હિન્દુ ધર્મ
પ્રાચીન ભારતમાં વેદથી આરંભાયેલો મુખ્ય ધર્મ. ખ્રિસ્તી કે ઇસ્લામ જેવા ધર્મોની જેમ હિન્દુ ધર્મનો કોઈ સ્થાપક છે એમ કહી શકાય તેમ નથી; તેથી તેનું લક્ષણ બાંધવામાં પણ મુશ્કેલી પડે છે. શ્રી આનંદશંકર ધ્રુવે પોતાનાં પુસ્તકો ‘ધર્મવર્ણન’, ‘હિન્દુ વેદ ધર્મ’, ‘આપણો ધર્મ’માં આ અંગે ખાસી છણાવટ કરી છે અને બતાવ્યું છે કે વેદમાં શ્રદ્ધા, વર્ણાશ્રમ-ધર્મ, યજ્ઞોપવીત આદિ સંસ્કારો, કુલદેવતા અને પંચાયતન દેવની પૂજા, અવતાર અંગેની માન્યતા જેવાં લક્ષણોને આધારે હિન્દુ ધર્મનાં લક્ષણ નક્કી કરવાં એ ઠીક નથી. કારણ કે આમાંથી બધાં કે એકેય ન હોય તોય હિન્દુ ધર્મ તો સનાતન રહ્યો જ છે; પણ આ હિન્દુ ધર્મનું દૂષણ છે એમ સમજવાની જરૂર નથી; ઊલટું, એ તો તેનું ભૂષણ છે, તેના સજીવપણાની નિશાની છે. જેમ એની સંઘટનામાં વધારે સૂક્ષ્મતા અને ગૂંચ તેમ લક્ષણ બાંધવામાં વધારે કઠિનતા. તેઓ માને છે કે આવા પદાર્થનું લક્ષણ બાંધવાનો એક જ માર્ગ છે – તે એ કે એના જીવનના સમગ્ર ઇતિહાસને એના લક્ષણમાં પ્રવેશ કરાવવો અને પછી એ ઇતિહાસને વર્ણવવો. તેમણે આ પ્રમાણે લક્ષણ નક્કી કર્યું છે – ‘માટે જ્યારથી આર્યો સિન્ધુ નદીના પ્રદેશમાં વસતા હોવાનું આપણા જાણવામાં આવે છે અને જ્યારથી અન્ય આર્યોથી પોતાની સ્વતંત્ર જમાવટ કરી બેઠેલા આપણે એમને જોઈએ છીએ – ત્યારના સ્વરૂપથી માંડીને, એક જીવન્ત શક્તિ તરીકે એ ધર્મમાં જે જે ધાર્મિક વિકાસ થયો તે સર્વને આપણે ‘હિન્દુ ધર્મ’ એવું નામ આપીશું અને એ ઇતિહાસના એક ખંડને પણ જે કોઈ જન પોતાનો કરીને માને છે, તે સર્વને આપણે હિન્દુ કહીશું.’ (હિન્દુ વેદ ધર્મ, પૃ. 3) ‘હિન્દુસ્તાનમાં વસેલા પ્રાચીન આર્યોનો ધર્મ તે હિન્દુ ધર્મ. એ આર્યો જે ધર્મ પાળતા અને એમાંથી જતે દહાડે જે ધર્મનો વિકાસ થયો, એ સર્વનો ‘હિન્દુ ધર્મ’માં સમાવેશ થાય છે.’ (હિન્દુ વેદ ધર્મ, પૃ. 4)
આર્યો મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યા અને સિન્ધુ પ્રદેશમાં વસ્યા અને ત્યાંથી સર્વત્ર ફેલાયા એવો એક મત છે, જ્યારે શ્રી બાલગંગાધર ટિળકના મતે આર્યોનું મૂળ સ્થાન ઉત્તર ધ્રુવનો પ્રદેશ છે. વળી એવો પણ મત છે કે આર્યો હિન્દુસ્તાનના જ મૂળ વતની છે, બહારથી આવ્યા નથી. દરેક પોતપોતાની રીતે વેદ અને પ્રશિષ્ટ સંસ્કૃત અને યુરોપ તેમજ ઈરાનની ભાષામાં જે સમાનતા દેખાય છે તે સમજાવવાનો પ્રયત્ન કરે છે. વધારે સ્વીકાર્ય મત એ રહ્યો છે કે આર્યોની એક શાખા મધ્ય એશિયામાંથી યુરોપ તરફ ગઈ અને બીજી ઈરાન તરફ અને ત્યાંથી જુદા પડીને હિન્દુસ્તાનમાં આર્યોની એક શાખા દાખલ થઈ; માટે જ ઈરાનના દેવો અને વૈદિક દેવતાઓમાં કેટલુંક સામ્ય છે અને પાછળથી ઈરાનમાં જે શુભ અને કલ્યાણકારી મનાતા (‘અહુર’) તે હિન્દુસ્તાનમાં નાશક (અસુર) મનાવા લાગ્યા. જોકે વેદમાં વરુણ જેવા દેવને માટે પણ ‘અસુર’ શબ્દ પ્રયોજાયો છે, જેનો અર્થ થાય ‘પ્રાણથી ભરપૂર’, ‘જોરાવર’.
