હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાનું જિલ્લામથક તેમજ હિંમતનગર તાલુકાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 36´ ઉ. અ. અને 72° 57´ પૂ. રે. પર હાથમતી નદીના ડાબા કાંઠે, અમદાવાદ–ખેડબ્રહ્મા રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 પર આવેલું છે. અમદાવાદ–ખેડબ્રહ્મા મીટરગેજ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. તે ઉપરાંત રાજસ્થાનને જોડતો હિંમતનગર–ઉદેપુર રેલમાર્ગ પણ અહીંથી શરૂ થાય છે. મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનનાં શહેરોને સાંકળતો બસવ્યવહાર પણ ચાલે છે.
હિંમતનગર અને તેની આજુબાજુનું ભૂપૃષ્ઠ ઉત્તર તરફ ખડકાળ અને દક્ષિણ તરફ સમતળ છે. ચોમાસાની ઋતુને બાદ કરતાં અહીંનું તાપમાન ઊંચું રહે છે. કર્કવૃત્ત અહીં નજીકમાંથી જ પસાર થાય છે. ઉનાળા સખત ગરમ (40° સે.) તેમજ શિયાળા પ્રમાણમાં ઠંડા (15° સે.) રહે છે. વરસાદ પ્રમાણમાં ઓછો પડે છે. તાલુકાની જમીનો ખડકાળ તથા ગોરાડુ પ્રકારની છે. અહીંનો જંગલ હેઠળનો વિસ્તાર આશરે 7800 હેક્ટર જેટલો છે. અહીંનાં જંગલોમાં બાવળ, મહુડો, ખેર, સાદડ, ટીમરુ, આમળાં, બહેડાં, ધવ, બોરડી જેવાં વૃક્ષો જોવા મળે છે. લીમડો, પીપળો, આંબા, આમલી અહીંનાં સ્થાનિક વૃક્ષો છે. આ શહેરને અડીને ઉત્તર તરફ હાથમતી નદી વહે છે. તે તેના નજીકના હેઠવાસમાં સાબરને મળે છે, તે પછીથી સાબર નદી સાબરમતી બને છે. હિંમતનગર રેતીખડક પર વસેલું છે. તેની આજુબાજુમાં રેતીખડકની ખાણોમાંથી બાંધકામ માટેનો પથ્થર મળી રહે છે.
વર્તમાન સમયમાં હિંમતનગરમાંથી પસાર થતા ધોરી માર્ગની બંને બાજુઓ પર ઔદ્યોગિક વિકાસ થયેલો જોવા મળે છે. અહીં સિરેમિક ઉદ્યોગ, સાબર ડેરી, દાળની અને તેલની મિલો, દવાઓ તથા નાનાં-મોટાં યાંત્રિક સાધનો બનાવવાના એકમો ઊભા થયેલા જોવા મળે છે. અહીં વિવિધ બૅંકોની શાખાઓ સ્થપાઈ છે. શિક્ષણક્ષેત્રે અહીં વિનયનવાણિજ્ય કૉલેજ, પૉલિટૅકનિક અને શાળાઓ કાર્યરત છે. વહીવટી દૃષ્ટિએ આ સ્થળ જિલ્લા અને તાલુકામથક તરીકે વિકસ્યું હોવાથી તેનાં કાર્યાલયો અહીં આવેલાં છે. હિંમતનગર તાલુકામાં 136 (4 વસ્તીવિહીન) ગામો તથા એક શહેર આવેલાં છે. હિંમતનગર તાલુકાનો વિસ્તાર 773 ચોકિમી. જેટલો છે. 2001 મુજબ આ તાલુકાની વસ્તી 2,58,407 તથા શહેરની વસ્તી 58,267 જેટલી છે.
હિંમતનગરનો રાજમહેલ
ઇતિહાસ : આ નગરની સ્થાપના 1426માં સુલતાન અહમદ પહેલાએ કરેલી, તેથી તેનું નામ અહમદનગર પડેલું. સુલતાને સ્વપ્ન સેવેલું કે ગુજરાતના પાટનગર અમદાવાદને બદલે અહમદનગરને પાટનગર બનાવવું. આજનું તેનું હિંમતનગર નામ 1912માં ઈડરનરેશ હિંમતસિંહજીએ પાડેલું છે અને ઈડરના દેશી રાજ્યની રાજધાની ઈડરથી ખસેડીને હિંમતનગર લાવેલા.
