અડિગ, ગોપાલ કૃષ્ણ (જ. 18 ફેબ્રુઆરી 1918, મોગરી; અ. 14 નવેમ્બર 1992, બેંગાલુરુ, કર્ણાટક) : આધુનિક કન્નડ કવિ. મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.ની પદવી મેળવી. મૈસૂર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીનું અધ્યાપન કર્યું. ઉડૂપીમાં પૂર્ણયજ્ઞ મહાવિદ્યાલયના આચાર્ય. કન્નડ ત્રૈમાસિકના સંપાદક. સ્વાતંત્ર્યોત્તર કન્નડ સાહિત્ય પર અડિગનો વ્યાપક પ્રભાવ હતો. ‘ભાવતરંગ’ (1946); ‘કુટ્ટવેવુનાચુ’ (1948); ‘નડેદુ બંદદારી’ (1952); ‘ચંડે મળે’ (1954) અને ‘ભૂમિગીત’ (1959) એમના કાવ્યસંગ્રહો છે. પ્રારંભિક બે સંગ્રહોમાંની કવિતા પરંપરાગત હતી; પણ પછીથી અદ્યતનતાનો અભિગમ દૃષ્ટિએ પડે છે. એમની કવિતા પર એક તરફ કન્નડ સાહિત્યસ્વામી બેંદ્રે તો બીજી તરફ એઝરા પાઉન્ડ, યીટ્સ તથા ટી. એસ. એલિયટનો પ્રભાવ દૃષ્ટિએ પડે છે. એમની કવિતાનાં વિશિષ્ટ લક્ષણોમાં બોલાતી ભાષાની લઢણ, મુક્તછંદનો પ્રયોગ, નાટ્યાત્મકતા, નવાં પ્રતિરૂપો વગેરે ગણાવી શકાય. અડિગે ‘આકાશદીપ’ (1951) તથા ‘અનાથે’ (1954) – એ બે નવલકથાઓ પણ લખી છે. પરંતુ નૂતન કન્નડ કવિતામાં એમનું પ્રદાન ચિરંજીવ ગણાય છે.
ચન્દ્રકાન્ત મહેતા