હિન્દુ ધર્મનાં શાસ્ત્રો : શ્રુતિ અને સ્મૃતિ એમ બે પ્રકારનું સાહિત્ય હિન્દુ ધર્મમાં પ્રમાણભૂત મનાય છે. શ્રુતિ એટલે વેદસાહિત્ય અને વેદ એટલે જ્ઞાન. શ્રુતિ એટલે સાંભળેલું. વેદમાં જેનો સમાવેશ છે તેનો કોઈ કર્તા નથી, પણ ગૃત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ, વસિષ્ઠ જેવા દ્રષ્ટાઓ છે; જેમને આ જ્ઞાન સંભળાયું અથવા સ્ફુર્યું હતું. આ વેદસાહિત્યમાં સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક તથા ઉપનિષદ ગ્રંથોનો સમાવેશ છે. સંહિતાઓ ચાર છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
ઋગ્વેદ : તેમાં દસ મંડલમાં 1028 સૂક્તો છે અને એ સૂક્તોમાં લગભગ 10,680 ઋચાઓ (પદ્યો) છે. ઋગ્વેદનાં સૂક્તોમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, વાયુ, અશ્વિનૌ, ઋભુઓ, ઉષા, દ્યાવાપૃથિવી વગેરે દેવતાઓની સ્તુતિ છે. પ્રકૃતિનાં તત્વોની પાછળ રહેલ શક્તિને દેવતા માનીને તે તે સમયના સંજોગાનુસાર સ્તુતિ કરી છે માટે વૈદિક ધર્મમાં અનેકદેવવાદ (polytheism) દેખાય છે એવો એક મત છે, જ્યારે બીજો એવો દૃઢ મત છે કે એક જ પરમ તત્વનાં વિભિન્ન રૂપો ગણીને તેમની સ્તુતિ કરવામાં આવી છે. તેથી એકેશ્વરવાદ જ છે. પહેલા અને દસમા મંડલોમાં દાર્શનિક ચિંતન કહી શકાય તેવું જોવા મળે છે અને વિશ્વકર્મા, હિરણ્યગર્ભ, પુરુષ એ નામે એક દેવતા માની તેમાંથી સૃષ્ટિ થઈ એવું કથન છે. વળી એવું પણ વચન છે કે एकं सद् विप्रा बहुधा वदन्ति । (એક સત્ તત્વને શાણા જનો અનેક રીતે વર્ણવે છે.), જે અદ્વૈતવાદનું સમર્થન કરે છે. અગ્નિ, ઇન્દ્ર વગેરે દેવતાની સ્તુતિ છે તેમાં ધન, ધાન્ય, વીર પુત્રો, આર્યેતર પ્રજા સામે વિજય વગેરે ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિની પ્રાર્થના છે અને ઘણાંખરાં સૂક્તોમાં (દા. ત., ઉષાને ઉદ્દેશીને કરેલી સ્તુતિ) ઉચ્ચ કોટિનું કાવ્યતત્વ છે. વરુણ દેવતા નીતિ અને જગતની અંદર ચોક્કસ વ્યવસ્થા(અર્થાત્ ઋત)નું નિયમન કરે છે અને એના દૂતો પાપીઓને પાશથી બાંધે છે. પાપોની ક્ષમા આપવા અને નીતિમય જીવનમાં સ્થિર કરવા માટે વરુણને વીનવે છે. જગતની સૃષ્ટિ અંગે ખાસ કરીને દસમા મંડલનાં કેટલાંક સૂક્તો છે, જેમાં વ્યવસ્થિત ચિંતન નહિ પણ કલ્પનાના ઉડ્ડયન સાથે કેટલાક વિચારો છે. ક્યાંક સુથારના કામ સાથે જગતના સર્જનને સરખાવ્યું છે તો અન્યત્ર લુહાર ધમણ ચલાવીને કામ કરે છે તેની ઉપમા આપી છે. પુરુષસૂક્તમાં જગતપુરુષની કલ્પના છે, જેમાંથી બધું ઉદભવ્યું. બ્રાહ્મણો આ પુરુષનું શીર્ષ છે, ક્ષત્રિયો તેના બાહુ, વૈશ્યો તેની સાથળ છે અને શૂદ્રો તેના પગમાંથી ઉદભવ્યા એવું કથન છે; જેમાંથી આ ચાર વર્ણોનાં કર્તવ્ય અને સમાજમાં તેમની ઉપયોગિતા અને તેમના સ્થાનનો ખ્યાલ આવે છે. ‘નાસદીય સૂક્ત’માં ગહન તત્વચિંતન છે. જે મૂળ તત્વ હતું તે સત્ નહોતું તેમ અસત્ નહોતું, તે શ્વસતું હતું પણ પ્રાણ વિના વગેરે વગેરે. અર્થાત્ જે પરમ તત્વ છે તેને વ્યવહારની કોઈ પરિભાષામાં બાંધી કે વર્ણવી શકાય નહિ; છેલ્લે પ્રશ્ન કર્યો છે કે સૃષ્ટિ ક્યારે થઈ ? દેવો જાણતા હશે કે તેઓ પણ નહિ કારણ કે તેઓ પાછળથી આવ્યા કે પછી સૃષ્ટિ થઈ જ નથી એમ જેને અજ્ઞેયવાદ (agnostism) કહેવાય તેની સાચી ઝાંખી થાય છે અથવા એવો પણ અર્થ કરી શકાય કે સૃષ્ટિ અનાદિ છે, તેની ક્યારેય શરૂઆત થઈ નથી, જે વિચાર પણ આગળના દાર્શનિક ચિંતનમાં દેખાય છે.
યજુર્વેદની મુખ્ય બે સંહિતાઓ છે – તૈત્તિરીય અને વાજસનેયી. તૈત્તિરીય સંહિતા કૃષ્ણ યજુર્વેદના નામે જાણીતી છે અને વાજસનેયી શુક્લ યજુર્વેદના નામે. યજુર્વેદમાં પદ્ય અને ગદ્ય બંને છે અને તે યજ્ઞનો અને અધ્વર્યુનો વેદ હોઈ તેમાં યજ્ઞની ક્રિયાનું પ્રાધાન્ય છે. આ સંહિતામાં ઘણે સ્થળે ઋક્ સંહિતાના મંત્રોનો યજ્ઞમાં વિનિયોગ બતાવ્યો છે. વળી ‘રુદ્ર’ જેવા કેટલાક દેવોને મહત્વ મળ્યું છે અને તેમની સ્તુતિના નવા મંત્રો મળે છે.
સામવેદ : આ વેદ સોમ યજ્ઞના સંદર્ભમાં ઉદગાતાને ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાનું બતાવે છે. આ સંહિતાના મુખ્ય બે વિભાગ છે પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક. પ્રથમમાં ગાન માટે ઉપયોગી થાય તેવી ઋચાઓ આવેલી છે જ્યારે ઉત્તરાર્ચિકમાં સોમયાગ વખતે ગાવા માટે ઋગ્વેદની કેટલીક ઋચાઓ જે ક્રમમાં જોઈએ તે ક્રમમાં ગોઠવેલી છે.
અથર્વવેદ : ‘વેદત્રયી’ શબ્દનો પ્રયોગ કરી ઉપરની ત્રણ સંહિતાઓનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. તેથી કેટલાક માને છે કે અથર્વવેદ પાછળનો છે; પણ બીજા મત પ્રમાણે તે અન્ય વેદો જેટલો જ પ્રાચીન છે. આ વેદ માટે ‘અથર્વાઙિગરસ’ શબ્દ પણ પ્રયોજાય છે અને અથર્વન્ અને અંગિરસ્ જેમના પરથી આ નામ પડ્યું છે એ ઋગ્વેદ સંહિતાના સમયમાં પણ હતા (– અવેસ્તામાં અથર્વનને મળતો ‘આથ્રવન્’ શબ્દ છે, જે પરથી પણ એની પ્રાચીનતાની પ્રતીતિ થાય છે). શક્ય છે કે અથર્વવેદમાં અભિચાર-પ્રયોગ (જાદુ-મંત્રના પ્રયોગ) છે. જે સામાન્ય લોકોને ઉપદેશવા જેવા નથી, તેથી આ વેદની ગણના બીજા વેદો સાથે ન થતી હોય. વળી તેના પર આર્યેતર ધર્મનો પ્રભાવ હોય તેવો સંભવ છે. આ અથર્વસંહિતાનો મોટો ભાગ પદ્યમાં છે, થોડોક ગદ્યાત્મક છે. સ્કંભ, વિરાજ, ઉચ્છિષ્ટ વિશેનાં સૂક્તો તત્વચિંતનની દૃષ્ટિએ ઉપયોગી છે.
