હિસ્પાનીઓલા : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો બીજા ક્રમે ગણાતો મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 19° 00´ ઉ. અ. અને 71° 00´ પ. રે. પરનો આશરે 76,456 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ફ્લોરિડા(યુ.એસ.)થી અગ્નિકોણમાં આશરે 970 કિમી.ને અંતરે કેરીબિયન સમુદ્રમાંના ક્યુબા અને પ્યુર્ટોરિકો વચ્ચે આવેલો છે. તેનો પશ્ચિમ તરફનો 2 ભાગ હૈતી પ્રજાસત્તાક હસ્તક અને પૂર્વ તરફનો B ભાગ ડોમિનિકન પ્રજાસત્તાક હસ્તક છે. આ ટાપુ આશરે 640 કિમી. લાંબો અને 240 કિમી. પહોળો છે. 1492માં ક્રિસ્ટોફર કોલંબસ હિસ્પાનીઓલા આવેલો, તેણે તેને લા ઇસ્બા એસ્પાનોલા (સ્પૅનિશ ટાપુ) નામ આપેલું.
વેસ્ટઇન્ડિઝ ટાપુઓમાં આવેલો હિસ્પાનીઓલા ટાપુ
હિસ્પાનીઓલાની વસ્તી 1999 મુજબ આશરે 3,523 જેટલી છે. અહીં વસતા બધા જ લોકો અશ્વેત છે અથવા તો મિશ્ર અશ્વેત અને શ્વેત પૂર્વજોના વંશજો છે. 50 %થી વધુ લોકો ગામડાંઓમાં રહે છે, તેમનો જીવનનિર્વાહ ખેતી પર ચાલે છે. અહીંના મુખ્ય પાક કૉફી અને શેરડી છે.
ગિરીશભાઈ પંડ્યા