ગુજરાતી કવિતા : ગુજરાતી કવિતાની વિકાસયાત્રા ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓ – બંગાળી, મરાઠી, મળયાળમ અને તમિળ વગેરે–ની અને રાષ્ટ્રભાષા હિન્દીની કવિતાની લગભગ સમાંતરે – જોડાજોડ ચાલે છે. ગુજરાતી કવિતાનો ઇતિહાસ, તેનો પ્રારંભ વજ્રસેનકૃત ‘ભરતેશ્વરબાહુબલિઘોર’(ઈ. સ. 1169 લગભગ)થી થયેલો સ્વીકારતાં, લગભગ નવસો વર્ષનો લેખાય. એ રીતે ભારતીય-આર્ય ભાષાના ત્રીજા તબક્કામાં ગુજરાતી ભાષાએ શૌરસેની પ્રાકૃત-અપભ્રંશથી પોતાનું અલગ – સ્વતંત્ર વ્યક્તિત્વ પ્રગટ કરવા માંડ્યું ત્યારથી ગુજરાતી ભાષાની કવિતાનો પ્રારંભ થાય છે. જૈનાચાર્ય શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહૈમ’માં વ્યાકરણી સિદ્ધાન્તોના ઉદાહરણ તરીકે ટાંકેલા કેટલાક દુહાઓમાં ‘ગુજરાતી ભાષાનો ગર્ભદશાકાળ’ જોવામાં આવેલો. ત્યારથી ગુજરાતી ભાષાનાં પરિવર્તન-વિકાસ સાથે ગુજરાતી કવિતાનાં પણ પરિવર્તન-વિકાસ સધાતાં આવે છે. કેશવરામ કા. શાસ્ત્રીએ ઈ.સ.ની અગિયારમી-બારમી સદીથી ચૌદમી-પંદરમી સદી સુધીના નરસિંહ પૂર્વેના ગાળાને ‘રાસયુગ’ અને ત્યારપછીના નરસિંહ-ભાલણથી શરૂ થતા યુગને ‘આખ્યાનયુગ’ સંજ્ઞાઓ આપી છે. આખ્યાનયુગની પરાકાષ્ઠા પ્રેમાનંદનાં આખ્યાનોમાં છે. જોકે મધ્યકાલીન ગુજરાતી કવિતામાં રાસ-પ્રબંધ-ચરિયો, ફાગુઓ, આખ્યાનો અને પદ્યવાર્તાઓ જેવા કથાત્મક, કથનાત્મક ને વર્ણનાત્મક તથા બહુધા દીર્ઘ એવા કાવ્યપ્રકારોની સાથે સાથે જ પદો-સજ્ઝાયો, ભજનો જેવા બહુધા લઘુ કાવ્યપ્રકારોનાંયે રચના-રજૂઆત ચાલતાં રહ્યાં છે. એક જ સમયગાળામાં જૈન-જૈનેતર કવિઓ દ્વારા મધ્યકાલીન ગુજરાતી કવિતાના અનેક પ્રકારોમાં ખેડાણ ચાલતું જોઈ શકાય છે. આ જૈન તથા જૈનેતર કવિતાપ્રવાહ સાથે લોકકવિતાપ્રવાહ પણ સમાંતરે ચાલતો ને અવારનવાર મળતો-ભળતો જોવા મળે છે. આજની તુલનામાં મધ્યકાલીન ગુજરાતી કવિતા લોકકવિતા સાથે વધારે ગાઢો ઘરોબો રાખીને ચાલતી જોવા મળે છે. ભદ્રવર્ગ અને આમવર્ગ વચ્ચે, કવિ અને જનતા વચ્ચે આજના જેવો જુદાગરો ત્યારે નહોતો એમ જણાય છે.
મધ્યકાલીન ગુજરાતી કવિતાનો પ્રગાઢ સંબંધ શ્રૌત પરંપરા સાથે રહ્યો છે. કવિતાના વાચન-પાઠન કરતાં ગાન-ગાયનથી લોકો સવિશેષ ટેવાયેલા હતા. ભાવિક કે ભાવુક સમુદાય સમક્ષ કવિતા ગાઈને રજૂ કરવાનો ચાલ ઘણો પ્રબળ હતો. તેથી ગેય ઢાળો – ગાનક્ષમ માત્રામેળ છંદો વગેરેનો ઘણો પ્રચાર જણાય છે. બહુધા લોકમુખે જીવતી આ કવિતા યથાપરિસ્થિતિ પરિવર્તનો પામતી પામતી આગળ ચાલી છે. એ રીતે કવિતા રાજ્યાશ્રય કરતાંય ધર્માશ્રય ને લોકાશ્રયનાં બળોએ બદલાતી-ઘડાતી ચાલી છે. મુદ્રણકળાની ગેરહાજરી, આજના જેવી લેખનસામગ્રીનો અભાવ, વાંચીલખી શકે એવા સાક્ષરવર્ગની લઘુમતી, જ્ઞાતિ-સંપ્રદાયની મજબૂત વાડાબંધી, કેટલીક વાર પરધર્મી શાસન, ગ્રામીણ તથા પારંપરિક રસરુચિવાળી મનોભૂમિકાનો વ્યાપક પ્રભાવ, કૃષિ ને ગ્રામોદ્યોગ કે હસ્તોદ્યોગ-નિર્ભર અર્થતંત્ર, ધાર્મિક-નૈતિક-સામાજિક માન્યતાઓનું પ્રાબલ્ય – આ સર્વની પ્રત્યક્ષ-પરોક્ષ અસરો વચ્ચેથી તત્કાલીન ગુજરાતી કવિતાને પોતાની કેડી કંડારવાની હતી. તત્કાલીન ગુજરાતી કવિઓમાં પણ કલા અને સાહિત્યની સંપ્રજ્ઞતા ધરાવતા કે પાંડિત્ય ધરાવતા કવિઓની સંખ્યા સ્વલ્પ હતી. ભાલણ, કેશવદાસ કાયસ્થ, બ્રહ્માનંદ ને દયારામ જેવા કલાસભાન કવિઓ ઓછા જ હતા. ભોજા જેવા કેટલાક કવિઓ તો નિરક્ષર હોવાની વાયકા હતી. કેટલાક કવિઓ સમાજના અંત્યજ વર્ગોમાંથી આવતા હતા. કેટલાક તો ગામડાગામના ને ભજનિકોની કક્ષાના હતા. કેટલાક સાધુ-વૈરાગીની તો કેટલાક સંત-મહંતની કોટિના હતા. આમાંના મોટા ભાગના કવિઓ કવિયશ:પ્રાર્થી કરતાં પ્રભુકૃપાપ્રાર્થી કે પરલોકપદવાંછુ હતા. નરસિંહ, મીરાં જેવાં કેટલાંક માટે તો કાવ્યસર્જન કે કાવ્યગાન કીર્તનભક્તિનું જ રૂપ હતું. આવા કવિઓને માટે તો કવિતામાં કલારસ કરતાં હરિરસ જ મહત્વનો હતો. તેઓ તો ઘોર કળિકાળમાં હરિકીર્તન દ્વારા આ સંસારમાં પંડનું અને આસપાસનાં સૌનું કલ્યાણ કરવાની ભાવનાવાળા હતા. પરિણામે મધ્યકાલીન ગુજરાતી કવિતામાં અવારનવાર આહલાદકતા કરતાં શ્રેયસ્કરતા, ભાવરસ કરતાં નીતિબોધનું પલ્લું નમી જતું હોય એવું જોવા મળે છે.
