હિંદી મહાસાગર (Indian Ocean)

પૃથ્વી પરના મહાસાગરો પૈકી વિસ્તારની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો મહાસાગર. રાતા સમુદ્ર અને ઈરાની અખાત સહિત તેનો કુલ વિસ્તાર 7,35,56,000 ચોકિમી. જેટલો થાય છે. આ મહાસાગરનો જળજથ્થો આશરે 29,21,31,000 ઘન કિમી. જેટલો છે, જળરાશિની દૃષ્ટિએ બધા મહાસાગરો પૈકી તે પાંચમો ક્રમ ધરાવે છે. તે ચારેય બાજુએ આફ્રિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્ક્ટિકા જેવા વિશાળ ખંડોથી ઘેરાયેલો છે. ઉત્તર તરફ ભારતીય દ્વીપકલ્પથી તે બે વિભાગોમાં વહેંચાઈ જાય છે : પૂર્વ વિભાગ બંગાળની ખાડી અને પશ્ચિમ વિભાગ અરબી સમુદ્ર તરીકે ઓળખાય છે. એ જ રીતે તેની વાયવ્યમાં ઈરાની અખાત અને રાતો સમુદ્ર આવેલા છે. આ મહાસાગરનો દક્ષિણ ભાગ વધુ ખુલ્લો છે. પશ્ચિમ તરફ તે આટલાન્ટિક મહાસાગરથી 20° પૂ. રેખાંશથી જુદો પડે છે. દક્ષિણ તરફ અગુલ્હાસની ભૂશિર તેની સીમા બને છે; જ્યારે પૂર્વ તરફ તે પૅસિફિક મહાગરસાથી 147° પૂ. રેખાંશથી જુદો પડે છે. ઉત્તર તરફ તેની સીમા 30° ઉ. અક્ષાંશ ગણાય છે. ઈ. સ. 2000ના વર્ષમાં ઇન્ટરનૅશનલ હાઇડ્રૉગ્રાફિક ઑર્ગેનાઇઝેશન દ્વારા આ મહાસાગરની દક્ષિણ સીમા ઍન્ટાર્ક્ટિકા ખંડની નજીક 60° દ. અક્ષાંશ સુધી હોવાનું નક્કી કરવામાં આવેલું છે. આ મહાસાગરની મહત્તમ પહોળાઈ તેના દક્ષિણ ભાગમાં આફ્રિકા–ઑસ્ટ્રેલિયા વચ્ચે અંદાજે 10,000 કિમી. જેટલી છે.

      

હિંદી મહાસાગર

હિંદી મહાસાગરમાં નાનામોટા ઘણા ટાપુઓ આવેલા છે. માડાગાસ્કર અને શ્રીલંકા મોટા ટાપુઓ છે. દુનિયાભરના ટાપુઓ પૈકી માડાગાસ્કર ચોથા ક્રમે આવે છે. આ ઉપરાંત અન્ય ટાપુઓમાં આંદામાન-નિકોબાર, લક્ષદ્વીપ, માલદીવ, સોકોત્રા, સેશલ્સ, કોમોરોસ, ઝાંઝીબાર, મૉરિશિયસ, રીયુનિયન, ન્યૂ ઍમસ્ટર્ડૅમ, કર્ગ્વેલેન, ટાંગા અને ચાગોસનો સમાવેશ થાય છે. મહાસાગરની પૂર્વ સીમા પર ઇન્ડોનેશિયાના ઘણા ટાપુઓ પથરાયેલા છે.

હિંદી મહાસાગર સાથે સંકળાયેલી સામુદ્રધુનીઓમાં બાબ-અલ-માંડબ, હોર્મુઝ, પાલ્ક, સુંદા, મલાક્કા, સુએઝ અને લોમ્બોકનો સમાવેશ થાય છે. મહાસાગર સાથે જોડાયેલા નાનામોટા સમુદ્રફાંટાઓમાં અરબી સમુદ્ર, ખંભાતનો અખાત, કચ્છનો અખાત, બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર, લક્ષદ્વીપ સમુદ્ર, એડનનો અખાત, ઓમાનનો અખાત, ઈરાની અખાત, રાતો સમુદ્ર, ઑસ્ટ્રેલિયાનો અખાત, તિમોર સમુદ્ર, આરાફુરાનો સમુદ્ર, ગ્રેટ ઑસ્ટ્રેલિયન બાઇટ, કાર્પેન્ટેરિયાનો અખાત, મોઝામ્બિકની ખાડી તેમજ ઍન્ટાર્ક્ટિકા ખંડના સીમાવર્તી સમુદ્રોનો સમાવેશ થાય છે.

