હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ
February, 2009
હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ
જમરૂખ આકારનો ઓપ આપેલો હીરો
અદભુત રત્ન. આભૂષણોના ઉપયોગમાં લેવાતા કુદરતી સ્ફટિકો. પ્રાગ્-ઐતિહાસિક તેમજ મધ્ય ઐતિહાસિક કાળમાં ભારત, શ્રીલંકા અને બૉર્નિયો જ માત્ર એવા દેશો હતા, જ્યાંથી હીરા મળી શકતા હતા. તેનાં પ્રાપ્તિસ્થાનો (સ્રોત) નદીજન્ય ભૌતિક સંકેન્દ્રણો હતાં. આ અંગેનો પુરાવો પ્લિની(ઈ. સ. 23-79)નાં લખાણોમાંથી મળી રહે છે. એ વખતે ‘હીરા’ના નામ હેઠળ હીરો, કોરંડમ, સ્પાઇનેલ, ટોપાઝ, ક્વાર્ટ્ઝ જેવાં સખત, દૃઢ, રંગવિહીન અથવા આછા રંગવાળાં સમકક્ષ, પારદર્શક રત્નોનો સમાવેશ થતો હતો. પ્લિનીએ તેના લખાણમાં આવાં રત્નો માટે છ પ્રકારના ભૌમિતિક આકારોનું વર્ણન કરેલું છે, તે હીરાના આકારોને પણ લાગુ પડે છે. ઇતિહાસમાંથી જાણવા મળે છે તે મુજબ ગ્રીસમાં ગ્રીક દેવીનાં નેત્રો તરીકે જડેલા હીરા ઈ. પૂ. 480 આસપાસના હતા; દુનિયાનો સર્વપ્રથમ હીરો ઈ. પૂ. 800માં ભારતમાંથી મળ્યાનો ઉલ્લેખ છે; નામ, સ્થાન ઉપલબ્ધ નથી. કુંતી પુત્ર કર્ણ પાસે મણિ હોવાનો તેમજ યાદવ સત્રાજિત પાસે સ્યમંતક મણિ હોવાનો જે ઉલ્લેખ મળે છે તે સંભવત: હીરા માટે હોઈ શકે ! હિન્દુઓના મહાન ધર્મગ્રંથ મહાભારતમાં, ‘શુક્રનીતિ’માં, ‘સુશ્રુત’માં, કૌટિલ્યના અર્થશાસ્ત્ર(ઈ. પૂ. 321-296)માં હીરા અને અન્ય સમકક્ષ રત્નોના ઉલ્લેખ મળે છે. વાત્સ્યાયનના કામસૂત્ર(બીજી-ત્રીજી સદીનો ગાળો)માં રત્નપરીક્ષાની નોંધ મળે છે. રત્નપરીક્ષાની તલસ્પર્શી નોંધ બુદ્ધભટ્ટના ‘રત્નપરીક્ષા’માંથી તેમજ વરાહમિહિર(505 -587)ની અપૂર્ણ રહી ગયેલી ‘બૃહત્સંહિતા’માંથી મળી રહે છે. બુદ્ધભટ્ટનાં લખાણોમાં રત્નોના બે પ્રકારો પાડવામાં આવેલા છે : (i) મહારત્નાનિ – મુખ્ય રત્નો; જેમાં હીરા, મોતી, માણેક, નીલમ, પન્નુંનો અને (ii) ઉપરત્નાનિ ગૌણ રત્નો; જેમાં પોખરાજ, ગાર્નેટ, પ્રવાળ, ઝિર્કોન વગેરેનો સમાવેશ કરેલો છે. વરાહમિહિરે 22 પ્રકારનાં રત્નોનાં નામ આપેલાં છે. તેમાં પણ હીરો અને નીલમ મુખ્ય છે. અન્ય સંદર્ભગ્રંથો ‘અગ્નિપુરાણ’ અને ‘ગરુડપુરાણ’ છે, જેમાં રત્નોની માહિતી મળી રહે છે. જોગેશચંદ્ર રેના મત મુજબ આ બંને ગ્રંથો જેવા આજે છે એવા નવમી-દશમી સદીમાં પણ હતા. આ જ પ્રકારની માહિતીવાળો બીજો એક ગ્રંથ – અગસ્ત્યનો ‘રત્નપરીક્ષા’ છે, જે ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પુણેના શ્રી પી. કે. ગોડેના જણાવ્યા પ્રમાણે ઈ. સ. 1000 પહેલાંનો છે. ભોજરાજના ‘યુક્તિકલ્પતરુ’નું સંપાદન જોગેશચંદ્ર રેના મત મુજબ અગિયારમી સદીમાં કરવામાં આવેલું; જેમાં જૂના સમયનાં રત્નો પરની પરખ માટેના રંગ, ચમક, ઘનતા, પ્રાપ્તિસ્થિતિ, પ્રાપ્તિસ્થાનો અને કિંમત વગેરેની ચર્ચા કરેલી છે. હીરાનો ખાતરીપૂર્વકનો ભરોસાપાત્ર ઇતિહાસ જીન બૅપ્ટિસ્ટ ટ્રેવરનિયરની ભારતમાંની ગોલકોન્ડાની મુસાફરી-મુલાકાત (1638-1668) પછીથી જ શરૂ થાય છે. 1720ના અરસામાં બ્રાઝિલના રિયો-ડી-જાનેરોની ઉત્તરે 480 કિમી.ના અંતરે આવેલા મિનાસ ગુરેઇસ, ડાયમંટિયા નજીકની જૅકવિતિન હોનહા નદીની રેતીના સુવર્ણ ધોવાણની સાથે સાથે હીરા મળી આવેલા. ત્યાર પછીનાં લગભગ 150 વર્ષ સુધી બ્રાઝિલનો આ વિસ્તાર દુનિયાભરમાં હીરાના પુરવઠા માટેનું એકમાત્ર અગત્યનું પ્રાપ્તિસ્થાન બની રહેલો.
ઍંગોલા(આફ્રિકા)માં કાંપ-માટીમાંથી હીરાની ખોજનું દૃશ્ય
તે પછીથી તો બ્રાઝિલનાં લગભગ બધાં જ રાજ્યોમાંથી તેમજ વેનેઝુએલા અને ગિયાનાની ઉત્તર તરફી વહેતી નદીશાખાઓમાંથી પણ હીરા મેળવવામાં આવતા હતા. બાર ફલકવાળા-ડોડેકાહેડ્રલ-સ્ફટિકોનું વિશિષ્ટ પ્રાપ્તિસ્થાન બ્રાઝિલ રહેલું હોવાથી તે પ્રકાર માટે ‘બ્રાઝિલના હીરા’ એવું વેપારી નામ પડી ગયેલું; જોકે બ્રાઝિલનું બધું જ હીરા-ઉત્પાદન જૂના સમયનાં ભૌતિક સંકેન્દ્રણોમાંથી જ થાય છે. આ ઉપરાંત આફ્રિકાના ઍંગોલોમાંની ભૌતિક સંકેન્દ્રણોમાંથી પણ હીરા મેળવવામાં આવતા હતા.
પ્રાચીન સમયમાં ભૌતિક સંકેન્દ્રણોમાં હીરાની ખોજ કરવામાં આવતી હતી.
અગાઉના સમયમાં રોમનો ભારતમાંથી હીરા ખરીદતા હતા. ભારતમાં તે નદીના પટમાંથી મળતા હોવાથી તેઓ તેને ‘‘D´adamas’’ એટલે ‘નદીની રેતીમાંથી મળતા રત્ન’ તરીકે ઓળખતા. પાછળથી આ શબ્દનું અપભ્રંશ થતાં તેનું નામ ‘diamond’ પ્રચલિત થયું હોવાનું કહેવાય છે.
કિમ્બરલાઇટની ખાણ અને નળીનો રેખાંકિત ઊભો આડછેદ
દક્ષિણ આફ્રિકામાંથી સર્વપ્રથમ હીરો 1866માં મળેલો – હોપટાઉનની ઑરેન્જ નદીના કિનારા પાસે રહેતા એક નાનકડા બાળકની રમકડાંની ચીજવસ્તુઓની ટોપલીમાંથી 211 કૅરેટ વજન ધરાવતો હીરો મળેલો. ત્યાર પછી 1868માં હોપટાઉનથી 128 કિમી. ઉત્તરે ઑરેન્જ નદીની વાઅલ શાખાનદીમાંથી એક નાનો હીરો મળી આવેલો; ત્યારથી ત્યાંનું નજીકનું ગામ ક્લીપ ડ્રિફ્ટ જે હવે બર્કલે વેસ્ટ નામથી ઓળખાય છે તે, કાંપજન્ય હીરાપ્રાપ્તિ માટેનું સ્થળ બની રહ્યું છે. 1868 પછી તો તરત જ થોડા વખતમાં હીરાપ્રાપ્તિ માટેના જ્વાળામુખી નળી(volcanic pipe)-પ્રકારો મળી આવ્યા. 1870ના ઑગસ્ટમાં મળેલા 50 કૅરેટના હીરાની પ્રાપ્તિ સાથે કિમ્બરલાઇટ નળીનાં પગરણ મંડાયાં. જ્યાંથી આ નળી મળી આવી તે જાગર્સફૉન્ટેન ખાણ હોપટાઉનથી 128 કિમી. પૂર્વ તરફ આવેલી છે. આ નળી લગભગ એકસરખા ગોળાકાર વ્યાસવાળી છે, તેનો આડછેદ 25 એકરના વિસ્તારને આવરી લે છે, તે જૂના જ્વાળામુખીની લાવા પૂરી પાડતી નળીનો ઘસારાજન્ય અવશેષ છે. પછીના મહિનામાં શોધાયેલી બીજી નળીયુક્ત ખાણ ડ્યુટોઇટસ્પાન (60 એકર) કિમ્બર્લી શહેરથી 32 કિમી. અગ્નિકોણમાં આવેલી છે. 1871ની શરૂઆતના બુલફૉન્ટેન ખાણ (62 એકર); મે, 1871માં દ બિયર્સ (43 એકર); જૂન, 1871માં કિમ્બર્લી (38 એકર) ખાણની એક પછી એક ખોજ થતી ગઈ. આ ચારેય ખાણો કિમ્બર્લી શહેર સહિત લગભગ 5 કિમી.ના વ્યાસમાં આવી જાય છે. પ્રીમિયર તરીકે જાણીતી, પણ હવે વેસેલ્ટન (49 એકર) નામથી ઓળખાતી ખાણ 1890ના સપ્ટેમ્બરમાં શોધાઈ, તે ડ્યૂટૉઇટસ્પાનથી લગભગ 3 કિમી. અંતરે પૂર્વમાં આવેલી છે. જાગર્સફૉન્ટેન અને કિમ્બર્લી વચ્ચે આવેલી કૉફીફાટેન ખાણ પણ અગત્યની બની રહેલી છે. આ ઉપરાંત, 1903માં શોધાયેલી, જોહાનિસબર્ગથી 70 કિમી. અંતરે ઈશાનમાં આવેલી પ્રીમિયર ખાણ (80 એકર) 1940માં શોધાયેલી. તાન્ઝાનિયામાંની વિલિયમસન ખાણ (400 એકર) કાગો રિપબ્લિકમાં 1949માં શોધાયેલી. બાકવાંગા ખાણ (80 એકર) અને સિયેરા લિયોનની 1956માં શોધાયેલી કોઈડુ ખાણ (1 એકર) નફાકારક ગણાય છે.
સાઇબિરિયા યાકૂતિયાની હીરાની ખાણ(કિમ્બરલાઇટ)નું દૃશ્ય.
232 કૅરેટનો ‘સ્ટાર ઑવ્ યાકૂતિયા’ હીરો.
સાઇબીરિયાના યાકૂતિયામાં શોધાયેલી કિમ્બરલાઇટ નળી અને સંકલિત નદીજન્ય ભૌતિક સંકેન્દ્રણો વિશે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. તે લીના નદી પર આવેલા યાકુટસ્કની પશ્ચિમે અને ઉત્તર ધ્રુવવૃત્તની અંદર તરફ બૈકલ સરોવરની ઉત્તરે સ્થિત છે. આ વિસ્તાર, હિમનદીજન્ય પરિસ્થિતિવાળો હોવાથી તેમજ અહીં શૂન્યથી નીચે -75° સે. જેટલી કાતિલ ઠંડી પડતી હોવાથી ખાણકાર્યમાં મુશ્કેલીઓ સર્જાય છે.
ગુણધર્મો : હીરો એ એક એવા પ્રકારનું અદભુત રત્ન છે કે જેના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે ! રાસા. બં. : C (કાર્બન); સ્ફ. વર્ગ : ક્યૂબિક; સ્ફ. સ્વ. : ઑક્ટાહેડ્રલ, ક્યૂબ, ડોડેકાહેડ્રલ અને ટ્રેપેઝોહેડ્રલ સ્વરૂપોમાં મળે; મોટે ભાગે ચપટા, નિરેખણ આકૃતિઓ(111 ફલક પર)વાળા મળે; ફલકો ક્યારેક વળેલી સપાટીઓવાળા તો ક્યારેક રેખાંકિત હોય; વિકેન્દ્રિત સંરચના સાથેના ગોલકો પણ મળે; ભાગ્યે જ દળદાર હોય; યુગ્મતા (111) અને (001) ફલકો પર; પારદર્શક, પારભાસક વધુ, ભાગ્યે જ અપારદર્શક. હીરો કુદરતી ખનિજ સ્ફટિક સ્વરૂપે મળતો હોવા છતાં બધાં જ ખનિજોમાં તેનું સ્થાન અનોખું રહ્યું છે. અનોખું એટલા માટે કે તેનું સ્ફટિકીકરણ પ્રચંડ દાબ હેઠળ થતું હોય છે. દુનિયાભરના તમામ પદાર્થોમાં તે મહત્તમ કઠિનતા ધરાવે છે. તેનું બંધારણ એકમાત્ર એક જ તત્વ ‘કાર્બન’નું બનેલું છે. ગ્રૅફાઇટ (C) અને હીરાનું બંધારણ એકસરખું હોવા છતાં આંતરિક અણુરચનાના તફાવતને કારણે તેના ભૌતિક ગુણધર્મોમાં તે અલગ પડી જાય છે. તે અતિકીમતી, વધુમાં વધુ કઠિનતાધારક (10) છે, તેમ છતાં તેની કઠિનતા તેના જુદા જુદા ફલકો પર જુદી જુદી રહે છે. ક્યૂબ ફલકો કરતાં ઑક્ટાહેડ્રલ ફલકો પર કઠિનતા ઓછી હોય છે. હીરાને કાપવામાં કઠિનતાનો બદલાતો ગુણધર્મ અનુકૂળતા કરી આપે છે. તે (111) ફલક પર પૂર્ણ સંભેદ ધરાવે છે. સ્ફટિકો સામાન્યપણે ખાંચાખૂંચીવાળા, પરંતુ ક્વચિત્ વલયાકાર (કમાનાકાર) પ્રભંગવાળા હોય છે. બરડ છતાં ટકાઉ અને અક્ષય તથા 3.47થી 3.56 (સરેરાશ 3.53) વિ. ઘ.(રત્નપ્રકાર માટે) વાળા હોય છે. (દૃઢ, કાળા કોક જેવા સૂક્ષ્મ સ્ફટિકસમૂહો ‘કાળા હીરા’ તરીકે ઓળખાય છે અને ‘કાર્બૉનેડો – Carbonado’ને નામે વેચાય છે, તેની વિ. ઘ. 3.15થી 3.2 જેટલી હોય છે.) હીરાની ઊંચી અપકિરણ-(dispersion) ક્ષમતા અને ઊંચા વક્રીભવનાંક 2.419(2.41થી 2.43)ને કારણે અરીસા જેવી, ખૂબ જ ઉત્કૃષ્ટ ચમક અને તેજસ્વિતા પ્રાપ્ત કરે છે. હીરો આવી અદભુત પરાવર્તનક્ષમતા ધરાવતો હોવાથી તે પ્રકાશનું વિશેષ પરાવર્તન કરી શકે છે; આ કારણે વક્રીભવનનો ગુણધર્મ રંગપટ(spectrum)નાં કિરણોનું અનેક રંગોમાં વિભાજન કરે છે. આવી પ્રકાશીય ક્ષમતા હીરાને અપ્રતિમ નિર્મળતા, પારદર્શકતા, તેજસ્વિતા અને પ્રતિદીપ્તિ બક્ષે છે. હીરાને ક્ષ-કિરણો તેમજ પારજાંબલી કિરણો દ્વારા ચકાસીને તે હીરો હોવાનું નક્કી કરી શકાય છે; જ્યારે હીરા જેવા જ દેખાતા કેટલાક રંગવિહીન કાચ, ઝિરકોન વગેરે સમાન તરંગલંબાઈ અને તીવ્રતા ધરાવતા હોય છે અને ક્ષ-કિરણો હેઠળ તપાસતાં તે અપારદર્શક જણાય છે. આ કારણથી હીરો એક પાણીદાર રત્ન બની રહે છે. તેનો પ્રસરણાંક 750° સે. તાપમાન બાદ ઝડપથી વધે છે અને ઓછા તાપમાને ઝડપથી ઘટે છે. -42° સે. તાપમાને તેની ઘનતા વધુ હોય છે. તે ગરમીનો સુવાહક છે, તેથી કાચ કે ઇમિટેશન-રત્નોની અપેક્ષાએ તેનો સ્પર્શ ઠંડો લાગે છે, તદુપરાંત તેનો સ્પર્શ ચીકણો હોવાનું પણ જણાય છે. ઘર્ષણથી તેમાં વીજભાર ઉત્પન્ન થાય છે, તેનો વિદ્યુત-અવરોધ સાદા કાચ જેટલો જ હોય છે. પ્રાણવાયુ કે હવામાં તે 700° સે. તાપમાને CO2 સ્વરૂપે બળે છે અથવા સળગી ઊઠે છે, તાપમાન જાળવી રાખતાં તે સળગતો રહે છે; જો તેમાં પાયરોપ, ક્રોમાઇટ, ક્રોમ-ડાયૉપ્સાઇડ, ઑલિવિન કે મૅગ્નેટાઇટ જેવી આગંતુક અશુદ્ધિઓ હોય તો તેના અવશેષ રહી જાય છે. હીરાને જો બ્લોટૉર્ચની આંચ આપવામાં આવે તો તે લાકડિયા કોલસાની જેમ સળગી ઊઠશે. તેમાંનો કાર્બન, CO2 રૂપે છૂટો પડી જશે. હીરો ગાયબ થઈ જશે. હીરા પર જો હથોડાનો પ્રહાર કરવામાં આવે તો કાચની જેમ તેની અનેક કરચો થઈ જશે. સળગવાની તેની સ્થિતિ દરમિયાન ધીમે ધીમે 1000° સે. તાપમાને તે ગ્રૅફાઇટ(C)માં રૂપાંતરિત થાય છે; આથી વધુ તાપમાને હીરાનું ગ્રૅફાઇટમાં રૂપાંતર ઘણું જ ઝડપી હોય છે. ગ્રૅફાઇટીકરણનો દર આવર્ત કોષ્ટકના VIIIમાં સમૂહનાં તત્વો પૈકી કોઈ પણ એકના સંપર્કમાં હોય તો અથવા લોહ–નિકલ-કોબાલ્ટની મિશ્રધાતુઓના સંપર્કમાં હોય ત્યારે ઝડપથી વૃદ્ધિ પામે છે.
સામાન્ય રીતે હીરા રંગવિહીન કે શ્વેત રંગમાં મળી આવે છે; છતાં પીળા, કેસરી, રાતા, લીલા, નીલા કે કથ્થાઈ રંગની ઝાંયમાં પણ તેમની પ્રાપ્તિ અસામાન્ય નથી. ક્વચિત્ રાખોડી કે કાળા રંગમાં પણ તે મળી આવે છે (જુઓ, રંગીન પ્લેટ-અ). ઊંચા તાપમાને હીરાને ગરમ કરવાથી તેનો રંગ કેટલીક વાર અદૃશ્ય બની જાય છે કે બદલાઈ જાય છે; પરંતુ ઠંડો પડતાં ફરીથી દેખાય છે. આમ થવાનું કારણ તેમાં રહેલી હાઇડ્રોકાર્બન અશુદ્ધિઓ છે અને તેના કરતાં પણ વધુ અગત્યનું કારણ તો ધાત્વિક ઑક્સાઇડની અશુદ્ધિઓ હોય છે. સર વિલિયમ ક્રૂક્સ નામના એક નિષ્ણાતે ઝાંખા પીળા રંગના એક હીરાને બે સપ્તાહ સુધી રેડિયમ બ્રોમાઇડમાં રાખ્યો હતો; તેથી તેનો રંગ વાદળી-લીલો થઈ ગયેલો.
પ્રકાશીય ગુણધર્મો પૈકી તે સમદિગ્ધર્મી છે. હીરાને જો શૂન્યાવકાશ-નળીમાં વીજભાર હેઠળ કે પારજાંબલી પ્રકાશમાં રાખવામાં આવે કે ઘસવામાં આવે કે સૂર્યપ્રકાશમાં કે રેડિયમની હાજરીમાં ખુલ્લો રાખીને તુરત જ અંધારામાં લઈ જવાય તો તેના પશ્ચાત્-સ્ફુરણ(phosphorescence)ના ગુણધર્મને કારણે તે સ્પષ્ટ ભૂરા, લીલા કે પીળા રંગમાં ઝગમગી ઊઠે છે. પશ્ચાત્-સ્ફુરણનો તેનો આ ગુણ 1663થી (છેક રૉબર્ટ બૉઇલના સમયથી) જાણીતો બનેલો છે. એકસરખાં ખનિજસંકેન્દ્રણોમાંથી તેને અલગ તારવવામાં ક્યારેક આ ગુણધર્મનો ઉપયોગ થાય છે. કુદરતમાં મળતી તેની મૂળભૂત સ્થિતિમાં તો તેની ચમક ઘણુંખરું રાળ જેવી હોય છે; પરંતુ તેને કાપીને જ્યારે ફલક પાડવામાં આવે છે ત્યારે તે અત્યંત તેજસ્વી, ચકચકિત ‘હીરક’ (adamantine lustre) ચમકવાળો બની રહે છે.