મધ્યકાલીન ગુજરાતી કવિતાની વેલ શીલ-ધર્મની વાડના ટેકે પાંગરેલી ને પ્રસરેલી જોવા મળે છે. તેના કેન્દ્રસ્થ વિષયોમાં ભગવાન અને એમના વિવિધ અવતારો – રામ, કૃષ્ણ, શિવ અને શક્તિ; સંતો-ભક્તો-જ્ઞાનીઓ ને વૈરાગીઓ; જ્ઞાન, ભક્તિ, યોગ, વૈરાગ્ય અને ધાર્મિક આચારવિચાર કે કર્મકાંડ; નીતિ-સદાચાર કે ધર્મતત્વ વગેરે જોવા મળે છે. ધર્મ નિમિત્તે જ ચરિત્ર-સંકીર્તન, તીર્થ-માહાત્મ્ય તથા વ્રત-મહિમા પણ તત્કાલીન ગુજરાતી કવિતામાં નિરૂપણ પામે છે. ભજનકીર્તન અને ભાવના-ગાનની વ્યાપક પરંપરા મધ્યકાલીન ગુજરાતી કવિતા સાથે સંકળાયેલી રહી છે. વ્રતો-ઉત્સવો નિમિત્તે યોજાતા રાસ-ગરબા-ગરબી, હીંચ-હમચી વગેરે નૃત્ત પ્રકારોએ; આખ્યાન-ગાન ને કથાપારાયણ વગેરેની શ્રાવ્ય ગાન-કથન પરંપરાઓએ તત્કાલીન ગુજરાતી કાવ્યધારાને લોકહૃદય સુધી પહોંચાડવામાં ઘણી મહત્વની મદદ કરી છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મહદંશે લેખિત કરતાં ઉચ્ચારિત શબ્દ જ સવિશેષ પ્રભાવક રહ્યો છે.
મધ્યકાલીન ગુજરાતી કવિતામાં લોકધર્મિતા, જીવનધર્મિતા અને અધ્યાત્મલક્ષિતાનાં તત્વોની સબળતા ધ્યાનાર્હ છે. તત્કાલીન કવિમાનસના સર્જનવ્યાપારમાં – કવિકર્મમાં લોકમાનસનાં રસરુચિનો ખ્યાલ ઠીક ઠીક જાગ્રત રહેતો હશે એમ માનવાને કારણો છે. કવિતાની વસ્તુપસંદગી, સ્વરૂપનિર્ણય તથા તેની રજૂઆતરીતિ ને ભાષાકર્મમાં લોકમાનસનાં હિતાહિતનો તથા તેની ગ્રહણક્ષમતાનો અંદાજ કામ કરતો લાગે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતાના સંદર્ભમાં કલાવાદ કે જીવનવાદના પ્રશ્નો જ બિનજરૂરી છે. આ કવિતામાં જે તે કવિની જીવન પ્રત્યેની અને ખાસ તો જીવનના નાથ પ્રત્યેની આસ્તિકતાનો ભાવ સર્વોપરી રહેવા પામ્યો છે. કવિતા દ્વારા ઇહલોકની ઉપાધિઓમાંથી ઊગરી પરલોકનું – પરભવનું ભાથું બાંધી લેવાની ભાવના – આધ્યાત્મિક ઉન્નતિલક્ષી આકાંક્ષા બલવત્તર રહી જણાય છે. તત્કાલીન કવિતાના સર્જન-આસ્વાદનમાં કીર્તન-શ્રવણ જેવા ભક્તિપ્રકારોનું જ ચલણવલણ જોરદાર હોવાનું સમજાય છે. આ કવિતામાં ક્રાંતિકારી કરતાં શાંતિકારી, પરંપરાગત ભાવશ્રદ્ધાનું વર્ચસ્ વરતાય છે. કવિતાનું મૂલ્ય કવિકલ્પનાની મૌલિકતા કરતાં કવિની ભાવશ્રદ્ધાના સત્વ પર નિર્ભર રહે છે.
મધ્યકાલીન ગુજરાતી કવિતાએ સંગીત જેવી કળા સાથેનું નૈકટ્ય સારી પેઠે સાચવ્યું ને વિકસાવ્યું છે. મધ્યકાલીન દીર્ઘ કે લઘુ સર્વ કાવ્યપ્રકારોમાં સમૂહભોગ્યતાનું લક્ષણ આગળ તરી આવે છે. સાંભળતાં આનંદ આવે ને જલદી મોંએ ચઢી જાય એવાં લયઢાળો ને ભાષારૂપોનો સમાદર આ ગાળામાં થતો રહ્યો છે. ભવાઈવેશોમાં તેમ કાવ્યમાં ક્યાંક ક્યાંક લાવણી, રેખતા વગેરેય પ્રયોજાયાં છે. ગદ્ય તો મધ્યકાલીન ગુજરાતી કવિતા માટે લગભગ અજાણ્યું જ રહ્યું છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં શંકરાચાર્યના કેવલાદ્વૈત, વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈત વગેરેને અનુલક્ષીને અખો, દયારામ જેવાની કૃતિઓ રચાઈ છે તો સ્વામિનારાયણ, કબીર, નાથ જેવા સંપ્રદાયોના પ્રભાવ હેઠળ પણ કેટલીક કવિતા રચાઈ છે. રામ, કૃષ્ણ, શિવ ને શક્તિ-ભક્તિની કવિતાનો ઘણો મોટો પ્રવાહ છે : ભાલણનાં રામવિષયક પદો, ગિરધરકૃત રામાયણ, નરસિંહ-મીરાં વગેરેનાં કૃષ્ણવિષયક પદો, શિવાનંદ, વલ્લભ વગેરેની શિવ-શક્તિવિષયક રચનાઓ – આવું ભક્તિસભર વિપુલ કાવ્યસાહિત્ય છે.