મહાસાગરની તળઆકારિકી : આ મહાસાગરના કિનારાના ભૂમિભાગો મોટે ભાગે ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠવાળા છે, તેથી તેમની ખંડીય છાજલીઓ પ્રમાણમાં ઓછી પહોળાઈવાળી છે; સૌથી વધુ પહોળી છાજલીઓ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલી છે, અહીં કેટલીક જગાએ છાજલીની પહોળાઈ 640 કિમી. જેટલી જોવા મળે છે. આની સરખામણીમાં આફ્રિકાના કિનારા પાસેની છાજલીઓ પ્રમાણમાં સાંકડી અને ઉગ્ર ઢોળાવવાળી છે. આટલાન્ટિક મહાસાગરની જેમ આ મહાસાગરમાં પણ અર્ધદરિયાઈ ડુંગરધારો (mid-oceanic ridges) આવેલી છે, જે તેની મધ્યમાંથી પસાર થાય છે. તે ઉત્તર–દક્ષિણ અંગ્રેજી Y અક્ષરના ઊંધા ‘’ આકારની છે, વળી તે મધ્ય આટલાન્ટિક અધોદરિયાઈ ડુંગરધારો કરતાં વધુ પહોળાઈ ધરાવે છે; એટલું જ નહિ, તે સમુદ્રસપાટીથી 4000 મીટરની ઊંડાઈએ આવેલી છે. દક્ષિણ તરફના ખુલ્લા જળરાશિ હેઠળ આફ્રિકાની દક્ષિણે થઈ આટલાન્ટિક અધોદરિયાઈ ડુંગરધારની એક શાખા આ મહાસાગરમાં પ્રવેશે છે, તેને ઑસ્ટ્રેલિયાની દક્ષિણે પૅસિફિક મહાસાગરમાંથી આવતી બીજી એક શાખા મળે છે. આ બંને શાખાઓ મૉરિશિયસની પૂર્વે રોડ્રિગ્ઝ ટાપુ પાસે એક થઈ, પહેલાં ઉત્તર તરફ આગળ વધી, પછી અરબી સમુદ્રમાં વાયવ્ય તરફ કાર્લ્સબર્ગ પર્વતમાળા નામે વિસ્તરે છે. તે આફ્રિકાના ઈશાન છેડા પાસે સોકોત્રાના ટાપુ સુધી લંબાયેલી છે. અહીંની આ ડુંગરધારને દક્ષિણ ભારતની પશ્ચિમે આવેલી પૂર્વ તરફની લક્ષદ્વીપ-માલદીવ-ચાગોસથી ઓળખાતી, વિષુવવૃત્તથી 30° દ. અક્ષાંશ સુધીની, 320 કિમી. લાંબી, સેન્ટ પોલ ડુંગરધાર મળે છે; જ્યારે પશ્ચિમ બાજુએથી સેશલ્સ કે મૅસ્કેરીન નામથી ઓળખાતી ડુંગરધાર રૉડ્રિગ્ઝ ટાપુ પાસે મળે છે. ડુંગરધારોના આ ફાંટાઓ હિંદી મહાસાગરને જુદાં જુદાં થાળાંઓમાં વિભાજિત કરે છે. મોટા ભાગનાં થાળાંનાં તળ મેદાની ભૂપૃષ્ઠ ધરાવે છે.

હિંદી મહાસાગરના પૂર્વ થાળાની મધ્યમાં ઉત્તર–દક્ષિણ લંબાયેલી 90° પૂ. રેખાંશ પર છરીની ધાર જેવી સીધી, બીજી એક ડુંગરધાર આવેલી છે, જે ‘નાઇન્ટી ઈસ્ટ રીજ’ નામથી જાણીતી છે. તે બંગાળની ખાડીમાંથી શરૂ થઈ દક્ષિણ તરફ દક્ષિણ ઑસ્ટ્રેલિયાના 30° દક્ષિણ અક્ષાંશ સુધી લંબાયેલી છે. તે આશરે 4800 કિમી. લાંબી છે અને ત્યાંના સમુદ્રતળથી આશરે 3960 મીટર ઊંચાઈવાળી છે. આ ઉપરાંત, બંગાળની ખાડીમાં મ્યાનમાર નજીક એક નાની ‘આંદામાન-નિકોબાર ડુંગરધાર’ પણ આવેલી છે.]

ડુંગરધારનો નકશો

ઉપગ્રહ દ્વારા લેવાયેલી હિંદી મહાસાગરની તસવીર

હિંદી મહાસાગરની સરેરાશ ઊંડાઈ આશરે 3890 મીટર જેટલી છે. તેના તળનો લગભગ 60 % ભાગ ઊંડાં મેદાનોથી આવરી લેવાયેલો છે. આ મેદાનોની સરેરાશ ઊંડાઈ 4000થી 6000 મીટર જેટલી છે. મુખ્ય ડુંગરધારની પૂર્વ તરફનાં અધોદરિયાઈ મેદાનો વધુ ઊંડાં છે; જેમ કે, અરબ મેદાન, શ્રીલંકા મેદાન, સોમાલી મેદાન વગેરે. હિંદી મહાસાગર માટે તે ‘ગહન સમુદ્ર મેદાનો’ ગણાય છે. શ્રીલંકાથી અગ્નિ બાજુ તરફનું હજારો ચોકિમી.માં પથરાયેલું મેદાન લગભગ સમતળ અને નક્કર લાવાથી બનેલું છે. મેદાની તળની 86 % જમાવટ સમુદ્રગહન નિક્ષેપ (pelagic) પ્રકારની છે, તેમાં ગ્લોબિજેરીના સ્યંદનોનું પ્રમાણ વિશેષ છે; જ્યારે 14 % નિક્ષેપો સ્થળજાત (terrigenous) પ્રકારના છે.