સુલતાન અહમદશાહે 1426માં ઈડરના રાવ ઉપર પ્રભુત્વ સ્થાપવા નગરની ફરતે પથ્થરનો કોટ બંધાવેલો. કોટને દરવાજા હતા, તે પૈકી હાથમતી નદીના કિનારા પાસેનો દરવાજો ‘ઈડર દરવાજો’ કહેવાતો હતો; તેનું સ્થાપત્યની દૃષ્ટિએ ત્યારે ખૂબ મહત્વ હતું. અહમદશાહે નદીના કિનારા નજીક કિલ્લો બંધાવેલો, જે આજે પણ હયાત છે; પરંતુ કોટની અંદરનું જૂનું બાંધકામ તોડી નખાયેલું છે. દેશી રાજ્યના સમયગાળામાં જૂના બાંધકામની જગાએ નવી ઇમારતો, વિશાળ મહેલ બાંધવામાં આવેલા છે. અમદાવાદના સુલતાનો માટે આ સ્થળનું વ્યૂહાત્મક મહત્વ વધુ હતું. બહારનાં આક્રમણોને ખાળી શકાય તેવી કિલ્લેબંધી ઊભી કરાઈ હતી. કિલ્લામાં ઊભા કરાયેલા બુરજોના અંદરના ભાગમાં બે મજલાના ઓરડા હતા. અહમદશાહે કિલ્લામાં આવેલી ટેકરી પર મહેલનું નિર્માણ કરાવેલું; પરંતુ પછીના સમયમાં તેને તોડીને 1906–1916ના ગાળામાં ઈડરનરેશ પ્રતાપસિંહે મહેલ બંધાવ્યો હતો, જે આજે પણ હયાત છે. ભૂતકાળમાં બંધાયેલા નગરની આજુબાજુના કોટના પથ્થરોનો ઉપયોગ આ મહેલના બાંધકામમાં કરવામાં આવ્યો હતો. આજે નદીના બે પુલ વચ્ચેના ભાગમાં કોટના અવશેષો ક્યાંક ક્યાંક નજરે પડે છે.
નગરના અંદરના ભાગમાં તેમજ નવા વિકસેલા ભાગમાં જૈન મંદિરો, મહાદેવ(ભોલેશ્વર, ઝરણેશ્વર)નાં મંદિરો, જૂના દરબારગઢ પાસેનું મહામંદિર, સ્વામિનારાયણ મંદિર, ગાયત્રી મંદિર તેમજ મસ્જિદો જોવા મળે છે. અહીં ત્રણ વાવ આવેલી છે, તે પૈકીની કાઝની વાવડીમાં 1417–1522ના ગાળાના શિલાલેખ (અરબી તથા દેવનાગરી લિપિમાં) કંડારાયેલા છે. 1522ના શિલાલેખમાં સુલતાન અહમદશાહના પુત્ર સમશેર-ઉલ-મુલ્કે આ વાવ બંધાવી હોવાનો ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ પાસે સુંદર સ્થાપત્ય ધરાવતી પ્રાચીન વાવ આવેલી છે.કોટની અંદર ખંડિયેર હાલતમાં જોવા મળતાં મકાનોની બારીઓની કલાત્મક કોતરણી નજરે પડે છે.
હિંમતનગર તાલુકાના ઇલોલની પ્રાચીન વાવ
1858માં મહીકાંઠા એજન્સીના બળવા (Mutiny) વખતે કિલ્લાની મુખ્ય ઇમારતનો ઉપયોગ લશ્કરના રસોડા માટે થતો હતો, આજે તો તે ખંડિયેર સ્થિતિમાં છે. કિલ્લાની બહાર આવેલી મસ્જિદ સ્થાપત્યની દૃષ્ટિએ વધુ જાણીતી છે. આ મસ્જિદ સુલતાન અહમદશાહના જ્યેષ્ઠ પુત્ર નાસર-ઉલ-મુલ્કે બંધાવેલી હોવાનું કહેવાય છે. આ મસ્જિદની પૂર્વે નવલખા કુંડ આવેલો હતો. આ કુંડની નજીક આવેલી ઇમારતનો ઉપયોગ રાજા અને તેની રાણીઓ ગરમીથી બચવા માટે કરતા હતા. આ ઇમારતનું બાંધકામ સુલતાન અહમદશાહના પુત્ર તાજ-ઉલ-મુલ્કે કરાવેલું હોવાનું મનાય છે.
જૂના વખતમાં આ નગર તેનાં બાંધકામ, પથ્થર, તલવારો, જામગરીવાળી બંદૂકો અને છરી-ચપ્પાં માટે જાણીતું હતું. હાથમતી નદી પર રેલમાર્ગની પૂર્વ તરફ આજે જોવા મળતો નાનો આડબંધ 19મી સદીમાં બાંધવામાં આવેલો છે. તેમાંથી નીકળતાં નહેરનાં પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે; નહેર શહેરની પૂર્વ તરફ પસાર થાય છે.
નીતિન કોઠારી
ગિરીશભાઈ પંડ્યા
ઝિયાઉદ્દીન અ. દેસાઈ