મધ્યકાલીન ગુજરાતી કવિતા આત્માલક્ષી રહી છે, પણ આત્મલક્ષી (subjective) નહિ. આ કવિતામાં – ખાસ કરીને ચારણી કવિતામાં કેટલીક વ્યક્તિઓની બિરદાવલિઓ પણ આવે છે, આમ છતાં વ્યક્તિલક્ષી અભિગમ પ્રતિષ્ઠિત થયો જણાતો નથી. મધ્યકાલીન ગુજરાતી કવિતાના સર્જન-આસ્વાદનમાં સમર્દષ્ટિલક્ષિતા સવિશેષ જણાય છે. સમર્દષ્ટિ સાથે કામ પાડનારા ભાટ-ચારણો, ભજનિકો, કથાકારો, પુરાણીઓ, આખ્યાનકારો, કીર્તનકારો વગેરેની સત્તા આ કવિતા પર સારી પેઠે ચાલે છે. મધ્યકાલીન ગુજરાતી કવિ આજના કવિ કરતાં વધુ લોકાભિમુખ તો મધ્યકાલીન લોકસમુદાય આજના કરતાં વધુ કાવ્યાભિમુખ જણાય તો નવાઈ નથી. આ ગાળાની કવિતામાં સભારંજની કાવ્યકલાકસબનું તેમજ શીઘ્ર કવિતાનું સ્વાગત ન સમજાય એવું નથી.
મધ્યકાલીન ગુજરાતી કવિતામાં રાસા-પ્રબંધ-પ્રકારમાં ‘ભરતેશ્વરબાહુબલિરાસ’, ‘રેવંતગિરિરાસુ’, ‘સપ્તક્ષેત્રિરાસુ’ ‘પંચપાંડવચરિત્રરાસ’, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’, ‘કાન્હડદેપ્રબંધ’, ‘વિમલપ્રબંધ’ જેવી કૃતિઓ તો છંદ-પ્રકારમાં ‘રણમલ્લછંદ’ જેવી કૃતિઓ ઉલ્લેખનીય છે. નામેહ-પવાડા-શલોકામાં ‘સિયાવક્ષનામેહ’, ‘સતી સદુબાઈનો પવાડો’, ‘રણછોડજીના શલોકા’ વગેરે પ્રસિદ્ધ છે. નરસિંહ મહેતાના ‘સુદામાજીના કેદારા’માં જેનું મૂલ છે તે આખ્યાનપ્રકારને ભાલણે પ્રતિષ્ઠિત કર્યો; નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ વગેરેએ પુષ્ટ કર્યો, તો પ્રેમાનંદે ‘સુદામાચરિત’, ‘મામેરું’ અને ‘નળાખ્યાન’ જેવી કૃતિઓ દ્વારા તેને ચરમ સીમાએ પહોંચાડ્યો. નરહરિ, ગોપાળ, અખો, પ્રીતમ વગેરે દ્વારા મળેલાં ગીતા-કાવ્યોમાં ‘અખેગીતા’ની ઉત્તમતા સર્વસ્વીકૃત છે. પદ્યવાર્તામાં અસાઇત, ભીમ, મલયચંદ્ર, મતિસાર, કુશલલાભ, નયસુંદર, નરપતિ, ગણપતિ, મધુસૂદન વ્યાસ, વચ્છરાજ વગેરે સૌ વાર્તાકારોમાં શામળ પોતાની ‘સિંહાસનબત્રીસી’-‘વેતાળપચીસી’ની વાર્તાઓ દ્વારા માગ મુકાવે છે. ફાગુકાવ્યોમાં પણ ‘સિરિથૂલિભદ્દ ફાગુ’, ‘રંગસાગર નેમિનાથ ફાગુ’, ‘નારાયણ ફાગુ’ તથા ‘વસંતવિલાસ’ જેવી રચનાઓ ધ્યાનાર્હ છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં સ્વતંત્ર પ્રકૃતિવર્ણનને સ્થાન નહોતું ત્યારે આ રીતે ફાગુ તેમજ બારમાસા જેવા કાવ્યપ્રકારોમાં ઉદ્દીપન વિભાવ તરીકે પ્રકૃતિનું સૌંદર્ય નિરૂપાતું હતું. આ ગાળામાં કક્કો અને માતૃકા; તિથિ, વાર, પક્ષ અને માસને અનુલક્ષતી કાવ્યરચનાઓ પણ દીર્ઘ તેમજ લઘુ ઉભય પ્રકારોમાં મળે છે. રત્નાના ‘મહિના’ જાણીતા છે. વળી ‘ગઝલ’ નામક રચનાઓ પણ આ ગાળામાં કેટલીક મળી છે, જેમાં દયારામ જેવાની કૃતિઓ બાદ કરતાં ગઝલનો મિજાજ જળવાયેલો જોવા મળતો નથી. પદપ્રકાર મધ્યકાલીન ગુજરાતી કવિતામાં ઘણો વ્યાપક અને માતબર છે. આ પ્રકારમાં નરસિંહ, ભાલણ, મીરાં, આનંદઘન, બ્રહ્માનંદ, પ્રેમાનંદ ‘સખી’, ભાણસાહેબ, રવિસાહેબ, જીવણસાહેબ, પ્રીતમ, ધીરો, ભોજો, બાપુસાહેબ ગાયકવાડ, ગૌરીબાઈ, ગંગાસતી, રણછોડ, નરભેરામ અને દયારામ વગેરેનો ફાળો મહત્વનો રહ્યો છે. નરસિંહનાં પ્રભાતિયાં, ધીરાની કાફીઓ, વલ્લભના ગરબા, ભોજાના ચાબખા, બાપુસાહેબના રાજિયા, લખીરામના પ્યાલા, શિવાનંદની આરતીઓ, દયારામની ગરબીઓ વગેરે જાણીતાં છે. આ પદો-ભજનોમાં થાળ, આરતી, પ્યાલા, કટારી, ચેતવણી જેવા અનેક પ્રભેદ મળે છે. વળી નરસિંહથી માંડીને પ્રીતમ, ધીરો, દયારામ સુધીના અનેક કવિઓએ પદમાળાઓ કે પદગુચ્છો પણ આપ્યાં છે. છપ્પા, કુંડળિયા, છંદ જેવી રચનાઓમાં અનુક્રમે બ્રહ્માનંદ, શામળ, દયારામ વગેરેનું અર્પણ જાણીતું છે. આ ગાળામાં ચારણી સાહિત્યના યોગે કરીને દુહા, સોરઠા, છપ્પા, છંદ વગેરેમાંય ઘણું સૌંદર્ય અને સંસ્કારબોધક કાવ્યત્વ સાંપડે છે.