હીરાના સ્ફટિકો, સ્ફટિકશાસ્ત્રની દૃષ્ટિએ, ક્યૂબિક વર્ગમાં આવે છે. મુખ્યત્વે તે ઑક્ટાહેડ્રન, રહોમ્બ્ડોડેકાહેડ્રન, ક્યૂબ કે હેક્ઝાઑક્ટાહેડ્રનમાં તો ક્વચિત્ યુગ્મસ્ફટિક સ્વરૂપોમાં પણ મળે છે. હીરાનો પ્રભંગ કમાનાકાર હોવા છતાં, સામાન્ય રીતે મળતા તેના ઑક્ટાહેડ્રન ફલકોને કારણે તેને સમાંતર તોડી શકાય છે. આ ગુણધર્મને કારણે મણિકારો (પહેલ પાડનારા) માટે તેને કાપીને પહેલ પાડવાનું સરળ થઈ પડે છે. હીરો, તેની કઠિનતાને કારણે તેમજ અક્ષયપણાના લક્ષણવાળો અને અતિ તેજદાર પાણીવાળો હોઈને કુદરતમાંથી મળી આવતાં અન્ય રત્નોમાં લોકપ્રિયતાની દૃષ્ટિએ છેક પ્રાચીન કાળથી વિશિષ્ટ સ્થાન પામેલો છે. તેની અસલ સ્થિતિમાં તો તે જવલ્લે જ સુંદર હોય છે. તેની સુંદરતા તેને અમુક રીતે ફલકોમાં તૈયાર કરવાની પદ્ધતિને જ આભારી છે. સુંદર દેખાય એ રીતે ચોકસાઈથી કાપવાની પદ્ધતિ કુશળ મણિકારોને જ હસ્તગત હોય છે. ચોક્કસ રીતે કાપવાની પદ્ધતિ 1746 સુધી ખાસ પ્રચલિત ન હતી. હીરા કાપવાની પ્રથાનો ચોક્કસ સમય મળતો નથી, પણ મધ્યયુગમાં તે અમલી બની હોય એમ જણાય છે.
હીરો સખતમાં સખત ગણાતું ખનિજ છે. જનરલ ઇલેક્ટ્રિક કંપની(G.E.C.)એ હીરાથી ઊતરતા ક્રમની કઠિનતાવાળું બોરૉન નાઇટ્રાઇડ ‘બોરેઝોન’ નામથી કૃત્રિમ પદ્ધતિથી તૈયાર કર્યું છે. તે પછીથી ઊતરતા ક્રમે અનુક્રમે સિલિકોન કાર્બાઇડ, ટંગસ્ટન કાર્બાઇડ અને ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ તૈયાર કરવામાં આવેલાં છે.
હીરાને કાપવા માટે તો હીરો જ ઉપયોગમાં લેવાય છે. દુનિયાભરનાં બધાં જ દ્રવ્યોમાં કઠિનતાની જેમ જ હીરાની ઉષ્માવાહકતા (thermal conductivity) પણ ઊંચામાં ઊંચી ગણાય છે. સામાન્ય પ્રવર્તમાન તાપમાને (room temperature) શુદ્ધ હીરાની ઉષ્માવાહકતા તાંબાની અપેક્ષાએ પાંચગણી વધુ હોય છે. ઉષ્માવાહકતાના આ ગુણધર્મને કારણે જ અન્ય પદાર્થો કાપવા માટે ઉપયોગમાં લેવાતી હીરાની અણીઓ (diamond points) ગરમ થઈ જતી નથી, તેથી જ ઘર્ષણ-પ્રતિરોધક કતરણ-સાધનોમાં હીરાની ઉપયોગિતાનું મહત્વ અનેકગણું વધી જાય છે. કેટલાક હીરાઓને બાદ કરતાં, લગભગ બધા જ હીરા વીજઅવાહકતાનો પણ ગુણધર્મ ધરાવે છે. મોટા ભાગના હીરા લોહ-પોલાદ કરતાં પણ વધુ સારા ઉષ્માવાહકો બની રહે છે. કેટલાક હીરાને કિરણોત્સર્ગતાની અસર હેઠળ રાખવામાં આવે ત્યારે જ વીજવાહક બને છે. પ્રવાહનું વહન વિકિરણની તીવ્રતાના પ્રમાણ મુજબ થતું હોય છે. આ સિદ્ધાંત અનુસાર, કિરણોત્સર્ગતાનું માપન કરવા માટેનાં સાધનો વિકસાવાયાં છે. કિરણોત્સર્ગતાનો મારો જો તીવ્ર હોય તો હીરા પ્રથમ તો લીલા, પછી કથ્થાઈ અને છેલ્લે કાળા બની રહે છે.
સ્ફટિક રચના : હીરા ક્યૂબિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે અને મોટે ભાગે ઑક્ટાહેડ્રન, ડોડેકાહેડ્રન તથા ક્યૂબ સ્વરૂપોમાં જોવા મળે છે. આ પૈકીનાં પ્રથમ બે સ્વરૂપો વધુ સામાન્ય છે. કેટલાક હીરાઓમાં ઑક્ટાહેડ્રનની ઉપર આચ્છાદન રૂપે ડોડેકાહેડ્રન અને ક્યૂબ પણ વિકસેલા મળી આવે છે. સિયેરા લિયોન અને કૉંગોમાંથી મળેલા કેટલાક સ્ફટિકોમાં આ ત્રણેય સ્વરૂપો લગભગ સરખા પ્રમાણમાં વિકસેલાં મળે છે. અપારદર્શક પીળાથી કથ્થાઈ વલયપડનાં આવરણ હોય અને કેન્દ્રમાં શુદ્ધ રંગવિહીન ઑક્ટાહેડ્રન-સ્વરૂપી હીરો હોય એવા સ્ફટિકો પણ મળે છે, જેમને વેપારીવર્ગમાં આચ્છાદિત રત્ન (coated stone) તરીકે ઓળખાવાય છે. તેમનાં બાહ્ય વલય થોડાક પ્રમાણમાં અશુદ્ધ હીરાવાળાં યુગ્મસ્વરૂપી હોય છે.
ઑક્ટાહેડ્રન ફલકોને સમાંતર યુગ્મતા હોવાના પુરાવા લગભગ દરેક સ્ફટિકમાં મળેલા છે. નવાઈની બાબત તો એ છે કે મહત્તમ શુદ્ધતા ધરાવતો હીરો મોટે ભાગે તો અનિયમિત આકારવાળો હોય છે. આછા પીળા રંગવાળા હીરાનાં બાહ્ય સ્વરૂપો પૂર્ણ વિકસિત અને યુગ્મતા ઓછી હોય છે. બધા જ પ્રકારની સ્ફટિક-યુગ્મતા બાહ્ય દ્રવ્યના સંકલનને કારણે હોય છે; આવા આગંતુકો કાર્બન-બિંદુઓ (carbon spots) કહેવાય છે. યુગ્મતાનું લક્ષણ એટલું તો સામાન્ય થઈ પડ્યું હોય છે કે વેપારી આલમમાં હીરા-કતરકો તેને મેકલ (macles) તરીકે ઓળખાવે છે, મોટા યુગ્મવિભાગો ‘block’ અને નાના હોય તેને ‘knot’ અથવા ‘ping’ કહેવાય છે.
હીરાની સ્ફટિક-રચનાનું માળખું ઑક્ટાહેડ્રલ હોવાનું હવે સર્વસ્વીકૃત બની ચૂક્યું છે. ક્ષ-કિરણો અને નિરેખણ આકૃતિઓના પુરાવાઓથી વિરુદ્ધ હોવા છતાં ઘણાં વર્ષો સુધી તેને માટે ટેટ્રાહેડ્રલ રચનાનો ખ્યાલ ચાલુ રહેલો, તેનું મુખ્ય કારણ કિમ્બર્લીના હીરાની બાહ્ય આકારિકી હતું.
સારી ગુણવત્તાવાળા ઑક્ટાહેડ્રલ હીરા સિયેરા લિયોન, ઘાના, ઍંગોલા અને કૉંગોની પેદાશ ગણાય છે; ડોડેકાહેડ્રલ હીરા બ્રાઝિલમાંથી મળે છે; ડોડેકાહેડ્રન મુખ્ય અને ઑક્ટાહેડ્રન ગૌણ હોય એવા હીરા કિમ્બર્લીમાંથી નીકળે છે; નૈર્ઋત્ય આફ્રિકા અને તાન્ઝાનિયાના લાક્ષણિક હીરા અનિયમિત આકારમાં મળે છે, જોકે તેમનાં બાહ્ય સ્ફટિક-સ્વરૂપો સારાં હોય છે.
રંગીન હીરા : આજથી લગભગ 2400 વર્ષ અગાઉ ભારતના રાજા-મહારાજાઓનાં આભૂષણોમાં હીરાને સર્વપ્રથમ વાર સ્થાન મળ્યું, ત્યારે હીરા બરફ જેવા પારદર્શક અને સ્વચ્છ જ હોવા જોઈએ એવો આગ્રહ સેવાતો હતો; જો કોઈ આછા રંગની છાયા પણ દેખાય તો તે હલકી કક્ષાના ગણાતા હતા અને તેથી તેની કોઈ ખાસ કિંમત અંકાતી ન હતી, તે માત્ર સસ્તાં ઘરેણાં કે ખનનકાર્યમાં ઉપયોગી ઓજારોમાં જડવામાં આવતા હતા.
એક કાળે પીળા રંગના આ પ્રકારના હીરાને તુચ્છ ગણીને નકારી કાઢવામાં આવતા હતા, પરંતુ આજે તે શ્રીમંતોની સૌથી પ્રિય પસંદગી બની ગયેલ છે.
ભારત સિવાય અન્ય દેશોમાં જેમ જેમ હીરા મળતા થયા અને રંગીન હીરાની પણ પ્રાપ્તિ થતી ગઈ તેમ તેમ તે પણ ઉપયોગમાં લેવાતા ગયા. ગુલાબી, લીલા, પીળા, વાદળી, કથ્થાઈ અને નારંગી રંગની ઝાંયવાળા હીરા મળતા ગયા. એક કાળે પીળા રંગના હીરા તુચ્છ ગણીને નકારી કાઢવામાં આવતા હતા; પરંતુ આજે તો તે શ્રીમંતોની પ્રિય પસંદગી બની ગયેલા છે. ધીમે ધીમે રંગીન હીરાનાં નામકરણ થવા લાગ્યાં. શરાબના નામ પરથી કોઈકને ‘કૉગ્નેક’ તો કોઈકને ‘શેમ્પેઇન’ તો વળી અન્યને ‘બ્રાઉન’, ‘યેલો’ જેવાં નામથી નવાજવામાં આવ્યા. જાંબલી (purple) રંગના હીરા જવલ્લે જ મળતા હોવાથી તે અસામાન્ય ગણાય છે. રંગવિહીન હીરાના જ્યારે સાત ટ્રક ભરાય ત્યારે જાંબલી હીરા માત્ર એક તાસક ભરાય એટલા જ મળે છે. કબૂતરના લોહી જેવા લાલ રંગના હીરા તો માંડ અર્ધો ડઝન જેટલા જ મળી શક્યા છે, તેથી તેમની કિંમત પણ ખૂબ વધારે અંકાય છે. પ્રતિ કૅરેટે તેમની કિંમત એક મિલિયન (દસ લાખ) ડૉલર જેટલી મુકાય છે. તેની સરખામણીમાં તદ્દન ક્ષતિરહિત શ્વેત હીરો એક કૅરેટના માત્ર 15,000 ડૉલરના ભાવથી વેચાય છે. ગુલાબી અને વાદળી રંગના હીરા વધુ પ્રમાણમાં ભલે મળતા હોય, પણ તેમની કિંમત એક કૅરેટના લાખ ડૉલરથી પણ વધુ અંકાય છે. દુનિયાભરમાં માણેક જેવા લાલ અને નીલમ જેવા વાદળી રંગના હીરા સૌથી વધુ મૂલ્યવાન ગણાય છે.
રંગીન હીરાના બજારની શરૂઆત ઑસ્ટ્રેલિયાની આર્ગાઇલ (અર્જિલ) ખાણના સૂત્રધારો દ્વારા થઈ. આ ખાણ દુનિયાભરમાં ગુલાબી હીરાનું મુખ્ય પ્રાપ્તિસ્થાન ગણાય છે. આ ઉપરાંત, ત્યાંથી જૂજ પ્રમાણમાં ડીપ કારમાઇન (Pigeon blood red) રંગના હીરા પણ મળી આવે છે. શરૂઆતમાં વજનની દૃષ્ટિએ આ ખાણો વધુ ઉત્પાદન કરતી હોવા છતાં તેમના હીરાની ગુણવત્તા ઓછી અંકાતી હતી, તેથી તેમણે વેપાર કરવાની અનોખી પદ્ધતિ અપનાવી. તેમણે જોયું કે કોઈ પણ ચીજનું મૂલ્ય તેની વિરલતા (rarity) પર આધાર રાખે છે, તેથી તેમણે શ્રેષ્ઠ કક્ષાનું બજાર (marketing) વિકસાવી શકે એવા નિષ્ણાતોને રોકીને બહોળો પ્રચાર કરાવ્યે રાખ્યો. આમ અગાઉ ઓછી કિંમતે વેચાતો માલ હજારો-લાખોમાં વેચાવો શરૂ થયો. બજાર માંગ અને ખપત વધી ગયાં, ઍન્ટ્વર્પના શ્વેત હીરાના બજાર પર પણ તેની ઘણી અસર પહોંચી.
જેમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ અમેરિકા જેવી સંસ્થાઓ કુદરતી રીતે મળતા રંગીન હીરાનાં પ્રમાણપત્રો આપે છે અને તેમનો રંગ ખરેખર કુદરતી જ છે તેની ખાતરી પણ આપે છે. રંગનું વર્ણન પ્રમાણપત્રમાં આપવામાં આવે છે; જેથી ખરીદનાર છેતરાય નહિ અને ભરોસો પડે.
હીરાનું બજાર : 1888માં દક્ષિણ આફ્રિકાના ડેડરીક આર્નોલ્ડ્સ અને જોહાનિસ નિકોલસ દ બિયર્સ નામના બે ખેડૂતભાઈઓએ દ બિયર્સ કંપની શરૂ કરેલી. ભારતના હીરાના ઇતિહાસને બાદ કરતાં, છેલ્લાં સો વર્ષના હીરાઉદ્યોગના સંદર્ભમાં અહીંથી સર્વપ્રથમ મોટા પાયા પર હીરા મળી આવ્યાનો ઉલ્લેખ મળે છે. દ બિયર્સ ભાઈઓ તો આ કંપની ચલાવી શક્યા નહિ, પરંતુ ‘દ બિયર્સ’ નામ ચાલુ રહ્યું. ત્યારબાદ આફ્રિકી સાહસિક વેપારી સેસિલ રહોડ્ઝે આ કંપની ખરીદી લીધી, બીજી ઘણી કંપનીઓને પણ તેમાં ભેળવી, પણ આફ્રિકાની હીરાની ખાણો પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. ઓગણીસમી સદીના અંતમાં હીરાનો ખરીદનાર એક જર્મન, અર્નેસ્ટ ઓપન હાઇમર આ કંપનીમાં જોડાયો, ચૅરમૅન બની ગયો અને દુનિયાભરના હીરાબજારનો અંકુશ પોતાને હસ્તક લઈ લીધો. છેવટે દ બિયર્સ કંપની ઓપન હાઇમરની પોતાની મિલકત બની રહી. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ 1946માં તેનો પુત્ર હેરી ચૅરમૅન બન્યો ત્યાં સુધીમાં તો દુનિયાભરમાં આ કંપનીની અને આ કુટુંબની ખ્યાતિ પ્રસરી ચૂકી હતી. હેરી વૃદ્ધ થયો ત્યારે તેના પુત્ર નીકીએ દ બિયર્સ કંપનીની જવાબદારી સંભાળી લીધી.
ભવિષ્યમાં સંજોગોવશાત્ હીરાઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ થઈ જાય તોપણ મોટા ભાગની બિનદક્ષિણ આફ્રિકી કંપનીઓ સ્વિસ કંપની પાસે છે, તેનું નામ છે ‘દ બિયર્સ સેન્ટિનરી એજી’; અન્ય એક કંપની ‘દ બિયર્સ કૉન્સૉલિડેટેડ માઇન્સ લિ.’ ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી ખાતે છે. આ બધાની સામે રશિયાનો પડકાર છે અને કૅનેડામાં નાની ખાણો મળી આવેલી છે; તેથી હરીફાઈ તો ચાલશે અને ફાલશે. અત્યારે દ બિયર્સ કંપનીનું વર્ચસ્ છે અને બજાર પર નિયંત્રણ છે, જે હીરાની કિંમતો જાળવી રાખે છે. ઑસ્ટ્રેલિયાની ખાણો કૅરેટ-ઉત્પાદનની દૃષ્ટિએ દુનિયાની સૌથી મોટી ખાણો ગણાતી હોવા છતાં ગુણવત્તાની દૃષ્ટિએ નીચી ઊતરે છે. કૅનેડાના વાયવ્ય વિસ્તારમાંથી ઉત્તમ હીરા (quality stones) મળી આવ્યા છે, તેથી હીરાનું બજાર તેનું વર્તમાન વર્ચસ્ ગુમાવી બેસે એવો ભય સેવાયા કરે છે. ‘અતિ સર્વત્ર વર્જયેત્’ સૂત્ર મુજબ જે ચીજ સરળતાથી મળે તેનું મૂલ્ય ઘટે, વધુ વપરાય અને એના જેવી અન્ય મોંઘી ચીજની માંગ ઘટી જાય; તેમ છતાં હીરાનું તેજ શાશ્વત હોઈને તેનું મૂલ્ય ઘટવાની દહેશત રાખવાની જરૂર નથી.
ઑસ્ટ્રેલિયાનું ટ્રિલિયન સ્ટોન ડાયમંડ ક્ષેત્ર અને યાકૂતિયા(સાઇબીરિયા)નું ક્ષેત્ર દક્ષિણ આફ્રિકાના ક્ષેત્રને સમકક્ષ અને અગત્યનું ગણાય. યાકૂતિયાની ખાણોનું હીરાનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન દુનિયાના કુલ ઉત્પાદનના આશરે 25 % જેટલું રહે છે. દ બિયર્સની દક્ષિણ આફ્રિકાની ખાણોમાંથી 50 % જેટલા હીરાનું ખોદકામ થાય છે. આ કંપનીના નેજા હેઠળ અત્યારે 63 % જેટલો (જે અગાઉ 80 % જેટલો હતો) કાચા હીરાનો વેપાર થતો રહે છે. દ બિયર્સ કંપની રશિયાની હરીફાઈમાં પોતાનું વર્ચસ્ ટકાવી શકશે કે કેમ તે ભય તેને સતાવે છે, જોકે રશિયાના ભાગલા થઈ જવાથી 1992થી હીરાના બજારનો અંકુશ યાકૂતિયાનું ક્ષેત્ર જાળવી શક્યું નથી. 1993-94-95 દરમિયાન હીરાનો ઘણો મોટો વેપાર થયેલો. દ બિયર્સ કંપનીએ 11 % ભાવકાપ પણ મૂકી દીધેલો. જોકે યાકૂતિયા ક્ષેત્રમાં હજી હીરાનો ઘણો મોટો જથ્થો હોવાનું કહેવાય છે. ત્યાં હજી બીજી 500 જેટલી કિમ્બરલાઇટ નળીઓ અકબંધ બાકી છે. અહીં કાતિલ ઠંડી (શૂન્યથી -75° સે. નીચે તાપમાન પહોંચી જાય છે.) પડતી હોવાથી ખાણકાર્ય મુશ્કેલ બની રહે છે. ગમે તેમ, હીરાબજારમાં ટકી રહેવા માટે દ બિયર્સ કંપનીથી રશિયન ભાગીદારીને છોડી શકાય તેમ તો નથી જ. યાકૂતિયાની મીરની (= શાંતિ) અને ઉદાયની (= નસીબદાર) નામની ખાણોમાંથી 232 કૅરેટનો ‘ધ સ્ટાર ઑવ્ યાકૂતિયા’ નામનો હીરો (જુઓ આકૃતિ) અને બીજો તેથી પણ મોટો 342 કૅરેટનો ‘સિક્સ્ટીન પાર્ટી કૉંગ્રેસ’ નામનો હીરો મળી આવ્યા છે. તે આકાર વગરના કાચા હીરા છે. અત્યારે તો તેમને રાષ્ટ્રીય સંપત્તિ ગણીને ક્રેમલિનમાં કાચની પેટીમાં રાખી મૂકવામાં આવેલા છે.
1995માં હીરાના મુખ્ય ઉત્પાદક દેશોએ અંદાજે 115 મિલિયન કૅરેટ હીરાનું ઉત્પાદન કરેલું, જે દુનિયાના કુલ ઉત્પાદનના લગભગ 83 % જેટલું હતું. અન્ય કંપનીઓની સ્પર્ધાને કારણે દ બિયર્સ કંપનીનો વેપાર 2002 સુધીમાં 50 % જેટલો થઈ ગયો હતો. (જુઓ સારણી 1.)
સારણી 1 : (1995 મુજબ)
ક્રમ | દેશ | ઉત્પાદન (મિલિયન કૅરેટમાં) |
કિંમત (યુ.એસ. મિલિયન ડૉલરમાં) |
1. | ઑસ્ટ્રેલિયા | 38.5 | 346 |
2. | રશિયા | 21.9 | 1300 |
3. | ઝાયર | 19.0 | 696 |
4. | બોત્સવાના | 15.6 | 1300 |
5. | દ. આફ્રિકા | 11.0 | 1200 |
6. | ઍંગોલા | 4.4 | 606 |
7. | બ્રાઝિલ | 2.3 | 120 |
8. | આઇવરી કોસ્ટ | 1.5 | 115 |
9. | નામિબિયા | 1.3 | 375 |
(ભારતનું ઉત્પાદન ન જેવું હોવાથી અહીં આપેલ નથી. |
ઍન્ટ્વર્પ : હીરાના વેપારનું કેન્દ્ર. બેલ્જિયમનું મધ્યયુગીન નગર ઍન્ટ્વર્પ આજે દુનિયાભરમાં હીરાના વેપાર માટેનું મુખ્ય મથક ગણાય છે. દ બિયર્સ કંપનીના ત્રીજા ભાગના ચુનંદા ખરીદનારાઓ અહીં રહે છે. 60 % સોદા તેમની મારફતે જ થાય છે. 1995ની સાલમાં (ડાયમંડ ઇન્ટરનૅશનલ મૅગેઝિન મુજબ) ઍન્ટ્વર્પ ખાતે 21 બિલિયન ડૉલરનો વેપાર થયેલો, તેમાં ઝવેરાતના હીરા તેમજ ઔદ્યોગિક હીરાનો સમાવેશ થઈ જાય છે.
ઍન્ટ્વર્પમાં હીરાનો સર્વપ્રથમ વેપાર 1747માં શરૂ થયો હોવાનું કહેવાય છે; પરંતુ 19મી સદીના અંતભાગમાં જ તેનો મહત્તમ વેપાર વિકસ્યો. આજે કાચા હીરાને કાપવાનું અને ઘસવાનું કાર્ય મોટા પાયા પર ભારત, થાઇલૅન્ડ અને ઇઝરાયલમાં ચાલે છે. બેલ્જિયમમાં 1995માં હીરાઘસુઓની સંખ્યા, જે પહેલાં 20,000 જેટલી હતી, તે ઘટીને, 3500ની થઈ ગયેલી. હીરાઘસુઓની રાષ્ટ્રીયતા ભલે બદલાઈ હોય; પરંતુ હીરા ઘસવાની પરંપરા તો ચાલુ જ છે. કાચા હીરા હજી પણ પોલાદની ઘંટી પર જ ઘસાય છે. એક કુશળ હીરાઘસુ કારીગર ખુલ્લી આંખે અને સ્થિર હાથ વડે કાચા ગોળ હીરા પર 57 ઝીણા ઘસારા પાડે છે, દરેક ખૂણો ચોકસાઈપૂર્વક ઘસવો પડે છે. ઘંટી (spinning wheel) પર હીરાનો જ પાઉડર છાંટવો પડે છે. આંગળીથી તેના પર તેલ ઉમેરાય છે. પછી હીરાને હળવેથી ચક્ર નજીક લઈ જવાય છે; પરંતુ સ્પર્શ ક્યારેય કરવામાં આવતો નથી.