હિંદી મહાસાગર-તળ પર બે સમુદ્રખાઈઓ (oceanic trenches) આવેલી છે. તે પૈકીની એક સુંદા ખાઈ આશરે 7,725 મીટર ઊંડાઈ; જ્યારે આંદામાન પાસે આવેલી આંદામાન ખાઈ આશરે 5,250 મીટર ઊંડાઈ ધરાવે છે. મહાસાગરની સરેરાશ ઊંડાઈની દૃષ્ટિએ જોતાં વધુ ઊંડાણ પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના નૈર્ઋત્ય કાંઠા નજીક ડાયમેન્ટિના ખાતે આવેલું છે.

ઉત્પત્તિ : ભૂસ્તરીય ઇતિહાસના અતીતમાં એટલે કે મધ્યજીવયુગ અને તૃતીય જીવયુગના સંક્રાંતિકાળ અગાઉના સમયગાળામાં ઍન્ટાર્ક્ટિકા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, મલય દ્વીપસમૂહ અને ભારત અન્યોન્ય જોડાયેલા હતા, ભેગા રહેલા આ વિશાળ ભૂમિસમૂહને ‘ગોંડવાના ખંડ’ નામ અપાયેલું છે. વર્તમાન પૂર્વે અંદાજે 6.5 કરોડ વર્ષ અગાઉ આ ભૂમિસમૂહમાં ક્રમશ: ભંગાણ પડવું શરૂ થયેલું. સૌથી પહેલાં ઑસ્ટ્રેલિયા અને મલય દ્વીપસમૂહ અલગ પડ્યા. તે પછીથી દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકા જુદા પડ્યા, ત્રીજું ભંગાણ ભારત અને આફ્રિકા વચ્ચે થયું, જેમાં તે બંને ઍન્ટાર્ક્ટિકાથી અલગ થયા. આ ત્રીજી ઘટના વખતે લેમુરિયા તરીકે ઓળખાતો મોટો ભૂમિભાગ (ભારત અને માડાગાસ્કર વચ્ચેનો ભૂમિસેતુ) નીચે તરફ ધરબાયો, જેને પરિણામે અરબી સમુદ્ર ઉદભવ્યો. તબક્કાવાર થયેલી ભંગાણની આ ઘટનાઓમાં એકબીજાથી અલગ થતા ગયેલા ખંડો વચ્ચેનો જે વિશાળ ભાગ તૈયાર થયો તે બન્યો હિંદી મહાસાગર.

આબોહવા : વિષુવવૃત્તની ઉત્તર તરફના હિંદી મહાસાગરના જળરાશિ પર ચોમાસાના મોસમી પવનોની અને ચક્રવાતના પવનોની અસર થતી રહે છે. મેથી ઑક્ટોબર સુધી દક્ષિણ અને પશ્ચિમના (નૈર્ઋત્યના) પવનોનું જ્યારે ઑક્ટોબરથી એપ્રિલ સુધી ઈશાન કોણીય પવનોનું પ્રભુત્વ રહે છે. ચોમાસાની ઋતુમાં અરબી સમુદ્ર ઉપરથી વાતા પવનો દ્વીપકલ્પીય ભારતને વરસાદ આપે છે. બંગાળની ખાડી પર 1000 મિમી., વિષુવવૃત્તીય ભાગો પર 1778 મિમી., જ્યારે પશ્ચિમ તરફના ભાગોમાં 250 મિમી. વરસાદ પડે છે. દક્ષિણ ગોળાર્ધના જળરાશિ પર પવનોની અસર સામાન્ય રહે છે. દક્ષિણ સેશલ્સ, ચાગોસ અને કોકોસ ટાપુઓ પર બારે માસ દક્ષિણ–પૂર્વના વ્યાપારી પવનો ફૂંકાય છે. અહીંથી વધુ દક્ષિણે જતાં ‘ગર્જના કરતા ચાલીસા’ પવનોનો વિસ્તાર આવે છે. મધ્ય યુગમાં દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ચીનનાં જહાજો આ પવનોને આધારે વેપાર ખેડતા. દક્ષિણ ભાગમાં હિંદી મહાસાગરનું આકાશ વાદળછાયું રહે છે. વરસાદ અને હિમવર્ષા થતી રહે છે. ઉનાળામાં મૉરિશિયસ ટાપુ પર ચક્રવાતની અસર વધુ રહે છે. જ્યારે જ્યારે ચોમાસાના પવનોની દિશા અને ગતિમાં ફેરફાર થાય છે ત્યારે વાવાઝોડાં ફૂંકાય છે અને અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીના કિનારાઓ નજીકના ભૂમિભાગોમાં જાનમાલને નુકસાન પહોંચે છે. દુનિયાભરમાં જો કોઈ વધુ હૂંફાળો મહાસાગર હોય તો તે હિંદી મહાસાગર છે.