આમ, મધ્યકાલીન ગુજરાતી કવિતા એકંદરે ધર્મપ્રેરિત, ધર્મપુષ્ટ ને ધર્મપોષક હોવાની છાપ પાડે છે. એમાં જીવનના ઉલ્લાસનાં તત્ત્વો પણ છે. નીતિધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા તથા જનસમુદાય પ્રત્યેની કવિઓની કર્તવ્યનિષ્ઠાને કારણે આ કવિતામાં સંસ્કારોદબોધક તત્વો પણ સારી પેઠે છે; આમ છતાં જનમનના રંજનનો ખ્યાલ પણ તેમણે રાખ્યો છે. મધ્યકાલીન ગુજરાતી કવિતાના કવિઓ સમાજના વિવિધ સ્તરો ને વર્ગોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પોતે જે સમાજમાંથી આવ્યા એ સમાજ સાથેનું ગઠબંધન જાળવીને આત્માનું પરમાત્મા સાથેનું બંધન મજબૂત કરવાનો ઉપક્રમ અવનવી રીતે કવિતામાં ચલાવ્યો છે. એ રીતે મધ્યકાલીન ગુજરાતી કવિતાએ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનાં ઉત્તમ તત્વોને પ્રગટ કરવાનું અને તેમને પુષ્ટ કરવાનું યુગકર્તવ્ય સુપેરે બજાવ્યું છે. ગુજરાતી ભાષા અને કવિતાને વિકાસ માટેનું સાનુકૂળ બળ અર્પવામાં આ કવિઓનું એકંદરે પ્રદાન મહત્વનું છે; તેથી જ આ કવિતા અર્વાચીન ગુજરાતી કવિતાને વિકસવા માટેની મજબૂત ભૂમિકા બની શકી છે.
અર્વાચીન કવિતાનો પ્રારંભ દલપતરામ કવિની ‘બાપાની પીપર’(1845)થી માનવામાં આવ્યો છે. અર્વાચીન ગુજરાતી કવિતાનો સમુદય અંગ્રેજોના – અંગ્રેજી ભાષા-સાહિત્યના અને એતદ્દેશીય સંસ્કાર-સંસ્કૃતિના અનિવાર્યતયા થયેલા સંઘટ્ટન-સંપર્કને અને તજ્જનિત જ્ઞાનવિજ્ઞાનના પ્રસ્ફોટને આભારી છે. અંગ્રેજી કેળવણીએ અંગ્રેજી ભાષાની બારી ખોલી તે દ્વારા વૈશ્વિક ભૂમિકાએ ભાષા-સાહિત્ય તેમજ જ્ઞાન-વિજ્ઞાનના જે નવા નવા સંચારો પ્રકટતા હતા તે જોવા-જાણવા-સમજવા માટેની અપૂર્વ તક પૂરી પાડી. વળી, આ કેળવણીએ સ્વદેશીય પરંપરાને અને તેના સાહિત્ય તેમજ જ્ઞાનના વારસાને આધુનિક ર્દષ્ટિએ જોવા-મૂલવવા માટેનો નવો અભિગમ આપ્યો. આથી અર્વાચીન ગુજરાતી કવિતાના પ્રારંભિક તબક્કામાં પુનરુત્થાન(renaissance)ની હવાનો તરવરાટ અને જુસ્સો જોવા મળે છે. દલપતરામે ‘હુન્નરખાનની ચઢાઈ’ પ્રીછી હતી તો નર્મદે ‘હિન્દુઓની પડતી’નાં મૂળ પ્રીછ્યાં હતાં. દલપતરામે ‘દલપતપિંગળ’ અને પોતાના સરળ સુબોધક કવિતાકસબ દ્વારા અર્વાચીન ગુજરાતી કવિતાનો છંદોરીતિ ને ભાષારીતિનો માર્ગ સાફ કરી આપ્યો તો નર્મદે જોસ્સાની વાતે અર્વાચીન ગુજરાતી કવિતામાં નવો પ્રાણ ફૂંક્યો. તેણે પાશ્ર્ચાત્ય ઢબની ઊર્મિકવિતા આપી. પ્રકૃતિકવિતા, સ્વદેશપ્રીતિની કવિતા, આત્મલક્ષી કવિતા, એપિક શૈલીની કવિતા વગેરે આપવાનો તેણે પુરુષાર્થ માંડ્યો. આમ, દલપત-નર્મદે અનુક્રમે ‘દલપતકાવ્ય’ અને ‘નર્મકવિતા’ દ્વારા અર્વાચીન ગુજરાતી કવિતાનો મજબૂત ને વિશાળ પાયો નાખ્યો. ગુજરાતને દલપતરામ પાસેથી ‘ફાર્બસવિરહ’ જેવું પહેલું કરુણપ્રશસ્તિ-કાવ્ય મળ્યું તો નર્મદ પાસેથી ‘જય જય ગરવી ગુજરાત’ જેવું ગુજરાતનું પહેલું પ્રશસ્તિગીત. નવલરામે ‘જનાવરની જાન’ દ્વારા ગુજરાતને પહેલું સુંદર-સચોટ કટાક્ષ-કાવ્ય આપ્યું. દલપતરામે સભારંજની શૈલીમાં સરળ, નીતિસભર, કલા-કસબભરી, હળવી ને ગંભીર કવિતા તો નર્મદે જોસ્સાની – આત્મભાવોની સાચુકલી અભિવ્યક્તિ કાવ્ય રૂપે આપી. તેણે મરાઠી લાવણીને તો ભોળાનાથે અભંગને ગુજરાતી કવિતામાં ઉતાર્યાં. આ ગાળામાં ‘મનસુખ’, જમશેદજી પિટીટ, બહેરામજી મલબારી જેવા કેટલાક કવિઓએ પણ ગુજરાતી કવિતાને નૂતન સંચારો માટે પલોટી.