હવે આધુનિક તક્નીકી અપનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. હીરાના કારખાનામાં એક જ કુશળ કારીગર કમ્પ્યૂટર દ્વારા સંચાલિત 6 મશીનો પર એકસાથે દેખરેખ રાખી શકે છે. આ યંત્રો એકસાથે 24 હીરા ઘસે છે. કમ્પ્યૂટર પ્રોગ્રામ 3 પરિમાણી (આયામી) છાપ (three dimensional image) ઊભી કરીને એક કાચા હીરામાંથી વધુમાં વધુ લાભદાયક કેટલા કાપા પાડી શકાશે તેની જાંચ કરે છે, જેને ‘ડાયમંડ કટર્સ પ્લૉટ’ કહે છે. જોકે એક કાચા હીરા પર કેટલા કાપા પાડી શકશે તે તો અનુભવી-કુશળ કારીગર જ કહી શકે. ઘસવાની પ્રક્રિયામાં કાચા હીરાનું અડધોઅડધ વજન ઓછું થઈ જાય છે. કાચા હીરામાંથી જો એક સૂક્ષ્મ કણ પણ નીકળી જાય તો તેની ન્યૂનતમ કિંમતમાં ઘણો મોટો ફેર પડી જાય છે.
ઉત્પત્તિ–સ્થિતિ (mode of formation) : કુદરતી પ્રાપ્તિસ્થિતિના સંદર્ભમાં હીરાની ઉત્પત્તિ-સ્થિતિના બે પ્રકારો પાડી શકાય :
1. અલ્ટ્રાબેઝિક-પેરીડોટાઇટ પ્રકાર : કિમ્બરલાઇટ (પેરીડોટાઇટ) નળી કે અન્ય સમકક્ષ અલ્ટ્રાબેઝિક અંતર્ભેદકોને હીરાનું મૂળ (પ્રાથમિક) ઉત્પત્તિસ્થાન ગણવામાં આવે છે. આ ઉત્પત્તિ મુજબ ગાજર આકારની ઊભી કે થોડીક ત્રાંસી, ઊંડાઈએ જતાં ઘટતા જતા વ્યાસ(કેટલાક દશક કે ઘણા શતક મીટરના વ્યાસ)વાળી અલ્ટ્રાબેઝિક ખડકનળીમાં જડાયેલા સ્વરૂપે હીરા મળી આવે છે. આ પ્રકારની નળીઓ વધુમાં વધુ 750 મીટરના વ્યાસવાળી અને 1000 કે 1200 મીટરની ઊંડાઈ સુધીની હોવાનું જાણવા મળેલું છે. પોપડાની ઊંડાઈએથી પ્રચંડ દાબ હેઠળ વિસ્ફોટ સહિત ઉપર તરફ ધસતો, વધુ પડતી આલ્કલાઇન માત્રાવાળો, અલ્ટ્રાબેઝિક પેરીડોટાઇટ બંધારણવાળો મૅગ્મા આજુબાજુના ખડકોને તોડીને, તેમનો બ્રેક્સિયા રૂપે સમાવેશ કરીને નળી રૂપે જામે છે. કિમ્બરલાઇટ ખડકમાં હીરાના સ્ફટિકો છૂટક છૂટક જડાયેલા સ્વરૂપે મળે છે; પરંતુ ઊંડાઈના વધવા સાથે હીરાનું પ્રમાણ પણ ઘટતું જાય છે. કિમ્બરલાઇટનું બંધારણ મૅગ્નેશિયન ઑલિવિન, પાયરૉક્સિન અને ફ્લોગોપાઇટ-અબરખનું હોય છે; ગૌણ પ્રમાણ પિક્રોઇલ્મેનાઇટ, પાયરોપ, ક્રોમાઇટ, ક્રોમડાયોપ્સાઇડ, મૅગ્નેટાઇટ, પર્વોસ્કાઇટ, ઍપેટાઇટ અને રુટાઇલનું પણ હોય છે. આ પૈકીનાં પાયરોપ, ક્રોમડાયોપ્સાઇડ અને પિક્રોઇલ્મેનાઇટ ખનિજો હીરા માટેનાં નિર્દેશકો બની રહે છે.
માતૃખડક કિમ્બરલાઇટમાં જડાયેલો હીરો
2. પરિણામી પ્રકાર (secondary origin) : નદીપટ કે સમુદ્રતટના રેતાળ કંઠારપ્રદેશના ગ્રૅવલ-નિક્ષેપોમાં તે પરિણામી ઉત્પત્તિ રૂપે મળે છે. આ પ્રાપ્તિસ્થિતિ મુજબ હીરા મૂળ ખડકમાંથી ભૌતિક વિભંજનને કારણે મુકત થઈને ક્રમિક વહન પામતા જઈ અન્યત્ર અનુકૂળ સ્થાનોમાં ભૌતિક સંકેન્દ્રણ-સ્વરૂપે અન્ય ખનિજો સહિત એકત્રિત થતા હોય છે. પરિણામી પ્રાપ્તિસ્થિતિના સંદર્ભમાં હીરાપ્રાપ્તિ માટેના ચાર પેટાપ્રકાર ઓળખી શકાયા છે : (i) કાંપમય નિક્ષેપો, (ii) દરિયાઈ કંઠારની રેતી, (iii) વાતજન્ય નિક્ષેપો, (iv) મિશ્ર પ્રાપ્તિસ્થિતિ. આ પૈકીનો પ્રથમ પ્રકાર સર્વસામાન્ય છે; દા. ત., બ્રાઝિલના ‘હાઈ પ્લેટો’ભૌતિક સંકેન્દ્રણો તેમજ દક્ષિણ આફ્રિકાનાં લિસ્તનબર્ગ ભૌતિક સંકેન્દ્રણો. દરિયાઈ કંઠારના આડપ્રદેશો (barriers) કે સીડીદાર પ્રદેશો પૂરતા તે મર્યાદિત રહે છે; દા. ત., દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કિનારે નમાકલૅન્ડનાં સંકેન્દ્રણો. રણપ્રકારની શુષ્ક આબોહવાવાળા વિસ્તારોમાં પવનના પરિબળ દ્વારા પણ તે શક્ય બને છે; દા. ત., નૈર્ઋત્ય આફ્રિકાનાં સંકેન્દ્રણો. મિશ્રપ્રાપ્તિસ્થિતિજન્ય સંકેન્દ્રણો ક્યારેક ખાડીઓમાં પણ મળે છે. ભૌતિક સંકેન્દ્રણોમાં હીરાના વિતરણ માટે કોઈ નિયમ પ્રસ્થાપિત કરી શકાતો નથી, તેમ છતાં તે ગ્રૅવલ-નિક્ષેપોના તળભાગમાં તેમજ ખૂણેખાંચરે રહેલા ખાડાઓમાંથી મળે છે. મોટે ભાગે એક ઘન મીટર ગ્રૅવલમાંથી 0.5થી 1 કૅરેટ જેટલું પ્રમાણ મળવાની શક્યતા હોય છે.
આ રીતે જોતાં હીરાનું મુખ્ય પ્રાપ્તિસ્થાન કિમ્બરલાઇટ જેવી અલ્ટ્રાબેઝિક અંતર્ભેદક નળીઓ અથવા તો પરિણામી પ્રાપ્તિસ્થાન ગ્રૅવલ-નિક્ષેપો બની રહે છે; જેમાં તે ક્વાર્ટ્ઝ, સોનું, પ્લૅટિનમ, ઝિર્કોન, રુટાઇલ, ઇલ્મેનાઇટ, મૅગ્નેટાઇટ સાથે તેમજ ક્યારેક ટોપાઝ, કોરંડમ, ટુર્મેલિન, ગાર્નેટ, ઍન્ડેલ્યુસાઇટ, ક્રાઇસોબેરીલ જેવાં ખનિજો સાથે મળે છે.
હીરાનાં સ્ફટિકીકરણ અને સ્થાન માટે ત્રણ ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે : (i) તે જ્યાં મળી આવે છે (ખાસ કરીને કિમ્બરલાઇટ) ત્યાં જ તેનું સ્ફટિકીકરણ થયેલું હોય છે. આ રીતે તે ખડક-સહજાત (syngenetic) ઉત્પત્તિ પ્રકાર સૂચવે છે. (ii) તે જ્યાં મળે છે, તેની નીચેના ખડકવિભાગોના હોય, જ્યાંથી ઉપરના ખડકોમાં કોઈ પણ રીતે આવેલા હોય. (iii) મૂળ મૅગ્માજન્ય ઉત્પત્તિવાળા હોય, જ્યાંથી ખડક-સ્ફટિકીકરણ વખતે ખડકમાં જડાઈ ગયા હોય.
પોપડાની અંદર 150 કિમી. કે તેથી વધુ ઊંડાઈએ મૅગ્નેશિયમ-સમૃદ્ધ ખડકદ્રવમાંથી સીધેસીધું જ હીરાનું સ્ફટિકીકરણ થતું હોય છે. જે દ્રવમાંથી હીરા સ્ફટિકીકરણ પામે છે તે ઘણા ઊંચા દબાણ હેઠળ રહેલું હોય છે તેમજ આવશ્યકપણે CO2 વાયુથી સંતૃપ્ત હોય છે; આ માટે જરૂરી તાપમાન 1400° સે. ઉપરનું રહેવું જોઈએ. આ ઉપરથી ખાતરી થાય છે કે જે ખડકો હીરાધારક હોય તે પૃથ્વીમાં ઊંડાઈએ રહેલા ભૂમધ્યાવરણનાં વિભાગીય સ્વરૂપો જ હોઈ શકે; દુનિયાભરનાં બધાં જ હીરાક્ષેત્રોમાંના હીરાધારક ખડકો બંધારણીય એકસરખાપણું બતાવે છે; આ સિવાય અન્ય ખડકો કે જે હીરાધારક હોય તે પૈકી માત્ર ગાર્નેટવાળા લ્હેર્ઝોલાઇટ અને ગાર્નેટ-પાયરૉક્સિન-ઇક્લોગાઇટને મૂકી શકાય.
દબાણ હેઠળ રહેલા વિસ્ફોટક CO2 વાયુથી થતું ઠરેલા દ્રવ્યનું પ્રસ્ફુટન આ હીરાધારક ખડકોને ફાટો જેવા નબળા વિભાગો મારફતે ઉપર સપાટી તરફ લાવી મૂકે છે. છીછરી ઊંડાઈના માહોલમાં જ્વાળામુખી જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવાં જ્વાળામુખો ઓછીવત્તી ઊંડાઈના ભૂમધ્યાવરણના ખડકદ્રવ્યથી તેમજ ત્યાંના પોતાના ખડકદ્રવ્યથી ભરાઈ જાય છે, જેને હીરાધારક નળી તરીકે ઓળખાવાય છે. ઊંડા ભૂમધ્યાવરણનું ગરમ મૅગ્નેશિયમ-સમૃદ્ધ દ્રવ્ય નીચે ઊતરતા ભૂગર્ભજળ અને CO2 સાથે પ્રક્રિયા કરે છે, જેથી જલયુક્ત મૅગ્નેશિયમ ખનિજોનું એક ખનિજજૂથ તૈયાર થાય છે. જલયુક્ત ઊંડા ભૂમધ્યાવરણવાળું મૅગ્નેશિયમ-સમૃદ્ધ દ્રવ્ય છીછરા ભૂમધ્યાવરણના દ્રવ્ય અને સપાટી-દ્રવ્ય સાથે મિશ્ર બને છે. આથી જે રૂપાંતરિત ખડક બને છે તેને કિમ્બરલાઇટ તરીકે ઓળખાવાય છે.
હીરાધારક નળીઓને આજ સુધી જ્વાળામુખીજન્ય કંઠ તરીકે ઓળખાવાઈ છે, તે સર્વથા અયોગ્ય છે; કારણ કે હીરાનળીનું દ્રવ્ય જે સપાટી તરફ ધકેલાયું તે પ્રવાહીમય હતું કે જ્વાળામુખી પ્રકારનું હતું તેના કોઈ પુરાવા મળતા નથી એટલે તેમને વાયુદાબ હેઠળ ઉપર તરફ ખેંચાઈ આવેલી કંઠનળી (gas driven diatreme) તરીકે જ ઘટાવી શકાય. હીરાધારક જલયુક્ત મૅગ્નેશિયમ સિલિકેટની ડાઇક અને નળીઓને પ્રાથમિક હીરાનિક્ષેપો માટેના પ્રાપ્તિસ્રોત ગણાવી શકાય.
સિયેરા લિયોન, ઑરેન્જ ફ્રી સ્ટેટ અને ટ્રાન્સવાલમાં ઉપજાઉ ડાઇકનું ખનનકાર્ય કરવામાં આવેલું છે. લંબગોળાકાર (elliptical) સ્વરૂપવાળી નળીઓ કેપ વિસ્તારના કિમ્બર્લીમાંથી અને ઑરેન્જ ફ્રી સ્ટેટમાંથી ટ્રાન્સવાલ, તાન્ઝાનિયા, કૉંગો, સિયેરા લિયોન તેમજ યુ.એસ.માંથી મળેલી છે. આ ઉપરાંત, સાઇબીરિયા -યાકુટસ્કમાંથી પણ મળી છે, જેનું ખનનકાર્ય થાય છે.
હીરાધારક કિમ્બરલાઇટની ડાઇક અને નળીઓ સેંકડોની સંખ્યામાં મળેલી છે; પરંતુ તે પૈકીની બહુ જ ઓછી, ઊંડાઈવાળા ખનનકાર્ય માટે નફાકારક બની રહી છે.
આ ઉપરાંત, દુનિયાભરમાં ઘણાખરા હીરા ભૌતિક સંકેન્દ્રણોના પરિણામી નિક્ષેપો-સ્વરૂપે મળે છે. બ્રાઝિલ અને ઍંગોલાના પ્રાચીન વયના કૉંગ્લોમરેટનું નફાકારક ખનનકાર્ય કરવામાં આવેલું છે, જોકે તે અપવાદરૂપ ગણાય. દુનિયાના ઘણા નદીજન્ય કાંપમય ભૌતિક સંકેન્દ્રણોના ગ્રૅવલ પૈકી હીરા મળી રહે છે ખરા. આટલાન્ટિક મહાસાગરના નૈર્ઋત્ય આફ્રિકી કિનારે કંઠારપ્રદેશની રેતીમાંથી, આજની સમુદ્રસપાટીથી 150 મીટરની ઊંચાઈ પરથી પણ તે ક્યારેક મળી રહે છે. અહીં ઑરેન્જ નદી જ્યાં મહાસાગરને મળે છે ત્યાં દૂરતટીય સમુદ્રતળ પર હીરાનો વિશાળ જથ્થો હોવાનું મનાય છે; પરંતુ નફાકારક રીતે તે પ્રાપ્ત કરવાની પદ્ધતિ હજી વિકસાવી શકાઈ નથી.
આ ઉપરાંત, 1 મિમી. સુધીના અનિયમિત સૂક્ષ્મ સ્ફટિકો ઉલ્કાઓમાંથી પણ મળેલા છે; દા. ત., કૅન્યોન ડાયાબ્લો લોહ ઉલ્કા. ઉલ્કાધારક હીરા ગ્રૅફાઇટ ગઠ્ઠાઓમાંથી બનેલા હોવાનું કહેવાય છે, જ્યારે પૃથ્વીની સપાટી પર થતા ઉલ્કાપાતથી અથડામણ ઉદભવે છે ત્યારે તેના આઘાતથી ઉત્પન્ન થતા ઊંચા દાબ હેઠળ ગ્રૅફાઇટનું હીરામાં રૂપાંતર થાય છે. લોન્સ્ડેલાઇટ હીરાનું હેક્ઝાગૉનલ દ્વિરૂપ ખનિજ diamorph પણ ઉલ્કામાંથી મળેલું છે, તે પણ ગ્રૅફાઇટની આઘાત-રૂપાંતરિત પેદાશ ગણાય છે.
પ્રાપ્તિસ્થાનો : દુનિયાની હીરાની કુલ પેદાશનો 95 % ભાગ અગાઉ એકલા આફ્રિકામાંથી મળી રહેતો હતો, તે હવે અન્ય દેશોના સ્પર્ધાત્મક ઉત્પાદનને કારણે 50 % જેટલો થયો છે. મોટા ભાગનું ઉત્પાદન પ્રાથમિક ઉત્પત્તિસ્થિતિજન્ય છે, જે ખાણોમાંથી પ્રાપ્ત થાય છે; તેમ છતાં પરિણામી ઉત્પત્તિસ્થિતિજન્ય ભૌતિક સંકેન્દ્રણોમાંથી તેની વધુ ઘનતાના ગુણધર્મને કારણે સરળતાથી તેમને અલગ પાડી શકાય છે. તેની સાથે સાથે બીજાં કેટલાંક ભારે ખનિજો પણ મેળવી લેવાય છે.
હીરાનું ઉત્પાદન કરતા મુખ્ય દેશો આ પ્રમાણે છે : 1990ના ઉપલબ્ધ આંકડાઓ મુજબ ઑસ્ટ્રેલિયા મોખરે છે (આશરે 3.50 કરોડ કૅરેટ), તે પછી ક્રમ પ્રમાણે ઝાયર (1.90 કરોડ કૅરેટ), બોત્સવાના (1.70 કરોડ કૅરેટ), રશિયા (1.50 કરોડ કૅરેટ) અને દક્ષિણ આફ્રિકા (87 લાખ કૅરેટ) તેમજ તે પછી અન્ય દેશો મૂકી શકાય. 1995ના ઉત્પાદનના આંકડા અગાઉ સારણીમાં આપેલા છે.
દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણ
નૈર્ઋત્ય આફ્રિકા(નામિબિયા)ની હીરાની ખાણ
અન્ય દેશો-પ્રદેશોમાં કૉંગો, ઍંગોલા, સિયેરા લિયોન, પશ્ચિમ આફ્રિકા, નૈર્ઋત્ય આફ્રિકા, તાન્ઝાનિયા, ઘાના, ગિયાના, સાઇબીરિયાયાકુટસ્ક, ઑસ્ટ્રેલિયાના અન્ય ભાગો વગેરેનો સમાવેશ કરી શકાય. અહીં ભારતનો પણ સમાવેશ કરી શકાય ખરો; પરંતુ ઉત્પાદનનું પ્રમાણ નહિવત્ છે. એક જમાનામાં (1720 સુધી) ભારત હીરાના ઉત્પાદન માટે દુનિયાભરમાં પંકાતું હતું. વૅલેન્ટિન બોલના જણાવ્યા મુજબ, 19મી સદીના મધ્ય ભાગ સુધી તો ભારતનું હીરા-ઉત્પાદન બે કરોડ રૂપિયાનું હતું. અકબરના સમય સુધી તો હીરાનો ખાણ-ઉદ્યોગ એક સમૃદ્ધ ઉદ્યોગ હતો, કારણ કે એકલા પન્નાક્ષેત્રે જ તેની સરકારને વાર્ષિક 12 લાખ રૂપિયાના રાજભાગ(royalty)ની ઊપજ મળ્યાનો ઉલ્લેખ મળે છે. બ્રાઝિલ (1720) અને દક્ષિણ આફ્રિકા(1868-1870)ની હીરાની ખાણોની શોધની સાથે જ ભારતની આ ખ્યાતિ ઘટી ગઈ અને આજે તો સામાન્ય મૂલ્ય ધરાવતા થોડા જ હીરા (15,000 કૅરેટ) પ્રતિવર્ષ ઉત્પન્ન થાય છે, એટલે કે દુનિયાના કુલ ઉત્પાદનની તુલનામાં ભારતનો હિસ્સો માત્ર (1990) 0.015 % જ ગણાય; 1995માં આ આંકડાની તુલનામાં ઉત્પાદન થોડુંક ઘટ્યું છે. (જુઓ સારણી.)
દક્ષિણ આફ્રિકા : ‘કિમ્બર્લી હીરા’ તરીકે જાણીતા બનેલા આફ્રિકી હીરા, રત્નપ્રકારો તેમજ ઔદ્યોગિક હીરાનો પુરવઠો પૂરો પાડે છે. દક્ષિણ આફ્રિકાના હીરાનિક્ષેપોને ચાર વિભાગમાં વહેંચી નાખવામાં આવેલા છે : (i) સિયેરા લિયોનથી દક્ષિણ ઘાના સુધી વિસ્તરેલો પશ્ચિમ આફ્રિકી પટ્ટો, (ii) કૉંગોનું થાળું, (iii) ટ્રાન્સવાલ ગિરિનિર્માણની નૈર્ઋત્ય ધારને અનુસરતો દક્ષિણ આફ્રિકી પટ્ટો, (iv) આટલાન્ટિક કિનારાને અનુસરતો દક્ષિણ આફ્રિકી પટ્ટો.
અહીંનો માતૃ(યજમાન)ખડક કિમ્બરલાઇટ છે, જે વાસ્તવમાં તો અબરખ પેરીડોટાઇટ છે, પરંતુ ટફ અને બ્રેક્સિયા સહિત સર્પેન્ટાઇન જથ્થાથી તે બનેલો છે. લગભગ બધા જ કિમ્બરલાઇટ ઊભા નળાકાર, અંડાકાર કે ગળણી જેવા આકારમાં મળે છે. પ્રિટોરિયા અને કિમ્બર્લીનાં ક્ષેત્રો ઉપરાંત કિનારાના ભાગોમાં ભૌતિક સંકેન્દ્રણોના સમૃદ્ધ જથ્થાનું પણ અહીં ખનનકાર્ય ચાલે છે. ભૌતિક સંકેન્દ્રણોમાંથી ઔદ્યોગિક હીરાનું વધુ પ્રમાણ મળી રહે છે.
