ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિવિચાર

February, 2011

ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિવિચાર : ગુજરાતી ભાષાના ધ્વનિસ્વરૂપ વિશે આધુનિક ભાષાવિજ્ઞાનની ર્દષ્ટિએ અધ્યયન રજૂ કરતો મહત્વનો ગ્રંથ. તેના કર્તા ડૉ. પ્રબોધ પંડિત (1923–1975) ગુજરાતી ભાષાવિજ્ઞાનના સમર્થ વિદ્વાન હતા.

આ પુસ્તકનું લખાણ 1957થી 1961 દરમિયાન થયેલું છે; જે કેટલાક લેખો રૂપે ‘સંસ્કૃતિ’ માસિકમાં તથા ‘ઇન્ડિયન લિંગ્વિસ્ટિક્સ’નાં કેટલાંક વૉલ્યૂમોમાં છપાયેલું. આ લેખો તથા અન્ય સામગ્રી પુસ્તકાકારે 1966માં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. તેનું પુનર્મુદ્રણ 1974માં થયું છે.

આ પુસ્તકમાં ભાષાના સ્વરૂપ અને તેના ઇતિહાસને સાંકળવાનો પ્રયત્ન થયો છે. પ્રથમ ચાર પ્રકરણોમાં ડૉ. પ્રબોધ પંડિતે ગુજરાતી ભાષાના ધ્વનિસ્વરૂપ વિશે વાત કરી છે. એ પછીનાં ચાર પ્રકરણોમાં ભાષામાં થયેલ પરિવર્તનોનાં સ્વરૂપ અને કારણોની ચર્ચા કરી છે, અને છેલ્લાં બે પ્રકરણોમાં બોલીનાં સ્વરૂપ અને તેના વિભાજનની પ્રક્રિયા વર્ણવી છે. આ તમામ પ્રક્રિયાઓ અને સિદ્ધાંતોનું તેમણે ખૂબ જ પ્રવાહી શૈલીમાં તાર્કિક અભિગમથી નિરૂપણ કર્યું છે.

વિજ્ઞાનના અભ્યાસક્ષેત્રમાં પેઢીઓ ખૂબ ઝડપથી બદલાતી હોય છે અને નવા નવા વાદો ઊભા થતા હોય છે. ડૉ. પંડિતે જ્યારે આ પુસ્તકનું લખાણ કર્યું અને એ પ્રકાશિત થયું એ દરમિયાન જ ઓછામાં ઓછો અડધો દાયકો તો વીતી ગયો હતો, જે વિજ્ઞાનના અભ્યાસના ક્ષેત્રમાં નાનો ગાળો નહોતો. એમનું લખાણ ફોનીમ(ધ્વનિ-ઘટક)ના વાદને કેન્દ્રમાં રાખે છે; જ્યારે એ પછી જનરેટિવ ફોનૉલૉજીનો વાદ પણ અસ્તિત્વમાં આવ્યો. આમ છતાં તેમનું લખાણ આ વાદવિવાદોની સ્પર્ધામાં ટકી રહે તેવું સંગીન છે, જે આ પુસ્તકનું મૂલ્ય-મહત્વ દર્શાવે છે. દિલ્હી સાહિત્ય અકાદમીએ 1966માં આ પુસ્તકને ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો પુરસ્કાર આપ્યો હતો.