તાપમાન–ક્ષારતા : હિંદી મહાસાગરની જળસપાટીનું સરેરાશ તાપમાન 17° સે. જેટલું રહે છે. ઉત્તર ગોળાર્ધવાળા ભાગમાં 20° ઉ. અક્ષાંશ સુધીના જળરાશિનું તાપમાન 22° સે. જેટલું રહે છે; પરંતુ પૂર્વમાં 28° સે. તાપમાન જોવા મળે છે. દક્ષિણ ગોળાર્ધવાળા ભાગના 40° દ. અક્ષાંશના જળરાશિ સુધી પહોંચતાં તાપમાનમાં ઘટાડો થતો જાય છે. શિયાળામાં અહીં 22° સે.થી 10° સે. સુધીનું, જ્યારે ઉનાળામાં તે 16° સે.થી 6° સે. સુધીનું રહે છે. ઍન્ટાર્ક્ટિકાના સીમાવર્તી ભાગોમાં શિયાળા દરમિયાન –4° સે. જેટલું તાપમાન રહે છે, અહીં બરફની જમાવટ થાય છે અને તેની જાડાઈ 1.8થી 3.7 મીટર જેટલી બની રહે છે. ઉનાળામાં તાપમાન વધતાં બરફના દળમાંથી હિમશિલાઓ છૂટી પડીને મહાસાગર જળમાં ભળી જાય છે.

હિંદી મહાસાગરના જળરાશિમાં કેટલીક મોટી નદીઓ તેમના જળજથ્થા ઠાલવે છે; તેમાં સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર, ઇરાવદી, શત-અલ-અરબ, ઝામ્બેઝીનો સમાવેશ થાય છે.

તાપમાનને કારણે તેમજ નદીઓનાં ઠલવાતાં પાણીને કારણે આ મહાસાગરના પાણીની ક્ષારતા ઉપર પણ અસર થાય છે. જળસપાટીની સરેરાશ ક્ષારતા 34.76 % જેટલી રહે છે; પરંતુ સામાન્યત: તે 32થી 37 % જેટલી ફેરફાર પામે છે. સૌથી વધુ ક્ષારતા રાતા સમુદ્રમાં અને અરબી સમુદ્રમાં જોવા મળે છે; એ જ રીતે દક્ષિણ આફ્રિકા અને વાયવ્ય ઑસ્ટ્રેલિયા નજીક આવેલા જળરાશિની ક્ષારતા પણ વધુ રહે છે. દક્ષિણ ગોળાર્ધમાં 65°થી 45° દ. અક્ષાંશ સુધીના જળવિસ્તારમાં ઍન્ટાર્ક્ટિકામાંથી છૂટી પડતી હિમશિલાઓ દ્વારા સતત નવા પાણીનો ઉમેરો થતો રહે છે, તેથી તે ભાગ પૂરતું ક્ષારતાનું પ્રમાણ ઓછું રહે છે.

પ્રવાહો : આટલાન્ટિક અને પૅસિફિક મહાસાગરમાં વહેતા પ્રવાહો કરતાં હિંદી મહાસાગરના પ્રવાહો તેની લાક્ષણિકતાને કારણે જુદા પડે છે. અહીં ત્રણ બાજુએ ભૂમિખંડો આવેલા છે, જ્યારે દક્ષિણનો ભાગ મહાસાગરના જળવિસ્તારવાળો છે. પરિણામે અહીં ચોમાસાની વિશિષ્ટ ઋતુ નિર્માણ પામે છે. ચોમાસાની ઋતુમાં ઉદભવતા પવનોને કારણે હિંદી મહાસાગરના પ્રવાહો પર પણ અસર વરતાય છે. ઉત્તર ગોળાર્ધના જળરાશિના પ્રવાહો ઘડિયાળના કાંટાની દિશામાં જ્યારે દક્ષિણ ગોળાર્ધના પ્રવાહો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ મહાસાગરના ઊંડા જળવિસ્તારોની ગતિ પર આટલાન્ટિક, રાતા સમુદ્ર અને ઍન્ટાર્ક્ટિકના પ્રવાહો અવરોધરૂપ બને છે. વિષુવવૃત્તની ઉત્તરે જૂન–જુલાઈમાં હિંદી મહાસાગરનો જાણીતો પ્રવાહ (ઈશાની મોસમી પ્રવાહ) ‘N. E. Monsoon drift’ નિર્માણ પામે છે; જ્યારે ઑગસ્ટ–સપ્ટેમ્બરમાં નૈર્ઋત્યનો મોસમી પ્રવાહ ‘S. W. Monsoon current’ નિર્માણ પામે છે. હિંદી મહાસાગરની દક્ષિણે ‘દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ’ ઉદભવે છે, તે 10°થી 15° દ. અક્ષાંશવાળા વિસ્તારમાં વહે છે અને તે અગુલ્હાસ પ્રવાહ તરીકે ઓળખાય છે. 11° દક્ષિણ અક્ષાંશ પાસે આ પ્રવાહની એક શાખા મોઝામ્બિક પ્રવાહ તરીકે ઓળખાય છે. (વધુ માટે જુઓ, સમુદ્રપ્રવાહો.)

