ગુજરાતી (સામયિક) : ઓગણીસમી સદીનું મુંબઈનું પહેલું હિન્દુ ગુજરાતી સાપ્તાહિક. તે તત્કાલીન સમયમાં અને પછી પણ ગુજરાતી ભાષાનાં સાપ્તાહિકો માટે નમૂનારૂપ બની રહ્યું હતું. મુંબઈનાં અખબારો પારસીઓ દ્વારા પ્રગટ થતાં હોવાથી હિંદી પ્રજાના વિચારો પ્રગટ કરવાનું અને તેને માર્ગદર્શન આપવાનું ધ્યેય રાખીને મુંબઈથી આ સાપ્તાહિક પ્રકાશિત થયું. કવિ નર્મદે આ પત્રનું નામ ‘ગુજરાતી’ સૂચવ્યું અને એનો આઠ પૃષ્ઠનો પ્રથમ અંક કૈસરે હિંદ પ્રેસમાં છપાઈને 1880ની છઠ્ઠી જૂને પ્રકાશિત થયો. રાજદ્વારી, સામાજિક અને સાહિત્યિક વિષયોની છણાવટ કરતું ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનું આ સાપ્તાહિક ગુજરાતી પત્રકારત્વમાં નવા યુગનું સર્જન કરનારું બન્યું હતું. એ સમયે હિન્દી રાષ્ટ્રીય કૉંગ્રેસનાં વિચારો અને કાર્યોના પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવનાર આ પત્રે ગુજરાતી પત્રકારત્વમાં સૌપ્રથમ રાજકારણની સ્પષ્ટ, પ્રગતિશીલ અને વિચારપ્રેરક ચર્ચા કરવાનો ઉપક્રમ રાખ્યો હતો. ભાષાની શુદ્ધિનો આગ્રહ, રજૂઆતની સરળતાનો આદર અને સંસ્કૃત શબ્દોનો મોહ રાખવાને બદલે ભાષાની સાદાઈ અને લોકાભિમુખતા પર ભાર મૂક્યો હતો.

નર્મદના ‘ધર્મવિચાર’માં ગ્રંથસ્થ થયેલા ઘણાખરા લેખો, મણિલાલ દ્વિવેદીનો સુપ્રસિદ્ધ લેખ ‘નારીપ્રતિષ્ઠા’ તેમજ ક્ધૌયાલાલ મુનશી જેવા સર્જકની ઐતિહાસિક નવલકથાઓ તેમાં પ્રગટ થયાં. 1884ના જાન્યુઆરીમાં ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના થતાં ‘ગુજરાતી’નું પ્રકાશન ત્યાંથી થવા લાગ્યું. 1886થી 1913 સુધીમાં ‘બૃહદ્ કાવ્યદોહન’ના ભાગો પ્રગટ કરીને ઇચ્છારામે પ્રાચીન કાવ્યસાહિત્યના સંશોધન-સંપાદનનું મહત્વનું કાર્ય કર્યું હતું. ‘ગુજરાતી’ હળવા વિનોદના લેખો છાપતું અને ગુજરાતી પ્રેસ સંસ્કૃત પુસ્તકો તથા ટીકાઓ પ્રગટ કરતું. ‘ગુજરાતી’ પત્ર ભેટ રૂપે પુસ્તકો આપતું હતું. 1885માં ઇચ્છારામ દેસાઈનું બહુ ચર્ચાયેલું પુસ્તક ‘હિંદ અને બ્રિટાનિયા’ ભેટ રૂપે આપવાનું જાહેર થતાં ‘ગુજરાતી’ની ગ્રાહકસંખ્યા 850–900ની હતી તે 2,500ની થઈ હતી. ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં એકનિષ્ઠ અને અણનમ પત્રકાર ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના તંત્રીપદે આ સાપ્તાહિકે ઘણું મહત્વનું પ્રદાન કર્યું છે. એ પછી એમના મોટા પુત્ર મણિલાલે આ સામયિક ચલાવ્યું, જેનો છેલ્લો અંક 15–12–1929ના રોજ પ્રગટ થયો હતો. એ પછી થોડો સમય ‘ગુજરાતી’ બંધ રહ્યા બાદ ઇચ્છારામ દેસાઈના બીજા પુત્ર નટવરલાલના તંત્રીપદે આ સાપ્તાહિકનું પ્રકાશન ચાલુ રહ્યું, પરંતુ તેમાં મુખ્યત્વે જુનવાણી ર્દષ્ટિબિંદુવાળા ધાર્મિક લેખોનું પ્રાધાન્ય રહેલું.

પ્રીતિ શાહ