અર્વાચીન ગુજરાતી કવિતાનો બીજો તબક્કો સુન્દરમના મતે બાળાશંકરના ‘ક્લાન્ત કવિ’(1885)થી તો તેમના સિવાય અનેકોના મતે નરસિંહરાવની ‘કુસુમમાળા’(1887)થી આરંભાય છે. આ તબક્કો 1920–30 સુધીનો લેખાય. આ બીજા ગાળામાં યુનિવર્સિટી કેળવણીનાં ઇષ્ટમિષ્ટ ફળનો રસ કવિતામાં ઊતરેલો-પચેલો જોઈ શકાય છે. કવિતામાં વસ્તુપસંદગી ને માવજતમાં, છંદોલય-ભાષા ને રજૂઆતરીતિમાં પ્રશિષ્ટતાનો પ્રભાવ વરતાય છે. પ્રૌઢિ, ઢતા, સઘનતા, સંયમ-શિસ્ત અને સંસ્કારદીપ્તિ વગેરે તત્વો આ ગાળાની કવિતામાં ઊપસે છે. આ ગાળામાં બાળાશંકર, મણિલાલ ન. દ્વિવેદી, કલાપી, ત્રિભુવન પ્રેમશંકર તથા સાગર જેવા મસ્ત કવિઓની રોમૅન્ટિક કવિતા મળે છે, તો કાન્તની ક્લાસિકલ અને બલવંતરાય ક. ઠાકોરની ‘વિચારપ્રધાન’ કવિતા પણ મળે છે. આ ગાળામાં બાળાશંકર આદિથી ગઝલને, ‘કાન્ત’ આદિથી ખંડકાવ્યને અને બ. ક. ઠાકોર આદિથી સૉનેટને પ્રતિષ્ઠા ને સિદ્ધિ સાંપડે છે. દલપતરામના ‘રૂડા છંદ’ કાન્તમાં રૂડપનો વધારે ગહન અને મર્મસ્પર્શી જાદુ દાખવે છે. વળી આ જ ગાળામાં ‘પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’-શા ન્હાનાલાલ કવિ ઊર્મિકાવ્યો-ઊર્મિગીતોની તેજોમય વાક્છટાએ અર્વાચીન ગુજરાતી કવિતાનો ‘વસંતોત્સવ’ સાધે છે. એક બાજુએ ન્હાનાલાલે ડોલનશૈલીનો તો સામી બાજુએ બ. ક. ઠાકોરે ‘સળંગ અગેય પ્રવાહી પદ્યરચના’નો પ્રયોગ કર્યો. કેશવ હ. ધ્રુવે ‘જુલિયસ સીઝર’ નાટકના એક અંશને ગુજરાતીમાં ઉતારવા નિમિત્તે વનવેલીને તો ખબરદારે ‘ગુજરાતી કવિતાની રચનાકળા’માં સ્વરભાર(stress)ના તત્વવાળી છંદોરચનાને આગળ કરી. આ જ ગાળામાં ગુજરાતીમાં મહાકાવ્ય સર્જવાની મથામણના ફળ રૂપે ‘ઇન્દ્રજિતવધ’ (1887) અને ‘પૃથુરાજરાસો’ (1897) મળ્યા. આ જ ગાળામાં એક બાજુ મસ્ત કવિઓની કવિતામાં સૂફીવાદી રંગ તો ન્હાનાલાલ જેવા કવિની કવિતામાં પ્રેમ-ભક્તિની ઝલક જોવા મળે છે. કલાપી યુવાપ્રેમની તો ખબરદાર સ્વદેશપ્રેમની કવિતા આપે છે. નરસિંહરાવનું ‘સ્મરણસંહિતા’, કાન્તનું ‘વસંતવિજય’, ન્હાનાલાલનું ‘વસંતોત્સવ’ તથા બલવંતરાય ક. ઠાકોરનું ‘આરોહણ’ આ ગાળાની કવિતાનાં ચિરંજીવ શૃંગ બની રહે છે. આ ગાળામાં ભાવ ને ભાવનાપ્રધાન, કલ્પનાપ્રધાન રચનાઓથી માંડીને વિચારપ્રધાન રચનાઓ સુધીની ગુજરાતી કવિતાની એક તેજસ્વી શ્રેણી નજરે ચડે છે. છંદોમિશ્રણ તેમજ છંદોરચનાના અનેક ધ્યાનપાત્ર પ્રયોગો આ તબક્કામાં થયા છે. કાન્તના ખંડ-શિખરિણી તથા અંજનીનું સૌંદર્ય, બોટાદકરનાં કાવ્યોમાં ગૃહજીવનનું માધુર્ય, ગજેન્દ્રરાયનાં મૌક્તિકોની દીપ્તિ, લલિતનું કાવ્યગીતગત લાલિત્ય, ત્રિભુવન ગૌરીશંકરનાં તેમજ જુગતરામ દવેનાં બાલકાવ્યોના સરળ-મધુર ભાવ-ઉછાળ, દેશળજીની કાવ્યગત પ્રાસાદિકતા વગેરે આ ગાળાની કવિતાનાં આકર્ષક તત્વો છે.
