હિંદુ અવિભક્ત પેઢી / ભાગીદારી

February, 2009

હિંદુ અવિભક્ત પેઢી / ભાગીદારી : ભાગીદારીના કાયદા (Indian Partnership Act – 1932) હેઠળ રચાયેલી પેઢી કરતાં તદ્દન જુદા અને વિશિષ્ટ પ્રકારના હિંદુ અવિભક્ત કુટુંબની મિલકતની મદદ વડે આર્થિક/વાણિજ્ય પ્રવૃત્તિ કરતું કૌટુંબિક એકમ.

ભારત અને નેપાળમાં પ્રસાર પામેલ હિંદુ ધર્મની કેટલીક વિશિષ્ટતાઓ પૈકીની એક વિશિષ્ટતા સંયુક્ત કુટુંબ પ્રથાની છે. વંશના આગળ વધતા વેલાના સભ્યો, જન્મથી મૃત્યુ સુધી કુટુંબનું અવિભાજ્ય અંગ બનીને સાથે રહેવાનું, કૌટુંબિક અને સામાજિક વહેવારો કરવાનું અને આર્થિક પ્રવૃત્તિઓ કરવાનું રાખે છે. કુટુંબની આર્થિક પ્રવૃત્તિ કુટુંબના એક અવિભાજ્ય અંગ તરીકે વંશપરંપરાગત ચાલતી હોય છે. સગપણમાં વડા, કુટુંબના સુકાની બનતા હોય છે; તે કર્તા તરીકે ઓળખાય છે. હિંદુ પરંપરા પુરુષપ્રધાન છે. તેથી કુટુંબના સગપણમાં સૌથી વડા તરીકે જો મહિલા આવતી હોય તો તે કર્તા બની શકતી નથી. એના પછી જે પુરુષ વડા તરીકે આવે તે કર્તા બને છે. કર્તામાં બધી જ સત્તા કેન્દ્રિત થાય છે. એનો નિર્ણય આખરી હોય છે. નિર્ણય-પ્રક્રિયામાં કુટુંબના અન્ય સભ્યોની સંમતિ (consent) મેળવવાનું કર્તા માટે ફરજિયાત નથી. કર્તાના નિર્ણયોનાં પરિણામો કુટુંબના બધા સભ્યોએ ભોગવવાનાં હોય છે. છતાં દરેક સભ્યની જવાબદારી હિંદુ અવિભાજ્ય કુટુંબની મિલકતોમાં એના ભાગ જેટલી મર્યાદિત હોય છે. કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. આ પ્રકારે સંયુક્ત મિલકતની મદદથી ધંધો કરતું કુટુંબ વેપારી પરિભાષામાં હિંદુ અવિભક્ત પેઢી કહેવાય છે. નાદારીની પરિસ્થિતિમાં આવી પેઢી નાદાર જાહેર થાય તેવા પ્રસંગે કર્તાની અંગત મિલકતોમાંથી આ પેઢીનું દેવું ચૂકવવામાં આવે છે; પરંતુ સભ્યોની અંગત મિલકતો પર ટાંચ લાવી શકાતી નથી. હિંદુ અવિભક્ત કુટુંબનું સભ્યપદ જન્મ લેતાંની સાથે પ્રત્યેક પુરુષ બાળકને આપોઆપ મળી જાય છે. એના સભ્ય થવા માટે કોઈ કરાર કરવાની જરૂર નથી. તેથી આ કુટુંબ અને તેની ધંધાદારી પેઢીનો સગીર પણ સભ્ય હોય છે. કુટુંબના એક ભાગ તરીકે મહિલાઓ હોય છે; પરંતુ એમને આર્થિક કે અન્ય બાબતો માટે સભ્યપદ મળતું નથી. આમ હિંદુ અવિભક્ત પેઢી વડીલશાહીના પ્રભાવ તળે અને પુરુષપ્રધાન હોય છે.