દરેક સંહિતાને પોતાના બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ ગ્રંથો છે. ‘બ્રહ્મન્’ અર્થાત્ ધર્મનું તત્વ, તેનો સ્થૂળ આકાર તે યજ્ઞની ક્રિયાઓ અને એ ક્રિયાઓનું રહસ્ય જે ગ્રંથોમાં બતાવ્યાં છે તે ‘બ્રાહ્મણ’. સંહિતાકાલમાં યજ્ઞો સાદા-સરળ હતા અને દરેક ગૃહસ્થ પોતે પોતાના ઘરના પવિત્ર અગ્નિમાં હોમ કરી શકતો, પણ વખત જતાં યજ્ઞ જટિલ બનતો ગયો તેમ યજ્ઞ, તેની ક્રિયાઓ, તેના દેવતાઓની સાર્થકતા અંગે પ્રશ્નો ઉદભવતા ગયા અને તેમના ઉત્તર આ બ્રાહ્મણ ગ્રંથોમાં અપાવા લાગ્યા. આમ કરવામાં આ બ્રાહ્મણ ગ્રંથોમાં શબ્દોની વ્યુત્પત્તિઓ, આખ્યાયિકાઓ અને યજ્ઞના રહસ્ય સંબંધી વિચારો રજૂ કરવામાં આવ્યા છે જેથી વેદકાલીન ધર્મ અને સંસ્કૃતિ સમજવા માટે આ ગ્રંથો ઉપયોગી છે.
આરણ્યક એ બ્રાહ્મણ અને ઉપનિષદ વચ્ચેની કડી સમાન છે, જેમાં યજ્ઞને સ્થાન છે પણ તેનો પ્રકાર બદલાઈ ગયો છે, તેનો પ્રતીકાત્મક અર્થ પણ રજૂ થયો છે અને તત્વચિંતનની શરૂઆત થઈ ગઈ છે. આ ગ્રંથોનું અરણ્યમાં વાનપ્રસ્થોએ અધ્યયન કરવાનું છે માટે આરણ્યક કહેવાય છે એવો એક મત છે, જ્યારે બીજા મત પ્રમાણે તે અરણ્યમાં રચાયાં માટે ‘આરણ્યક’ કહેવાયા.
ઉપનિષદમાં વેદનો અનંત, છેવટનો ભાગ, તેનું પરમ તાત્પર્ય છે; તેથી તે ‘વેદાન્ત’ કે ‘વેદનું શિર’ કહેવાય છે. પરમાત્માને પ્રાપ્ત કરાવનાર અને અજ્ઞાનનો નાશ કરનાર – એમ ‘ઉપનિષદ’ શબ્દના બે અર્થ કરવામાં આવે છે અથવા ગુરુની પાસે બેસીને પ્રાપ્ત કરવાની વિદ્યા તે ‘ઉપનિષદ’ એવો પણ અર્થ હોઈ શકે. તેમાં બ્રહ્મ, જીવ, જગત વિશે ઘણું તત્વચિંતન જોવા મળે છે અને આત્માના સ્વરૂપના જ્ઞાનને ખૂબ મહત્વ આપ્યું છે. આ ઉપનિષદોમાં વ્યક્ત થયેલા વિચારોનો સમન્વય બાદરાયણનાં બ્રહ્મસૂત્ર કે વેદાંતસૂત્રોમાં છે અને જુદા જુદા આચાર્યોએ તેમના પર ભાષ્યો લખી પોતપોતાના મતની સ્થાપના કરી છે.
આમ, વૈદિક સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ મળી ‘વેદ’ કહેવાય છે, જે શ્રુતિસાહિત્ય છે. દરેક વૈદિક સંહિતાને પોતાના બ્રાહ્મણાદિ ગ્રંથો છે. ઋગ્વેદના ‘ઐતરેય’ અને ‘કૌષીતકિ’ નામના બે બ્રાહ્મણ ગ્રંથો છે અને એ જ નામનાં બે આરણ્યક અને બે ઉપનિષદ છે. કૃષ્ણ યજુર્વેદની ‘તૈત્તિરીય સંહિતા’ સાથે ‘તૈત્તિરીય બ્રાહ્મણ’ અને ‘તૈત્તિરીય આરણ્યક’ જોડાયેલાં છે અને એ આરણ્યકનો એક ભાગ ‘તૈત્તિરીય ઉપનિષદ’ છે. શુક્લ યજુર્વેદની ‘વાજસનેયી સંહિતા’નો બ્રાહ્મણ ગ્રંથ ‘શતપથ બ્રાહ્મણ’ નામથી જાણીતો છે. એનું એક ઉપનિષદ ‘વાજસનેયી સંહિતા’નો છેલ્લો અધ્યાય હોઈ ‘વાજસનેયી સંહિતોપનિષદ’ કહેવાય છે. આ ઉપનિષદનું બીજું નામ તેની શરૂઆતના શબ્દો પરથી ‘ઈશાવાસ્યોપનિષદ’ છે. આ સંહિતાનું બીજું ઉપનિષદ શતપથ બ્રાહ્મણનો ભાગ છે અને ‘બૃહદારણ્યક ઉપનિષદ’ કહેવાય છે. આ ઉપનિષદ ઘણું વિશાળ છે અને તત્વચિંતનની દૃષ્ટિએ ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત ‘કઠોપનિષદ’ નામનું ઉપનિષદ છે, જેમાં યમ-નચિકેતાના સંવાદ રૂપે ઘણું તત્વચિંતન રજૂ થવા પામ્યું છે.
સામવેદના ઘણા બ્રાહ્મણગ્રંથો છે – ‘તાંડ્ય મહાબ્રાહ્મણ’ અથવા ‘પંચવિંશ બ્રાહ્મણ’, ‘ષડ્વિંશ બ્રાહ્મણ’, ‘છાંદોગ્ય બ્રાહ્મણ’, ‘તલવકાર બ્રાહ્મણ’ વગેરે. છાંદોગ્ય બ્રાહ્મણનો એક ભાગ તે ‘છાંદોગ્ય ઉપનિષદ’. તે પણ તત્વચિંતનની દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. ‘તલવકાર બ્રાહ્મણ’નો એક ભાગ ‘તલવકાર’ અથવા ‘કેનોપનિષદ’ નામે પ્રસિદ્ધ છે. અથર્વવેદના બ્રાહ્મણનું નામ ‘ગોપથ બ્રાહ્મણ’. એનાં ઘણાં ઉપનિષદો છે; જેમાં ‘પ્રશ્ન’, ‘મુંડક’, ‘માંડૂક્ય’ મુખ્ય છે. જ્યારે બીજાં પ્રમાણમાં નવીન ઉપનિષદ છે – ગર્ભ, પ્રાણાગ્નિહોત્ર, ક્ષુરિકા, નાદબિંદુ, બ્રહ્મબિંદુ, અમૃતબિંદુ, સંન્યાસ, પરમહંસ, જાબાલ, અથર્વશિરસ્, કાલાગ્નિરુદ્ર, કૈવલ્ય, નારાયણ, નૃસિંહતાપનીય, રામતાપનીય વગેરે.