અર્વાચીન ગુજરાતી કવિતાનો ત્રીજો તબક્કો ગાંધીયુગની કવિતાનો છે, જે યોગ્ય રીતે જ ઉમાશંકરના ‘વિશ્વશાંતિ’ (1931) કાવ્યથી શરૂ થતો સુન્દરમ્ દ્વારા બતાવાયો છે. ગાંધીજીના સ્વદેશાગમને પરિવર્તનની જે હવા ફૂંકી તેની અસર કાવ્યક્ષેત્રે પણ 1920થી જોવા મળે છે. ‘શેષ’ની કવિતા એનું ઉદાહરણ છે. આ તબક્કામાં નરસિંહરાવ, કલાપી ને ન્હાનાલાલ જેવા કવિઓ કરતાં વિશેષભાવે કલાસંપ્રજ્ઞતા દાખવનારા કાન્ત અને બ. ક. ઠાકોર જેવા કવિઓનો પ્રભાવ વધારે જોવા મળે છે. ઉમાશંકરે આ ગાળાની કવિતા વસ્તુસંદર્ભે ગાંધીજીનો તો અભિવ્યક્તિસંદર્ભે બલવંતરાયનો પ્રભાવ દાખવતી હોવાનું જણાવ્યું છે. આ ગાળામાં કવિધર્મની – કવિતાધર્મની સાર્થકતાની ખોજ રસનો વિષય બની છે. કવિતામાં એક બાજુ અર્થપ્રાધાન્ય ને વિચારપ્રાધાન્યની તો બીજી બાજુ લોકાભિમુખતાની ખેવના ર્દષ્ટિગોચર થાય છે. લોકજીવન, લોકસાહિત્ય ને લોકવાણીનો રસ કવિતામાં કેવો લાભદાયી થાય છે તેનું ર્દષ્ટાંત ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ ‘યુગવંદના’ છે. આ ગાળાની કવિતામાં દીનજનવાત્સલ્ય અને સામાજિક વિષમતાની વેદના કેટલીક વાર તો કવિતાને ભોગે પણ દેખા દે છે. ગાંધીજીનું જીવન, ચિંતન અને તેમની પ્રવૃત્તિઓ આ ગાળાની કવિતાનો એક પ્રિય વિષય બને છે. આ ગાળામાં જ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ જે વિચાર-આંદોલનો પ્રભવ્યાં, ઔદ્યોગિક તેમજ વૈજ્ઞાનિક ક્ષેત્રે જે નૂતન વિકાસનાં પરિબળો પેદા થયાં તેના પરિણામે ગુજરાતી કવિતામાં પ્રગતિવાદી વલણો જોવા મળે છે. તત્કાલીન કવિતા વધુ વાસ્તવવાદી, વધુ યુગલક્ષી અને તેથી સમર્દષ્ટિલક્ષી બની. સ્વતંત્રતા, સમાનતા, બંધુતાનાં; સેવા, ત્યાગ ને સમર્પણનાં મૂલ્યો કવિતામાં બલવત્તર બન્યાં. રાષ્ટ્રીયતાના એલાને કવિતામાં પ્રચારકતાનું તત્વ પણ ઘુસાડ્યું. કવિતા સેવાધર્મી પણ બની. આ ગાળાની કવિતામાં એકંદરે જીવનલક્ષિતા ધ્યાન ખેંચે છે. ગાંધીજીના જીવનદર્શન સાથે અરવિંદનું અધ્યાત્મ તથા રવીન્દ્રનાથનું સૌંદર્યદર્શન આ ગાળાની કવિતાને નવું તેજ બક્ષે છે. સુન્દરમ્ કોયા ભગતની કડવી વાણીથી પોતાની વાત આરંભી પરમ પિયાને ‘મૈં તો ચૂપ ચૂપ ચાહ રહી’ કહેવા સુધીની કક્ષાએ પહોંચે છે. ‘વિશ્વશાંતિ’ના સર્જક ‘છિન્નભિન્ન છું’ના અનુભવમાંથી પસાર થઈ ‘મારું નામ ભાષામાં ઓગળી ગયું છે’ એવી પ્રતીતિ સુધી પહોંચે છે. આમ, ગાંધીયુગના અગ્રણી કવિઓ સુન્દરમ્ અને ઉમાશંકર પોતાની કવિતાનો વ્યાપવિસ્તાર અનુગાંધીયુગમાંયે દાખવે છે. ઉમાંશકર તો ‘છિન્નભિન્ન છું’ કાવ્યથી અનુગાંધીયુગનોયે અગ્રયાયી પ્રભાવક અવાજ બની રહે છે. સુન્દરમના ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’ ને ‘ઉત્કંઠા’ તો ઉમાશંકરના ‘નિશીથ’ (જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા કાવ્યસંગ્રહ), ‘વસંતવર્ષા’, ‘અભિજ્ઞા’ ને ‘સપ્તપદી’ જેવા કાવ્યસંગ્રહો ગાંધી તેમજ અનુગાંધીયુગની કવિતાની ઉજ્જ્વળ સિદ્ધિરૂપ છે. વળી, ન્હાનાલાલે ‘ઇન્દુકુમાર’, ‘જયા-જયંત’ જેવી ડોલનશૈલીની કૃતિઓ દ્વારા કાવ્યનાટકો આપવાની સાહસિકતા દાખવેલી. ઉમાશંકરે પણ ગુજરાતીમાં પદ્યનાટક સિદ્ધ કરવાનો પુરુષાર્થ કરતાં ‘પ્રાચીના’ તેમજ ‘મહાપ્રસ્થાન’ આપ્યાં. આ બંને ગ્રંથો ગુજરાતી નાટ્યકવિતાની સિદ્ધિ દાખવતાં શૃંગો છે. આ ગાળામાં કૃષ્ણલાલ શ્રીધરાણીએ ‘કોડિયાં’ તથા ‘પુનરપિ’ દ્વારા ગુજરાતી કવિતાની કેટલીક અનોખી રસપ્રદ છટાઓ દાખવી. ગાંધીયુગના કવિ ‘સ્નેહરશ્મિ’એ અનુગાંધીયુગમાં ઉત્તમ હાઈકુઓ રચી એ દ્વારા ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી. ઝવેરચંદ મેઘાણીએ ‘યુગવંદના’ ને ‘એકતારા’ જેવા કાવ્યસંગ્રહોથી ગાંધીયુગના શીલ-સત્વને લોકહૃદય સુધી પહોંચાડી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ શોભાવ્યું. આ જ તબક્કામાં મનસુખલાલ મ. ઝવેરી, સુંદરજી બેટાઈ, પતીલ, કરસનદાસ માણેક, હરિશ્ચંદ્ર ભટ્ટ, ઇન્દુલાલ ગાંધી, સ્વપ્નસ્થ, સુધાંશુ ને સરોદ, મુકુન્દ ‘પારાશર્ય’ વગેરે કવિઓ થયા જેમનો ગાંધીયુગીન તેમજ અનુગાંધીયુગીન કવિતાનો અનેકદેશીય વિકાસ સાધવામાં ગણનાપાત્ર લાભ સાંપડ્યો.