આ પુસ્તકની શરૂઆત તેમણે ભાષાને એક સાંકેતિક વ્યવસ્થા તરીકે ગણાવીને કરી છે. ભાષાના સંકેતો યાર્દચ્છિક અને પરંપરાગત હોવા છતાં ચોક્કસ વ્યવસ્થામાં ગોઠવાયેલા હોય છે, અને તેથી એ આંતરિક વ્યવસ્થાના નિયમો આત્મસાત્ કરીને બાળક અલ્પ સમયમાં જ પોતાના સમાજની ભાષા શીખી શકે છે. વળી ભાષાના સંકેતો ધ્વન્યાત્મક હોવાના કારણે ભાષાના સ્વરૂપને સમજવા માટે ધ્વનિનું સ્વરૂપ સમજવું જરૂરી છે. આ ધ્વનિઓના ઉચ્ચારણની સમજ અને તેનું વર્ણન તેમણે બીજા પ્રકરણમાં ‘ઉચ્ચારણપ્રક્રિયા’માં આપ્યું છે. તેમની ર્દષ્ટિએ મુખયંત્ર દ્વારા પેદા થતા ધ્વનિઓ ધ્વનિ તરીકે બધા જ સરખા છે. દરેક ભાષા એમાંથી કેટલાક ધ્વનિઓ પસંદ કરી તેની વ્યવસ્થા રચે છે. આ પ્રકરણમાં ‘ફેફસાંમાંથી બહાર નીકળતી હવાને કોઈ પણ જાતનું દબાણ કે અવરોધ થાય તો તેનું અવાજનાં મોજાં તરીકે પરિવર્તન થાય છે’ ત્યાંથી શરૂ કરી આ હવા નાદતંત્રીથી માંડી મુખપથમાં ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે અવરોધાય છે તેનું વર્ણન કરીને ઉચ્ચારણની પ્રક્રિયાનો સંપૂર્ણ ચિતાર વૈજ્ઞાનિક ઢબે આપ્યો છે. કયા કયા પ્રકારના અવરોધો શક્ય છે અને તે અવરોધોને કારણે બનતા વિવિધ પ્રકારનાં પોલાણો-રન્દ્રોને આધારે તેમણે ઉચ્ચારિત ધ્વનિઓનું વૈજ્ઞાનિક રીતે વર્ગીકરણ અને વર્ણન કર્યું છે. વાગવયવો અને નાદતંત્રીઓની રચના અને કાર્યનું આકૃતિ સહિત સવિસ્તર વર્ણન કરીને વ્યંજનો અને સ્વરોનું ઉચ્ચારણ અને વર્ગીકરણ દર્શાવ્યાં છે. તે ઉપરાંત અક્ષર, મિશ્ર વ્યંજનો, મહાપ્રાણત્વ, સંઘર્ષિત્વ, મર્મરત્વ અને સ્વરભાર, સૂર, કાલમાન જેવા સહવર્તી ધર્મોનું પણ તેમણે વિગતે વર્ણન કર્યું છે.

ત્રીજા પ્રકરણમાં તેમણે ભાષાની ધ્વનિવ્યવસ્થા કેવી હોય છે અને ભાષક ધ્વનિને ઘટક તરીકે કઈ રીતે ઓળખે છે તેનું સૈદ્ધાંતિક રીતે વર્ણન કર્યું છે. તેમના મતે ભાષાની ધ્વનિવ્યવસ્થા જાણવી એટલે પ્રસ્તુત ભાષામાં ધ્વનિઓના ભેદકધર્મોની વ્યવસ્થા જાણવી. બે ઉક્તિઓને એકબીજીથી અલગ રાખવામાં જે ધર્મો કામયાબ નીવડે તે ભેદકધર્મો છે. આ પ્રકરણમાં ધ્વનિઘટકના વિભાવની વિશદ ચર્ચા કરવામાં આવી છે. ‘સંદર્ભનિયત’ ધર્મો પર આધારિત ઉપધ્વનિઓની ચર્ચા પણ તેમણે કરી છે. આ પ્રકરણમાં એમણે ધ્વનિઘટકના વિભાવની સૈદ્ધાંતિક છણાવટ કરી છે. ઘટકો સાપેક્ષ છે; પરંતુ તેમની મેળવણી અનન્ય-સાધારણ (unique combination) છે અને તેથી જ દરેક ભાષાનું પોતાનું આગવું વ્યવસ્થિત ધ્વનિતંત્ર હોય છે.