વંશવેલો આગળ વધતાં નવા સભ્યો કેટલા ઉમેરાશે અને મૃત્યુને કારણે જૂના કેટલા ઓછા થશે તે નિશ્ચિત નથી. તેથી આ પેઢીની સભ્યસંખ્યા પર કોઈ મર્યાદા નથી. આમ છતાં, વંશવેલામાં કર્તાથી શરૂ કરીને ત્રણ પેઢી સુધી જન્મેલા પુરુષો આ પેઢીના આપોઆપ સભ્ય બને છે. ત્યારપછીના કોઈ પુરુષે જો સભ્ય બનવું હોય તો ભાગીદારી કાયદા હેઠળ રચાયેલી પેઢીએ કરારના કાયદા (Indian Contract Act) અનુસાર કરાર કરવો પડે છે; પરંતુ હિંદુ અવિભક્ત કુટુંબની પેઢી કરાર કર્યા વિના અસ્તિત્વ ધરાવતી માત્ર નામની પેઢી છે. કુટુંબમાં કોઈ પણ પુરુષ સભ્યના અવસાનથી હિંદુ અવિભક્ત પેઢીનું વિસર્જન થતું નથી. બાકીના પુરુષ સભ્યોથી તે ચાલે છે. કર્તાનું અવસાન થતાં એના પછીના જે પુરુષ વડીલ હયાત હોય તે કર્તા બનતા હોય છે, તેથી વિસર્જનની જરૂર પડતી નથી. મહિલાઓને સભ્યપદ મળતું નથી છતાં કર્તા તરફથી સોંપાયેલ કામ કરવા તેઓ બંધાયેલી છે. સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી મહિલાઓને સભ્યપદ મળવાની શક્યતા ઊભી થઈ છે.

આમ, હિંદુ અવિભક્ત કુટુંબ સામાજિક, કૌટુંબિક અને આર્થિક બાબતોનું સંમિશ્રણ છે. ભારતીય પરંપરામાં ઉંમરે કે સગપણમાં મોટી વ્યક્તિને મળતી સત્તા અને મહિલાઓના ગૌણ સ્થાનને આ વ્યવસ્થામાં જાળવવામાં આવ્યાં છે. વડીલના અવસાનથી જેમ કોઈ પણ કુટુંબનું વિસર્જન થતું નથી તેમ આ પેઢીનું પણ વિસર્જન થતું નથી. કર્તા સિવાયના અન્ય સભ્યોને નિર્ણયપ્રક્રિયાના ભાગીદાર બનવાનો હક મળતો નથી. તેથી કુટુંબમાં એમના હિત પૂરતી એમની જવાબદારી મર્યાદિત રાખવામાં આવી છે. ભાગીદારીના કાયદા અનુસાર મર્યાદિત જવાબદારીવાળો ભાગીદાર સંભવિત નથી; પરંતુ રૂઢિગત રીતે અમલમાં આવેલી આ પેઢીઓના કર્તા સિવાયના બીજા સભ્યોની મર્યાદિત જવાબદારીને માન્ય રાખવામાં આવી છે. કરાર અને ભાગીદારીના કાયદાનુસાર રચાયેલી પેઢીમાં સગીર વ્યક્તિ ભાગીદાર બની શકતી નથી; પરંતુ સગીર વ્યક્તિને પેઢીના લાભ/ફાયદામાં પ્રવેશ આપવામાં આવે છે. રૂઢિગત રીતે અમલમાં આવેલી આ હિંદુ અવિભક્ત પેઢીઓમાં પુરુષોને જન્મ લેવાના અકસ્માતને જ કારણે આપોઆપ સભ્યપદ મળી જાય છે, તેથી હિંદુ અવિભક્ત પેઢીમાં સગીરોની ભાગીદારીને માન્ય રાખવામાં આવી છે. બંધારણ અનુસાર સ્ત્રી અને પુરુષ સમાન છે, છતાં રૂઢિગત રીતે આ પેઢીમાં મહિલાઓને સભ્યપદથી વંચિત રાખવામાં આવે છે, તે રૂઢિગતતાના નામે માન્ય રાખવામાં આવ્યું છે. અલબત્ત, આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા આ રૂઢિને સ્વીકારવાનો ઇનકાર કરે છે. ઉપરાંત કેટલાક ચુકાદાઓ હેઠળ આ પેઢીના સગીર સભ્યોને અન્ય કાયદા હેઠળ મળતું રક્ષણ આપવામાં આવ્યું છે. ટૂંકમાં, આ પેઢી કર્તાકેન્દ્રી છે અને તેની સફળતાનો આધાર એની કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા પર છે.

c