દેખીતી રીતે જ સ્વાતંત્ર્યોત્તર એટલે કે અનુગાંધીયુગીન કવિતા એક વિશિષ્ટ પરિસ્થિતિ-સંદર્ભનો સામનો કરતી આગળ વધે છે. આઝાદી ને આબાદીના બુલંદ નારાઓ વચ્ચે કવિના અંતરતમ નાદનો – ઝીણી વાતનો તકાદો પણ વધતો જ હતો. સ્વપ્નભંગ-આશાભંગની સાથે વિદ્રોહનો અવાજ પણ ઘૂંટાતો જતો હતો. પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ જેવા કવિઓ પોતાના સમયથી ઊફરા ચાલી, સૌંદર્યરાગી ને અધ્યાત્મલક્ષી વલણો લઈ કાવ્યમાં ઉપસ્થિત થયા; તો નિરંજન ભગત નગરકવિતાનું સંવેદન લઈ – આધુનિકતાનો મિજાજ લઈને. રાજેન્દ્ર શાહના ‘ધ્વનિ’ તેમજ નિરંજન ભગતના ‘છંદોલય’ સંગ્રહે અનુગાંધીયુગની કવિતાનું કાઠું બાંધ્યું. દરમિયાન ઉમાશંકર તો અગ્રેસર હતા જ. સ્વાતંત્ર્યના આગમને ઊછળેલો ઉત્સાહ હતાશામાં વીખરાઈ ગયો. યંત્રતંત્રની ભીંસ વચ્ચે ગૂંગળાતા મંત્રથી કવિચેતના આતંકિત થઈ. બાહ્ય અને આંતર યુદ્ધના આતંક અને વિભીષિકા વચ્ચે પોતાને માનભેર ટકવા-ટકાવવામાંયે ભારે મુશ્કેલી-મૂંઝવણ-ચિંતા ને ભય અનુભવાયાં. આ પરિસ્થિતિમાં કવિમાનસે અનેક તિર્યક્ છટાઓ દ્વારા કવિતામાં પોતાની વેદનાને, પોતાના આતંક-અજંપાને વ્યક્ત કરવા માંડ્યો. કવિએ અવારનવાર કટાક્ષ, વિડંબના વગેરેનોયે આશ્રય લેવા માંડ્યો. કવિ અનિવાર્યતયા છાંદસમાંથી અછાંદસમાં સર્યો. તેણે અનેકાનેક પ્રતીકો-કલ્પનો-પુરાકલ્પનોની મદદથી પોતાના આંતરદ્રવ્યને પ્રગટ કરવાનો અરૂઢ ઉપક્રમ રચ્યો. કવિ પોતાને અને પોતાના સંબંધોને નવેસરથી જોવા-મૂલવવા ઉદ્યત થયો. તે અહંલક્ષી મટી, હું-લક્ષી બન્યો. તેણે કોઈ ચોકઠા કે બીબામાં ઢળવાનો ઇનકાર ભણ્યો અને તેના આવા મિજાજે કવિતામાં પણ શબ્દથી સ્વરૂપ સુધીના વિવિધ સ્તરોમાં અનેકાનેક પરિવર્તનો અનિવાર્ય બનાવ્યાં. તે આંતરિક વાસ્તવિકતામાં ઊંડો ઊતરતાં પરાવાસ્તવ સુધી ને ઍબ્સર્ડિટી સુધી પહોંચ્યો. સાર્થકતાના ભાવ સાથે નિરર્થકતાના ભાવનેય પામવા-પકડવા સક્રિય બન્યો. તેણે આત્મમૂળ સાથે કાવ્યમૂળ – શબ્દમૂળનીયે ખોજ આરંભી. આ સર્વની અભિવ્યક્તિ-મોકળાશ કરવામાં જે વિધિનિષેધો આવ્યાં તેનો તેણે સામનો કર્યો. તે પોતાના અવાજમાંથી અસલિયતને બહાર કાઢવા એકાગ્ર થયો અને સાંપ્રત કવિતા તેની આવી બધી મથામણોની પ્રગલ્ભ રજૂઆત બની રહી. કવિએ પરંપરાની પરવા કર્યા વિના વસ્તુ, સ્વરૂપ, છંદોલય, ભાષા વગેરે સ્તરે અવનવા પ્રયોગો કર્યા; પરિણામે, ગુજરાતી કવિતાનો જાણે ચહેરોમોરો જ ફરી ગયો હોય એવો દેખાવ થઈ રહ્યો. અલબત્ત, આવી પરિસ્થિતિમાંયે પરંપરા સાથે રહીને અનેક જૂના-નવા કવિઓ આધુનિક ગુજરાતી કવિતાને સત્વસમૃદ્ધ કરતા રહ્યા એ નોંધપાત્ર બાબત છે. આજની કવિતાને નૂતન ચહેરો, નૂતન મિજાજ બક્ષવામાં ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહલાદ પારેખ વગેરેથી માંડીને ઉશનસ્, જયન્ત પાઠક, સુરેશ જોષી, મકરન્દ દવે, બાલમુકુન્દ દવે, પ્રજારામ રાવળ, પ્રિયકાન્ત મણિયાર, હસમુખ પાઠક, નલિન રાવળ, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ર્ચંદ્ર, ચંદ્રકાન્ત શેઠ, રાવજી પટેલ, ચિનુ મોદી, રઘુવીર ચૌધરી, ધીરુ પરીખ રાજેન્દ્ર શુક્લ, આદિલ મન્સૂરી, મનહર મોદી, રમેશ પારેખ, અનિલ જોશી, મનોજ ખંડેરિયા વગેરે અનેક કવિઓનો ફાળો છે.
