ગુજરાત વિજ્ઞાન અકાદમી (ગુજરાત સાયન્સ એકૅડેમી)
February, 2011
ગુજરાત વિજ્ઞાન અકાદમી (ગુજરાત સાયન્સ એકૅડેમી) : સમગ્ર ગુજરાત રાજ્યવ્યાપી, 1978માં સ્થપાયેલ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનું સંગઠન. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL)ના પૂર્વ નિયામક ડૉ. સુધીરભાઈ પંડ્યા, કમ્પ્યૂટર વિભાગના શ્રી સુરેશભાઈ ઠાકોર, ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણવિદ અને ગણિતશાસ્ત્રી
ડૉ. પ્ર. ચૂ. વૈદ્ય અને અન્યના સહયોગ તથા માર્ગદર્શન સાથે આ એકૅડેમીની સ્થાપના કરવામાં આવી.
તેમાં ગુજરાતની યુનિવર્સિટીઓ, સંશોધન અને ટૅક્નૉલૉજિકલ, તબીબી, ઇજનેરી જેવી ગણમાન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેમાં ગુજરાત રાજ્યના આશરે 200 ફેલો, એસોસિયેટ ફેલો, સભ્યો અને વિદ્યાર્થી-સભ્યોનું એક તંત્ર છે. આ બધા મળીને વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ કરે છે. તે મુખ્ય પ્રવૃત્તિ તરીકે ગુજરાત રાજ્યમાં, અન્ય વિજ્ઞાન અને ટૅકનિકલ સંગઠનોના સહયોગથી ગુજરાત વિજ્ઞાન કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનનું જુદા જુદા સ્થળે આયોજન કરે છે. ઉપરાંત તે પરિસંવાદો અને વર્કશૉપ યોજે છે. બાળકો માટે જાહેરમાં વિજ્ઞાન-કાર્યક્રમો અને પુસ્તકોના પ્રકાશનનું કાર્ય કરે છે. સમાજમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે પૂર્વસ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ‘મીનાક્ષી લલિત વિજ્ઞાન ઍવૉર્ડ’ માટે કસોટીનું આયોજન કરે છે.
તેનું મુખ્ય મથક અમદાવાદમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળામાં છે. ઉપરાંત તેનાં પેટામથકો (chapters) વલ્લભવિદ્યાનગર, પાટણ, રાજકોટ ખાતે કાર્યરત છે.
ડૉ. અજય દિવેટિયા અને સુરેશભાઈ ઠાકોરની યાદમાં મેમોરિયલ વ્યાખ્યાનો પ્રતિવર્ષ તેના અધિવેશન દરમિયાન ગોઠવવામાં આવે છે. આ સાથે સાથે સર્વાંગીણ (plenary) વ્યાખ્યાનો, આમંત્રિત પ્રવચનો તથા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિવિધ વિષયો ઉપર સંશોધન-લેખો રજૂ કરવામાં આવે છે.
સેપ્ટ યુનિવર્સિટીના નિયામક ડૉ. આર. એન. વકીલ એકૅડેમીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થતાં હાલ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાના નિયામક ડૉ. જે. એન. ગોસ્વામી તેનું અધ્યક્ષપદ સંભાળે છે.
પ્રહલાદ છ. પટેલ