સ્મૃતિ : વેદ પછી એના જ્ઞાનને સમજવામાં ઉપયોગી બને એવા ઘણા ગ્રંથો રચાયા. આ ગ્રંથો પ્રાચીન શ્રુતિરૂપ વૈદિક જ્ઞાનના સ્મરણમાંથી ઉદભવ્યા છે, તેથી ‘સ્મૃતિ’ નામથી ઓળખાય છે. શ્રુતિ સાંભળેલી અને સ્મૃતિ સંભારેલી તેથી શ્રુતિ સ્મૃતિ કરતાં વધારે પ્રબળ પ્રમાણ મનાય છે, પણ જ્યાં બેનાં વચનોમાં વિરોધ જણાય ત્યાં જ. જે બાબત ‘શ્રુતિ’માં કહી ન હોય પણ સ્મૃતિનું એ અંગે વચન હોય અને એ વેદની ભાવનાથી વિરોધી ન હોય તો એ વચન મૂળ કોઈ શ્રુતિ પર જ આધારિત હોવું જોઈએ, પણ એ શ્રુતિ ઉપલબ્ધ નથી એમ મનાય છે; લોકાચાર અને દેશાચારને લઈને ઘણા રિવાજો અને વિચારો સ્મૃતિમાં સમાવાયા છે એમ લાગે છે અને આ સ્મૃતિઓ પર હિન્દુ ધર્મનો ઘણો આધાર છે.
વેદના શુદ્ધ ઉચ્ચારણ અને તેના અર્થજ્ઞાનમાં તથા વૈદિક ક્રિયાઓ યોગ્ય રીતે કરવામાં ઉપયોગી થાય તેવા ગ્રંથો રચાયા જેમને વેદાંગ કહે છે. વેદાંગ છ છે – (1) શિક્ષા – વેદના સ્વરસહિત ઉચ્ચારણ કરવાનું શીખવનાર, (2) કલ્પ – યજ્ઞયાગની ક્રિયાઓનો વિધિ બતાવનાર, (3) વ્યાકરણ, (4) છંદ, (5) જ્યોતિષ, (6) નિરુક્ત.
આ કાળનું ઘણું સાહિત્ય સૂત્રના આકારે રચાયું હતું. સૂત્ર એટલે દોરો. જેમ દોરામાં ફૂલ બાંધીને હાર બનાવાય છે તેમ અલ્પ શબ્દોનાં બનેલાં વાક્યોમાં આ ગ્રંથોની ગૂંથણી કરી છે. આ અલ્પાક્ષરી વાક્યોને ‘સૂત્ર’ કહે છે. શિષ્યો સહેલાઈથી યાદ રાખી શકે અને તેમના દ્વારા ગુરુનો ઉપદેશ મનમાં વ્યવસ્થિત રીતે ગોઠવી શકે એ આશયથી સૂત્રોની રચના કરવામાં આવી છે એવું જણાય છે.
કલ્પસૂત્ર : તે ત્રિવિધ છે – શ્રૌતસૂત્ર, ગૃહસૂત્ર અને ધર્મસૂત્ર. શ્રૌતસૂત્રમાં શ્રુતિમાં કહેલી અશ્વમેધ આદિ યજ્ઞોની ક્રિયાઓ કેવી રીતે થાય એ બતાવ્યું છે. ગૃહ્યસૂત્રમાં દરેક ગૃહસ્થે ઘરમાં કરવાની ધાર્મિક ક્રિયાઓનો તથા ઉપનયન, વિવાહ આદિ સંસ્કારોનો વિધિ છે. ધર્મસૂત્રમાં બ્રાહ્મણાદિ વર્ણોના અને બ્રહ્મચર્યાશ્રમ વગેરે આશ્રમોના ધર્મોનું તેમજ વારસો, લેણદેણ વગેરે લૌકિક વ્યવહાર અને કાયદા સંબંધી બાબતોનું વર્ણન છે.
ધર્મસૂત્રોને આધારે આગળ ઉપર અનુષ્ટુભ શ્લોકબદ્ધ વિશાળકાય સ્મૃતિઓ લખાઈ. મનુ, અત્રિ, વિષ્ણુ, હારિત, યાજ્ઞવલ્ક્ય, ઉશનસ્, અંગિરસ, આપસ્તંબ, કાત્યાયન, પરાશર, વસિષ્ઠ વગેરે ધર્મશાસ્ત્રોના પ્રવર્તક છે. સ્મૃતિઓમાં વર્ણાશ્રમ ધર્મો, વારસાનો કાયદો, રાજાના ધર્મો, શિક્ષાના પ્રકારો વગેરેનું પ્રતિપાદન છે.
આ ઉપરાંત દાર્શનિક સૂત્રોનું સાહિત્ય છે – કણાદનું વૈશેષિક સૂત્ર, અક્ષપાદ ગૌતમનું ન્યાયસૂત્ર, પતંજલિનું યોગસૂત્ર, જૈમિનિનું પૂર્વમીમાંસાસૂત્ર, બાદરાયણનું બ્રહ્મસૂત્ર કે વેદાન્તસૂત્ર. સાંખ્યદર્શનનું મૂળ સૂત્ર મળતું નથી. હાલ કપિલનું સાંખ્યસૂત્ર ઉપલબ્ધ છે તે ઘણું અર્વાચીન છે (15મા–16મા સૈકાનું) એમ મનાય છે. ઈશ્વર-કૃષ્ણની ‘સાંખ્યકારિકા’ એ સાંખ્યદર્શનનો પાયાનો ગ્રંથ મનાય છે. આ ગ્રંથો પર ભાષ્ય વગેરેનું વિશાળ સાહિત્ય રચાતું ગયું. આ આસ્તિક ષડ્દર્શનનું સાહિત્ય છે, જેમાં વેદનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવ્યું છે.
રામાયણ, મહાભારત (– વિશેષે કરીને તેની અંતર્ગત ભગવદ્-ગીતા); ભાગવત વગેરે પુરાણો; શૈવ અને વૈષ્ણવ તંત્રો કે આગમો; સ્તોત્રો; સાધુ-સંતોનાં વચનો વગેરે પણ પ્રમાણભૂત મનાય છે. ઇતિહાસ (મહાભારત) અને પુરાણ એ તો પાંચમો વેદ ગણાય છે. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ જેમ ચાર વેદસંહિતાઓ ગોઠવી ચાર જુદા જુદા શિષ્યોને આપી (– પૈલને ઋગ્વેદની સંહિતા, વૈશંપાયનને યજુર્વેદની, જૈમિનિને સામવેદની અને સુમંતુને અથર્વવેદની –), તેમ આ પાંચમો વેદ રોમહર્ષણ નામના સૂત જાતિના શિષ્યને આપ્યો અને રોમહર્ષણે આ પાંચમો વેદ વૈશંપાયન વગેરે કેટલાક બ્રાહ્મણોને શીખવ્યો અને આમ પુરાણોની જુદી જુદી સંહિતાઓ થઈ. કાળક્રમે વેદ તો દ્વિજ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય) અને તેમાં પણ પુરુષો જ ભણે એવો એક તરફ નિયમ કરવામાં આવ્યો તો બીજી તરફ એ જ ગ્રંથોનાં સત્યો રોચક રીતે પુરાણોમાં સ્થાન પામ્યાં અને તેમના દ્વારા શૂદ્ર અને સ્ત્રીઓને પણ એ જાણવાનો અધિકાર મળ્યો અને ઇતિહાસ-પુરાણ પાંચમો વેદ ગણાયાં. આચાર્યો પણ વેદ-વચન સમજવા અને તેની પુષ્ટિ કરવા ઇતિહાસ-પુરાણનાં સંબંધિત વચનોનો આધાર લે છે. (ઇતિહાસ અને પુરાણથી વેદનું સમર્થન-સંવર્ધન કરવું.)