રાજેન્દ્ર શાહનાં ‘આયુષ્યનાં અવશેષે’, ‘શ્રાવણી મધ્યાહને’, ‘નિરુદ્દેશે’ તથા નિરંજન ભગતનાં ‘મુંબઈનગરી’, ‘પાત્રો’ જેવાં કાવ્યોએ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને રળિયાત કરી છે. પ્રહલાદ પારેખનું ‘આજ’, ઉશનસનું ‘વળાવી બા આવી’, જયન્ત પાઠકનું ‘થોડો વગડાનો શ્વાસ’, મકરન્દ દવેનું ‘આવો !’, બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’, પ્રજારામ રાવળનું ‘ઝાલાવાડી ધરતી’, પ્રિયકાન્ત મણિયારનું ‘કૃષ્ણ-રાધા’, હસમુખ પાઠકનું ‘અંતઘડીએ અજામિલ’, નલિન રાવળનું ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’, હરીન્દ્ર દવેનું ‘રજકણ’, સુરેશ દલાલનું ‘અનુભૂતિ’ વગેરે આ ગાળાની ચિરંજીવ કૃતિઓ બની રહે છે. સુરેશ જોષી, ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ, ચંદ્રકાન્ત શેઠ જેવા કવિઓએ ગુજરાતી કવિતાને આધુનિકતાની કેડી પર આરોહણ કરાવ્યું. લાભશંકર, સિતાંશુ, ચંદ્રકાન્ત શેઠ સાતત્યપૂર્વક સર્જન કરતા રહ્યા છે ને આધુનિકતાના વાડા ઓળંગી, ‘મૂળ’ને પામવા તથા નવાં નવાં શિખરો સર કરવા મથતા રહ્યા છે. લાભશંકરનાં ‘માણસની વાત’, ‘ચારે તરફ…. વ્યવસ્થાઓ’; સિતાંશુનાં ‘જટાયુ’, ‘સિંહવાહિની સ્તોત્ર’; ચંદ્રકાન્ત શેઠનાં ‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ’, ‘સાદ ના પાડો’ જેવાં કાવ્યોએ આજની કવિતાની ત્રિજ્યા વિસ્તારી છે. ગુલામમોહમ્મદ શેખનું ‘જેસલમેર’, રાવજીનું ‘મારી આંખે કંકુના સૂરજ….’, ચિનુ મોદીનું ‘પર્વતને નામે પથ્થર’, રઘુવીર ચૌધરીનું ‘રાજસ્થાન’, રાજેન્દ્ર શુક્લનું ‘હજો હાથ કરતાલ’, આદિલ મન્સૂરીનું ‘મળે ન મળે’, મનોજ ખંડેરિયાનું ‘વરસોનાં વરસ લાગે’, રમેશ પારેખનું ‘વરસાદ ભીંજવે’, અનિલ જોશીનું ‘બરફનાં પંખી’ જેવાં ધ્યાનાર્હ કાવ્યો આ ગાળામાં મળ્યાં છે. અગાઉ દલિત કે પ્રતિબદ્ધ કવિતા રચાઈ નથી એવું નથી, પણ થોડાક દાયકાઓથી ‘દલિત કવિતા’ના લેબલ સાથે દલિત કે પ્રતિબદ્ધ કવિતા રચાવા લાગી છે; એમાં હિંમત ખાટસૂરિયા, કિસન સોસા, દલપત ચૌહાણ, મધુકાન્ત ‘કલ્પિત’, નીરવ પટેલ જેવા કેટલાક કવિઓનું કામ ઉલ્લેખનીય છે.
આજની કવિતામાં દીર્ઘ કાવ્યલેખનનો રસ પણ વધ્યો છે. ઉમાશંકરના ‘પંખીલોક’થી શરૂ કરીને સુરેશ જોષીનું ‘મૃણાલ, મૃણાલ તું સાંભળે છે ?’, લાભશંકરનું ‘માણસની વાત’, નલિન રાવળનું ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’, ચિનુ મોદીનું ‘બાહુક’ તથા ત્યારપછીની પેઢીનાં કવિઓમાં યજ્ઞેશ દવેનું ‘વસ્તુઓ’ તથા યોગેશ જોષીનું ‘જેસલમેર’ જેવાં પ્રભાવક દીર્ઘકાવ્યો પ્રાપ્ત થયાં છે. આજની કવિતા વિશેષત: તો ઊર્મિકવિતાની રીતે આગળ ચાલી રહી છે. ગીતો અને ગઝલોમાં એની ગતિ ઘણી વૈવિધ્યસભર અને રમણીય રહી છે. વીસમી સદીના છેલ્લા દાયકાઓમાં આવેલા વિનોદ જોશી, હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર, હર્ષદ ત્રિવેદી, સંજુ વાળા, રમણીક સોમેશ્વર, નયન હ. દેસાઈ, મુકુલ ચોકસી, ‘અદમ’ ટંકારવી, દીપક બારડોલીકર, અશરફ ડબાવાલા, ચંદ્રકાન્ત દેસાઈ, શફુર સરવૈયા, સુમન અજમેરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, જવાહર બક્ષી, યજ્ઞેશ દવે, યોગેશ જોષી, જયદેવ શુક્લ, નીતિન મહેતા, મણિલાલ હ. પટેલ, સરૂપ ધ્રુવ, નીરવ પટેલ, દલપત ચૌહાણ, રાજેશ પંડ્યા, મનીષા જોષી, હિતેન આનંદપરા, મુકેશ જોષી, કૃષ્ણ દવે વગેરે કવિઓ ગુજરાતી કવિતાનો સમૃદ્ધ વારસો ઝીલીને ગુજરાતી કવિતાની ધારાઓને આગળ વહાવતા જણાય છે.
બાલકાવ્યોમાં ગુજરાતી કવિતાની અત્રતત્ર લાલિત્યપૂર્ણ ગતિ છે; આમ છતાં એ ક્ષેત્રે ઘણું કર્તવ્ય બાકી છે. આજની કવિતામાં તત્ક્ષણની રમણા – લીલાના અનેક તાજગીભર ઉન્મેષો આવ્યા છે; પરંતુ શાશ્વતીનાં સ્થિર-ગહન, ભવ્ય-ઉન્નત અને સંકુલ દર્શનોનો ઝળહળ પ્રકાશ આવવાનો બાકી છે. મહાકાવ્યની દિશામાં ગુણવત્તાની ર્દષ્ટિએ ઉલ્લેખનીય લાગે એવું ખેડાણ હજી બાકી છે. આજની કવિતાએ અભિવ્યક્તિસ્તરે, વ્યાપકતાના સંદર્ભમાં ઘણું વૈવિધ્ય અને નાવીન્ય સાધ્યું છે પરંતુ દર્શનના સ્તરે ઊંડાણમાં ઊતરીને સમગ્ર દેશ, કાળ ને પરંપરાને ન્યાલ કરે એવું સત્વતેજ દાખવવાનું રહે છે. આમ છતાં આ કવિતાએ આજની જટિલ પરિસ્થિતિ વચ્ચે રહીને જે સિદ્ધ કર્યું છે તે ભારતીય કવિતામાં તેને સગૌરવ મોખરાનું સ્થાન આપી શકે એવું દૈવતવાળું તો છે જ.
ચન્દ્રકાન્ત શેઠ