નામિબિયા(આફ્રિકા)ની હીરાની ખાણનું સરેરાશ સાપ્તાહિક ઉત્પાદન 30,000 કૅરેટ
દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણોની શરૂઆત 1867-68માં થઈ. સર્વપ્રથમ વાઅલ નદી(ઑરેન્જ નદીની શાખા)ના ગ્રૅવલ-નિક્ષેપોમાંથી, પછીથી ઑરેન્જ નદીમાંથી અને સોમાબુલા જંગલમાંથી હીરા મળી આવેલા; ખાણ-ઉત્પાદન વધવા સાથે નદીજન્ય ઉત્પાદન ઘટતું ગયું. ઉત્પત્તિ મુજબ અહીંનો હીરાધારક ખડક મૂળ તો પેરીડોટાઇટ છે, આ પ્રકારની ઉત્પત્તિ અહીંના કિમ્બર્લીમાં પ્રથમ વાર જ જાણવા મળી હોવાથી તે ખડકનું નામ કિમ્બરલાઇટ પાડવામાં આવેલું છે. દક્ષિણ આફ્રિકામાં હીરાની શોધ થયા બાદ કૅરેટનો એક ભવ્ય હીરો ‘સ્ટાર ઑવ્ સાઉથ આફ્રિકા’ 1869માં મળેલો. 1919માં ઘાના અને 1930માં સિયેરા લિયોનનાં હીરાક્ષેત્રોની શોધ થઈ. નૈર્ઋત્ય આફ્રિકામાંથી પણ 246 કૅરેટનો એક હીરો મળેલો. આફ્રિકી ખાણોમાંથી મળેલા મોટા કદના જગપ્રસિદ્ધ હીરા નીચે મુજબ છે :
એક્સેલસર : 1893માં જાગર્સફૉન્ટેનની ખાણમાંથી એક મજૂરને ટ્રક ભરતી વખતે આ હીરો મળેલો. તેનું વજન 969 કૅરેટ હોવાથી 1905 સુધી તો તે દુનિયાનો મોટામાં મોટો હીરો ગણાતો હતો. તેમાંથી જુદા જુદા વજનના, 68થી 13 કૅરેટ સુધીના, 10 ટુકડા કરવામાં આવેલા.
જ્યુબિલી : આ હીરો મૂળ 634 કૅરેટનો હતો, 1895માં તેને કાપીને 239 કૅરેટનો કરવામાં આવ્યો.
ઇમ્પીરિયલ : 457 કૅરેટ.
ક્યુલિનન અથવા સ્ટાર ઑવ્ આફ્રિકા : દુનિયાનો મોટામાં મોટો હીરો. 1905માં તે પ્રીમિયર ખાણમાંથી મળેલો. 1907માં ટ્રાન્સવાલ સરકારે તે વેચાતો લીધેલો. ટ્રાન્સવાલ ઍસેમ્બ્લીએ તે ઇંગ્લૅન્ડના રાજા સાતમા એડ્વર્ડને ભેટ આપેલો. 1905માં મળી આવ્યો ત્યારે તેનું વજન 3025 કૅરેટ અથવા 1.5 પાઉન્ડ હતું. રાજા એડ્વર્ડે તેને ઍમસ્ટરડૅમ મોકલીને કપાવ્યો. 1908માં તેમાંથી 105 નાના-મોટા ટુકડા કરવામાં આવ્યા, તે પૈકીના નવ ટુકડા પ્રમાણમાં મોટા હતા, જેમાંના ચારનું વજન અનુક્રમે કૅરેટ, કૅરેટ, 92 કૅરેટ અને 62 કૅરેટ હતું.
જૉન્કર : 1934માં ઍલૅન્ડફૉન્ટેનની ખાણમાંથી 726 કૅરેટનો આ હીરો મળેલો, તેને કોઈક અમેરિકને 1935ના મે માસમાં 1,50,000 પાઉન્ડમાં વેચાતો લીધેલો.
લેસોથો પ્રૉમિસ (603 કૅરેટ)
લેસોથો પ્રૉમિસ : 1994થી 2006 દરમિયાનનાં તેર વર્ષમાં મળી આવેલા હીરા પૈકી આ હીરો સૌથી મોટો છે. તે ગૉલ્ફના દડા કરતાં પણ મોટો છે અને રંગે શ્વેત છે. તેનું વજન 603 કૅરેટ અથવા 120 ગ્રામ જેટલું છે. અત્યાર સુધી મળી આવેલા દસ મોટા હીરાઓ પૈકીનો તે એક છે. તેનું ‘લેસોથો પ્રૉમિસ’ નામ આફ્રિકાના એક પર્વત પરથી પાડ્યું છે. ઍન્ટ્વર્પ ડાયમંડ સેન્ટર ખાતે રખાયેલા આ હીરાની હરાજી થઈ ત્યારે તે 1.20 કરોડ ડૉલર અથવા 54 કરોડ રૂપિયામાં આફ્રિકન ડાયમંડ કૉર્પોરેશનને વેચવામાં આવેલો. આ હીરાને હૃદયના આકારમાં કાપવાનું નક્કી થયું છે, કાપીને ચમક આપ્યા બાદ તેની કિંમત 2 કરોડ ડૉલર અથવા અંદાજે 100 કરોડ રૂપિયા થશે એવી ધારણા છે. કતરણ બાદ પડેલા નાના ટુકડાઓને પણ તૈયાર કરવામાં આવશે. સાઉથ આફ્રિકન ડાયમંડ કૉર્પોરેશનના જ્હૉની નેલરે જણાવ્યું છે કે એક વાર તે કપાઈને અને ચમક અપાઈને તૈયાર થઈ જાય પછી ફરીથી તેની હરાજી કરવાની છે; જ્યારે તેની કિંમત 150 કરોડ રૂપિયા કરતાં પણ વધુ ઊપજશે એવો અંદાજ મુકાયો છે.
બ્રાઝિલ : આફ્રિકા પછી બીજા ક્રમે આવતો બ્રાઝિલ જ માત્ર એવો દેશ છે, જ્યાં હીરાનું વધુ ઉત્પાદન થાય છે. અહીંનાં ક્ષેત્રો 1720માં શોધાયેલાં. મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો બાહિયા, મિનાસ ગુરેઇસ, મૅટો ગ્રોસો અને પિયાવી છે. અહીં હીરાના સ્ફટિકો ભૌતિક સંકેન્દ્રણો રૂપે નદીપટમાં, ઝરણાંઓમાં, જૂની નદીઓના સીડીદાર પ્રદેશોમાં, જૂના વયના કૉંગ્લોમરેટમાં અને આગ્નેય બ્રેક્સિયામાંથી મળે છે. 1720 પછીના ગાળામાં અહીંથી 10 મોટા હીરા મળી આવેલા છે, જેમાંના બે મહત્વના ગણાય છે. એક 726 કૅરેટનો ‘પ્રેસિડન્ટ વર્ગસ’ (Presidente Vargas) નામે, જે બોલના મત મુજબ 1938ના સપ્ટેમ્બર સુધી તો મળ્યો ન હતો. બીજો 455 કૅરેટનો ‘ડાર્સી વર્ગસ’ (Darcy Vargas) નામે, તે પછીથી મળેલો. ‘સ્ટાર ઑવ્ ધ સાઉથ’ નામનો એક હીરો જે મૂળ 254 કૅરેટનો હતો તેને કાપીને 125 કૅરેટનો કરવામાં આવેલો.
બ્રિટિશ ગિયાના : દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલા આ પ્રદેશનું હીરા ઉત્પાદન બ્રાઝિલ પછીના ક્રમે ગણી શકાય. મુખ્યત્વે નદીથાળાંઓમાંથી, ગ્રૅવલ-નિક્ષેપોમાંથી તો કોઈક ઠેકાણે ઢાળ-નિક્ષેપોમાંથી પણ તે મેળવવામાં આવે છે.
નોંધ : ગ્રિનેસ બુક ઑવ્ વર્લ્ડ રેકૉર્ડ (1990) મુજબ ઍન્ટ્વર્પ(બેલ્જિયમ)ના ગ્રેબોડીબૉસ વાન દેર વૌવર પાસે એક કૅરેટના 0.00063 ભાગ જેવડો તદ્દન ઝીણો હીરો પણ છે.
રશિયા : 1938માં યુરલ પર્વત પ્રદેશમાંથી 52 અને 1939માં અન્ય સ્થળોમાંથી 90 હીરા મળી આવેલા. અહીંના નિક્ષેપો માટે સારી આશા સેવવામાં આવે છે. 1886ની 22મી સપ્ટેમ્બરે નોવો યુરાઈ ખાતે પડેલી ઉલ્કામાં રાખોડી કણ-સ્વરૂપે હીરાનો 1 % ભાગ રહેલો હોવાનો ઉલ્લેખ છે.
ઑસ્ટ્રેલિયા : આજ સુધી ક્યાંય, ક્યારેય મળ્યા ન હોય એવા ગુલાબી રંગના હીરા પશ્ચિમ ઑસ્ટ્રેલિયાની આર્ગાઇલ (Argyle) ખાણમાંથી મળ્યા છે. તે અન્ય હીરાની જેમ તેજસ્વી તો છે જ; પરંતુ તે ઉપરાંત તેના પર પડતા પ્રકાશથી તે તૂટક મેઘધનુષ્યનું દૃશ્ય પણ ઉત્પન્ન કરે છે. આ રીતે આ હીરા તેમના રંગ તેમજ અપ્રતિમ સુંદરતા માટે દુનિયાભરમાં ખ્યાતિ પામ્યા છે.
ઇતિહાસ : ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી વિસ્તારમાં સર્વપ્રથમ 1972માં હીરાની ખોજનો પ્રારંભ થયેલો. 1976 સુધીમાં હીરાની તલસ્પર્શી ખોજ માટે એક કંપનીની સ્થાપના કરવામાં આવેલી. 1979ના ઑગસ્ટમાં સ્મોક ખાડીમાંથી થોડાક હીરા મળી આવ્યા. આથી વૉરેન ઍટકિન્સન અને ફ્રૅન્ક હગ્ઝ નામના બે ભૂસ્તરવિદોની ખોજ-ટુકડીએ 1979માં નદીપટના ઉપરવાસ તરફ તેમની ખોજ ચાલુ રાખી, વધુ સંખ્યામાં હીરા મળતા ગયા; પરંતુ આ તો ભૌતિક સંકેન્દ્રણની પરિણામી ઉત્પત્તિસ્થિતિવાળા નિક્ષેપજન્ય (કણ-સ્વરૂપે) હીરા હતા, પ્રાથમિક ઉત્પત્તિધારક નળી ક્યાં ? સપ્ટેમ્બર, 1979માં આ વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરતાં આર્ગાઇલ નજીક જૂના જ્વાળામુખીની નળી (volcanic pipe) મળી આવી. અહીંના ભાગોને ફંફોળતાં ફંફોળતાં ઊધઈના એક રાફડામાંથી નાનકડો હીરો મળી આવ્યો, પછી તો બીજા વધુ હીરા પણ મળ્યા, જાણે કે રત્નો ભરેલી પેટી મળી ! આ ઉપલબ્ધિના સંદર્ભમાં કંપનીએ પશ્ચિમ ઑસ્ટ્રેલિયન સરકારની પાસે આર્ગાઇલમાં ખાણકાર્ય કરવા દેવાની અનુમતિ માગી, મળી અને ખનનકાર્ય શરૂ થયું (1986). તે પછીનાં દશ વર્ષ દરમિયાન અહીં ઊંડી ખુલ્લી ખાણ તૈયાર થઈ છે. આજે ત્યાં 1500 મીટર લાંબો, 600 મીટર પહોળો અને 150 મીટરની ઊંચાઈવાળો, પરંતુ સીડીદાર ગર્ત તૈયાર થયો છે. ખનનકાર્ય ચાલુ છે, એક અંદાજ મુજબ 2003 સુધીમાં બીજું 150 મીટર જેટલું ઊંડાણ ખોદાઈને તૈયાર થયું છે. આ દશ વર્ષ(1986-1996)ના ગાળા દરમિયાન અહીંથી લગભગ 2.2 કરોડ ટન જેટલો ખડક-જથ્થો ઉલેચાયો છે (ખાણનું દૃશ્ય બિહામણું ન લાગે એ હેતુથી ખોદાયેલા ભાગને એમ ને એમ છોડી દેતા નથી, ત્યાં જરૂરી પૂરણી અને વનસ્પતિ છોડવાઓનું વાવેતર કરે છે, જેથી તે રળિયામણું લાગે), રોજેરોજ વિરાટ ટ્રકો ખોદાયેલો જથ્થો ભરી ભરીને ખાણની બહારના ભાગોમાં ઠાલવ્યા કરે છે.
અહીંની ખાણમાંથી મોટામાં મોટા 1.5 સેમી. × 1.5 સેમી. કદના હીરા મળે છે. અહીં સ્થાપેલા એકમમાં ગોઠવેલાં કચરણ-સાધનો (crushers) ખોદાયેલા જથ્થાને કચરીને તેને 22 × 22 મિમી. કદના નાના નાના ટુકડાઓમાં તોડે છે, તેથી તેમાં જો હીરા જડાયેલા હોય તો મળી શકે. સામાન્ય રીતે ખડક-જથ્થાને ત્રણ વખત કચરવામાં આવે છે, જેથી છેલ્લી કક્ષા વખતે તેનો પ્રત્યેક નાનો ટુકડો નદીના ઉપલ (pebble) જેવડો થાય. આવા બધા જ ટુકડાઓને ફેરોસિલિકોન સાથે મિશ્ર કરીને વિરાટ યાંત્રિક કોઠીઓ(drums)માં નાખવામાં આવે છે, જ્યાં તેમને ઘુમાવીને (કેન્દ્રત્યાગી બળનો ઉપયોગ કરીને) 2.6 વિ. ઘ. ધરાવતો માલ અલગ પાડવામાં આવે છે. આ ક્રિયાપદ્ધતિમાં 3.5 વિ. ઘ. ધરાવતું ભારે દ્રવ્ય તળિયે બેસે છે. ભારે દ્રવ્ય પૈકીનો સંભવત: સોમો (1/100) ભાગ હીરાઓનો હોઈ શકે છે. હીરા પ્રસ્ફુરણનો ગુણધર્મ ધરાવતા હોવાથી ક્ષ-કિરણો હેઠળ તેમને જુદા પડાય છે. આ હીરાઓને અહીંથી પર્થ ખાતે મોકલાય છે, જ્યાં તેમને ગુણવત્તા મુજબ અને કિંમત મુજબ અલગ કરાય છે. જોકે આર્ગાઇલના અડધોઅડધ હીરા ક્ષતિ(flaw)વાળા હોય છે, આવા હીરા શારડીને છેડે જડવા માટેની ઔદ્યોગિક વપરાશ માટે રખાય છે.
1986-96/97 સુધીમાં આર્ગાઇલનું કુલ હીરા-ઉત્પાદન 80 ટન જેટલું અર્થાત્ 40 કરોડ (400 મિલિયન) કૅરેટ થયેલું; એટલે કે વાર્ષિક ઉત્પાદનની સરેરાશ 3.5-4 કરોડ કૅરેટની ગણાય. આ પ્રમાણ દુનિયાના કુલ હીરા ઉત્પાદનના લગભગ 33 % જેટલું થાય છે. આ પૈકીનું માત્ર 5 % ઉત્પાદન રત્નપ્રકારનું હોય છે અને તેમાં પણ ગુલાબી રંગના હીરાનું પ્રમાણ તો વાર્ષિક માંડ મુઠ્ઠી ભરાય એટલું પણ હોતું નથી. ગુલાબી હીરા ક્યારેક જ મળે છે, તેની પ્રતિ કૅરેટદીઠ કિંમત ઓછામાં ઓછી 2 લાખ ડૉલર અને પાસા પાડ્યા પછી તો 10 લાખ ડૉલર જેટલી અંકાય છે. [એક કંઠહાર(necklace)માં જડેલા, બટનના કદના, હૃદયના આકારના હીરાની કિંમત 30,000 ઑસ્ટ્રેલિયન ડૉલર મુકાયેલી.] અહીંથી પીળા અને ભૂરા રંગના હીરા પણ મળે છે; પીળો રંગ તેમાં રહેલા નાઇટ્રોજનના અંશને કારણે અને ભૂરો રંગ બોરૉન તેમજ હાઇડ્રોજનના અંશોને કારણે તૈયાર થતો હોય છે; ગુલાબી રંગ તૈયાર થવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઉપરાંત અહીંથી શેમ્પેઈન અને કૉગ્નેક (cognac) રંગના હીરા પણ મળે છે. આ પ્રકારના આર્ગાઇલ હીરાની તુલના ભાગ્યે જ બીજેથી મળતા હીરા કરી શકે, એવું સિડનીના હીરાના જથ્થાબંધ વેપારી લ્યૂટ ઈલિયન(Lute Elion)નું કહેવું છે. અહીંના પ્રસ્ફુરણ-ગુણધર્મધારક હીરા અતિ પાણીદાર હોય છે અને પ્રકાશનું તેજસ્વી પરાવર્તન કરે છે.
આર્ગાઇલના બધા જ કાચા (પાસા પાડ્યા વિનાના) હીરા તેના ઍન્ટ્વર્પ ખાતેના કાર્યાલય મારફતે વેચાય છે; પરંતુ તે પૈકીના સારી જાતના હીરા પર્થ ખાતે કતરણ અને ઓપ (ચમક) આપવા માટે રાખી મુકાય છે. કતરણ દરમિયાન કાચા હીરાઓનું લગભગ અડધોઅડધ વજન ઓછું થઈ જાય છે. હીરાના જાણીતા પ્રમાણભૂત આઠ આકારો પૈકી કોઈ એક આકાર આપી શકાશે કે કેમ તે કતરણકાર નક્કી કરે છે. મૂલ્યભેદે હીરાઓનાં અનેક વર્ગીકરણ થયેલાં છે; પરંતુ પ્રમાણભૂત આઠ આકારો માટે દુનિયાભરમાં હીરાઓની માંગ રહે છે.
ઉત્પત્તિ : આર્ગાઇલમાં હીરાપ્રાપ્તિનાં બે સ્થળો છે : (i) આર્ગાઇલની ખુલ્લી ખાણ, (ii) સ્મોક ખાડી (smoke creek).
2 અબજ વર્ષ અગાઉ પૃથ્વીના પેટાળમાં 150 મીટરની ઊંડાઈએ પ્રચંડ દાબ હેઠળ કાર્બનના અણુઓ અન્યોન્ય જોડાઈને હીરાઓનું સ્વરૂપ પામેલા. ત્યારબાદ લાખો વર્ષો પછી ઊંડાઈએ રહેલા ખડકોનો ભૂરસ (મૅગ્મા) ફાટ દ્વારા માર્ગ કરીને આ સ્ફટિકોને પોપડાની ઓછી ઊંડાઈ સુધી ખેંચી લાવ્યો. આ ભૂરસ ભૂગર્ભજળના સંપર્કમાં આવતાં બેકાબૂ પ્રસ્ફુટનોની શ્રેણી રચાઈ અને આ સ્ફટિકો છીછરી ઊંડાઈએ સ્થાન પામીને ગોઠવાયા. છેલ્લાં હજારો વર્ષથી ખાડીનો ભાગ વરસાદથી ધોવાતો ગયો. ત્યાંથી ધોવાણ મારફતે આ હીરા નદીનિક્ષેપ સ્વરૂપે એકત્ર થયા છે; પરંતુ વધુ પ્રમાણમાં તે આર્ગાઇલની 2 કિમી. લાંબી અને 200 મીટર પહોળી ખાણમાં દટાયેલી કંઠનળીમાં જડાયેલા રહ્યા છે.
યુ.એસ. : હીરાના સ્ફટિકો યુ.એસ.ના આર્કાન્સાસ, ઓરેગૉન, કૅલિફૉર્નિયાનાં સુવર્ણ ભૌતિક સંકેન્દ્રણોમાંથી અને કોઈક વાર વિસ્કોન્સિન, ઇલિનૉય, ઇન્ડિયાના, મિશિગન અને ઓહાયોમાંથી મળી રહે છે. ક્વચિત્ કેરોલિના, જ્યૉર્જિયા, વર્જિનિયા અને કૉલોરાડોમાંથી પણ મળેલા છે. ઈડાહો અને ઓરેગૉનમાં તે પ્લૅટિનમ સાથે રહેલા હોવાની નોંધ છે. 1906માં આર્કાન્સાસના મુર્ફીસ્ફબરો નજીક છૂટી સ્થિતિમાં તેમજ ટફ-બ્રેક્સિયા સાથે સંકળાયેલા પેરીડોટાઇટ ખડકમાં જડાયેલી સ્થિતિમાં તે મળી આવેલા છે. અહીં ઠીક ઠીક પ્રમાણમાં ખોદકામ કરવામાં આવેલું અને સારા રંગના પરંતુ નાના કદના હીરા મળેલા; 1921માં 21 કૅરેટનો એક હીરો મળેલો. લગભગ બેથી ત્રણ હજાર રત્નો પણ મળેલાં. એરિઝોનાના ડાયાબ્લો કોતરમાં પડેલી લોહઉલ્કામાં તે રહેલા હોવાનો ઉલ્લેખ છે.
બૉર્નિયો : અહીંનું ઉત્પાદન ભારત કરતાં પણ ઓછું છે. તે પ્લૅટિનમ સાથે સંકળાયેલી સ્થિતિમાં ભૌતિક સંકેન્દ્રણ-સ્વરૂપે મળે છે.
ચિલી : દક્ષિણ અમેરિકાના ચિલીમાં કાર્કોટની ઉલ્કામાં કાળા રંગના 9 કઠિનતાવાળા હીરા હોવાનો ઉલ્લેખ છે.
ભારત : બ્રાઝિલમાં હીરાનાં ક્ષેત્રો શોધાયાં (1720) ત્યાં સુધી તો આખી દુનિયામાં ભારત હીરાની પ્રાપ્તિ માટેનું એકમાત્ર સ્થાન હતું. 18મી સદી સુધી તો ભારતના હીરા, જે કોઈ ઉપયોગમાં લેવાતા હતા તે માટે આશ્ચર્યની વાત એ હતી કે જો એમ કહેવામાં આવે કે હીરો ભારતનો નથી, તો તે હીરા માટે શંકા સેવવામાં આવતી હતી. હીરો સાચો હોય તોપણ તેને ખરીદનાર કોઈ તૈયાર થતું નહિ; એટલે જ્યારે બ્રાઝિલમાં હીરા મળવા શરૂ થયા ત્યારે ત્યાંના હીરાના ખરાપણા માટે એક પ્રકારનો પૂર્વગ્રહ બંધાઈ ગયેલો, તેથી શરૂઆતમાં તો બ્રાઝિલના હીરા ભારત લાવ્યા બાદ જ વેચાતા હતા !
જૂના વખતના ખ્યાતનામ તમામ હીરા ભારતની દેણગી છે. અગાઉની એ ખ્યાતિ જોકે ત્યાર પછી નષ્ટ પામી છે, છતાં હજી થોડાઘણા પ્રમાણમાં તો ઉત્પાદન મેળવાય છે. ગમે તેમ, ભારતના હીરા-નિક્ષેપો તદ્દન ખલાસ થઈ ગયા હોય એમ જણાતું નથી. જૂના વખતના અપૂર્ણ અને પ્રાથમિક ખોદકામને બદલે હવે આધુનિક પદ્ધતિઓ અપનાવીને ખનનકાર્યને ઉત્તેજન અપાય છે.
ભારતના હીરાધારક વિસ્તારોને ત્રણ પટ્ટાઓમાં વહેંચેલા છે : (i) મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશનાં નળી-સ્વરૂપો, (ii) મધ્યપ્રદેશના વિંધ્ય-રચનામાં આવતા હીરાધારક કૉંગ્લોમરેટ અને ક્વાર્ટ્ઝાઇટ તેમજ આંધ્રપ્રદેશની કુર્નુલ-શ્રેણી, (iii) પન્ના વિસ્તારની ભાગન નદીનાં તેમજ ઓરિસાની મહાનદીથાળાનાં નદીજન્ય ભૌતિક સંકેન્દ્રણો.