સૂત્રકાળમાં વેદ ધર્મની જે વ્યવસ્થા નક્કી કરવામાં આવી તે આજ સુધી હિન્દુ વેદ ધર્મમાં પ્રચલિત છે એમ કહી શકાય. શ્રૌતયજ્ઞ વૈતાનિક કર્મ કહેવાય છે. ‘વિતાન’ એટલે (અગ્નિનો) વિસ્તાર, એમાં થતાં કર્મ તે ‘વૈતાનિક’. શ્રૌતયજ્ઞો – સાત હવિર્યજ્ઞ અને સાત સોમયાગ મળીને ચૌદ છે. તેમાં અગ્નિહોત્ર, દર્શપૂર્ણમાસ, ત્રણ ઋતુઓના ચાતુર્માસ્ય, અગ્નિહોમ વગેરે પ્રસિદ્ધ છે. અગ્નિચયન નામની સોમયાગના અંગની એક ક્રિયા છે, જેમાં વિધિપુર:સર વેદિ રચવામાં આવે છે; એમાં ઈંટોની ચોક્કસ સંખ્યા, ગોઠવવાની રીત વગેરે જોતાં ગૂઢ અર્થ સમાયેલો છે એમ સ્પષ્ટ દેખાઈ આવે છે; પણ આમાંના ઘણાખરા યજ્ઞ અત્યારે હિન્દુ ધર્મમાં નામશેષ થયા છે.
એથી ભિન્ન ગૃહમાં સ્થાપેલો અગ્નિ તે ‘ગૃહ્ય’ અગ્નિ અને તેમાં થતાં કર્મો તે ‘ગૃહ્ય’ કર્મ. આ ‘ગૃહ્ય’ અગ્નિની જવાબદારી વિવાહથી શરૂ થાય છે અથવા સ્વતંત્ર ઘર માંડવાથી શરૂ થાય છે. ‘ગૃહ્યસૂત્ર’માં ખાસ કરીને ગૃહસ્થે કરવાના (1) પાકયજ્ઞ, (2) પંચમહાયજ્ઞ, (3) વર્ષમાં જુદે જુદે વખતે કરવાના ઋતુઓના યજ્ઞ, (4) શ્રાદ્ધ અને (5) સંસ્કાર – એટલાનું પ્રતિપાદન છે. ‘પાકયજ્ઞ’ તે ઘરમાં અન્ન રાંધીને અગ્નિ દ્વારા પરમાત્માને આહુતિ આપવાની ક્રિયા છે.
ઋતુઓના યજ્ઞ જે ધાર્મિક ઉત્સવરૂપ હતા તેમાંથી આગળ ઉપર હિન્દુઓના જુદા જુદા ઉત્સવો અને તહેવારો નીપજ્યા. શ્રાદ્ધ એ ગત પિતૃઓને યાદ કરીને એમના પ્રત્યે આદર અને નિષ્ઠા જાગતાં રાખવાની ક્રિયા છે.
પંચમહાયજ્ઞ સમગ્ર હિન્દુ વેદ ધર્મના સ્તંભરૂપ છે. તેમાં ગૃહસ્થને સંક્ષેપમાં એના સર્વ ધર્મનું નિત્ય સ્મરણ કરાવવામાં આવે છે. આ પાંચ મહાયજ્ઞ તે (1) દેવયજ્ઞ – આ વિશ્વમાં પરમાત્માની જે અનેકવિધ વિભૂતિઓ પ્રકાશે છે તે વિભૂતિરૂપ દેવોનું યજન કરવું. (2) ભૂતયજ્ઞ – મનુષ્ય સિવાયના પ્રાણી ઉપર પણ દયાભાવ રાખી તેમનું પોષણ કરવું. (3) પિતૃયજ્ઞ – સ્વર્ગસ્થ માતાપિતાને યાદ કરીને એમના પ્રત્યેની પોતાની હાર્દિક નિષ્ઠા જાગૃત રાખવી તથા પૂર્વજોએ જે કુલધર્મ કુળની ઉચ્ચ ભાવના પુષ્ટ કરી હોય તેને ટકાવી રાખવાની ફરજનું નિત્ય સ્મરણ કરવું. તેના પ્રતીક તરીકે ‘તર્પણ’ કરવાની આજ્ઞા છે. (4) બ્રહ્મયજ્ઞ (ઋષિયજ્ઞ) – પ્રતિદિન વિદ્યાભ્યાસ કરવો – ઋષિમુનિઓએ રચેલાં ધર્મશાસ્ત્રનું નિત્ય અધ્યયન–પઠન કરવું જેથી બુદ્ધિ પ્રદીપ્ત થાય. (5) મનુષ્યયજ્ઞ (અતિથિયજ્ઞ) – મનુષ્યમાત્ર પર પ્રેમ રાખી એમનો આદરપૂર્વક સત્કાર કરવો. આંગણે આવેલ અતિથિનો અન્નજળ વડે આદર કરીને પછી જ ગૃહસ્થ દંપતીએ પોતાનું નિત્ય ભોજન કરવું.
સંસ્કારો : તેમની સંખ્યા જુદી જુદી આપવામાં આવી છે; પરંતુ મુખ્ય સંસ્કારો આ પ્રમાણે છે : (1) ગર્ભાધાન અને (2) પુંસવન – આ બે ગર્ભાધાનના સમયમાં ગર્ભિણી માતાના સંસ્કાર છે. (3) સીમન્તોન્નયન – ગર્ભાવસ્થાના સમયમાં ગર્ભિણી માતાના કેશમાં સેંથો પાડવાની ક્રિયા કરવામાં આવે છે. આ સંસ્કાર પહેલી વારના ગર્ભ વખતે કરવામાં આવે છે, તેને ‘અઘરણી’ (‘અગ્રગર્ભિણી’ ઉપરથી) કે ‘ખોળો ભરવો’ પણ કહે છે. (4) જાતકર્મ – જન્મ સમયે બાળકને કરવાનો સંસ્કાર. (5) નામકર્મ – નામ પાડવું તે. (6) નિષ્ક્રમણ – બહાર નીકળવું. ચોથે મહિને બાળકને બહાર કાઢી સૂર્યદર્શન કરાવવું. (7) અન્નપ્રાશન – છઠ્ઠે મહિને બાળકને મધ, ઘી અને ભાત મેળવીને ખવડાવવાં. (8) ચૌલ અથવા ચૂડાકર્મ – ત્રીજે વર્ષે (ગુચ્છા રાખીને) વાળ ઉતરાવવા. (9) ગોદાન – સોળમે વર્ષે દાઢી-ગુચ્છા સહિત બધા વાળ લેવડાવવા. (10) ઉપનયન – યજ્ઞોપવીત આપવું અને બાળકને ગુરુને ત્યાં વિદ્યા શીખવા મોકલવો. (11) સમાવર્તન – વિદ્યા ભણી ઘેર આવવું. (12) વિવાહ – પરણવું. (13) અગ્નિપરિગ્રહ ગૃહસ્થાશ્રમના ચિહનરૂપે ઘરમાં પવિત્ર અગ્નિ સ્થાપવો તે. (14) અન્ત્યેષ્ટિ – મરણસમયનો સંસ્કાર.