ચોથા પ્રકરણમાં તેમણે ગુજરાતી ભાષાના ધ્વનિતંત્રની ચર્ચા કરી છે. તેમણે ગુજરાતીના વ્યંજનો, સ્વરો અને અર્ધસ્વરોની સાથે સાથે જંક્ચરને પણ આંતરિક સીમાઓ સૂચવતા ઘટક તરીકે વર્ણવ્યો છે. ગુજરાતીનો સ્વર જો જંક્ચરની પહેલાં આવે તો દીર્ઘ છે, નહિ તો હ્રસ્વ છે – એમ દર્શાવી સ્વરના હ્રસ્વ અને દીર્ઘ એવા જુદા ધ્વનિઘટકો દર્શાવવાની એમને આવશ્યકતા લાગતી નથી. એમના મતે ગુજરાતીમાં આઠ સ્વરો છે અને તેના ભેદકધર્મો છે અગ્રત્વ-પૃષ્ઠત્વ તથા ઉચ્ચ, મધ્ય અને નિમ્ન સ્થાનો. આ આઠે સ્વરો મર્મર થઈ શકે છે; પરંતુ નાસિક્ય થતાં (e) અને (o)ના વિવૃત (E) અને (⊃) થઈ જાય છે. ગુજરાતીના વ્યંજનોનું તેમણે પહેલાં બે ભાગમાં વિભાગીકરણ કર્યું છે : (1) ઘોષત્વ–અઘોષત્વ ભેદક હોય તેવા વ્યંજનો અને (2) ઘોષત્વ–અઘોષત્વ ભેદક ન હોય તેવા વ્યંજનો. ઘોષત્વ ભેદક છે તેવા વ્યંજનોમાં સ્પર્શ અને સ્પર્શ સંઘર્ષીઓ છે. તેમાં પાંચ સ્થાનો ભેદક છે : ઓષ્ઠ્ય, દંત્ય, મૂર્ધન્ય, તાલવ્ય અને કંઠ્ય. સંઘર્ષી વ્યંજનોમાં ચાર સ્થાનો ભેદક છે : ઓષ્ઠ્ય, દંત્ય, તાલવ્ય અને કંઠ્ય. તેમણે વિશિષ્ટ સંઘર્ષી વ્યંજનો તરીકે (x)ની અને (z)ની પણ ચર્ચા કરી છે, જેમાં તેમની ર્દષ્ટિએ (z)ને ગુજરાતીમાં સ્વતંત્ર ધ્વનિઘટકનો મોભો આપવો પડે. છતાં તેઓ એમ પણ કહે છે કે (z) હજી ગુજરાતીના ધ્વનિતંત્રની સીમા ઉપર છે, એની આંતરિક રચનામાં પ્રવેશી શક્યો નથી. ગુજરાતીના અન્ય વ્યંજનોમાં બે પાર્શ્વિકો લ (l) અને ળ (ḷ) તથા એક પ્રકંપી ર (r)ની ચર્ચા કરી છે. તેમણે ગુજરાતીમાં 3 અર્ધસ્વરો ગણાવ્યા છે : ય (y), વ (w) અને હ (h). તેમણે મહાપ્રાણત્વ અને મર્મરત્વને એક જ ધ્વનિઘટકના બે પેટાધ્વનિઓ ગણાવ્યા છે. તેમની ર્દષ્ટિએ ગુજરાતીમાં અનુનાસિકોના ચાર ધ્વનિઘટકો છે : (m), (n), (ṇ) અને (N); અને ‘આ (N)ને પણ (h) –ની જેમ અર્ધસ્વરના વિભાગમાં મૂકી શકાય’ એવું તેઓ માને છે. આમ સ્વરો, અર્ધસ્વરો અને વ્યંજનોની ચર્ચા પછી તેમણે ગુજરાતીના અક્ષરના સ્વરૂપ વિશે વિગતે લંબાણથી ચર્ચા કરી છે. ધ્વનિઘટકોનાં ભિન્ન ભિન્ન સંયોજનો તથા શ્રાવ્યતાની પરાકાષ્ઠાની ચર્ચા સાથે ગુજરાતીના અક્ષરના સ્વરૂપનું તેમણે ખૂબ ઝીણવટથી અને વિગતે વર્ણન કર્યું છે.

પ્રવર્તમાન ગુજરાતી ભાષાનું ધ્વનિતંત્ર અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં કઈ કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થયું તે માટે આ પુસ્તકનાં પછીનાં પ્રકરણોમાં ચર્ચા કરાઈ છે. દુનિયામાં બોલાતી કોઈ પણ ભાષા પરિવર્તન-પ્રક્રિયામાંથી પસાર થયેલી જ હોય છે. પ્રકરણ 5માં તેમણે પરિવર્તન-પ્રક્રિયાની તપાસ કરી છે. આ પરિવર્તનને ચાર રીતે તપાસી શકાય : (1) ધ્વનિ-પરિવર્તન, (2) વ્યાકરણી પરિવર્તન, (3) અર્થ-પરિવર્તન અને (4) શબ્દરાશિની વધઘટ. આ પુસ્તકમાં પહેલાં બે પરિવર્તનોની વિગતે ચર્ચા કરી છે.

