ ઔર મેં’ (હિંદીમાં), ‘ધૂઆઁ’, ‘રાવી પાર’ વાર્તાસંગ્રહો છે. ‘ઘર કા નામ એક સાલ’, ‘સુનો કહાની’, ‘પાજી બાદલ’ વગેરે મુખ્ય બાળવાર્તાસંગ્રહ છે.

તેમણે ‘અચાનક’, ‘પરિચય’, ‘આંધી’, ‘મીરા’, ‘અંગૂર’ નામની ફિલ્મોનું દિગ્દર્શન; ‘કિનારા’ અને ‘કિતાબ’નું નિર્માણ અને દિગ્દર્શન સંભાળ્યાં હતાં. તેમને 1971–80 દરમિયાન 7 ફિલ્મફેર ઍવૉર્ડ, બૅંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશન તરફથી 6 ઍવૉર્ડ, 1972માં ‘કોશિશ’માં ઉત્તમ ફિલ્મ-નાટક માટે રાષ્ટ્રીય ઍવૉર્ડ, 1975માં ‘મૌસમ’ના શ્રેષ્ઠ દિગ્દર્શન બદલ રાષ્ટ્રીય ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા. જેમણે ઉસ્તાદ અમજદ અલી ખાઁ અને પંડિત ભીમસેન જોષી પર વૃત્તચિત્ર અને મિર્ઝા ગાલિબ અને કિરદાર નામક બે ટી.વી. શ્રેણીઓ બનાવી. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને વાર્તાસંગ્રહ ‘એકતા’ માટે એન.સી.ઈ.આર.ટી. પુરસ્કાર આપવામાં આવ્યો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ધૂઆઁ’ 27 વાર્તાઓનો સંગ્રહ છે. તેમાંની વાર્તાઓ સમગ્ર રીતે અને વ્યક્તિગત રીતે વાચકોને આકર્ષે તેવી તેની ગૂંથણી છે. આ વાર્તાઓમાં ચરિત્ર, આત્મકથા અને ઇતિહાસનાં તત્વોનો કલાત્મક કૌશલથી સમાવેશ કરવામાં આવ્યો હોવાથી આ કૃતિ ઉર્દૂમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં નોંધપાત્ર યોગદાન ગણાય છે.

 સાહિત્ય અકાદમી ઍવોર્ડ (2002), પદ્મભૂષણ (2004), અકાદમી ઍવોર્ડ (2008), ગ્રેમી ઍવોર્ડ (2010) અને દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ (2013)થી સન્માનિત થયા છે.

બળદેવભાઈ કનીજિયા