એક જાણવા જેવી વાત છે કે પ્રાચીન કાળમાં પુરુષો તેમજ સ્ત્રીઓકન્યાઓને પણ ઉપનયનવિધિ કરવામાં આવતો. હારિત મુનિનું વચન છે કે બે પ્રકારની સ્ત્રીઓ છે – બ્રહ્મવાદિની અને સદ્યોવધૂ. એ રીતે ધર્મશાસ્ત્ર પ્રમાણે પણ બે પ્રકારની સ્ત્રીઓ છે બ્રહ્મવાદિની અને સદ્યોવધૂ. બ્રહ્મવાદિનીને ઉપનયન, અગ્નિન્ધન, વેદાધ્યયન અને પોતાના ઘરમાં ભિક્ષાચર્યા હોય છે, જ્યારે સદ્યોવધૂનો વિવાહ આવી પડતાં જેમ તેમ ઉપનયન કરી વિવાહ કરવાનો હોય છે.
ચાર વર્ણના ધર્મ : પ્રાચીન કાળમાં હિન્દુ જનસમાજમાં પ્રવર્તતા બધા ધંધાના મુખ્ય ચાર વર્ગ પાડી હિન્દુશાસ્ત્રકારોએ ચાર વર્ણ ઠરાવ્યા છે – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. વર્ણ એટલે રંગ, ધંધાનો રંગ. ધંધાના રંગ પ્રમાણે સમાજમાં ચાર વર્ણ સ્થપાયા. (1) વિદ્યા ભણવી અને ભણાવવી, ધર્મ પાળવો અને ઉપદેશવો z– એ બ્રાહ્મણનો ધંધો કહેવાય. યજ્ઞક્રિયાઓ જટિલ થતી ગઈ તેમ તેમ બ્રાહ્મણો જ યજ્ઞ કરાવવા લાગ્યા અને પોતાને માટે પણ કરતા થયા. (2) યુદ્ધ, દંડ (કાયદો કરવો અને પળાવવો અને રાજ્યમાં સુવ્યવસ્થા રાખવી) અને પ્રજાપાલનનું કામ ક્ષત્રિયોનું છે. (3) વૈશ્યો – ખેતી વગેરે વ્યવસાય કરીને, દેશમાં તેમજ પરદેશ સાથે વેપાર કરીને દ્રવ્ય મેળવે છે. તેનાથી પોતાની સુખ-સગવડ તો સાચવે જ છે, ઉપરાંત રાજાને કર આપી રાજ્ય ચલાવવામાં મદદરૂપ થાય છે તેમજ લોકહિતનાં કાર્યોમાં મદદરૂપ થાય છે. (4) ખેતી, વેપાર વગેરે વ્યવસાયમાં જે શારીરિક શ્રમ કે મજૂરી છે તે શૂદ્રોના ભાગે આવે. ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે તે પ્રમાણે વિદ્યા ભણવી અને ભણાવવી, યજ્ઞ કરવો અને કરાવવો, દાન લેવું અને આપવું – એ છ બ્રાહ્મણોનાં કર્મો છે. પ્રજાનું રક્ષણ કરવું, દાન કરવું, યજ્ઞ કરવો, વિદ્યા ભણવી અને વિષયભોગમાં આસક્ત ન થવું એ સંક્ષેપમાં ક્ષત્રિયનાં કર્મ છે. પશુઓનું રક્ષણ કરવું (પશુપાલન), ખેતી કરવી, દાન કરવું, યજ્ઞ કરવો, વિદ્યા ભણવી, વાણિજ્ય (વેપાર) અને વ્યાજે નાણાં ફેરવવાં એ વૈશ્યનાં કર્મ છે. આ ત્રણેય વર્ણની સેવા – અર્થાત્ મજૂરી એ શૂદ્ર માટે નક્કી થયેલી આજીવિકા છે. આ વર્ણો ગુણભેદ પ્રમાણે ગોઠવાયેલા જણાય છે, જન્મ પ્રમાણે નહિ. સંજોગવસાત્ વૈશ્યો પણ મજૂરી કરવામાં શરમ માનતા નહિ અને ઉપનિષદોમાં જોવા મળે છે તેમ બ્રાહ્મણો પણ ક્ષત્રિય રાજા જે પ્રખર તત્વચિંતક હતા તેમની પાસે જ્ઞાન મેળવવા જતા. બ્રાહ્મણો પણ કેટલીક વાર બીજા ધંધા સ્વીકારતા અને શૂદ્રો પણ જ્ઞાનના અધિકારી બનતા. ક્રમે ક્રમે અનેક સામાજિક કારણો, રાજકીય અંધાધૂંધી વગેરેને લઈને જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી અને તે જન્મથી નક્કી થવા લાગી.
વળી મનુષ્યનું મનુષ્ય તરીકે કેટલુંક કર્તવ્ય છે તેને ધ્યાનમાં રાખીને શાસ્ત્રકારોએ કેટલાક સાધારણ કે સાર્વવર્ણિક ધર્મો બતાવ્યા છે. આ ઉપદેશના બે પ્રકાર છે – ભાવાત્મક અને નકારાત્મક. અમુક ગુણો સૌએ કેળવવા જોઈએ અને અમુક કૃત્ય કોઈએ ન કરવાં એવો ઉપદેશ છે. ક્યાંક બાહ્ય આચારને ‘નિયમ’ અને આન્તર ગુણને ‘યમ’ કહ્યા છે, તો અન્યત્ર નકારાત્મક ધર્મનું આચરણ તે ‘નિયમ’ અને ભાવાત્મક ધર્મનું આચરણ તે ‘યમ’ એમ ભેદ પાડ્યો છે. અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), પવિત્રતા, ઇન્દ્રિયનિગ્રહ, દાન, દમ, ક્ષમા, ગુરુસેવા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સંતોષ એ સર્વને માટેનો ધર્મ છે. સંક્ષેપમાં કહેવું હોય તો જે પોતાને ન ગમે તે પારકાને અનુલક્ષીને ન કરવું અથવા પરોપકાર એ પુણ્ય છે અને પરપીડા એ પાપ છે.