પન્નાથી અગ્નિકોણમાં 36 કિમી.ને અંતરે મઝગાંવ પાસે 8.5 હેક્ટરના વિસ્તારને આવરી લેતી, 500 મીટર લંબાઈ અને 325 મીટર પહોળાઈવાળી જમરૂખ આકારની નળી આવેલી છે, તે વાયવ્યતરફી નમનવાળી છે; પરંતુ તે લગભગ હીરાવિહીન છે. આવી જ એક બીજી કિમ્બરલાઇટ નળી આંધ્રપ્રદેશમાં વજ્રાકુડુર પાસે પણ હોવાની નોંધ છે.
વિંધ્ય-રચનાના હીરાધારક કૉંગ્લોમરેટના બે સ્તર કૈમુર, રેવા અને ભાંડર શ્રેણીઓને અલગ પાડતા મળે છે. તેના મૂળ સ્રોત માટે બીજાવર શ્રેણીમાં રહેલા જ્વાળામુખી ખડકોને જવાબદાર ગણવામાં આવેલા છે. કુર્નુલ-શ્રેણીમાંના બનાગનાપલ્લી કૉંગ્લોમરેટ રૂપે રહેલા તળસ્તરો પણ આ જ કક્ષાના ગણાય છે.
ભારતમાં મધ્યપ્રદેશનું પન્નાક્ષેત્ર જ હીરાની પ્રાપ્તિ માટેનું ખનનયોગ્ય સ્થળ ગણાય છે. પન્નાના મઝગાંવમાંથી મેળવાતા 40 % હીરા મંદ રંગવાળા (off colour) હોય છે, 30 % રત્નપ્રકારના મળે છે અને બાકીના બધા ઔદ્યોગિક પ્રકારના હોય છે.
અહીં 28 મીટરની ઊંડાઈ સુધીનો હીરાધારક ટફ ખડકોનો કુલ અનામત જથ્થો આશરે અર્ધા કરોડ ટનનો અંદાજેલો છે, જેના પ્રત્યેક 100 ટન દીઠ 10.5 કૅરેટ હીરા મળવાની શક્યતા મુકાઈ છે. પન્ના નજીક રામખેરિયામાં જે કંઈ જથ્થો છે, તેમાંથી 50થી 60 % હીરા રત્નપ્રકારના મળી રહે છે.
પન્નાના હીરા સામાન્યપણે હેક્ઝાઑક્ટાહેડ્રન સ્વરૂપમાં મળે છે. તે ચકચકિત સફેદથી નીલશ્વેત રંગવાળા હોય છે. ક્વચિત્ રાખોડી, પીળા, લીલા, કથ્થાઈ રંગમાં પણ મળી આવે છે, કેટલીક વાર તેમાં આંતરિક ડાઘ પણ હોય છે. પ્રાપ્તિસ્થિતિની દૃષ્ટિએ જોતાં, વિંધ્ય ખડકોની નીચે રહેલી કડાપ્પા-રચનાની વૈયંપાલી અને ચૈયર-શ્રેણીના નિક્ષેપોમાં ડેક્કન ટ્રેપ-રચનાનાં ક્ષિતિજસમાંતર અંતર્ભેદનોમાંથી આ પ્રકારનાં રત્નો માટેનું દ્રવ્ય આવેલું હોવાનું મનાય છે, તે પુનર્નિક્ષેપિત થયેલું છે. કુર્નુલ-શ્રેણીના ખડકોમાંથી ઘણાં સ્થળોએ સપાટી પરના ગ્રૅવલ-નિક્ષેપોમાંથી હીરા મળી આવેલા છે. 1935માં વજ્રાકુડુરથી આશરે 24 કિમી. ઈશાનમાં આવેલા સ્થળેથી મળેલો હીરો 2.5 × 1.25 × 0.62 સેમી. કદનો હતો. બનાગનાપલ્લીના હીરા સખત ખડકોમાંથી ખોદી કાઢવામાં આવે છે. અહીંના ખડકોમાંથી આશરે 5 મીટર ઊંડાઈના ખાડા કર્યા બાદ જ્યાં હીરાપ્રાપ્તિની શક્યતા હોય એવી લઘુગોળાશ્મયુક્ત સ્તરપટ્ટીઓની રેખીય દિશામાં ટૂંકી ખાઈ કોરી કાઢવામાં આવે છે અને જો ત્યાં હીરા હોય તો મેળવાય છે. દક્ષિણ ભારતની અમુક મર્યાદિત જગાઓમાં ભૌતિક સંકેન્દ્રણોમાંથી હીરા મળી આવ્યાના દાખલા નોંધાયેલા છે; એ જ રીતે કુર્નુલ વિસ્તારમાંથી પણ ભૂતકાળમાં ઠીક ઠીક પ્રમાણમાં કીમતી હીરાઓ મળેલા છે. આ ઉપરાંત, હીરાપ્રાપ્તિ માટેનાં છૂટાંછવાયાં સ્થાનો ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસા તેમજ મહારાષ્ટ્રમાં આવેલાં છે.
ભારતમાં મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાંથી હીરાનો ઉપલબ્ધ થઈ શકે એવો અનામત જથ્થો 1990 મુજબ 14 લાખ 70 હજાર કૅરેટ જેટલો હોવાનું અંદાજવામાં આવેલું છે, જે પૈકી પન્નાક્ષેત્ર લગભગ 12 લાખ કૅરેટ જેટલો જથ્થો ધરાવે છે. અત્યારે તો માત્ર મધ્યપ્રદેશ એકલું જ હીરાનું ઉત્પાદન કરે છે, પ્રતિ વર્ષ તેની ઊપજ આશરે 18,000થી 19,000 કૅરેટ વચ્ચે રહે છે, તેમાંથી રત્નપ્રકાર 48 %, મંદરંગી 35 % અને ઔદ્યોગિક પ્રકાર 17 % રહે છે.
ભારતમાં હીરાનો ઉદ્યોગ ઈસુ ખ્રિસ્તની છઠ્ઠી કે સાતમી સદીથી શરૂ થયો હોવાનું માનવામાં આવે છે, એટલે તે દુનિયાનો સર્વપ્રથમ અને જૂનામાં જૂનો હીરાઉદ્યોગ ગણાય. ઇતિહાસ જણાવે છે કે હીરાપ્રાપ્તિ માટે ગોલકોન્ડા અને પન્નાક્ષેત્રોનાં નામ સંકળાયેલાં છે; પરંતુ વાસ્તવમાં ગોલકોન્ડા તો હીરા માટેનું માત્ર બજાર રહ્યું છે, જ્યાંથી જુદી જુદી કિંમતના હીરાનું વેચાણ થતું હતું.
છેક ટૉલેમીના સમયમાં પણ ભારતના હીરા માટે દુનિયાભરમાં સારી માંગ હતી. વધુ દૂરના ભૂતકાળમાં નજર કરતાં જણાય છે કે ઈસુ ખ્રિસ્તના 500 વર્ષ અગાઉ, ભારતના હીરાઓની પરદેશમાં નિકાસ થયાનો હિન્દુ ગ્રંથોમાંથી ઉલ્લેખ મળી રહે છે. ભારતની હીરાની ખાણોનું અધિકૃત વર્ણન 1565માં પોર્ટુગીઝ ફિજિશિયન ગ્રેસિયા દ´ ઑર્ટોએ કરેલું છે. 17મી સદીના મધ્યભાગમાં, જ્યારે ભારત હીરાના વેપાર-ઉદ્યોગ માટે જગપ્રસિદ્ધ હતું ત્યારે એક ધંધાદારી તરીકે જીન બૅપ્ટિસ્ટ ટ્રેવરનિયરે ભારતનાં હીરાક્ષેત્રોની મુલાકાત લીધેલી. તેણે ગોલકોન્ડા ક્ષેત્રમાં એ વખતે 60,000 માણસો કામ કરતા જોયાની નોંધ છે.
આ ઉપરથી મધ્યપ્રદેશનાં હીરાક્ષેત્રોની મહત્તાનો સહેજે ખ્યાલ આવી જાય છે. 1720માં બ્રાઝિલ અને 1867માં દક્ષિણ આફ્રિકામાં હીરાક્ષેત્રો શોધાયાં, ત્યારબાદ આ ખ્યાતિ ક્રમે ક્રમે ઘટતી ગઈ અને ત્યાંનાં ક્ષેત્રોની સરખામણીમાં ભારતનું હીરા-ઉત્પાદનનું મહત્વ પણ નહિવત્ બની રહ્યું. 18મી સદી સુધી તો ભારત હીરાના બજારની ઇજારાશાહી ધરાવતું હતું. જગપ્રસિદ્ધ અને ઐતિહાસિક ખ્યાતિ પામેલા હીરા પૈકીના મોટા ભાગના હીરા ભારતની પેદાશ છે, તે માટે કોઈ શંકાને સ્થાન નથી. આ માટેના પુરાવા 1638થી 1668ના ગાળામાં ટ્રેવરનિયરે ભારતનાં હીરાનાં ક્ષેત્રોની અનેક વાર મુલાકાત લીધેલી, જે તેની મુલાકાતનાં લખાણોમાંથી સ્પષ્ટ બની રહે છે. વેલેન્ટિન બોલે પણ આ બાબતની સ્વીકૃતિ આપેલી છે. (કેટલાક સુપ્રસિદ્ધ હીરા માટે જુઓ રંગીન પ્લેટ – ઈ.)
દુનિયાભરમાં ઐતિહાસિક ખ્યાતિ પામેલા ભારતીય હીરાઓનું વર્ણન નીચે મુજબ છે :
ગ્રેટ મોગલ : ભારતીય હીરાઓ પૈકી મોટામાં મોટો ગણાતો આ નામનો હીરો ગુંટુર પ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારા પર આવેલી કોલુરની ખાણમાંથી 1650માં (કે તે સમયગાળામાં) મળેલો હોવાનું માનવામાં આવે છે. તેનું વજન 900 રતિ એટલે કે કૅરેટ હોવાની નોંધ છે; પરંતુ પછીથી તેને કાપીને 280 કૅરેટનો બનાવવામાં આવેલો. ટ્રેવરનિયરે ઔરંગઝેબના ખજાનામાં 1665માં આ હીરો જોયાની માહિતી તેના અહેવાલોમાંથી મળે છે. તે જણાવે છે કે મીર જુમલા(જન્મે ઈરાની)એ આ હીરો શહેનશાહ શાહજહાંને ભેટ આપેલો. ગ્રેટ મોગલ માટે એક એવી પણ માહિતી મળે છે કે બાબરના હિન્દુસ્તાન પરના અમાનુષી આક્રમણ વખતે શાહજાદા હુમાયૂંએ ગ્વાલિયરના રાજા અને પ્રજાને લૂંટફાટમાંથી બચાવેલાં. આથી ગ્વાલિયરના રાજાએ ઉપકારવશ થઈને આભારની લાગણી રૂપે આ હીરો હુમાયૂંને ભેટ આપેલો. વળી ગ્રેટ મોગલ માટે એવી પણ એક વાયકા પ્રચલિત છે કે 1656માં શાહજહાંને જે હીરો ભેટ મળેલો તે તો ‘શાહ’ નામનો, પીળા રંગનો પાણીદાર હીરો હતો, જે બાબત બીજા પુરાવાઓ પરથી ગ્રેટ મોગલ માટે બંધબેસતી નથી. ગ્રેટ મોગલ આજે તહેરાન(ઈરાન)ના ખજાનામાં હોવાનું કહેવાય છે.
શાહ : આ હીરો ‘Moon of mountains’ તરીકે પણ ઓળખાય છે. તે અત્યારે રશિયામાં રશિયન તાજમાં અન્ય રત્નો સાથે રહેલો છે. આ હીરો ભારતીય હોવાનો પુરાવો તેના પરના ત્રણ ઈરાની કોતરકામ દ્વારા મળી રહે છે. તેના પરનું જૂનામાં જૂનું લખાણ ‘બુરહાન-નિઝામશાહ બીજો’ એવું છે, જે અહમદનગર પ્રાંતનો રાજ્યાધિકારી હતો. આ સાથે તેનું વર્ષ 1000 (ઈ. સ. 1591) પણ આપેલું છે. બીજો ઉલ્લેખ ‘શાહજહાં’(વર્ષ 1051 – ઈ. સ. 1641)ના નામવાળો છે. ત્રીજો ઉલ્લેખ, ઈરાનના શાહ ‘ખજર ફત્નાલી શાહ સુલતાન’(Kajar Fatnali Shah Sultan) (1242 – ઈ. સ. 1824)નો છે. એમ માનવું વધુ પાયાદાર ગણાય કે ‘શાહ’ હીરો અહમદનગરના વિજય બાદ અકબરના હાથમાં આવ્યો હોય. ત્યાર પછી 1738માં દિલ્હીની લૂંટ વખતે નાદિરશાહ તેને ઈરાન લઈ ગયો હોય અને 1829માં તહેરાનમાં રશિયન રાજદ્વારી એજન્ટની હત્યાને બદલે તે ઈરાનથી રશિયા ગયો હોય !
શાહ હીરા માટે એક માહિતી એવી પણ છે કે ઈરાનના અબ્બાસ મીરઝા શાહના નાના પુત્રે આ હીરો રશિયાના શહેનશાહ નિકોલસને ભેટ આપેલો. 88.70 કૅરેટ વજન ધરાવતો આ હીરો સંપૂર્ણ શુદ્ધ અને પાણીદાર છે. અંશત: કાપેલા આ હીરાના બાકીના બધા ભાગમાં તેના લાંબા કુદરતી ઑક્ટાહેડ્રા (111) જળવાઈ રહ્યા છે. હીરા પર કોતરેલાં ત્રણ લખાણો તેનું ઐતિહાસિક મહત્વ રજૂ કરે છે.
કોહિનૂર : ‘કોહિનૂર’નો અર્થ થાય છે પ્રકાશનો પુંજ. ઉપલબ્ધ જાણકારી મુજબ, કોહિનૂરનો ઇતિહાસ કંઈક આ પ્રમાણે છે : કોહિનૂર માટે માલિકો બદલાવાની નવાઈ રહી નથી, વારંવાર તેના હાથબદલા થતા રહ્યા છે. અસલમાં આ હીરો ગોલકોન્ડા નજીકની ખાણમાંથી મળી આવેલો હોવાની જાણકારી મળે છે.
અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં જાળવી રખાયેલા 1900ના ‘બુદ્ધિપ્રકાશ’ની નોંધ મુજબ ખાણમાંથી મળેલો આ હીરો ત્યાંના સ્થાનિક સરદાર પાસે હતો. થોડા વખત બાદ તેણે શહેનશાહ શાહજહાંને નજરાણા તરીકે આપેલો. ઔરંગઝેબના શાસન દરમિયાન 1615માં ફ્રેન્ચ મુસાફર ટ્રેવરનિયરને ખજાનો જોવાની તક મળેલી, તેમાં આ હીરો પણ હતો. હીરાનું મૂળ વજન 900 રતી હતું. જ્યારે પણ આ હીરાને કાપીને પહેલ પડાયા અને ઘાટ અપાયો ત્યારે તે ઘટીને 319.5 રતી થયેલું.
બીજી એક વાયકા આ પ્રમાણે પણ છે : ચૌદમી સદી(મોટે ભાગે 1304)માં મળેલો આ હીરો વર્ષો સુધી માળવાના રાજવીઓના ખજાનામાં રહેલો. ત્યાંથી અલાઉદ્દીન ખલજીના હાથમાં ગયો. તેની પાસેથી તે ગ્વાલિયરના મહારાજાના હાથમાં થઈ મુઘલ શહેનશાહ હુમાયૂં પાસે પહોંચેલો. શેરશાહ સૂરિએ હુમાયૂંને હરાવીને થોડા સમય માટે હિન્દુસ્તાનની બહાર હાંકી કાઢ્યો ત્યારે ઈરાનના બાદશાહે તેને આશ્રય આપેલો. આભારવશ હુમાયૂંએ શાહને આ હીરો ભેટ આપેલો. વખત જતાં ઈરાનના શાહે આ હીરો દખ્ખણના નિઝામને ભેટ ધરેલો, જે અંતે મુઘલ શહેનશાહ શાહજહાંના ખજાનામાં પાછો આવ્યો. શાહજહાંએ તેને મોંઘા મયૂરાસનમાં જડાવી દીધો, પોતાની પ્રતિષ્ઠામાં ઉમેરો કર્યો અને જાળવણીમાંથી મુક્તિ મેળવી. ઔરંગઝેબના અવસાન પછી બળવાખોર સરદારમાંથી શાસક બનેલો ઈરાનનો નાદિરશાહ 1739માં દિલ્હી પર ચઢી આવ્યો. તે વખતનો મુઘલ શહેનશાહ નબળો હોવાથી, હીરો જતો રહેશે એ ડરથી તેને પોતાની પાઘડીમાં છુપાવી રાખતો હતો. નાદિરશાહની લૂંટ દરમિયાન હીરો ન મળતાં, બાતમી મળી કે શહેનશાહ હીરાને પાઘડીમાં રાખે છે; તેથી તેણે શહેનશાહ સાથે મિત્રતાનો ઢોંગ કરી પાઘડીની અદલાબદલી કરી લીધી. એ વખતે આ હીરો જોતાં નાદિરશાહના મોંમાંથી ઉદગાર નીકળી પડ્યા ‘કોહ-ઈ-નૂર’, અર્થાત્, પ્રકાશનો પુંજ ! ત્યારથી આ હીરો ‘કોહિનૂર’ નામથી જાણીતો બનેલો છે.
દિલ્હીની લૂંટનાં આઠ વર્ષ બાદ નાદિરશાહનું તેના એક વિશ્વાસઘાતી સાથી દ્વારા ખૂન થયું. કહેવાય છે કે નાદિરશાહની લાશ પરથી તેના સરદાર અહમદશાહ અબ્દાલીએ કોહિનૂરજડિત વીંટી કાઢી લીધી. થોડાંક વર્ષો બાદ તેણે શીખ મહારાજા રણજિતસિંહને આ હીરો ખંડણી તરીકે આપ્યો.
બીજો એક મત એવો પણ છે કે નાદિરશાહના ખૂન પછી ગાદીએ આવેલો તેનો પૌત્ર શાહરૂખ કોહિનૂરનો માલિક બન્યો. 1751માં શાહરૂખે કાબુલના અહમદશાહ દુરાનીને આ હીરો ભેટ આપેલો, જે દુરાનીનો પૌત્ર શાહઝમાન ગાદીએ આવ્યો ત્યાં સુધી ટકી રહ્યો. 1793માં શાહઝમાનના એક ભાઈ મહમ્મદે તેની આંખો ફોડી નાખી, તેને કેદમાં પૂર્યો; જોકે ત્યાં પણ શાહઝમાને આ હીરાને સાચવી રાખેલો. બે વર્ષ બાદ ત્રીજા ભાઈ સુજાએ મહમ્મદને પદભ્રષ્ટ કર્યો અને તેને જેલમાં પૂર્યો. કોહિનૂર હવે શાહઝમાન પાસેથી સુજા પાસે આવ્યો. જેલમાંથી નાસી છૂટેલા મહમ્મદે ફરીથી સત્તા પ્રાપ્ત કરી, પણ હીરો સુજા પાસેથી તેના હાથમાં આવ્યો નહિ. સંજોગો મળતાં સુજા અને શાહઝમાન કુટુંબ સાથે લાહોર ખાતે રણજિતસિંહના રાજ્યમાં આવ્યા. 1813માં સુજાની મુલાકાત રણજિતસિંહ સાથે થઈ, અનિચ્છાએ પણ તેણે કોહિનૂર રણજિતસિંહને આપ્યો. તેના બદલામાં રણજિતસિંહે જાગીર બક્ષિસમાં આપી અને કાબુલનું રાજ્ય મેળવી આપવાનું વચન આપ્યું. હીરો મૃત્યુપર્યંત રણજિતસિંહ પાસે રહ્યો. 1849માં સગીર દુલીપસિંહનું રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લઈ લીધું. આમ કોહિનૂર અંગ્રેજોના હસ્તક ગયો. ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી પંજાબનો વહીવટ કરતા અધિકારી સર જ્હૉન લૉરેન્સે હીરાને સાચવ્યો નહિ, તે હીરાને બેદરકારીથી પોતાના ખિસ્સામાં કે ખોળામાં રાખતો. 1850માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાની 250મી જયંતી નિમિત્તે લૉર્ડ ડેલહાઉસીએ મહારાણી વિક્ટોરિયાને ભેટ ધરવા આ હીરાની માગણી કરી. 29મી જૂન, 1850ના રોજ આ હીરો બ્રિટિશ યુદ્ધજહાજ દ્વારા બ્રિટન પહોંચ્યો અને રાણીને અર્પણ કરવામાં આવ્યો. ત્યારબાદ હીરો જળવાઈ રહે એ હેતુથી તેને બ્રિટિશ તાજમાં સ્થાન અપાયું. હાલ તેને લંડન ટાવરમાં રાખવામાં આવેલો છે.
હવે ભારતે આ બહુમૂલ્ય હીરો ભારતની મૂળ માલિકીનો હોવાનું જણાવીને તેને ભારતને પાછો સોંપવાની માગણીથી બ્રિટનનું શાહી કુટુંબ વિચારમાં પડ્યું છે. આમ હીરાની માલિકીનો વિવાદ ઊભો થયો છે.
કોહિનૂર રાણી વિક્ટોરિયાને મળ્યો ત્યારે તેનું વજન કૅરેટ હતું. ત્યાર પછી ઍમસ્ટરડૅમના મણિકાર પાસે કપાવીને કૅરેટનો બનાવાયો છે. અન્ય ઉપલબ્ધ માહિતી મુજબ તેનું વજન 10.892 કૅરેટ છે.
