ગુજરાતી સાહિત્ય પરિષદ

February, 2011

ગુજરાતી સાહિત્ય પરિષદ : ગુજરાતની સાહિત્ય-સંસ્કારના ઉત્કર્ષને વરેલી સંસ્થા. 1905માં રણજિતરામ વાવાભાઈની ભાવનાને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો હતો. ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા અને એને લોકપ્રિય કરવા, ગુજરાતી પ્રજાજીવનને અધિક ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર બનાવવા માટે રાહ દાખવી પ્રજાનો ઉત્કર્ષ સાધવાનો પરિષદની સ્થાપના પાછળનો હેતુ હતો. એનું પહેલું સંમેલન 1905માં ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે અમદાવાદમાં મળ્યું હતું. એ પછી મૂર્ધન્ય સાહિત્યકારોના પ્રમુખપદે ગુજરાત અને ભારતભરમાં 2010 સુધીમાં એનાં 44 સંમેલનો અને 24 જ્ઞાનસત્રો યોજાયાં છે. બારમા સંમેલન(1936)ના પ્રમુખપદે ગાંધીજી હતા.

આરંભમાં સાહિત્ય ઉપરાંત કલા, રંગભૂમિ, ઇતિહાસ, શિક્ષણ, પત્રકારત્વ, ધર્મતત્વજ્ઞાન, વિજ્ઞાન જેવા કેટલાક વિભાગોને જુદાં જુદાં સંમેલનોમાં સ્થાન અપાતું હતું. તેના કર્ણધાર તરીકે કનૈયાલાલ મુનશી વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા. 1955માં પરિષદના બંધારણને લોકશાહી સ્વરૂપ આપવાની માગણી ઉમાશંકર જોશી અને જયન્તિ દલાલ વગેરેએ કરી હતી. પરિષદના નવા બંધારણ અનુસાર ચૂંટાયેલી મધ્યસ્થ સમિતિ અને કાર્યવાહક સમિતિએ એનું સુકાન સંભાળી લીધું. પુનર્જન્મ પામેલી પરિષદનું 1956માં પ્રથમ સંમેલન અમદાવાદમાં મળ્યું હતું.

ગુજરાતી સાહિત્ય પરિષદ

અત્યારે ‘ગોવર્ધન ભવન’ નામે ઓળખાતું પરિષદનું પોતાનું અમદાવાદના આશ્રમ રોડ ઉપર ભવ્ય મકાન છે. એમાં સભાગૃહ, સેમિનાર ખંડ, ગોવર્ધન સ્મૃતિ મંદિર, કાર્યાલય, સમૃદ્ધ પુસ્તકાલય અને અતિથિગૃહ છે. વિશાળ પટાંગણ પણ એનું આકર્ષણ છે. પરિષદમાં વર્ષભર વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ યોજાતી રહે છે. પરિષદ એક વર્ષે સંમેલન અને બીજે વર્ષે જ્ઞાનસત્રનું આયોજન કરે છે. સંમેલનમાં સર્જન, વિવેચન-સંશોધન અને સાહિત્યસંગમ – એવી ત્રણ બેઠકો વિભાગીય પ્રમુખોની અધ્યક્ષતામાં યોજાય છે અને નિબંધવાચન સાથે અનેક સાહિત્યિક પ્રશ્નોની પરિષદ પ્રમુખની અધ્યક્ષતામાં ચર્ચાવિચારણા થાય છે. જ્ઞાનસત્રમાં પણ કોઈ સાહિત્યસ્વરૂપ, સાહિત્યકારનું પુનર્મૂલ્યાંકન અને પરિસંવાદ ઊંડાણથી ચર્ચાને અવકાશ આપે છે. ઉપરાંત જ્ઞાનસત્રમાં નિયત સમયગાળામાં પ્રગટ થયેલી વિવિધ સાહિત્યપ્રકારો અને વિવિધ વિષયોની કૃતિઓને 27 જેટલા પુરસ્કારો અપાય છે. ગુજરાતી વિષયના તેજસ્વી સ્નાતકોને શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવે છે.

આ રીતે, સંમેલનો, જ્ઞાનસત્રો, પરિસંવાદો, અભ્યાસશિબિરો, ગુજરાતભરમાં વિવિધ સ્થળે પરિષદના આશ્રયે યોજાતાં વિવિધ વિદ્વાનોનાં વ્યાખ્યાનો-વ્યાખ્યાનમાળાઓ, અનેક વિષયો અને સાહિત્યપ્રકારનાં પુસ્તકોનું પ્રકાશન, પરિષદના મુખપત્ર ‘પરબ’ (સ્થાપના : ઈ. સ. 1960) સામયિકનું નિયમિત દર મહિને પ્રકાશન વગેરે સાહિત્યિક પ્રવૃત્તિઓથી પરિષદ જીવંત રહી છે. પરિષદસંચાલિત ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાત યુનિવર્સિટી સાથેની સંલગ્ન સંશોધનસંસ્થા છે અને એમાં નિયુક્ત થયેલા વિદ્વાન અધ્યાપકો સાહિત્ય-સંશોધન અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે અને અધિકૃત ‘ગુજરાતી સાહિત્યકોશ’ ક. લા. સ્વાધ્યાય મંદિરની સંશોધન-પ્રવૃત્તિનું યશસ્વી ફળ છે.

પરિષદે અનેક અપ્રાપ્ય પ્રશિષ્ટ ગ્રંથોનું પુનર્મુદ્રણ કર્યું છે. બાલસાહિત્ય અને કાવ્ય આદિ લલિત સાહિત્યનું તેમજ ગુજરાતી સાહિત્યના ઇતિહાસ(ચાર ગ્રંથો)નું પ્રકાશન કર્યું છે અને અત્યારે એની સંશોધન-આવૃત્તિઓ પ્રગટ થઈ રહી છે. એ લેખન અત્યારે આગળ ચાલી રહ્યું છે. પરિષદનું ચિમનલાલ મંગળદાસ ગ્રંથાલય અત્યંત સમૃદ્ધ છે અને ક. લા. સ્વાધ્યાય મંદિરને પણ પોતાનું પુસ્તકાલય છે.

પરિષદે ચાર સ્વાધ્યાયપીઠોની પણ સ્થાપના કરી છે. હેમચંદ્રાચાર્ય, નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુનશી એ ચાર સારસ્વતોનાં નામ સાથે જોડાયેલી આ સ્વાધ્યાયપીઠોને આશ્રયે વિવિધ પરિસંવાદો, સત્રો, ગ્રંથપ્રકાશન વગેરે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. અત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી નારાયણભાઈ દેસાઈ છે.

ચિમનલાલ ત્રિવેદી