ચાર આશ્રમના ધર્મ : દરેક માણસ પોતાનું લૌકિક અને આધ્યાત્મિક હિત બરાબર સાધી શકે તે માટે બ્રાહ્મણશાસ્ત્રકારોએ જીવનના ચાર આશ્રમ (વિસામો, આશ્રયસ્થાન) નક્કી કર્યા છે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. અત્યંત સાદાઈ, કંઈક અંશે દેહકષ્ટ અને ઉત્કૃષ્ટ પવિત્રતાપૂર્વક ગુરુને ઘેર રહી વિદ્યા ભણવી એ બ્રહ્મચર્યાશ્રમનો ધર્મ છે. બ્રહ્મ એટલે વેદવિદ્યા – એનું જ્ઞાન મેળવવું અને એના નિયમો આચરવા એને ‘બ્રહ્મચર્ય’ કહે છે. શાસ્ત્રની આજ્ઞા છે કે ચોવીસ વર્ષની ઉંમર સુધી આ બ્રહ્મચર્ય અવશ્ય પાળવું. દરેક દ્વિજ – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય – માટે તે ફરજિયાત છે. રાજકુમાર પણ ગુરુને ઘેર રહી, મહેનત કરી વિદ્યા પ્રાપ્ત કરતા એવા દાખલા છે. જેને સમસ્ત જીવન બ્રહ્મવિદ્યામાં લીન થઈ ગાળવાની ઇચ્છા હોય તે તેમ કરી શકે. બાકીનાં બીજાં ચોવીસ વર્ષ પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે.
વિદ્યા ભણીને ઘેર આવવું અને પરણવું, સંસાર શરૂ કરવો તેને ગૃહસ્થાશ્રમ કહે છે. પત્ની, બાળકો, સ્વજનોની સંભાળ, ન્યાયી રીતે પ્રાપ્ત કરેલું ધન ભોગવવું અને તેનાથી અતિથિસત્કાર, લોકોપકાર, સ્વજનતર્પણ વગેરે કરવું અને એ રીતે સ્વસ્થ સુખી જીવન ગાળવું એ ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. ઈશ્વરના સાન્નિધ્યમાં રહીને જીવવાનું છે એમ જણાવવા દરેક ઘરમાં ‘અગ્નિહોત્ર’ રાખવાનો વિધિ છે.
સંસાર ઠીક ઠીક ભોગવીને, માથે પળિયાં આવે, છોકરાંને ત્યાં છોકરાં થાય ત્યારે, હવે સંસારના પ્રવૃત્તિમય જીવનમાંથી મુક્ત થઈ, વનમાં જઈ પરમેશ્વરનું ચિંતન કરતાં કરતાં નિવૃત્તિમય જીવન ગાળવાનો નિશ્ચય કરી ગૃહસ્થ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. પરમ તત્વના સ્વરૂપ સંબંધી ગ્રંથોના અધ્યયનમાં લીન થવું, ટાઢ-તડકો વગેરે દ્વન્દ્વોની સહિષ્ણુતા, વૃત્તિઓને સાંસારિક બાબતોમાંથી ખેંચી લઈને પરમેશ્વરમાં એકાગ્ર કરવી, પોતાના આશ્રમને યોગ્ય જે પદાર્થો હોય તેનાથી અતિથિસત્કાર કરવો અને પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપા રાખવી – એ વાનપ્રસ્થાશ્રમના મુખ્ય ધર્મ છે. પત્નીને હજુ પુત્રાદિમાં આસક્તિ રહી હોય તો તે સંસારમાં રહી શકે છે, પણ જેને એ આસક્તિ ન રહી હોય તે પતિની સાથે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરી શકે છે.
વાનપ્રસ્થાશ્રમમાં હજુ દુનિયા સાથે કેટલોક સંબંધ રહે છે અને કેટલાંક વ્રતહોમ વગેરે કર્મ પણ કરવાનાં હોય છે; પણ વાનપ્રસ્થાશ્રમ પછી જે સંન્યાસાશ્રમ છે તેમાં સઘળાં કર્મનો અને દુનિયાદારીના સર્વ સંબંધો અને કર્મોનો ત્યાગ કરવાનો હોય છે. ભિક્ષા માગીને, જે મળે તેનાથી ચલાવી લઈને પરમ તત્વ બ્રહ્મનું ચિંતન કર્યાં કરવું, એક સ્થાનમાં ન રહેતાં ફરતાં રહેવું અને કોઈ અધિકારી મળતાં પરમ જ્ઞાન આપવું એ સંન્યાસીનું જીવન બની રહે છે. સંન્યાસીને ભિક્ષુ, પરિવ્રાહ્ કે પરિવ્રાજક (ફર્યા કરતો) કે યતિ પણ કહે છે. સંન્યાસીની ઉચ્ચતા પ્રમાણે હંસ, પરમહંસ વગેરે વર્ગ પાડવામાં આવ્યા છે.
પાછળના સ્મૃતિકારોમાંથી કેટલાકે કલિયુગમાં વાનપ્રસ્થાશ્રમનો સ્પષ્ટ નિષેધ કર્યો છે; કારણ કે રાજકીય, આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિ વિકટ બનતાં એ શક્ય લાગ્યું નહિ. સંન્યાસાશ્રમનો અધિકાર પૂર્વે સ્ત્રીઓને પણ હતો. ઉપનિષત્કાલમાં મૈત્રેયી, ગાર્ગી વગેરેનાં દૃષ્ટાંત જાણીતાં છે. વખત જતાં કદાચ વ્રતભંગ અને અનાચારના પ્રસંગો બન્યા હશે તેથી કે તેમની બીકથી બ્રાહ્મણ શાસ્ત્રકારોએ સ્ત્રીઓ માટે સંસારમાં રહીને મુક્તિ સાધવાનો વિધિ બતાવ્યો. કેટલાક વિદ્વાનો માને છે કે આશ્રમવ્યવસ્થા એ તો આદર્શ પરિસ્થિતિનું પ્રતિપાદન છે. વાસ્તવમાં દરેક વ્યક્તિ આ વ્યવસ્થાને અનુસરતી હોય એવું ક્યારેય નહિ બનતું હોય. વ્યક્તિનાં વલણ અને તેની વૃત્તિઓ પર ઘણો આધાર રહે એ ચોક્કસ. સંન્યાસનો ભાવ આવે તો સંન્યાસ ગમે ત્યારે લઈ શકાય અને ન આવે તો ક્યારેય નહિ. ગૃહસ્થાશ્રમનું પણ મહત્વ શાસ્ત્રોએ ખૂબ ગાયું છે કે એ અન્ય આશ્રમોનો આધાર છે. વળી દેશકાલાનુસાર દરેક વ્યવસ્થામાં ફેરફાર થાય છે એ પણ ધ્યાનમાં રાખવાનું છે.
ચાર પુરુષાર્થ : મનુષ્યની વિધવિધ પ્રવૃત્તિઓ જોઈ તપાસી ધર્મશાસ્ત્રકારોએ એમાંથી જીવનના ચાર ઉદ્દેશ વીણી કાઢ્યા છે, જેને પુરુષાર્થ – મનુષ્યે પ્રાપ્ત કરવાની વસ્તુઓ – કહે છે. પુરુષાર્થ ચાર છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાં ધર્મ અને મોક્ષને એકઠા ગણી તેમના માટે ‘ત્રિવર્ગ’ શબ્દ પણ વપરાય છે. શક્ય છે કે સમાજનો મોટો વર્ગ ગૃહસ્થાશ્રમીઓનો રહેતો હોય અને તેથી તેમને માટે જે મુખ્ય પુરુષાર્થ છે તે ધર્મ, અર્થ, કામ છે અને ઉત્તમ સાંસારિક જીવન જીવવા માટે એ ત્રણની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે; તેથી મોક્ષને છોડીને આ ત્રણનો સમાવેશ ‘ત્રિવર્ગ’માં કર્યો હોય.