ઑર્લૂફ : આ હીરો અત્યારે રશિયાઈ રાજ્યભંડારમાં હોવાનું કહેવાય છે. તે મૂળ 350 કૅરેટનો, વાદળી-લીલી ઝાંયવાળો અને એકસરખા 12 ડોડેકાહેડ્રન ફલકવાળો અતિસુંદર હતો. તેને કાપીને લગભગ કૅરેટનો બનાવવામાં આવેલો. એક વખતે મૈસૂરના મંદિરમાંથી તે ચોરાઈ ગયેલો અને તેને છુપાવી રાખવા માટે માનવપગમાં છ મહિના સુધી રાખવામાં આવેલો. એમ પણ કહેવાય છે કે કોઈ ફ્રેન્ચ સૈનિક ભારતના મંદિરમાંથી મૂર્તિના નેત્રસ્વરૂપે રહેલા આ હીરાને ચોરી ગયેલો, જે તેની પાસેથી કોઈ જહાજના કપ્તાને પડાવી લીધેલો. કપ્તાન પાસેથી પ્રિન્સ ઑર્લૂફે 90,000 પાઉન્ડમાં તે વેચાતો લીધેલો. તેણે કૅથેરિન બીજાને ભેટ આપેલો. આ હીરો કદાચ કોહિનૂર પણ હોય એમ કહેવાય છે, જે શક્ય લાગતું નથી; કારણ કે બંનેના વજનમાં તફાવત છે. કોહિનૂર અને ઑર્લૂફ હીરા માટે મતમતાંતર પ્રવર્તતા હોવાનું તેમજ તે ગ્રેટ મોગલનો જ ભાગ હોવા અંગે ખૂબ જ ચર્ચાનો વિષય રહેલો. બાબરે તેની ભારતની જીતમાં 8 મિશ્ખલ અથવા 320 રતીનો એટલે કે લગભગ 187 કૅરેટનો એક મોટો હીરો કેવી રીતે મેળવ્યો તે બાબત પોતાની નોંધ(1526)માં લખેલી છે. ટ્રેવરનિયરે તો તેને માટે આકાર (ઈંડાને દુભાગવાથી આકાર થાય તેવો) અને આકૃતિ પણ આપ્યાં છે, તે જણાવે છે કે આ હીરો કોહિનૂર કરતાં તદ્દન જુદો જ છે. બીજા એક લેખક – મસ્કેલીને એમ જણાવ્યું છે કે ટ્રેવરનિયરે જે હીરો જોયેલો તે કોહિનૂર જ હતો, કારણ કે તે બાબરના મોટા હીરા સાથે મળતો આવતો હતો, આ બાબત માનવા માટે પૂરતાં કારણો મળી રહે છે. તે કહે છે કે ટ્રેવરનિયરે જે હીરો જોયેલો તેનું ભારતીય વજન ન સમજવાથી 280 કૅરેટ હોવાની ભૂલ કરેલી અને તે ગ્રેટ મોગલ હોવાનું જણાવેલું. તે સૂચવે છે કે જે મોટો હીરો શાહજહાંને આપવામાં આવેલો તે એ જ હીરો હતો જે અત્યારે તહેરાનના ખજાનામાં છે અને તહેરાનના ખજાનામાં જે છે તે તો ગ્રેટ મોગલ છે. એટલે ટ્રેવરનિયરે જોયેલો હીરો કોહિનૂર જ હોવો જોઈએ અને માત્ર ગેરસમજથી જ તેણે ગ્રેટ મોગલ હોવાનું જણાવેલું. (જુઓ રંગીન પ્લેટ – આ.)
પિટ્ટ અથવા રિજેન્ટ : આ હીરો નેપોલિયને વાપરેલી તલવારમાં જડેલો હતો, તે અત્યારે લુવ્રમાં છે. આ હીરો 1701માં કૃષ્ણા જિલ્લામાંથી મળેલો હોવાનું માનવામાં આવે છે, કદાચ તે બૉર્નિયોની પેદાશ પણ હોય ! તેનું વજન 410 કૅરેટ હતું. આ હીરો ચેન્નાઈ(તત્કાલીન મદ્રાસ)ના ગવર્નર પિટ્ટે 20,400 પાઉન્ડમાં વેચાતો લીધેલો, તેના પરથી ‘પિટ્ટ’ નામ પડેલું છે. તે પછીથી 1717માં ડ્યૂક ઑવ્ ઑર્લિન્સ, ફ્રાન્સના રિજેન્ટે તેને 80,000 પાઉન્ડમાં અથવા કેટલાકના મત મુજબ 1,35,000 પાઉન્ડમાં વેચાતો લીધેલો. તેને કાપીને કૅરેટનો બનાવવામાં આવ્યો. ફ્રાન્સની ક્રાંતિ વખતે ‘સેન્સી’, ‘હોપ’ તેમજ અન્ય રત્નોની સાથે તે પણ ચોરાઈ ગયેલો; પરંતુ તે પાછો મેળવવામાં આવેલો અને અત્યારે પણ તે ફ્રાન્સમાં જ છે.
સેન્સી : પિટ્ટ કરતાં પ્રમાણમાં નાના કદવાળો, કૅરેટનો સેન્સી હીરો એક પછી એક ફરતો ફરતો ચાર્લ્સ ધ બોલ્ડ, દ´ સેન્સી, રાણી એલિઝાબેથ, રાણી હેન્રીટા મારિયા, કાર્ડિનલ માઝારિમ અને લુઈ ચૌદમા પાસે રહેલો.
હોપ : ભારતમાંથી મોટા કદના રંગીન હીરા જવલ્લે જ મળેલા છે. આ પ્રકારના ખ્યાતિ પામેલા હીરામાં એક હીરો કૅરેટનો કૃષ્ણા જિલ્લામાંથી મળેલો. આમાંથી કાપીને બે ભાગ કરેલા હોય એમ જણાય છે. હોપ તરીકે ઓળખાતો હીરો કૅરેટના વજનવાળો છે. તે રાખોડી લીલાશ પડતા વાદળી રંગનો, સારી ચમકવાળો હીરો છે. એચ. ટી. હોપના સંગ્રહના ભાગરૂપ હોવાને કારણે તેનું નામ હોપ પડેલું છે. તેણે આ હીરો 18,000 પાઉન્ડમાં ખરીદેલો; 1906માં ફરીથી તે વેચાયો, ફરીથી તે 1909માં વેચાયેલો. મૂળ હીરાનો બીજો ભાગ કૅરેટનો થયેલો. ફ્રાન્સની ક્રાંતિ વખતે આ બંને હીરા ચોરાઈ ગયેલા, જેમાંથી બીજો વધુ વજનવાળો હીરો પાછો મેળવી શકાયો નહિ.
એમ પણ કહેવાય છે કે બહુ જ દુર્લભ એવા બ્લૂ રંગનો ‘ધ હોપ’ નામનો હીરો ફ્રેન્ચ ઝવેરી ટ્રેવરનિયરે ખરીદેલો. 1642માં તે યુરોપ લઈ જવાયો અને તેને બ્લૂ ટ્રેવરનિયર નામ અપાયેલું. 112 કૅરેટવાળો આ હીરો ફ્રાન્સના લુઈ ચૌદમાને વેચવામાં આવેલો.
હોર્ટેન્સિયા : આ નામનો સુંદર ગુલાબી રંગનો હીરો પણ ભારતમાંથી મળી આવ્યો હતો. ટ્રેવરનિયર તેને ભારતમાંથી ખરીદી ગયેલો. ફ્રાન્સના રાજાને તેણે આ હીરો વેચેલો.
અકબરશાહ : આ નામનો હીરો મૂળ 116 કૅરેટનો હતો. તેના પર અરબી લખાણ હતું. તેને કાપીને 71 કૅરેટનો બનાવવામાં આવેલો, જેને વડોદરાના ગાયકવાડે 35,000 પાઉન્ડમાં વેચાતો લીધેલો.
ગ્રેટ ટેબલ : આ નામનો લંબચોરસ હીરો 1642માં ટ્રેવરનિયરે ગોલકોન્ડા ખાતે જોયેલો. તેના જણાવ્યા મુજબ તેનું વજન કૅરેટ હતું. મસ્કેલીન તેને એવા જ બીજા લંબચોરસ હીરા (ઈરાનના શાહ પાસેના 186 કૅરેટના દરિયાઈ નૂર) સાથે સરખાવે છે.
નિઝામ : 1835માં મળેલો આ હીરો મૂળ 440 કૅરેટનો હતો, તેને કાપીને 277 કૅરેટનો બનાવેલો હોવાનું માનવામાં આવે છે. આ હીરો હૈદરાબાદના નિઝામ પાસે હતો.
તાજ–યે–મન : ઈરાનના શાહ પાસેનો આ હીરો આછા ગુલાબી રંગવાળો, જમરૂખ(Pear)ના આકારનો, 146 કૅરેટનો હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત, રશિયામાં રાજચિહનો તરીકે રાખવામાં આવેલા નાના કદના ઘણા હીરા છે, તે પણ ભારતની જ પેદાશ હોવી જોઈએ; કારણ કે તેમની કાપવાની પદ્ધતિ હિન્દુ કારીગરી મુજબની છે.
હીરા કાપવાની ક્રિયા તથા કાપવાનાં યંત્રોની શૃંખલા, વિવિધ ઘાટ
હીરા કાપવાની ક્રિયા : હીરાની પ્રાપ્તિ બાદ, તે અનિયમિત, ખરબચડાં સ્ફટિક સ્વરૂપોવાળા હોવાથી તેમાંથી જે રત્નપ્રકારો હોય તેમને કાપવા માટે અને અન્યને ઔદ્યોગિક હીરા તરીકે જુદા પડાય છે. હલકી કક્ષાના કે ઓછી ગુણવત્તાવાળા રત્નપ્રકારો તથા સૂક્ષ્મ ઔદ્યોગિક હીરાઓ ક્યારેક સરખી જાતના દેખાતા હોય છે. કતરણનો મુખ્ય હેતુ ઊંચી મૂલ્યપ્રાપ્તિ માટે જ હોય છે, તેમાં વજનને મહત્વ અપાતું નથી. હીરાનો ક્ષતિવાળો ભાગ કાપી નાખીને, પ્રથમ કક્ષાનો બનાવીને તેનું મૂલ્ય વધારવામાં આવે છે, અથવા ક્ષતિ રહેવા દેવાથી વધુ વજન રહેતું હોય અને દ્વિતીય કક્ષા કરતાં કિંમત વધુ ઊપજી શકે તેમ હોય તો તેમ પણ કરવામાં આવે છે. ખૂબ ખરબચડા હીરાના સ્ફટિક્ધો બે કે તેથી વધુ ટુકડાઓમાં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે, જેથી તેની કુલ કિંમત મૂળ હીરાની કિંમત કરતાં વધી જાય. કાપતી વખતે ક્ષતિયુક્ત ભાગ નીકળી જાય એ રીતે કાપવામાં આવે છે. આ માટે કુશળતાની જરૂર હોય છે. ચોક્કસ સ્ફટિક દિશામાં જ તે કાપી શકાય છે. ઑક્ટાહેડ્રલ સ્ફટિકો આઠ ફલકોવાળા હોઈ તેમને ચાર દિશાઓમાં તો કાપી શકાય છે, વળી તે અન્ય નવ દિશાઓમાં (ત્રણ ક્યૂબને અને છ ડોડેકાહેડ્રનને સમાંતર) કાપી શકાય છે. કતરણ-નિષ્ણાતો ડોડેકાહેડ્રનને સમાંતર કાપવાનું વધુ પસંદ કરે છે. હીરાને કાપવા માટે હીરાની ધાર પર બીજા હીરાની અણીથી નાનો કાપો મૂકીને વિભાજન કરાય છે. જ્યાં કાપો પાડ્યો હોય ત્યાં લોહપતરી ગોઠવીને તેના પર ત્વરિત આઘાત આપીને વિભાજન કરાય છે. આથી હીરો લીસી સપાટી પર તૂટે છે. હીરાને ગોળ કે અંડાકારમાં તૈયાર કરવાનો હોય તો તેને નિષ્ણાત પાસે લઈ જઈ, જરૂરી લેથ પર રાખી ઘાટ અપાય છે. ત્યારબાદ પાસા પાડીને અને પછી ઘસીને ચમક અપાય છે. આ બધી જ ક્રિયાઓ ચોક્કસ સ્ફટિક દિશાના સંદર્ભમાં જ થાય છે. પૂરો ઘાટ આપ્યા બાદ તેનું વજન 50થી 60 % રહે છે. અહીં વજનનો એકમ કૅરેટ (1 કૅરેટ = 0.200 ગ્રામ) ગણાય છે. રત્ન-પ્રકાર તેમજ ઔદ્યોગિક પ્રકાર બંને કૅરેટના વજનથી વેચાય છે. હીરાને અપાતા કાપ અને વિવિધ ઘાટ પરથી તેની કિંમત અંકાય છે. ઍમસ્ટરડૅમ અને ઍન્ટ્વર્પ હીરાની આ કારીગરી માટે જાણીતાં છે. ભારતમાં આ માટે સૂરત, ભાવનગર અને જયપુર વધુ જાણીતાં બન્યાં છે.
ઔદ્યોગિક હીરા : અપારદર્શક તેમજ ક્ષતિવાળા હીરા જે રત્ન તરીકે ખપી શકતા નથી તે ઔદ્યોગિક હેતુઓ માટે વપરાય છે. તેના ત્રણ પ્રકારો પાડેલા છે : (i) બૉર્ટ્ઝ (ii) બેલાસ અને (iii) કાર્બૉનેડો.
બૉર્ટ્ઝ કાળાશ પડતા, અપૂર્ણ સ્ફટિકમય, અર્ધપારદર્શકથી અપારદર્શક હોય છે. ઔદ્યોગિક શારકામ માટે તેમને હીરક-શારડીથી બેસાડાય છે. બેલાસ પ્રકારના હીરા(સૂક્ષ્મ કણોના ગોળાકાર બનેલા જથ્થા)માં સંભેદ – વિભાજકતા હોતી નથી. તે શારકામ તેમજ અન્ય ઔદ્યોગિક ઉપયોગમાં લેવાય છે. કાર્બૉનેડો પ્રકાર કાળા કે ઝાંખાં રંગનો હોય છે. તેમની વિશિષ્ટ ઘનતા અને ટકાઉપણાના ગુણધર્મને કારણે તે ખડકો કોરવામાં વપરાતી હીરક-શારડીનાં પાનાં બનાવવામાં વપરાય છે. ઉદ્યોગોમાં વપરાતા આ પ્રકારના હીરા હીરક-શારડીઓ, ચક્રો, હીરક-કણીઓ બનાવવાના કામમાં લેવાય છે. ખનિજ-સંશોધન માટે, બંધ અને પાયા(dams and foundations)ના ખડકોની જાણકારી માટે કરવાં પડતાં શારકામમાં તે ઘણા મહત્વના બની રહે છે. હીરક-ચક્રો ચૂનાખડક, આરસ, ગ્રૅનાઇટને કાપવામાં; હીરક-કણીઓ કાચને કાપવામાં; હીરક-ડાઇ તાર ખેંચવામાં ઉપયોગમાં લેવાય છે. માનવ કેશની સરેરાશ જાડાઈ જેટલા લગભગ 0.000635 મિમી.(0.0025 ઇંચ)ના વ્યાસથી પાતળા તાર ખેંચીને બનાવવા માટે હીરક-કણીનો ઉપયોગ થાય છે. ટંગસ્ટન કાર્બાઇડ હવે તો વપરાશમાં આવતું જાય છે. ટંગસ્ટન કાર્બાઇડનાં સાધનોને આકાર આપવામાં અને તીક્ષ્ણ બનાવવામાં આવા હીરાઓની ઘણી માંગ રહે છે. એ જ રીતે ઍલ્યુમિના કે સિલિકોન કાર્બાઇડનાં ઘર્ષક ચક્રોને આકાર આપવામાં પણ હીરાના કણો વપરાય છે. કૃત્રિમ હીરા વિકસાવવામાં આવ્યા તે અગાઉ ઔદ્યોગિક હીરાનું લગભગ 1.2 કરોડ (1,20,00,000) કૅરેટનું વેચાણ થતું હતું. કૉંગોની બાકવાંગા ખાણો ઔદ્યોગિક હીરાનું વધુ ઉત્પાદન કરે છે. ઔદ્યોગિક હીરા સામાન્ય રીતે જૂથમાં મળતા હોય છે.
કૃત્રિમ (સંશ્લેષિત) હીરા : કુદરતમાં મળતો શુદ્ધ હીરો કીમતી રત્ન હોવાને કારણે મૂલ્યવાન ઝવેરાત તરીકે ઉપયોગમાં લેવાય છે. કુદરતી હીરાની કિંમત સામાન્ય માણસ માટે વધુ પડતી હોવાથી, જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ 1955(15-2-1955)માં કૃત્રિમ હીરા તૈયાર કરી બજારમાં મૂક્યા. આ અગાઉ પણ આ માટે ઘણા અખતરા થયેલા; પરંતુ તે પૈકીના કેટલાક નાકામયાબ નીવડેલા. કુદરતી અને કૃત્રિમ હીરા કઠિનતા તેમજ અન્ય કેટલાક ગુણધર્મોમાં સરખા જ હોય છે, જોકે તેની બનાવવાની પદ્ધતિ મુજબ, તેની ગુણવત્તા નક્કી થતી હોય છે. અશુદ્ધિઓ, કદ અને આકાર તેને ભિન્ન ભિન્ન પ્રકારની ગુણવત્તા આપે છે. તે આશરે 0.1 મિમી.ના કણકદમાં પણ છૂટા સ્ફટિક રૂપે તૈયાર કરી શકાય છે. ઑક્ટાહેડ્રન આકારમાં પણ તે બને છે, કારણ કે તેને ઘણી ધારો હોય છે. શુદ્ધ કાર્બનમાંથી મોટા કદના (1 કૅરેટ સુધીના) કૃત્રિમ હીરા પણ બનાવી શકાયા છે, જે રત્નપ્રકાર તરીકે સરળતાથી ખપે છે. ક્યારેક તો કુદરતી હીરા કરતાં પણ તેની શુદ્ધતા વધી જાય છે, તેથી કુદરતી હીરાથી તેમને જુદા પાડવાનું લગભગ અશક્ય બની જાય છે; જોકે તેની બનાવટમાં તેની પડતર-કિંમત વેચાણ-કિંમત કરતાં ક્યારેક વધી જતી હોય છે. અત્યારે દુનિયાનાં બજારોમાં જે મળે છે તે ખરેખર તો ઇમિટેશન (નકલી) હીરા જ હોય છે. ઇમિટેશન હીરા કાર્બનનું ઘટ્ટ સ્ફટિક સ્વરૂપ હોતા નથી. મોટા ભાગના આ કહેવાતા હીરા યેટ્રિયમ ઍલ્યુમિનિયમ ગાર્નેટ અથવા સ્ટ્રૉન્શિયમ ટાઇટેનેટ હોય છે. કૃત્રિમ રત્નો અને ઇમિટેશન રત્નો વચ્ચેનો તફાવત પારખી શકાતો નથી. કૃત્રિમ રત્નો રાસાયણિક સ્ફટિકમાળખાની દૃષ્ટિએ કુદરતી રત્નો જેવાં જ હોય છે; જ્યારે ઇમિટેશન રત્નો અન્ય ઘટકોથી બનાવેલાં હોય છે. કૃત્રિમ રત્નોને સંશ્લેષિત રત્નો કહેવાનું વધુ ઉચિત ગણાય.
ગ્રૅફાઇટને ખૂબ જ ઊંચા તાપમાન અને પ્રચંડ દાબની અસર હેઠળ રાખીને તૈયાર કરાતા હીરા કૃત્રિમ હીરા અથવા સંશ્લેષિત હીરા અથવા માનવસર્જિત હીરા કહેવાય છે.
19મી અને 20મી સદીમાં કરાયેલા અખતરા : 1880માં સ્કૉટિશ રસાયણવિદ જેમ્સ વૅલેન્ટાઇન હૅનૉયે જણાવ્યું કે તેણે સીલ કરેલી ઘડતર લોહનલિકાઓમાં રાખેલા પૅરેફિન, અસ્થિતેલ અને લિથિયમના મિશ્રણને ધગધગતા તાપમાન હેઠળ રાખીને કૃત્રિમ હીરા બનાવ્યા છે. તેણે કરેલા આવા ત્રણ અખતરાઓને નિષ્ણાતો પાસે ચકાસણી કરાવ્યા બાદ પરિણામી પેદાશ તરીકે હીરાકણિકાઓ તૈયાર થઈ હોવાનું જણાયું. આ કણિકાઓને જાળવી રખાઈ. 1943માં આધુનિક નિષ્ણાતો દ્વારા તેની પુનશ્ચકાસણી થઈ, જેમાં તે હીરાકણિકાઓ હોવાનું પુરવાર થયેલું.
1893માં ફ્રેન્ચ રસાયણવિદ હેન્રી મોઈસને જણાવ્યું કે મૂસમાં રાખેલા શુદ્ધ કાર્બન અને લોહના મિશ્રણને પ્રચંડ દબાણ હેઠળ આશરે 4000° સે. તાપમાનવાળી વિદ્યુતભઠ્ઠીમાં તપાવીને તરત જ ઠંડા જલપાત્રમાં ઠારી દેવાથી તેનું હીરામાં રૂપાંતર થાય છે. આ પ્રયોગને તેણે અનેક વાર ચકાસી જોયેલો; પરંતુ તેમાંથી જે નિર્મળ સ્ફટિક પેદાશ મળેલી, તે ખરેખર હીરો ન હતો.
1940-50ના દશકા દરમિયાન પર્સી વિલિયમ્સ બ્રિજમૅન નામના અમેરિકી ભૌતિકશાસ્ત્રીએ ગ્રૅફાઇટને પ્રતિ ચો.મિમી.એ 10,000 પાઉન્ડ(પ્રતિ ચો.ઇંચે 60 લાખ પાઉન્ડ)થી પણ વધુ દબાણ હેઠળ રાખીને તેનું હીરામાં રૂપાંતર કરવાના નિષ્ફળ પ્રયાસો કરી જોયેલા. તેના આ પ્રયાસોથી દોરવાઈને ન્યૂયૉર્કની જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ પણ સંશ્લેષણ કરી જોયું. ગ્રૅફાઇટને પ્રતિ ચો.મિમી.એ 2500 પાઉન્ડના દાબ હેઠળ અને 3000° સે. તાપમાન હેઠળ રાખીને પરિણામી પેદાશ મેળવી, તે પેદાશ કૃત્રિમ હીરો હતી. તેની ગુણવત્તા ઔદ્યોગિક હીરા સમકક્ષ હતી. પૂરતી ચકાસણીઓ બાદ 1960થી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન પણ લેવાતું રહ્યું છે. જનરલ ઇલેક્ટ્રિક કંપની ઉપરાંત, અલ્ટ્રા હાઇપ્રેશર યુનિટ્સ(દ બિયર્સની સહાયક શાખા)નો પણ આ પ્રકારના ઉત્પાદકોમાં સમાવેશ થાય છે. વળી સ્વીડન, જાપાન, ચેક પ્રજાસત્તાક તથા સ્લાવિયા અને રશિયામાં પણ વ્યાપારી ધોરણે આવા હીરાઓનું ઉત્પાદન લેવાય છે.
સ્ફોટકોના ઉપયોગથી ઘણું ઊંચું તાપમાન અને ઉગ્ર દબાણ ઊભું કરીને પણ કૃત્રિમ હીરા બનાવી શકાય છે. આ તક્નીકની મદદથી દ પૉંટ કંપની વ્યાપારી ધોરણે આવા હીરાનું ઉત્પાદન કરે છે.