સ્પર્મ વહેલ

જીવસૃષ્ટિ–વનસ્પતિસૃષ્ટિ : હિંદી મહાસાગરનાં જળ પરથી વિષુવવૃત્તથી મકરવૃત્ત સુધીનો અયનવૃત્તીય પટ્ટો પસાર થતો હોવાથી તેનાં જળ હૂંફાળાં રહે છે. પરિણામે અહીં દરિયાઈ જીવસૃષ્ટિને સમૃદ્ધ બનવા માટેનો અનુકૂળ માહોલ મળી રહે છે. ખંડોના કંઠારપટ નજીકના જળવિસ્તારોમાં અંદાજે 4000 જેટલી જુદી જુદી જાતની માછલીઓ વિચરતી જોવા મળે છે, તે પૈકીની કેટલીક જાતિઓ તો આ મહાસાગર માટે અજોડ છે. મધ્ય મહાસાગર જળમાં કરચલા, ઊડતી માછલીઓ, સનફિશ, ક્લાઉનફિશ, ડૅમસેલફિશ, જેલીફિશ, માર્લિન અને ટ્યૂના જોવા મળે છે. ઍન્ટાર્ક્ટિકા નજીક સીલ અને વહેલ પણ વસે છે. શિયાળામાં ઉત્તર ગોળાર્ધના જળવિસ્તારોનું તાપમાન નીચું જતાં, હૂંફાળા પાણીની શોધમાં નીકળેલી સ્પર્મ વહેલ (sperm whale) પ્રજનન માટે સ્થળાંતર કરતી કરતી હિંદી મહાસાગરમાં આવે છે.

સીલેકૅન્થ નામની માછલીના ઉપલબ્ધ જીવાવશેષોના પુરાવાઓ પરથી વૈજ્ઞાનિકો એવા મત પર આવેલા કે આ માછલી આજથી 6 કરોડ વર્ષ પહેલાં વિલુપ્ત પામેલી છે; પરંતુ 1938માં કોઈ દક્ષિણ આફ્રિકી માછીમારે હિંદી મહાસાગરમાંથી જીવંત સીલેકૅન્થ માછલી પકડી ત્યારે તેઓ અચંબો પામેલા. કોમોરોસ ટાપુના લોકો આ માછલીનાં ખરબચડાં ભીંગડાંને કાચપેપર તરીકે વાપરે છે. આ માછલી મોટે ભાગે મહાસાગર તળ પર વિચરે છે. વાસ્તવમાં તે માછલી નથી; પરંતુ સસ્તન પ્રાણી છે, જે નાનાં બચ્ચાંને જન્મ આપે છે. તેની લંબાઈ 2 મીટરની અને વજન 57 કિગ્રા. હોય છે.

સીલેકૅન્થ (2 મીટર લંબાઈ, 57 કિગ્રા. વજન)

ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠાથી થોડા અંતરે મહાસાગરના તળ પર ઘણા મોટા પ્રમાણમાં સમુદ્રઘાસ (seagrass) ઊગે છે. તે દરિયાઈ કાચબા, દરિયાઈ સાપ અને ડુંગાગ (Dungong)  વિશાળકાય દરિયાઈ સસ્તન પ્રાણી  જેવાં પ્રાણીઓને ખાદ્ય સામગ્રી પૂરી પાડે છે, વળી તેનાથી કિનારારેખાને ઘસારા સામે રક્ષણ પણ મળી રહે છે.

ડુંગૉંગ

સમુદ્રઘાસ

આર્થિક મહત્વ : હિંદી મહાસાગરના જળમાર્ગો દ્વારા આફ્રિકા, પૂર્વ એશિયા, યુરોપ, અમેરિકા અને મધ્ય પૂર્વના દેશોનો વેપારવ્યવહાર ચાલે છે. ઈરાની અખાતના દેશો અને ઇન્ડોનેશિયાનાં તેલક્ષેત્રોનું તેલ અહીંના જળમાર્ગો દ્વારા અન્ય દેશોમાં પહોંચાડાય છે, એ કારણે વિશાળકાય જહાજોની અવરજવર રહ્યાં કરે છે. દુનિયાભરના સમુદ્રકિનારાઓ પૈકીનું 40 % ખનિજતેલ હિંદી મહાસાગરના તટપ્રદેશોમાંથી મેળવાય છે. તેલની હેરફેર કરતાં જહાજોથી અરબી સમુદ્ર, રાતો સમુદ્ર અને ઈરાની અખાતની જળસપાટી પર તેલનું પ્રદૂષણ થતું રહે છે. હિંદી મહાસાગરના કેટલાક કંઠાર રેતપટ(beaches)માંથી મોનેઝાઇટ, થોરિયમ–યુરેનિયમ ઑક્સાઇડના ખનિજકણો, ઇલ્મેનાઇટ, રુટાઇલ, ઝિરકોન, ગાર્નેટ વગેરે મેળવાય છે. ખનિજતેલ અને કુદરતી વાયુ ઈરાની અખાત, રાતો સમુદ્ર, બૉમ્બે હાઇ, બાસની સામુદ્રધુની અને પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના ભાગોમાંથી મેળવાય છે. હિંદી મહાસાગરના કેટલાક ભાગોના તળ પર લોહઅયસ્ક, ફૉસ્ફોરાઇટ, મૅંગેનીઝ અને તાંબાના ગઠ્ઠા જમા થયેલા છે. કેટલીક નદીઓના ત્રિકોણપ્રદેશોથી દૂર સુધી સમુદ્રતળ પર પંખાકાર કાંપ જમા થયેલો છે. આ મહાસાગરમાં પ્લૅંક્ટનનું પ્રમાણ ઓછું હોવાથી મત્સ્યસંપત્તિ પર તેની માઠી અસર પહોંચે છે; જોકે અહીંથી મુખ્યત્વે શ્રીંપ, ટ્યૂના તેમજ અન્ય માછલીઓ મળી રહે છે. રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનનાં જહાજો આ માછલીઓ પકડવામાં માહેર છે. આ ઉપરાંત અહીંથી સીલ અને વહેલ પણ મળી રહે છે.