ઉચ્ચારણની ખાસિયતોમાં પરિવર્તન આવે એને કારણે ધ્વનિઘટકોની યોજનામાં પણ પરિવર્તન આવે અને સમયાંતરે તેમની સીમારેખાઓમાં પણ પરિવર્તન આવે છે. પરિવર્તનનાં અનેક કારણો હોઈ શકે છે. પરિવર્તનની પ્રક્રિયાને અનુમાની શકાય છે અને તે માટે એક જ ભાષાની જુદી જુદી ભૂમિકાઓની તુલના કરી શકાય છે. તુલનાત્મક પદ્ધતિથી નીપજતાં પરિણામો ધ્વનિવિષયક મૂલ્યાંકન કરવામાં ઉપકારક નીવડે છે. જેમ સમયની સાથે સાથે ભાષાની ધ્વનિ-વ્યવસ્થામાં પરિવર્તન આવે છે તેમ વ્યાકરણી વ્યવસ્થાની સાથે સાથે શબ્દરાશિમાં પણ પરિવર્તન આવે છે. વળી પ્રજાના અમુક વર્ગો દ્વૈભાષિક બને છે અને એમની ભાષા દ્વારા પણ ભાષામાં નવા શબ્દો પ્રવેશે છે. સાંસ્કૃતિક આદાનપ્રદાન અને પરિવર્તનને કારણે પણ ભાષામાં નવા શબ્દો પ્રવેશે છે અને ભાષાનાં તંત્રો સતત ગતિશીલ અને પરિવર્તનશીલ રહે છે. અને તેથી જ ભાષા પરિમિત ધ્વનિઘટકો અને પરિમિત અર્થઘટકો દ્વારા અપરિમિત રચનાઓ બનાવી સમગ્ર સૃષ્ટિને આંબી શકે છે.

પરિવર્તનની પ્રક્રિયા દર્શાવ્યા પછી પ્રકરણ 6માં ધ્વનિ-પરિવર્તન વિશેની સમજ સ્પષ્ટ કરી છે. પોતાની ભાષાના ભેદકધર્મો દ્વારા જ ભાષક ઉચ્ચારણોને પકડે છે. ભાષકનું ચિત્તતંત્ર સાંભળે છે ધ્વનિઓ. એને પકડે છે ધ્વનિઘટકો. ભાષકના ચિત્તમાં ધ્વનિઘટકો ચોક્કસ ખાનાંઓની ભાતમાં ગોઠવાયેલા હોય છે. તેથી જ એકાદ સ્વરઘટકની સીમા બદલાય, એકાદ ખાનું બદલાય તો આખી વ્યવસ્થા પર તેની અસર થાય છે. ધ્વનિ-પરિવર્તન એ પ્રાથમિક પરિવર્તન છે. એ ઘટના પણ છે, વ્યાપાર પણ છે, અન્ય પરિવર્તનોની ઘટનાનું પ્રેરકબળ પણ છે અને છતાં તેનાં ચાલકબળો ભાષાની વ્યવસ્થાના વર્ણન માત્રથી અનુમાની શકાતાં નથી.

પ્રકરણ 7માં સાદ્દશ્ય પરિવર્તનની વાત છે. વ્યાકરણી પરિવર્તનો મહદંશે સાદ્દશ્યથી થતાં પરિવર્તનો છે. સાદ્દશ્યમૂલક પરિવર્તનો વ્યવસ્થામાંથી નીપજતાં પરિવર્તનો છે અને તેનું ચાલક બળ ભાષકના ચિત્તમાં જ રહેલું હોય છે. આ સાદ્દશ્ય-પરિવર્તનની અસર ભાષાની વ્યાકરણી વ્યવસ્થા ઉપર પડે છે અને નવી જાતના સંબંધો ઊભા થાય છે. તેથી વ્યાકરણી પરિવર્તન થાય છે. ધ્વનિ અને શબ્દ બંને સ્તરે સાદ્દશ્ય-પરિવર્તન થાય છે.

ધ્વનિના સ્તરે સારૂપ્ય (assimilation), વૈરૂપ્ય (dissimilation), આગમ (intruision) અને લોપ(elision)થી પરિવર્તન થાય છે અને શબ્દના સ્તરે સાહચર્ય (analogy), મિશ્રણ (blend), લૌકિક વ્યુત્પત્તિ (folketymology) અને વ્યત્યય(metathesis)થી સાદ્દશ્ય-પરિવર્તનો થાય છે.

પ્રકરણ 8માં ગુજરાતી ભાષાની સ્વરવ્યવસ્થાના પરિવર્તનની વિગતે ચર્ચા કરી છે. પરિવર્તનની કોઈ પણ પ્રક્રિયા વાગ્વ્યવહારને નુકસાનકર્તા બનતી નથી. તેમણે સ્વરવ્યવસ્થાના પરિવર્તનમાં સ્વરસંક્ષેપની, અ-લોપની પ્રક્રિયાની અને ગુજરાતીના સંધિના નિયમોની ખૂબ વિગતે ચર્ચા કરી છે. તેમના મતે મધ્યકાલીન ગુજરાતીમાંથી અર્વાચીન ગુજરાતીમાં આવતા ધ્વનિઘટકોની સંખ્યામાં પરિવર્તન નથી આવ્યું, પણ ધ્વનિઘટકોની ઉપસ્થિતિના નિયમનોમાં પરિવર્તન આવ્યું છે.