અમેરિકન ડાયમંડ : અમેરિકન ડાયમંડ એ ખનિજશાસ્ત્રની દૃષ્ટિએ હીરો નથી, તેનું અસલી હીરા સાથે માત્ર રંગરૂપનું જ સામ્ય હોય છે. સાચા હીરામાં શુદ્ધ કાર્બન હોય છે, જ્યારે અમેરિકન ડાયમંડમાં કાર્બન હોતો જ નથી. આ રીતે આ બે પ્રકારો વચ્ચે આંતરિક રચના અને બંધારણનો પાયાનો તફાવત છે. અમેરિકન ડાયમંડ તરીકે ઓળખાતા કેટલાક પદાર્થો મળે છે; જેમ કે, ઝિર્કોનિયાને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો તે હીરાની જેમ ઝળકે છે. હીરા કરતાં ઝિર્કોનિયાનો વક્રીભવનાંક ઓછો હોય છે. બીજો પદાર્થ છે સ્ટ્રૉન્શિયમ ટાઇટેનેટ, તેનો વક્રીભવનાંક લગભગ હીરા જેટલો જ હોય છે. ચમકની બાબતમાં તે હીરાની તુલના કરી શકે છે. ઇટ્રિયમ ગાર્નેટ અને ગેડોલિનિયમ ગાર્નેટ પણ અમેરિકન ડાયમંડ તરીકે બજારમાં વેચાય છે.
હકીકતમાં અમેરિકન ડાયમંડને ‘હીરા’ નામ સાથે કે ‘અમેરિકા’ નામ સાથે કશી લેવાદેવા નથી. એ ખરું કે વર્ષો પહેલાં તેમને ઊંચા તાપમાને ગરમ કરવાની પ્રક્રિયા અમેરિકા ખાતે થતી હતી, તેથી હીરા જેવા દેખાતા આ ચમકીલા પદાર્થોનું નામ ‘અમેરિકન ડાયમંડ’ પડેલું છે.
ભારત : હીરાઉદ્યોગમાં ભારત દુનિયાભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દુનિયાનું હીરાનું 70 % વેચાણ ભારત કરે છે. ભારતનું હીરાનું ઉત્પાદન ન જેવું હોવા છતાં કાચો માલ આયાત કરીને તૈયાર માલની નિકાસ કરે છે. આ ઉદ્યોગમાં લગભગ 3.5 લાખ લોકો રોકાયેલા છે. હીરા કાપવા, ઘસવા અને ચમક આપવા માટેનાં મથકો સૂરત, નવસારી, પાલનપુર, ભાવનગર, મુંબઈ અને જયપુર ખાતે આવેલાં છે. હિન્દુસ્તાન ડાયમંડ કંપની લિ. તરફથી ગુજરાતમાં સૂરત નજીક સચિન, તામિલનાડુમાં તિરુચિ, રાજસ્થાનમાં જયપુર, યુ.પી.માં હલદ્વાની અને બિહારમાં ગોવિંદપુર ખાતે હીરા માટેના ઔદ્યોગિક પાર્ક સ્થપાયા છે.
હીરા–ઉદ્યોગ : કુદરતમાં મળી આવતા રુક્ષ હીરાઓને ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ કરીને સ્ફટિકમય પાસાઓવાળાં ચકચકિત રત્નોનું સ્વરૂપ આપવાનો ઉદ્યોગ. વજન અને કદમાં નાના હોવા છતાં રત્નસ્વરૂપ હીરાઓનો ઝવેરાતનાં બહુમૂલ્ય આભૂષણોમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે. જે હીરા-રત્ન તરીકે ઉપયોગમાં લઈ શકાય એવા ન હોય તેમનો ઉપયોગ અપઘર્ષકો (abrasives) અને છેદકો તરીકે થાય છે.
હીરા બે પ્રકારના હોય છે : ઝવેરાતના હીરા અને ઔદ્યોગિક હીરા. જુદા જુદા ઘણા રંગોમાં મળી આવતા રત્નપ્રકારના હીરા બહુમૂલ્ય ગણાય છે; જ્યારે ઔદ્યોગિક હીરાઓનું મૂલ્ય તદ્દન ઓછું હોય છે. ઔદ્યોગિક હીરાઓ બેલાસ (ballas), બૉર્ટ (bort) અને કાર્બૉનેડો (carbonado) એવા ત્રણ પ્રકારોમાં મળે છે. બેલાસ લઘુગોલકીય, સખત અને સંભેદવિહીન હોય છે; બૉર્ટ બેરંગી, ઘાટવિહીન અને ખૂબ નાના કદમાં મળે છે, જે દળવાની ઘંટીઓ તેમજ અપઘર્ષકો તરીકે ઉપયોગમાં લેવાય છે; કાર્બૉનેડો સખત, ઓછા બરડ, છિદ્રાળુ તેમજ અપારદર્શક હોય છે, તે સંભેદશીલ હોવાથી તેનો ઉપયોગ ઘસવા તથા કાપવાનાં ઓજારોમાં થાય છે.
ઈ. સ.ની પંદરમી સદીમાં યુરોપમાં લુડવિગ વાન બરક્વેમે (Ludwing Van Burquem) હીરાને સમમિતિય (symmetrical) ઘાટ આપવાની પદ્ધતિ વિકસાવેલી. તેમાં એક લોહચક્ર પર તેલમિશ્રિત હીરાની રજ ચઢાવીને હીરાને ગોળાઈ આપવામાં આવતી હતી. ત્યારબાદ ઇટાલીના વિન્સેન્ટ પેરુઝી(Vincent Peruzzi)એ હીરા પર તેજસ્વિતા દેખાય એવા કાપ પાડવાની પદ્ધતિ વિકસાવી; જે હીરાની ચમક માટે આશીર્વાદરૂપ નીવડી હતી. અદ્યતન તક્નીકી મુજબ કમ્પ્યૂટરની મદદથી રુક્ષ હીરાનો દ્વિપરિમાણી કે ત્રિપરિમાણી અભ્યાસ કરી તેના દ્વારા જ હીરો સુંદર રીતે દીપી ઊઠે અને ઊંચું મૂલ્ય ઊપજે તે રીતે રેખાંકન કરી લેસર-કિરણો(computer aided manufacture – CAM)ની સહાયથી તેમાં વિદલન (સંભેદ), કાપ, ગોળાઈ તથા પહેલ પાડવામાં આવે છે. આ પ્રકારની સ્વયંસંચાલિત પદ્ધતિમાં હીરાનો ન્યૂનતમ અપવ્યય થાય છે, ઉત્પાદન વધે છે અને મહત્તમ કિંમત ઊપજે છે. ભારતની પરંપરાગત પ્રચલિત હસ્તકૌશલ્ય પદ્ધતિ કરતાં તેની ઉત્પાદનક્ષમતા અનેકગણી વધુ રહે છે.
કેટલાંક વર્ષોથી હીરાબજારમાં પ્રસ્તુત થતા સંશ્લેષિત હીરા(synthetic diamonds)ના સંશોધનનું શ્રેય અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીના ફ્રાન્સિસ બન્ડી (Francic Bundy), ટ્રેસી હૉલ (Tracy Hall), હર્બર્ટ એસ. સ્ટ્રૉંગ (Herbert S. Strong), રૉબર્ટ એચ. વૉન્ટૉર્ફ (Robert H. Wantorf) અને પરસી ડબ્લ્યૂ. બ્રિજમૅન(Percy W. Bridgman)ને ફાળે જાય છે. 1955માં તેમણે ગ્રૅફાઇટને 2420° સે. તાપમાન હેઠળ 1,26,000 કિગ્રા./ચો.મીટરનું દબાણ આપીને સર્વપ્રથમ વાર સંશ્લેષિત હીરો બનાવેલો. 1970માં સ્ટ્રૉંગ અને વૉન્ટૉર્ફે રત્ન તરીકે ઉપયોગમાં લઈ શકાય એવો સૂક્ષ્મ કદનો સંશ્લેષિત હીરો બનાવવામાં સફળતા મેળવી હતી.
અઢારમી સદીની શરૂઆત (ઈ. સ. 1720) સુધી હીરાઉદ્યોગના ક્ષેત્રે વિશ્વભરમાં ભારતની જે ખ્યાતિ હતી તે ઈ. સ. 1720માં બ્રાઝિલમાં અને ઈ. સ. 1870માં દક્ષિણ આફ્રિકાનાં ઘણાં સ્થળોએ હીરા મળી આવતાં લગભગ નષ્ટ બની ગઈ. આમ ભારત બહાર હીરા મળવા સાથે કેટલાક ઉદ્યોગ-સાહસિકોએ ભેગા થઈ દ બિયર્સ કંપની(DBC)ની સ્થાપના કરી, દક્ષિણ આફ્રિકાની સરકાર પાસેથી ખાણો ભાડાપટ્ટે લીધી હતી. હીરાઉદ્યોગને શ્રમલક્ષીમાંથી યંત્રલક્ષી બનાવવા આયોજન કરી – યાંત્રિકીકરણ અપનાવ્યું હતું. પરિણામે દ બિયર્સ કંપની વિશાળ જથ્થામાં હીરા સંપાદન કરવામાં સફળ રહી. 1906માં કંપનીએ યુરોપના બજારમાં તે સમયના 50 લાખ પાઉન્ડની કિંમતના હીરાનું વેચાણ કરેલું. આ સમયગાળા દરમિયાન દુનિયાના અન્ય વિસ્તારોમાંથી પણ હીરા મળી આવતાં કંપનીએ તેમનો પણ ઇજારો મેળવ્યો હતો.
બ્રાઝિલનો હીરાઉદ્યોગ કેટલાક વખત માટે મૃતપ્રાય સ્થિતિમાં આવી જતાં તેમજ અન્ય દેશોમાં તે સમયે હીરાઉદ્યોગનો વિકાસ ન જોતાં, દ બિયર્સ કંપનીની આ ઉદ્યોગ પરની ઇજારાશાહી પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. કંપની વધુ સુદૃઢ થાય તે માટે તેમણે ડાયમંડ ટ્રેડિંગ કંપની(DTC)ની સ્થાપના કરી અને હીરાનું વેચાણ DTC દ્વારા કરવાનું આયોજન પણ કર્યું હતું. ઈ. સ. 1990 સુધી વિશ્વ હીરાબજારનો આશરે 75 % હિસ્સો આ બે શાખાઓ હસ્તક હતો; તેમ છતાં ત્યારબાદ ઍંગોલા, બોત્સવાના, કૅનેડા, કૉંગો, રશિયા, ઑસ્ટ્રેલિયા, થાઇલૅન્ડ, સિયેરા લિયોન, લાઇબિરિયા, તાન્ઝાનિયા, ગિની જેવા દેશોમાંથી પણ હીરા મળી આવતા તીવ્ર સ્પર્ધા ઊભી થવા માંડી હતી. ઈ. સ. 2002માં હીરાઉદ્યોગના ક્ષેત્રે ડી.ટી.સી.નો હિસ્સો અંદાજે 50 % જેટલો થવા પામ્યો હતો.
બોત્સવાનાની આરોપાની ખાણોની ગણના વિશ્વની મોટી ખાણોમાં થાય છે. રશિયાની પશ્ચિમે યાકૂતિયા વિસ્તારમાં આવેલી પાંચ ખાણોની માલિકી રશિયન સરકારની અલરોઝા કંપની ધરાવે છે. ઑસ્ટ્રેલિયાની આર્ગાઇલ ખાણમાંથી મુખ્યત્વે ઔદ્યોગિક ઉપયોગમાં લઈ શકાય એવા હીરાના વિશાળ સ્તરો મળી આવ્યા છે.
વિશ્વના વિવિધ દેશોની ઈ. સ. 1990થી ઈ. સ. 2006 સુધીના હીરા-ઉત્પાદનની માહિતી નીચે પ્રમાણે છે.
સારણી 2 : વિશ્વમાં હીરાનું ઉત્પાદન (000 કૅરેટમાં)
ક્રમ | દેશ | 1990 | 2000 | 2003 | 2006 |
1. | ઑસ્ટ્રેલિયા | 36,000 | 26,700 | 33,100 | 43,300 |
2. | ઝૈર (ઝાયર) | 24,000 | NA | NA | NA |
3. | બોત્સવાના | 17,300 | 24,650 | 30,400 | 30,500 |
4. | રશિયા | 1500 | 23,200 | 24,000 | 31,800 |
5. | દ. આફ્રિકા | 8500 | 10,780 | 12,670 | 15,000 |
6. | નામિબિયા | 800 | 1600 | 1650 | NA |
7. | દ. અમેરિકા | 1700 | NA | NA | NA |
8. | ઘાના | 200 | 880 | 1000 | NA |
9. | મધ્ય આફ્રિકન રિપબ્લિક | 500 | NA | NA | 11,700 |
10. | સિયેરા લિયોન | 700 | NA | NA | NA |
11. | લાઇબેરિયા | 300 | NA | NA | NA |
12. | તાન્ઝાનિયા | NA | 320 | 230 | NA |
13. | ઍંગોલા | 1300 | 6000 | 5300 | 6900 |
14. | ગિની | 100 | NA | NA | NA |
15. | કૉંગો | NA | 17,500 | 20,000 | 28,000 |
16. | અન્ય દેશો | 300 | 6370 | 8850 | 7800 |
કુલ | 83,200 | 1,18,000 | 1,37,000 | 1,75,000 |
આમ વિશ્વનું હીરાનું ઉત્પાદન ઈ. સ. 1990ની અપેક્ષાએ ઈ. સ. 2006માં અંદાજે 50 % જેટલું વધ્યું હતું. ઑસ્ટ્રેલિયા, ઝૈર, રશિયા, દક્ષિણ આફ્રિકા અને ઍંગોલામાં હીરાનું ઉત્પાદન ગણનાપાત્ર જથ્થામાં થાય છે. ઑસ્ટ્રેલિયા અને ઝૈરમાં મહદ્અંશે ઔદ્યોગિક હીરા વધુ મળે છે, જોકે હવે ઑસ્ટ્રેલિયામાંથી રંગીન હીરા પણ મળે છે.
ડી.ટી.સી.નું હીરા-વેપારનું કેન્દ્ર લંડન ખાતે છે. તે વિશ્વભરનું હીરાકેન્દ્ર ગણાતું રહેલું; પરંતુ વિવિધ દેશોમાં હીરાના ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ થતાં હીરાબજારમાં તીવ્ર સ્પર્ધા ઊભી થયેલી હતી. તેથી બેલ્જિયમના ઍન્ટ્વર્પ ખાતે હીરાબજાર માટે બીજું કેન્દ્ર વિકસ્યું હતુ. ભારતના વેપારીઓ ઍન્ટ્વર્પને વધુ મહત્વ આપે છે, તેમણે ત્યાં દફતરો પણ સ્થાપ્યાં છે.
સારણી 3 : ભારતનું હીરાનું ઉત્પાદન (કૅરેટમાં)
વર્ષ | કૅરેટમાં | કિંમત (કરોડ રૂપિયામાં) |
2000-01 | 40,956 | 21.40 |
2003-04 | 84,407 | 39.63 |
2005-06 | 78,315 | 37.60 |
ઉત્પાદનની આ માહિતી દર્શાવે છે કે હીરાનું ઉત્પાદન 2000-01માં જે 40,956 કૅરેટ હતું તે 2005-06માં 78,315 કૅરેટ થયું હતું; પરંતુ વિશ્વના ઉત્પાદનની સરખામણીમાં તે તદ્દન ઓછું ગણાય.
ભારત સરકારે હીરાના સંશોધનનું કાર્ય કેટલીક ખાનગી કંપનીઓને સોંપ્યું છે; તેમાં મધ્યપ્રદેશના પન્ના, આંધ્રપ્રદેશના ગોલકોન્ડા અને વજ્રાકુડુર, ઉત્તરપ્રદેશના જુંગલ વિસ્તારની તેમજ કર્ણાટક, છત્તીસગઢ અને ઓરિસા રાજ્યોની પસંદગી કરવામાં આવી છે.
અઢારમી સદીના મધ્યભાગથી જ ભારતમાં હીરાના ઉત્પાદનમાં ગણનાપાત્ર ઘટાડો થતાં ઉદ્યોગક્ષેત્રે ભારે મંદી પ્રવર્તતી હતી. હીરાને ઘાટ આપનાર કસબીઓ પણ લગભગ નિવૃત્ત સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે આશરે 100 વર્ષ પહેલાં સૂરતમાં ગાંડાભાઈ માલજીવનદાસ અને રંગીલદાસ હરગોવનદાસે વિદેશથી રુક્ષ હીરા આયાત કરી, તેમને પહેલ પડાવી, ચમકદાર બનાવવાનો પ્રારંભ કર્યો હતો. પ્રારંભમાં આ ઉદ્યોગ લેઉઆ પાટીદાર હસ્તક હતો. ઈ. સ. 1950માં પાટણના એચ. બી. શાહે આ ક્ષેત્રે પ્રવેશ કરી ઉદ્યોગને વેગ આપવાનું કાર્ય બજાવ્યું હતું. ઈ. સ. 1950ના દાયકામાં ભારતના હીરાબજારમાં તેજી આવી હતી; પરંતુ ઈ. સ. 1962માં ચીનના આક્રમણથી સ્થાનિક બજારમાં મંદી આવવાથી વેપારીઓએ ઘડેલ હીરાની નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ સમય દરમિયાન ભારત સરકારે સ્થાનિક કસબીઓને તેમના હુન્નર દ્વારા વિદેશી હૂંડિયામણમાં કમાણીની તક જોઈને રુક્ષ હીરાની આયાત માટેના નિયમો સરળ બનાવ્યા હતા. આ ઉપરાંત હીરાની નિકાસ કિંમતના 80 % રુક્ષ હીરાની નિકાસને પરિપૂર્ણ (replenishment) કરવાની શરતે શાખ પર આયાત કરવાની મંજૂરી આપી હતી. ડી.ટી.સી.એ પણ ભારતમાં હીરા ઘડનાર સસ્તા દરના કુશળ કારીગરો છે એવી પ્રતીતિ થતાં શાખ પર ભારતને હીરા પૂરા પાડવાનું આયોજન કર્યું હતું. હીરાની આયાત પર પ્રારંભમાં જે 45 % જકાતવેરો હતો તેને પાછળથી નાબૂદ કરવામાં આવ્યો હતો.
હીરાઉદ્યોગમાં પ્રવૃત્ત વેપારીઓની સાહસવૃત્તિ, કુશળ કારીગરો, ભારત સરકારનું પ્રોત્સાહન જેવાં પરિબળોને પરિણામે ભારતના હીરાની આયાત-નિકાસના વેપારમાં ક્રમશ: વૃદ્ધિ થઈ હતી, જે નીચે મુજબ છે.
સારણી 4 : ભારતના હીરાની આયાત-નિકાસ
વર્ષ |
આયાત (કરોડ રૂપિયામાં) |
નિકાસ (કરોડ રૂપિયામાં) |
કિંમતમાં વૃદ્ધિ (કરોડ રૂપિયામાં) |
1990-1991 | 3,544 | 4,739 | 1,195 |
1994-1995 | 8,810 | 12,573 | 3,763 |
1999-2000 | 20,924 | 28,706 | 7,781 |
2004-2005 | 34,241 | 50,073 | 15,831 |
ઈ. સ. 1990-1991માં રુક્ષ હીરાની આયાત રૂપિયા 3544 કરોડ હતી, તે ઈ. સ. 2004-05માં રૂપિયા 34,241 કરોડ થઈ હતી; તે જ સમયગાળા દરમિયાન નિકાસ રૂપિયા 4,739 કરોડ હતી, તે વધીને રૂપિયા 50,073 કરોડની થઈ હતી. ઈ. સ. 2004-05માં ભારતના હીરાકસબીઓએ રૂપિયા 1538 કરોડની કમાણી તેમના હુન્નર દ્વારા કરી હતી.
ભારત સામાન્ય રીતે બેલ્જિયમ, ઇંગ્લૅન્ડ, ઇઝરાયલ, સંયુક્ત આરબ પ્રજાસત્તાક, સંયુક્ત આરબ અમીરાત, હૉંગકૉંગ અને અમેરિકાથી રુક્ષ હીરાની આયાત કરે છે; જ્યારે ઘડેલા તૈયાર હીરાની નિકાસ અમેરિકા, બેલ્જિયમ, હૉંગકૉંગ, સિંગાપોર, ઇઝરાયલ, જાપાન, થાઇલૅન્ડ વગેરે દેશો ખાતે કરે છે.
ભારતના હીરાઉદ્યોગના વેપારીઓ મુખ્યત્વે નાના કદના હીરાની આયાત કરી, રુક્ષ હીરાને ચીપિયાથી પકડી ઘસવાની ઘંટી પર નક્કી કરેલ કાટખૂણે મૂકી તેને કસબી દ્વારા કાપ અને પહેલ પાડવાની ક્રિયા કરાવે છે. આ કામ માટે કસબીને (ભારતમાં) શ્રમનું વળતર ઓછું મળે છે; જ્યારે ઇઝરાયલ, અમેરિકા, બેલ્જિયમ અને તાજેતરમાં ચીન સ્વયંસંચાલિત કમ્પ્યૂટર તકનીકીનો ઉપયોગ કરી રુક્ષ હીરાને વિવિધ ઘાટ આપે છે, જેનું તેમને ઊંચું વળતર મળે છે. ઈ. સ. 1990માં શ્રી સેવંતીલાલ શાહે કમ્પ્યૂટર દ્વારા હીરા ઘડવાનો આરંભ કર્યો હતો, ત્યારબાદ તેને પગલે પગલે મુંબઈ તેમજ અન્ય સ્થળોએ પણ આ તકનીકી અપનાવાઈ રહી છે.
વિવિધ દેશોમાં 2004-05માં હીરા ઘડવાના ખર્ચનો અંદાજ આ પ્રમાણે હતો.
સારણી 5
દેશ | ખર્ચ (ડૉલર/કૅરેટમાં) |
બેલ્જિયમ | 150 |
ઇઝરાયલ | 100 |
ચીન | 17 |
ભારત | 10 |
સારણી 5 પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં હીરા ઘડવાનો ખર્ચ ઓછો જ્યારે અન્ય દેશોમાં વધુ થાય છે. હસ્તકૌશલ્યથી થતા ઘડતરનું વળતર પણ ઓછું મળે છે. ચીને આ ક્ષેત્રમાં તાજેતરમાં જ પ્રવેશ કર્યો હોવા છતાં કમ્પ્યૂટર તકનીકી અપનાવી હોવાથી લાંબે ગાળે ભારતની સામે સફળ સ્પર્ધા કરી શકશે એવી શક્યતાને નકારી શકાય નહિ. એક અંદાજ મુજબ કિંમતના ધોરણે વિશ્વના હીરાના કુલ ઉત્પાદનના આશરે 60 %, વજનના ધોરણે લગભગ 75 % અને નંગના ધોરણે 100માંથી 92 હીરા ભારતમાં ઘડવામાં આવે છે.
ભારતનો હીરાઉદ્યોગ બે વિભાગોમાં વહેંચાયેલો છે – એક વિભાગમાં કૉર્પોરેટ કંપનીઓ અને વેપારીઓ છે, જે રુક્ષ હીરા આયાત કરી કારખાનાંઓમાં ઘડવા આપે છે; કેટલાક પોતે હીરાને પોતાનાં કારખાનાંમાં ઘાટ આપવાનું કાર્ય કરે છે. હીરાનો વ્યવસાય વિશ્વાસ આધારિત હોવાથી કુટુંબપ્રથાને વધુ મહત્વ અપાય છે. ભારતમાં આશરે 7000થી વધુ પેઢીઓ અને કૉર્પોરેટ કંપનીઓ હીરાના આયાત-નિકાસ વેપારમાં કાર્યરત છે, તેઓ શાખ પર હીરાની આયાત કરી, ઘડાવીને તેમની નિર્યાત કરે છે.