પ્રાચીન સમયથી હિંદી મહાસાગરની જળરાશિનો ઉપયોગ વિવિધ દેશોનાં જહાજો તેમના વેપાર અર્થે કરતા. ભારતમાં જોવા મળતી વિવિધ સંસ્કૃતિ વેપાર અર્થે આવતા લોકો પૈકી કેટલાકના કાયમી વસવાટમાંથી ઊભી થયેલી છે, એ જ રીતે ભારતની સંસ્કૃતિ આફ્રિકા અને અગ્નિએશિયાના દેશોમાં ફેલાયેલી જોવા મળે છે.

અંગ્રેજોના આગમન-સમયે પશ્ચિમનાં જહાજો દક્ષિણ આફ્રિકાની કેપ ઑવ્ ગુડ હોપની ભૂશિરેથી થઈને હિંદી મહાસાગરમાં પ્રવેશતાં; આ જ કારણે શ્રીલંકા ‘પૂર્વની ટપાલપેટી’ તરીકે ઓળખાતું હતું; પરંતુ સુએઝની નહેરનું નિર્માણ (1859–1869) થતાં અવરજવરનું લાંબું અંતર કાપવાનું અટક્યું અને પશ્ચિમના દેશો–પૂર્વના દેશો વચ્ચે વેપાર વધ્યો. પશ્ચિમ એશિયાના ખનિજતેલ ઉત્પન્ન કરતા દેશોએ વેપાર માટે આ મહાસાગરનો ઉપયોગ વધાર્યો છે. આજે તો ચીન, જાપાન, ઑસ્ટ્રેલિયા, ભારત, મલેશિયા, સિંગાપોર, અમેરિકા, બ્રિટન તેમજ યુરોપના અન્ય દેશો પોતાના વેપાર માટે આ મહાસાગરનો મહત્તમ ઉપયોગ કરે છે.

વ્યૂહાત્મક મહત્વ : બ્રિટિશ સામ્રાજ્યની બોલબાલા હતી ત્યારે પોતાનાં હિતોનાં રક્ષણ માટે અંગ્રેજોએ એડન, કોચીન, સિંગાપોર ખાતે નૌકામથકો સ્થાપેલાં. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પલટાવ આવતાં હિંદી મહાસાગર પર વર્ચસ્ જમાવવા વિકસિત દેશોએ પ્રયાસો શરૂ કર્યા. 1963માં યુ.એસે. પોતાના સાતમા નૌકાકાફલાને હિંદી મહાસાગર ખાતે મોકલેલો. રશિયાએ સદભાવના-યાત્રા અર્થે પંદર જહાજો મોકલેલાં. બ્રિટન, જાપાન અને ચીને પણ હિંદી મહાસાગર ખાતે પોતપોતાના નૌકાકાફલા વધારી દીધેલા. પરિસ્થિતિને લક્ષમાં રાખીને યુ.એસે. ડિયેગો ગાર્શિયા ટાપુ પર પોતાનું નૌકામથક ઊભું કર્યું છે. આવી નાજુક પરિસ્થિતિમાં ભારતે પણ આ મહાસાગરમાં વિદેશીઓની હાજરી પ્રત્યે સજાગ રહેવું આવશ્યક બન્યું છે. પરિણામે સાર્ક સંગઠનમાં ભારતે હિંદી મહાસાગર ભવિષ્યની યુદ્ધભૂમિ ન બને તે માટે પડોશી દેશોને માહિતગાર કર્યા છે. ભારતને લગભગ 7000 કિમી. જેટલી લાંબી દરિયાઈ સીમા પ્રાપ્ત થયેલી છે. તેના રક્ષણ માટે ભારતે તટરક્ષકદળ અને નૌકાદળને વધુ આધુનિક બનાવવું આવશ્યક બની ગયું છે.

ભારત અને હિંદી મહાસાગર : પ્રાચીન સમયથી હિંદી મહાસાગર મારફતે થતા વેપારમાં ભારતનો ફાળો મહત્વનો રહ્યો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, ઈ. પૂ. 2500થી 1700 સુધી ભારતના કંઠાર-પ્રદેશોમાં સારાં જહાજો બનતાં હતાં. હડપ્પા સંસ્કૃતિના કાળગાળામાં હિંદી મહાસાગર વેપારનો મુખ્ય જળમાર્ગ રહ્યો હોવો જોઈએ. ગુજરાતના લોથલ પાસે મળેલા બંદરના અવશેષો સૂચવે છે કે તે વિશ્વના સર્વપ્રથમ ભરતી-બંદર તરીકે રહ્યું હોવું જોઈએ. રોમન સામ્રાજ્યકાળમાં મુંબઈ પાસે આવેલા રાજબંદર(ઍલિફન્ટા)નો ઉપયોગ વહાણો લાંગરવા કે માલ ઉતારવા/ચઢાવવા માટેના ધક્કા તરીકે થતો હતો. તામિલનાડુના કિનારે આવેલું કાવેરીપટ્ટનમ્ જૂના સમયમાં ચોલા બંદર તરીકે જાણીતું હતું. સમુદ્રમાં ગરકાવ થઈ ગયેલ દ્વારકા નગરીના અવશેષો તેમજ બેટ દ્વારકા પાસે દીવાલના અવશેષો મળી આવ્યા છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના જેતપુર ગામ પાસે ભાગાત્રાવ (Bhagatrav) બંદર આવેલું હતું. તેને માટે એવો ઉલ્લેખ મળે છે કે 4000 વર્ષ પહેલાં હડપ્પા સમયના વેપારીઓ આ બંદરનો ઉપયોગ માલની હેરફેર માટે કરતા હતા. નર્મદા નદીની ખાડીમાં મેહગાંવ (Mehgaon), નાગલ (Nagal) અને ભરૂચ મહત્વનાં બંદરો તરીકે હડપ્પા સમયમાં જાણીતાં હતાં.