પ્રકરણ 9માં તેમણે બોલીના સ્વરૂપ વિશે વાત કરી છે. કાળના પરિમાણ પર બદલાતી ભાષાની ચર્ચા અત્યાર સુધીનાં પ્રકરણોમાં કર્યા પછી સ્થળ અને સમાજના પરિમાણ પર બદલાતી ભાષા વિશે છેલ્લાં બે પ્રકરણમાં વાત કરી છે.

‘ભાષાસમાજ એટલે જ્યાં માનવ-વ્યવસ્થાના સાધન તરીકે વપરાતી સામાન્ય ભાષા એક હોય એવી વસ્તી’, એવી ‘ભાષાસમાજ’ની વ્યાખ્યા આપ્યા પછી એ કયાં કયાં જુદાં જુદાં સ્વરૂપોએ મળી શકે તેની વાત તેઓ કરે છે. જે જૂથો વચ્ચે વાગ્વ્યવહાર વધારે હોય, ઘનિષ્ઠતા હોય, ત્યાં વાગ્વ્યવહારની ઘનતા વધુ હોય છે અને જ્યાં ઘનતા વધુ હોય છે ત્યાં પરિવર્તનને ઓછો અવકાશ રહે છે. આ વાગ્વ્યવહારનું પ્રમાણ માનવીના અન્યોન્યના સંબંધના સ્વરૂપ સાથે સંકળાયેલું છે. ભાષાસમાજમાં વ્યક્તિના સ્થળ અને વ્યવસાયને કારણે એની બોલીના ભૌગોલિક અને સામાજિક ભેદ જોવા મળે છે.

જે બોલી સામાજિક રીતે ઊંચી મોભાવાળી હોય તે ભાષાનું સ્વરૂપ ધારણ કરે છે અને ભાષાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે બીજી તળપદી બોલીઓમાંથી પણ કેટલીક ભાષાભંગિઓ સ્વીકારે છે અને પોતાની ક્ષમતા વધારે છે. પછી એ બોલી કોઈ એક ચોક્કસ પ્રદેશની જ બોલી ન રહેતાં માન્ય ભાષાનું સ્વરૂપ ધારણ કરે છે અને સર્વની બને છે. આમ બોલી વ્યક્તિત્વ જાળવે છે જ્યારે ભાષા સામાજિક વ્યવહારની વિશાળતા–સર્વગમ્યતા જાળવે છે. બોલી-સંબંધોનો નિર્ણય માત્ર ભાષાકીય બાબતો પર જ આધારિત નથી. રાજકીય સંબંધો પણ અગત્યનો ભાગ ભજવે છે. પ્રાકૃતો, અપભ્રંશ અને નવ્ય આર્ય ભાષાઓનાં ઉદાહરણ પરથી તેમણે બોલીના સ્વરૂપ વિશે ખૂબ ઊંડાણથી ચર્ચા કરી છે.

એ પછીના પ્રકરણ 10માં બોલીઓનું ક્રમિક વિભાજન કઈ રીતે થાય છે તેની ચર્ચા કરી છે. બૌદ્ધોનું પિટક સાહિત્ય, જૈનોનું આગમ સાહિત્ય અને અશોકના શિલાલેખોના અભ્યાસ પરથી બોલીભેદો અને તેના વિભાજનની માહિતી મળે છે. બોલીભેદની રેખાઓની ચર્ચા કરીને તેઓ જણાવે છે કે બોલીઓને અળગી પાડવા માટે માત્ર એક જ ભેદરેખા પૂરતી નથી, એ માટે અનેક ઇતર ભાષાકીય પરિબળો પર નજર નાખવી આવશ્યક છે.

આમ 10 પ્રકરણમાં લખાયેલ આ પુસ્તક ગુજરાતી ભાષામાં ભાષાવિજ્ઞાનના સિદ્ધાંતોની સૈદ્ધાંતિક ચર્ચાની મદદથી ગુજરાતી ભાષાના સ્વરૂપને, તેના ધ્વનિતંત્રને અને તેમાં થયેલ પરિવર્તનને દર્શાવતું અજોડ પુસ્તક છે. ભાષા-અભ્યાસના ક્ષેત્રમાં આ પુસ્તકનું સ્થાન અદ્વિતીય છે.

નીલોત્પલા ગાંધી