કંદલિ, માધવ (ચૌદમી-પંદરમી સદી) : મધ્યકાલીન અસમિયા કવિ. કંદલિ એટલે કવિઓનો રાજા. જન્મ નૌગાવના બ્રાહ્મણ પંડિત પરિવારમાં. એમણે મણિમાણિક્ય રાજા અથવા રાજાના આશ્રિત વરાલી રાજાના આગ્રહને વશ થઈને અસમિયા રામાયણની રચના કરી હતી. રામાયણ ઉપરાંત એમણે ‘દેવજિત’ તથા ‘તામ્રધ્વજ’ કાવ્યોની પણ રચના કરી છે. એમણે રચેલા રામાયણના પાંચ જ ખંડો અત્યારે ઉપલબ્ધ છે. સુવિખ્યાત મધ્યકાલીન અસમિયા સંતકવિ શંકરદેવે રામાયણનો ઉત્તરકાંડ રચ્યો હતો અને એમના શિષ્ય માધવદેવ પાસે આદિકાંડ લખાવીને, એ બંને કાંડો માધવ કંદલિના રામાયણ સાથે જોડી દેવામાં આવ્યા હતા. આજે આસામમાં એ સપ્તકાંડી રામાયણ ઉપલબ્ધ છે. માધવ કંદલિનું રામાયણ વાલ્મીકિ રામાયણનો શબ્દશ: અનુવાદ નથી પણ મૂળ રામાયણ વાંચીને એમણે મૂળ કથાના પ્રસંગોમાં ફેરફાર કર્યો છે. એમના રામાયણ પર અધ્યાત્મરામાયણનો પણ પ્રભાવ છે. તે રામભક્ત તો હતા જ. રામાયણની જોડે સંકળાયેલાં બધાં સ્થાનોની એમણે પદયાત્રા કરેલી.
માધવ કંદલિનું રામાયણ અત્યંત લોકપ્રિય થવાનું કારણ એ છે કે એમની રામકથામાં સમકાલીન સ્થાનીય લોકોના રીતરિવાજો, રહેણીકરણી, જીવનવ્યવહાર વગેરેને વાલ્મીકિ રામાયણની કથામાં યથાસ્થાને લાગે એવી રીતે કુશળતાથી ગોઠવી દીધાં છે. એટલે જ એમનાં રામસીતાનાં લગ્ન આસામના લોકોના રિવાજ અનુસાર થાય છે. આસામમાં લગ્ન સમયે ગવાતાં ગીતો રામસીતાનાં લગ્ન વખતે ગવાતાં તેવાં છે. એમની શબરી આસામની આદિવાસી ભીલ-સ્ત્રી છે. એમાંનાં પ્રાકૃતિક વર્ણનો આસામની ભૂમિની પ્રાકૃતિક સુંદરતાનાં વર્ણનો છે. આથી એમનું રામાયણ વાલ્મીકિ રામાયણનું અસમિયા રૂપ છે એમ કહેવાય છે. આમ છતાં, એમણે જે કંઈ ફેરફાર કર્યા છે તેમાં મૂળ કથાનકને યથાવત્ જાળવી રાખ્યું છે તથા આસામની સામાન્ય જનતાને એ સુસ્વાદ્ય બનાવ્યું છે.
‘દેવજિત’ કાવ્યમાં મહાભારતઆધારિત ઇન્દ્ર-અર્જુનના યુદ્ધનું વર્ણન છે, જ્યારે ‘તામ્રધ્વજ’નો પ્રસંગ જૈમિનિ મહાભારતને આધારે લીધો છે. એ બંને કાવ્યોમાં પણ માધવ કંદલિની કથનકલાનો પરિચય મળે છે. મધ્યકાલીન અસમિયા સાહિત્યમાં માધવ કંદલિનું પૌરાણિક કથાકાર તરીકે ઘણું ઊંચું સ્થાન છે.
પ્રીતિ બરુઆ