ઇતિહાસ : દુનિયાની પ્રાચીન સંસ્કૃતિઓમાં મેસોપોટેમિયા, મિસર (ઇજિપ્ત) અને સિંધુ (ભારતીય) સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. હિંદી મહાસાગર સાથે સંકળાયેલી સંસ્કૃતિઓમાં સિંધુ-સંસ્કૃતિ, નાઇલ-સંસ્કૃતિ અને ટાઇગ્રિસ-સંસ્કૃતિને ગણાવી શકાય. નાઇલ-સંસ્કૃતિ ઈ. પૂ. 3000ના ગાળામાં વિકસેલી હતી. ઈ. પૂ. 3000 વર્ષના અરસામાં પુન્ટ (આજના સોમાલિયા) સ્થળે એક ખલાસી આવેલો. પાછા જતી વખતે તે પોતાની સાથે સોનું તેમજ ખુશબૂદાર છોડ લઈ ગયો હોવાની નોંધ મળે છે. ઈ. પૂ. 2500ના અરસામાં મેસોપોટેમિયા અને સિંધુ ખીણના પ્રદેશોમાં હડપ્પા સંસ્કૃતિનો વિકાસ થયેલો હતો. આથી હિંદી મહાસાગરના માર્ગે વેપાર માટે અવરજવર થતી રહેતી હશે એમ મનાય છે. ત્યાર બાદ ફિનિશિયન પ્રજાએ આ જળવિસ્તારમાં પ્રવેશ મેળવેલો; પરંતુ તેમણે અહીં કોઈ વસાહત સ્થાપી ન હતી. ઈ. પૂ.નાં પ્રથમ હજાર વર્ષ દરમિયાન ચીન અને અરબી દરિયાઈ ખેડુઓ આ મહાસાગરમાં આવેલા.

ઈસવી સનની નવમીથી પંદરમી સદી દરમિયાન આરબ અને ઈરાની ચાંચિયાઓ આ મહાસાગરમાં વહાણવટાની અનુકૂળતા તપાસવા, પ્રવાહો, પવનો, કિનારાનાં બંદરોની તેમજ ટાપુઓની જાણકારી મેળવવા ફરેલા. 1469માં રશિયન દરિયાઈ સફરી અફાનસી નિકિતિને (Afanasy Nikitin) ભારત સાથેના વેપાર માટે આ મહાસાગર ખેડેલો. 1497માં વાસ્કો-ડી-ગામાએ આફ્રિકા ફરતે સફર કરેલી. ત્યાર પછી ડચ, ઇંગ્લિશ અને પોર્ટુગીઝો પણ આ મહાસાગરમાં આવેલા. 1521માં સ્પૅનિશ સાહસિક જુઆન સેબાસ્ટિન ડે એલ્કાનોએ આ મહાસાગરનો પ્રવાસ ખેડેલો. આ જ સમયગાળામાં મૅગેલન પણ આવેલો. 1772માં કૅપ્ટન જેમ્સ કૂકે અને 1806માં રશિયન સાહસિકોએ પણ મુલાકાત લીધેલી. 1819–1821 દરમિયાન રશિયાઈ સંશોધકો હિંદી મહાસાગર મારફતે ઍન્ટાર્ક્ટિકા સુધી પહોંચેલા. બ્રિટિશ જહાજ ‘ચેલેન્જરે’ 1872માં હિંદી મહાસાગરનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરેલો. બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં ડેન્માર્કના ગૅલેથિયા જહાજ, સ્વીડિશ જહાજ, આલ્બાટ્રૉસ જહાજ અને બ્રિટનના ચેલેન્જર II જહાજ સંશોધન અર્થે હિંદી મહાસાગરને ખૂંદી વળેલાં. આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષ(1957–58)માં પણ આ મહાસાગરના દક્ષિણ ભાગનો પદ્ધતિસરનો સંશોધનાત્મક અભ્યાસ થયેલો; જેમાં ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, રશિયા, ફ્રાન્સ, જાપાન વગેરે દેશોએ ભાગ લીધેલો. આંતરરાષ્ટ્રીય હિંદી મહાસાગર અભિયાન (International Indian Ocean Expedition) દ્વારા 1960–65નાં વર્ષો દરમિયાન અહીં સંશોધનો થયેલાં, જેમાં વિવિધ દેશોના 20 જેટલાં જહાજોએ સહકાર આપેલો. આજે પણ હિંદી મહાસાગરનો અભ્યાસ કરવામાં ભારત અને પડોશી દેશો સહકાર આપી રહ્યા છે.