હીરા ઘડવાના મહદ્અંશે અસંગઠિત ઉદ્યોગમાં આશરે 10,000થી વધુ કારખાનાંઓ આશરે 10 લાખથી વધુ કારીગરોને રોજગારી પૂરી પાડે છે. ભારતમાં હીરા ઘડવાનાં મુખ્ય કેન્દ્રો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ અને તામિલનાડુ ગણાય છે. દેશમાં આયાત થતા રુક્ષ હીરામાંથી આશરે 90 % હીરા ગુજરાતમાં ઘડાય છે, તેમાં સૂરત અને તેની આજુબાજુના વિસ્તારનો પણ સમાવેશ થાય છે; જ્યાં આશરે 80 % હીરાને ઘાટ અપાય છે. ગુજરાતનાં બીજાં કેન્દ્રોમાં નવસારી, વલસાડ, ભુજ, પાલનપુર, ભાવનગર અને અમદાવાદ છે; જ્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ, કેરળમાં ત્રિચુર, તામિલનાડુમાં કોઇમ્બતૂર અને રાજસ્થાનમાં જયપુર અન્ય કેન્દ્રો છે.
વિશ્વના હીરાબજારમાં ભારત એક મહત્વનું કેન્દ્ર ગણાય છે; તેથી ડી.ટી.સી. તેમજ હીરા-ઉત્પાદક દેશોના પ્રતિનિધિઓએ તેમનાં દફતરો સૂરત અને મુંબઈમાં શરૂ કર્યાં છે, તેઓ શાખ પર સ્થાનિક વેપારીઓને હીરા ઘડવા માટે આપવા તત્પર રહે છે. આ જ રીતે ભારતના વેપારીઓએ ઍન્ટ્વર્પને મુખ્ય કેન્દ્ર બનાવ્યું છે. આ ઉપરાંત તેમણે લંડન, હૉંગકૉંગ, ન્યૂયૉર્ક વગેરે સ્થળોએ પણ પોતાનાં દફતરો ખોલ્યાં છે.
વિશ્વના ફલક પર પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે ભારતે અદ્યતન તકનીકો અપનાવી, મોટા કદના હીરા આયાત કરી, તેમને ઘડી, ઊંચી કિંમત ઉપજાવવી આવશ્યક છે. જૂની પરંપરાગત ઉત્પાદન પદ્ધતિથી વિશ્વમાં લાંબો સમય સ્થાન ટકાવી રાખવું મુશ્કેલીભર્યું બને તે દેશના હિતમાં નથી. હવે બદલાતી જતી પદ્ધતિને કારણે હીરા-ઉત્પાદક દેશો ઉત્પાદનનો અમુક હિસ્સો (રુક્ષ હીરાનો) પોતાના જ દેશમાં ઘડાય એવો આગ્રહ સેવી રહ્યા છે. હીરાનો ઉપયોગ મુખ્યત્વે તો ઝવેરાતમાં જ થતો હોવાથી, ભારતમાં ઘડેલ હીરામાંથી અમેરિકા જેવા દેશો ઝવેરાત બનાવી અનેકગણી આવક મેળવે છે; તો ભારતે દેશના ઝવેરાત બનાવતા કારીગરોના કસબનો મહત્તમ ઉપયોગ કરી, ઝવેરાતની નિકાસ કરી, નિર્યાતમાં ગણનાપાત્ર વૃદ્ધિનું આયોજન કરવું દેશના હિતમાં રહેશે.
ભારતનો ઝવેરાત ઉદ્યોગ પુરાણો છે. તેના કુશળ કારીગરો હાર, ઝૂમખાં, બુટ્ટી, બંગડીઓ, વીંટી, કડાં, બાજુબંધ, ટીકા વગેરે મહદ્અંશે હસ્તકૌશલ્યથી ગ્રાહકોની અપેક્ષા મુજબ બનાવે છે. હીરાનું ઝવેરાત બનાવવામાં સોનું, ચાંદી, પ્લૅટિનમ, રહોડિયમ વગેરે ઉપયોગમાં લેવાય છે. નિમ્ન માત્રામાં ભારતમાં ઉપલબ્ધ થતાં હીરા અને સોનું આ ઉદ્યોગ માટે પર્યાપ્ત નથી, તેથી તેની ગણનાપાત્ર જથ્થામાં તેની આયાત કરવી જરૂરી છે; પરંતુ આજે તો દેશમાં બનેલ આભૂષણો મુખ્યત્વે સ્થાનિક માંગને સંતોષવા પૂરતાં જ ઉપયોગમાં લેવાય છે. દેશમાં આયાત કરેલ હીરા તેમજ બીજાં રત્નો અને કીમતી ધાતુઓની માહિતી નીચે મુજબ છે.
સારણી 6 : હીરા, રત્નો અને કિંમતી ધાતુઓની ભારતની આયાત (કરોડ રૂપિયામાં)
ક્રમ | વસ્તુ | 2000-01 | 2003-04 | 2005-06 |
1. | રુક્ષ હીરા | 20,099 | 30,364 | 38,669 |
2. | રુક્ષ રંગીન રત્નો | 303 | 336 | 488 |
3. | કાચાં મોતી | 22 | 21 | 29 |
4. | રુક્ષ સંશ્લેષિત રત્નો | 1 | 9 | 58 |
5. | સોનું (પાટ) | 2,742 | 3,770 | 3,799 |
6. | ચાંદી (પાટ) | 31 | 91 | 87 |
7. | પ્લૅટિનમ (પાટ) | 40 | 15 | 10 |
8. | કાપ અને પૉલિશ કરેલા હીરા | 2,227 | 5,482 | 13,286 |
9. | અન્ય રત્નો તથા ધાતુઓ | 43 | 494 | 1,274 |
કુલ | 25,508 | 40,482 | 57,700 |
ઉપરની સારણી દર્શાવે છે કે ભારતે 2000-01 અને 2005-06નાં વર્ષો દરમિયાન દર્શાવેલી વસ્તુઓની આયાતમાં વૃદ્ધિ કરેલી છે.
ભારતના ઝવેરાત-ઉદ્યોગમાં નાનાંમોટાં થઈને આશરે 14,000થી 15,000 જેટલાં કારખાનાં છે, જે જથ્થાબંધ રીતે વિવિધ જાતનાં આભૂષણો ઘડે છે તથા તેમાં અંદાજે 4.5 લાખ જેટલા કારીગરો ગ્રાહકની અપેક્ષા અનુસાર ઝવેરાત ઘડવાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે. દેશનું ઝવેરાતનું બજાર વાર્ષિક આશરે રૂપિયા 50,000 કરોડનું અંદાજવામાં આવેલું છે.
સારણી 7 : ભારતની હીરા સહિત અન્ય ઝવેરાતની નિકાસ (કરોડ રૂપિયામાં)
ક્રમ | વસ્તુ | 2000-01 | 2003-04 | 2005-06 |
1. | રુક્ષ હીરા | 713 | 2451 | 2487 |
2. | કાપ અને પૉલિશ્ડ હીરા | 28,042 | 39,551 | 51,220 |
3. | રંગીન રત્નો | 924 | 818 | 1029 |
4. | સંશ્લેષિત રત્નો | 7 | 5 | 3 |
5. | ઘડેલ મોતી | 12 | 19 | 11 |
6. | સોનાનું ઝવેરાત | 5,220 | 12,555 | 17,015 |
7. | સોના સિવાયનું ઝવેરાત | 255 | 457 | 580 |
8. | પોશાક-અનુરૂપ ઝવેરાત | 44 | 47 | NA |
9. | વિદેશી પ્રવાસીઓને વેચાણ | 56 | 83 | NA |
કુલ | 35,273 | 55,986 | 72,345 |
છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત ઘડાયેલ હીરાની સાથે સાથે ઝવેરાતની પણ નિર્યાત કરે છે, તેની માહિતી સારણી 7 પરથી સ્પષ્ટ બની રહે છે.
ઉપરની સારણી દર્શાવે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં (2000-01થી 2005-06) ભારતની ઘડાયેલ હીરાની નિકાસ લગભગ બમણી થઈ છે. સોનાના ઝવેરાતની નિકાસ ત્રણગણી અને સોના સિવાયના ઝવેરાતની નિકાસ બમણી થઈ છે, આ બાબત નોંધપાત્ર છે. ઝવેરાતની નિકાસમાં થયેલી આ વૃદ્ધિ નિકાસ માટેનો અવકાશ દર્શાવે છે. હીરાની તેમજ ઝવેરાતની નિકાસને પ્રોત્સાહન આપવા સરકારે જરૂરી પગલાં લીધાં છે, તે પૈકી કેટલાંકની માહિતી આ પ્રમાણે છે :
કેન્દ્ર સરકારે, રુક્ષ અને પૂર્વવત્ (replenishment) ધોરણે નિકાસ કિંમતના 80 % રુક્ષ હીરા આયાત કરવાની સવલત આપી છે. રુક્ષ, અર્ધકીમતી તેમજ રંગીન રત્નોને વિના જકાત આયાત કરવાની છૂટ આપવામાં આવી છે. 18 કૅરેટ અને તેથી વધુ શુદ્ધતા ધરાવતા સોનાની પૂર્વવત્ નિકાસના ધોરણે વિના જકાત આયાત કરવાની સવલત આપી છે. પ્લૅટિનમ પરનો આયાતવેરો 500 ટકાથી ઘટાડીને 200 ટકા જેટલો કર્યો છે. રુક્ષ હીરા પરનો જકાતવેરો નાબૂદ કર્યો છે. વિદેશથી 10 ગ્રામ સુધીના ઝવેરાતના નમૂના આયાત કરવાની સીમિત કિંમતમાં છૂટ આપી છે. નિકાસ કરેલ ઝવેરાતની કિંમતના 2 ટકા સુધીની કિંમતના અસ્વીકાર્ય ઝવેરાતની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત વિદેશી કંપનીઓએ ભારતમાં શાખ પર જથ્થામાં રુક્ષ હીરાનું વેચાણ કરવા માટે મુંબઈ, સૂરત વગેરે શહેરોમાં તેમની શાખાઓ શરૂ કરી છે. આ જ કંપનીઓ ઘડાયેલ હીરા ખરીદવાની પણ તત્પરતા દર્શાવે છે. એ જ રીતે ભારતનાં કૉર્પોરેટ જૂથો અને વેપારીઓએ હીરાના ખરીદવેચાણ માટે વિદેશમાં દફતરો શરૂ કર્યાં છે.
કેન્દ્ર સરકારે 2002-2007ની આયાત-નિકાસ નીતિના આયોજન નીચે રત્નો અને ઝવેરાત-ઉદ્યોગને કેટલીક સુવિધા પૂરી પાડવાનું આયોજન કર્યું છે.
સામાન્ય ગ્રાહક માટે સાચા તેમજ સંશ્લેષિત હીરા વચ્ચેનો તફાવત પારખવાનું મુશ્કેલ હોવાથી ઈ. સ. 2002માં સ્વિટ્ઝર્લૅન્ડમાં મળેલા વિશ્વ હીરા ઍસોસિયેશન તરફથી કિમ્બર્લીના પ્રક્રમ અનુસાર સાચા હીરાને પ્રમાણપત્ર આપવાનું નક્કી થયું હતું, તેને અનુસરીને રત્નો અને ઝવેરાત નિકાસ પ્રોત્સાહન સમિતિ(Gem and Jewellery export promotion council)એ મુંબઈમાં દેશનું મુખ્ય હીરાકેન્દ્ર ભારત હીરા બૂર્સ (Bharat Diamond Bourse) સ્થાપવાનું આયોજન કર્યું છે. આ બે સંસ્થાઓ અને રત્નસંશોધન-કેન્દ્રે (Gemological Research Institute) તેમજ હીરાનિકાસ સંસ્થા(Diamond Export Council)એ એકત્રિત થઈને ભારતમાં સંશ્લેષિત હીરા પર એક સંશોધન અને વિકાસકેન્દ્ર સ્થાપવાનું આયોજન કર્યું છે. તેનું ધ્યેય કેટલાક સમયથી જેના ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ છે એવા સંશ્લેષિત તેમજ સાચા હીરાની ચકાસણી કરવાનું અને તે માટે પ્રમાણપત્રો આપવાનું છે.
ભારત સરકારે હીરા અને ઝવેરાતના ઉદ્યોગ માટે જયપુરમાં બે અને કોલકાતામાં એક વિશિષ્ટ આર્થિક વિસ્તાર (Special Economic Zone – SEZ) સ્થાપવાનું નક્કી કર્યું છે. એ જ રીતે ઝવેરાતની નિકાસને વેગ આપવા માટે જયપુર અને ઇન્દોરમાં પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારો (SEZ) સ્થાપવાનું આયોજન કર્યું છે.
સૂરતમાં આશરે 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં હીરા અને ઝવેરાતનો એક વિસ્તાર સ્થાપવાનું જે આયોજન છે તેમાં આશરે 3 લાખ કારીગરોને રોજી પૂરી પાડવાનું અને ઝવેરાતની નિર્યાતમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરવાનું ધ્યેય છે. રત્ન અને ઝવેરાત-નિકાસ પ્રોત્સાહન-સમિતિએ ઝવેરાતની વિવિધ પ્રકારની ડિઝાઇનોને પ્રોત્સાહન આપવા માટે રત્ન અને ઝવેરાત ડિઝાઇન અને વિકાસ સંસ્થા (Institute of Designing and Development of Gem and Jewellery in India) સ્થાપવાનું પણ આયોજન કર્યું છે.
હીરાની કિંમત તેનાં વજન, નિર્મળતા, રંગ અને પહેલ પરથી નક્કી કરવામાં આવે છે; પરંતુ કેટલાક સમયથી રંગવિહીન કાચ, સ્પાઇનેલ અને ઝિરકોનમાંથી બનાવેલ નકલી હીરા પણ બજારમાં પ્રસ્તુત કરવામાં આવેલા છે. તે લાંબા વપરાશ પછી આંકા-ઘસરકાવાળા બની રહે છે, હીરામાં આવું થતું હોતું નથી. એ જ રીતે કેટલાક સમયથી સંશ્લેષિત હીરાના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થઈ છે. તેનો અને સાચા હીરા વચ્ચેનો તફાવત નહિવત્ દેખાતો હોવાથી તેની ચકાસણી પણ આવશ્યક બની રહે છે. ડાયમંડ ટ્રેડિંગ કંપની(DTC)એ હીરાની ગુણવત્તા અનુસાર તેનાં ધોરણો નક્કી કર્યાં છે. તેમાં નક્ષત્ર (Nakshatra) એટલે પરંપરાગત ઝવેરાતમાં વપરાતા હીરાનું ઝવેરાત, અસ્મી (Asmi) એટલે નિમ્ન કક્ષાના હીરાનું ઝવેરાત અને અરીસિયા (Arisia) એટલે પ્રીમિયમ કક્ષાનું ઝવેરાત – એવાં ધોરણો અપનાવ્યાં છે. કંપની આ બાબતને ગુણવત્તા-ચિહન – Hallmark કહે છે.
એવી જ રીતે પ્રખ્યાત કંપનીઓ પોતાના ગુણવત્તા-ચિહન નીચે તેમણે બનાવેલ ઝવેરાતને બજારમાં પ્રસ્તુત કરી તેની ગુણવત્તા જાળવવા પ્રયત્નશીલ બની છે. આ પ્રથા વિકસિત દેશોમાં પ્રચલિત છે. ભારતની કંપનીઓ;
દા. ત., એશિયન ટિટાન કં., ક્લાસિકલ ડાયમન્ડ્ઝ (ઇન્ડિયા) લિ., ઈરોઝ જ્વેલરી, ટિટાન ઇન્ડિયા લિ., સૂરજ ડાયમન્ડ્ઝ કં. વગેરે પોતાની બ્રાન્ડનું ઝવેરાત પ્રસ્તુત કરે છે.
ભારત આશરે રૂપિયા 51 અબજના ઘડેલ હીરાની નિકાસ કરે છે; જેમાંથી વિશ્વના વિકસિત દેશો, વિશેષે કરીને અમેરિકા લગભગ 80 અબજ રૂપિયાનું ઝવેરાત બનાવીને વેચે છે. ભારત પાસે ઝવેરાત બનાવવાનો પુરાણો કસબ છે. સસ્તી મજૂરી અને હુન્નર ઉપલબ્ધ હોવાથી ફક્ત હીરા ઘડીને નિકાસ કરવા કરતાં તેનું ઝવેરાત બનાવીને નિર્યાત કરાય તો દેશને અનેકગણું વિદેશી હૂંડિયામણ મળી શકે એવી ક્ષમતા છે. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે તેની ઝવેરાત-નિકાસ લગભગ ત્રણગણી કરી છે, તે તેની ક્ષમતા દર્શાવે છે. આવશ્યકતા છે વિવિધ દેશોમાં પ્રચલિત ડિઝાઇનો અનુસાર ઝવેરાત બનાવી, વિશાળ જથ્થામાં પ્રસ્તુત કરવાની અને ગુણવત્તા જાળવી રાખીને પ્રતિષ્ઠા સ્થાપિત કરવાની. ભારતમાં હીરા ઘસવાનો અને ઝવેરાત બનાવવાનો ઉદ્યોગ, મહદ્અંશે હસ્તકૌશલ્યનો રહ્યો છે. અદ્યતન તકનીકીના આ યુગમાં હીરાને ઘડવા/ઘસવાની કમ્પ્યૂટર-પદ્ધતિ તેમજ ઝવેરાતના વિપુલ જથ્થામાં ઉત્પાદન માટે સ્વયંસંચાલિત યંત્રો, દેશને ઉત્પાદનખર્ચમાં કરકસર સાથે ગુણવત્તા-આધારિત ઝવેરાત વિશ્વબજારમાં મોટા જથ્થામાં પ્રસ્તુત કરવા માટે પૂરતો અવકાશ આપે છે. આજની સ્થિતિને દશ વર્ષ પહેલાંની ભારતની માહિતી તકનીકી (information technology) સાથે સરખાવી શકાય તેમ છે. વિશ્વની કેટલીક પ્રતિષ્ઠિત કંપનીઓ તેમની ડિઝાઇનો અનુસાર ભારતમાં ઝવેરાતનું ઉત્પાદન કરાવી વિશ્વબજારમાં પ્રસ્તુત કરે છે અને બાહ્ય સેવાસ્રોતો(outsourcing)નો ઉપયોગ કરે છે. ભારતે આ તકનો લાભ લઈ ફક્ત ઘડેલ હીરા અને પુરાણી ડિઝાઇનના ઝવેરાતની નિર્યાતને સ્થાને અદ્યતન તકનીકી અપનાવી વિશ્વબજારને સ્વીકાર્ય ઝવેરાત પ્રસ્તુત કરવાની તક અપનાવવા જેવી છે.
હીરાની જાણકારીના રસિકો માટે વિશ્વના સૌથી વધુ વજન ધરાવતા દશ હીરાની માહિતી (ઉપલબ્ધિ અનુસાર) સારણી 8 મુજબ છે.
ભારતે મધ્યયુગમાં વિશ્વના બીજા દેશોમાં વિકસેલ અદ્યતન તકનીકી (વિશેષે કરીને યુદ્ધસામગ્રી માટે) અપનાવવામાં વિલંબ કરવાથી રાજકીય સ્વતંત્રતા સાથે આર્થિક ગુલામી વહોરી લીધી હતી. અદ્યતન તક્નીકીના ધસમસતા પ્રવાહમાં અને વૈશ્વિકીકરણના યુગમાં ભારત નવીન તકનીકી અપનાવી તેમાં સમયસર પ્રવેશ કરવાની તક ચૂકી જશે તો તે દેશના હિતમાં લાંબે સમયે પોતાની પરિસ્થિતિને મુશ્કેલ બનાવશે એવી ભીતિ અસ્થાને નથી.
2008ના અંત સુધીમાં દુબઈમાં ફક્ત હીરાના વેપારીઓ માટે બાંધવામાં આવતું 65 મજલાવાળું ‘અલમાસ’ (હીરાને અરબી ભાષામાં ‘અલમાસ’ કહે છે) ટાવર તૈયાર થઈ જશે. તેમાં સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય વેપારીઓ અને અગ્રગણ્ય પેઢીઓ તેમનાં દફતરો (ઑફિસો) શરૂ કરશે. આ કેન્દ્રમાં હીરાની આંતરરાષ્ટ્રીય શિક્ષણસંસ્થાઓ; જેવી કે, જેમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ અમેરિકા વગેરે દ્વારા તાલીમ આપવાની વ્યવસ્થા કરવાનું આયોજન છે. તેમાં સલામતી માટેની હાઇટેક વ્યવસ્થા તેમજ મૂલ્યવાન વસ્તુઓની જાળવણી માટે વોલ્ટની સુવિધા ઉપલબ્ધ હશે. આમ દુબઈ આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વનું કેન્દ્ર બની રહેશે એવી આશા છે.
હીરાની કિંમત તેના વજન (carat), રંગ (colour), પારદર્શકતા (clarity) અને પહેલ (cut) પરથી નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે વાદળી ઝાંય ધરાવતા પારદર્શક હીરાની કિંમત ઊંચી આંકવામાં આવે છે. તેના પર પાડેલ પહેલ (cut) તેની કિંમતમાં વૃદ્ધિ કરે છે.
સારણી 8
ક્રમ | હીરાનું નામ | વજન (કૅરેટ) | મળ્યાનું વર્ષ | દેશ |
1. | ક્યુલિનન (Culinan) | 3106 | 1905 | દક્ષિણ આફ્રિકા |
2. | એક્સેલ્સિયર (Excelsior) | 995 | 1893 | દક્ષિણ આફ્રિકા |
3. | સ્ટાર ઑવ્ સિયેરા લિયોન
(Star of Sierra Leone) |
969 | 1972 | સિયેરા લિયોન |
4. | ગ્રેટ મોગલ (Great Moghal) | 793 | 1650 | ભારત |
5. | વોલી રિવર (Woule River) | 770 | 1945 | સિયેરા લિયોન |
6. | વર્ગાસ (Vergas) | 727 | 1938 | બ્રાઝિલ |
7. | જૉન્કર (Jonkar) | 726 | 1934 | દક્ષિણ આફ્રિકા |
8. | રીટ્ઝ (Reitz) | 650 | 1895 | દક્ષિણ આફ્રિકા |
9. | કિમ્બર્લી (ઑક્ટાહેડ્રન)
(Kimberley Octahedron) |
616
|
1974 | દક્ષિણ આફ્રિકા |
10. | બાઉમ ગોલ્ડ રફ
(Baum Gold Rough) |
609 | 1923 | દક્ષિણ આફ્રિકા |
ગિરીશભાઈ પંડ્યા
સૂર્યકાંત શાહ
જિગીશ દેરાસરી