કાચંડો (Garden lizard) : ચલનપગોની બે જોડ, ફરતાં પોપચાં, બાહ્યસ્થ કર્ણછિદ્રો અને ચામડી પર શલ્કો (scales) ધરાવતું સરીસૃપ વર્ગનું, વિવિધ કદનું પૃષ્ઠવંશી પ્રાણી. તે સાપની નિકટનું સંબંધી ગણાય છે. કાચંડા અને સાપને એક જ શ્રેણી સ્ક્વેમાટામાં મૂકવામાં આવે છે. કાચંડાને સૉરિયા અથવા લૅસર્ટીલિયા ઉપશ્રેણીમાં વર્ગીકૃત કરાય છે.

કાચંડા સમૂહનાં પ્રાણીઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. ઘરગરોળી (house lizard) 4.0 સેમી. કરતાં પણ નાની હોય છે. ભારતમાં પાટલા ઘો (Varanus) એક મીટર કરતાં પણ નાની હોય છે અને ઘો (iguana) 3.0 મીટર કરતાં પણ લાંબી હોઈ શકે છે. કાચ-કાચંડા (glass lizard) પગ વગરના હોય છે. આકાર અને રચનામાં અળસિયાં સાથે સર્દશતા ધરાવે છે. અગ્નિએશિયાના વતની ડ્રેકો(ઉડણ ઘો  flying lizard)ને આગલા અને પાછલા પગ વચ્ચે પાંખ હોય છે, જેની મદદથી તે હવામાં અપસરણ (gliding) કરે છે.

મોટાભાગના કાચંડા કીટાહારી હોય છે, જ્યારે સાગર ઘો (marine iguana) દરિયાઈ શેવાળ ખાઈને જીવે છે. કેટલાક કાચંડા અંશત: જળચર હોય છે. તે મીઠા પાણીના સજીવોને ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. જોકે ઘણાખરા કાચંડા પોતે અન્ય સરીસૃપો, પક્ષી અને સસ્તનોના ભોગ બનતા હોય છે. મોટેભાગે કાચંડા ઈંડાં મૂકે છે. ગરોળી (gecko) અંડપ્રસવી હોય છે. કેટલીક ગરોળીઓ એક જ સ્થળે સમૂહમાં ઈંડાં મૂકે છે. ન્યૂઝીલૅન્ડની ગરોળી બચ્ચાંને જન્મ આપે છે. સિન્સિડા કુળના 33 % જેટલા કાચંડા અપત્યપ્રસવી તરીકે જાણીતા છે.

કાચંડો

આમ તો કાચંડા બિનઝેરી અને નિરુપદ્રવી હોય છે. પરંતુ અમેરિકામાં વસતા ગિલા-મૉન્સ્ટર ઝેરી છે. જોકે તે ભાગ્યે જ કરડે છે અને જવલ્લે જ તેનું ઝેર જીવલેણ નીવડે છે. કાકીડો (chamaeleon) પર્યાવરણને અનુરૂપ ચામડીનો રંગ બદલે છે અને શરીર કરતાં પણ લાંબી એવી જીભ વડે કીટકોને પકડે છે. શૃંગી કાચંડો (horned lizard, Phrynosoma) રક્ષણાત્મક પગલા રૂપે પોતાનાં પોપચાંમાંથી રુધિરનો છંટકાવ કરે છે. ઘરગરોળી પૂંછડીને શરીરથી અલગ કરીને ભક્ષકને લલચાવે છે અને પોતે ત્યાંથી છટકી જાય છે. ઘરગરોળી નવસર્જનથી નવી પૂંછડીનું નિર્માણ કરે છે. બાગબગીચા, ખેતર, વાડ વગેરે સ્થળે સામાન્યપણે દેખાતો કાચંડો (garden lizard) Calotes versecolor તરીકે જાણીતો છે. પાટલા ઘો (varanus) પણ કાચંડા કે ઘોની જાતનું પ્રાણી છે.

આર્થિક ર્દષ્ટિએ કાચંડા અગત્યના ગણાતા નથી. અપવાદ રૂપે કેટલીક ઘોનો ઉપયોગ માનવખોરાક તરીકે થાય છે અને તેની ચામડીમાંથી વસ્તુઓ બનાવાય છે.

મ. શિ. દૂબળે