હિંદી મહાસાગરની લાક્ષણિકતાઓ : 1. પ્રવાહો અને ક્ષારતા : હિંદી મહાસાગરને બાદ કરતાં બીજા બધા મહાસાગરોના પ્રવાહો બારે માસ એક જ પથમાં વહે છે, જ્યારે આ મહાસાગરના ઉત્તર વિભાગમાં વહેતા પ્રવાહો વર્ષમાં બે વાર પોતાનો પથ બદલે છે. શિયાળા દરમિયાન તે આફ્રિકા તરફ અને ઉનાળા દરમિયાન તે ભારત તરફ વહે છે. આ મહાસાગરના બધા જ સમુદ્રો પૈકી રાતો સમુદ્ર વધુ ક્ષારતા ધરાવે છે, જ્યારે ઈરાની સમુદ્ર વધુ હૂંફાળો રહે છે.

2. રાતો સમુદ્ર : આફ્રિકાને અરેબિયાથી અલગ પાડતો હિંદી મહાસાગરનો સાંકડો ફાંટો. તેની લંબાઈ આશરે 2200 કિમી. જેટલી તથા પહોળાઈ સ્થાનભેદે 200થી 400 કિમી. જેટલી છે. તેમાં રાતા રંગની લીલ તરતી રહેતી હોવાથી તે રાતા રંગનો દેખાય છે. તેની નીચેની અધોદરિયાઈ ડુંગરધારનું તળ છેલ્લાં 2.5 કરોડ વર્ષથી વિસ્તરણ પામી રહ્યું છે, પરિણામે આફ્રિકા અને અરેબિયા એકબીજાથી વધુ ને વધુ અલગ થઈ રહ્યા છે. એ રીતે જોતાં, શક્ય છે કે લાખો વર્ષો પછી રાતો સમુદ્ર આટલાન્ટિક મહાસાગર જેટલો પહોળો બની જાય !

3. સિંધુગંગાનો પંખાકાર કાંપ : દુનિયાની મોટી ગણાતી આ બંને નદીઓ તેમનો વિપુલ કાંપ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઠાલવ્યા કરે છે, તેથી દરિયાના તળ પર 2000 કિમી. જેટલી લંબાઈ સુધી કાંપની પંખાકારમાં રચના થયેલી છે. ગંગાનો પંખાકાર કાંપ દુનિયામાં સૌથી વિશાળ કાંપજથ્થો ધરાવે છે.

4. જાવા ખાઈ : વૈજ્ઞાનિકોના મત મુજબ આ ખાઈ એક એવી રેખા બનાવે છે જ્યાં ઑસ્ટ્રેલિયન ભૂતકતી યુરેશિયન ભૂતકતી હેઠળ દબાયેલી છે.

5. ક્રાકાટોઆ : ઇન્ડોનેશિયાનો જાણીતો જ્વાળામુખી. 1883માં જાવા ખાઈની આજુબાજુ થયેલાં તેનાં શ્રેણીબંધ લાવાપ્રસ્ફુટનોએ ક્રાકાટોઆ ટાપુનો B ભાગ તોડીને ફેંકી દીધેલો. તેને પરિણામે ત્સુનામી ઉદભવેલું. તેનાં જળ જાવા અને સુમાત્રા ઉપર ફરી વળેલાં અને જાનમાલને નુકસાન થયેલું.

દુનિયાના વિશાળ જ્વાળામુખીઓ પૈકીનો એક તેમજ સક્રિય જ્વાળામુખી પિટોન દ લા ફૉર્નેસ (ઊંચાઈ 2631 મીટર) રીયુનિયન ટાપુ પર આવેલો છે.

6. મૅસ્કેરિન ઉચ્ચપ્રદેશ : ગિયોટ (અધોદરિયાઈ સમતળ શિરોભાગ ધરાવતો પર્વત) સમકક્ષ ઉચ્ચપ્રદેશ. તેનું ભૂપૃષ્ઠ જ્વાળામુખીજન્ય નથી; પરંતુ ખંડોમાં હોય એવા ખડક-બંધારણવાળું છે.

7. નાઇન્ટી ઈસ્ટ રીજ : નેવું પૂર્વ રેખાંશ પરની અધોદરિયાઈ ડુંગરધાર. તે બંગાળની ખાડીમાંથી શરૂ થઈ ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ તરફના મહાસાગર સુધી આશરે 2735 કિમી.ની લંબાઈમાં છરીની ધાર જેવી વિસ્તરેલી છે. તેમાં કરાયેલાં શારકામ (drilling) પરથી જાણવા મળ્યું છે કે ભૂતકાળમાં આ ડુંગરધાર જળસપાટીથી વધુ ઊંડાઈએ ન હતી; પરંતુ સમુદ્રતલ-વિસ્તરણ(seafloor spreading)થી તે વધુ ઊંડી બનતી ગયેલી છે.

નીતિન કોઠારી