જનસમાજને ધારણ કરે તે ધર્મ – શાસ્ત્રની અમુક અમુક કર્મ (વર્ણાશ્રમ ધર્મ, નૈતિક આચરણ, કાયદાપાલન વગેરે) કરવાની આજ્ઞા. ધર્મ એ મનુષ્યજીવનનો મુખ્ય ઉદ્દેશ છે તેથી તેનું અગ્રસ્થાન છે; પણ તેથી અર્થ (દ્રવ્ય) અને કામ(સુખ)ની અવગણના કરી શકાય તેમ નથી, કારણ કે તેમનું યોગ્ય સંપાદન થાય અને મનુષ્યને સંતોષ અને સ્વસ્થતા પ્રાપ્ત થાય તો જ ધર્મનું આચરણ કરી શકે. દ્રવ્યથી જનકલ્યાણ અને લોકહિતનાં કાર્યો સિદ્ધ થઈ શકે છે. વળી કોઈ સારો માણસ પોતાના કુટુંબને દરિદ્રતામાં સબડતું જોઈ ન શકે. શાસ્ત્રકારોને જીવન પર બરાબર પકડ હતી તેથી તેમણે ‘અર્થ’ને પુરુષાર્થોમાં સ્થાન આપ્યું, પણ એ ધ્યાનમાં રહે કે ધર્મરૂપી વડીલની નિશ્રામાં જ અર્થ બરાબર કામ કરી શકશે અને તેની તૃષ્ણાથી મનુષ્ય બચી શકશે. જેમ અર્થનો ધર્મ સાથે સંબંધ છે તેમ ‘કામ’ (ઇચ્છા, સુખની ઇચ્છા) સાથે પણ ગાઢ સંબંધ છે. કામ(સુખ)ની ઇચ્છા જોડાયેલી ન હોય તો માણસ કંજૂસ બની જાય અને તેનું જીવન શુષ્ક અને ભારરૂપ બની જાય. વળી સુખ-સગવડની ઇચ્છા વિના જનસમાજ ધનિક થતો જ નથી, તેથી સામાન્ય માણસના જીવનમાંથી સુખની ઇચ્છાની બાદબાકી કરી શકાય નહિ. અલબત્ત ધર્મથી વિયુક્ત સુખની ઇચ્છાને પુરુષાર્થ કહી જ ન શકાય. નિર્બન્ધ સુખની ઇચ્છા જ મનુષ્યજીવનમાં પ્રવર્તક છે એમ માનવાનું કારણ નથી. ધર્મ ખાતર હિન્દુઓએ કેસરિયાં કર્યાં છે, યહૂદીઓ ભટકતા રહ્યા છે, પારસીઓએ પોતાનું વતન છોડ્યું છે વગેરે અનેક દૃષ્ટાંતો આના સમર્થનમાં મળશે. ધર્મ, અર્થ, કામનું સમતોલન જળવાવું જોઈએ અને સામાન્ય સંજોગોમાં ધર્મના માર્ગદર્શન હેઠળ અર્થ અને કામને ન્યાય મળવો જોઈએ. તેમનું જીવનમાં સ્થાન શાસ્ત્રે માન્ય રાખ્યું છે. धर्मादर्थश्च कामश्च – એ ઉક્તિ કેટલી સાચી છે એ આંધળા એશઆરામની તૃષ્ણાથી વ્યક્તિ અને દેશની કેવી પાયમાલી થયેલી જોઈએ છીએ તે પરથી સમજાય છે.
આ પ્રમાણે શાસ્ત્રકારોએ ધર્મ, અર્થ અને કામનો સમન્વય કરવાનો ઉપદેશ આપ્યો છે, પણ મનુષ્યનું મનુષ્યત્વ તો ધર્મમાં જ છે; તેથી ધર્મનું અગ્ર સ્થાન હોય એ જ યોગ્ય છે; પણ એથીય આગળ જઈને ઉત્તરાવસ્થામાં પરમાર્થચિંતનમાં ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ એવી ઉત્કૃષ્ટ જીવન માટેની અપેક્ષા રાખવામાં આવે છે. આવું વલણ પૂર્વાવસ્થામાં જ કેળવાતું જાય તો જ ઉત્તરાવસ્થા ખાલી ખાલી અને પ્રયોજનશૂન્ય ન બને. વાસ્તવમાં પૂર્વાવસ્થાના ત્રિવર્ગની પરિણતિ પરમાર્થચિંતનમાં થાય છે, જેના પરિણામે સર્વ સાંસારિક બંધનોમાંથી મુક્તિ મળી શકે છે. ચોથો પુરુષાર્થ છે મોક્ષ, અર્થાત્ બંધનમાંથી છૂટવું તે. અજ્ઞાન, સુખ-દુ:ખ, પાપ-પુણ્યનો અભિનિવેશ એ સંસારનું બંધન છે. આ બધાંથી પર થઈ આત્મચિંતન અને પછી આત્મજ્ઞાન અને પરમાત્મપ્રાપ્તિ એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. જેમ વિચાર વિકસતો ગયો તેમ મોક્ષના સ્વરૂપ પ્રમાણે એના ભેદ માન્યા છે – (i) સાલોક્ય – પરમાત્માના લોકને પામવું, (ii) સારૂપ્ય એના જેવા રૂપના થવું, (iii) સાષ્ટર્ય – એની સમાન શક્તિ કે ગુણવાળા થવું, (iv) સાયુજ્ય – એની સાથે મળી જવું, (v) કૈવલ્ય – સર્વ ઉપાધિ અને પ્રકૃતિના સંસર્ગથી મુક્ત થઈ સ્વસ્વરૂપમાં રહેવું તે. પણ આ અવસ્થાના અધિકારી ખૂબ ઓછા હોય છે તેથી પુરુષાર્થની ગણનામાં ધર્મ અને મોક્ષને સાથે લઈને ‘ત્રિવર્ગ’માં સર્વનો સમાવેશ કર્યો જણાય છે.
કર્મ, પુનર્જન્મ : પ્રાણીઓનું અનેકવિધ વૈચિત્ર્ય સ્પષ્ટ નજરે ચઢે છે. મનુષ્યોની જ વાત કરીએ તોપણ અનેક કોટિનું અને તેમાં પણ ઓછાવત્તા પ્રમાણમાં વૈચિત્ર્ય દેખાય છે – કોઈ શાન્ત તો કોઈ ક્રોધી, કોઈ કર્તવ્યનિષ્ઠ તો કોઈ બેદરકાર, કોઈ બુદ્ધિશાળી તો કોઈ બુદ્ધુ, કોઈ સુખી તો કોઈ દુ:ખી, કોઈ સુરૂપ તો કોઈ કુરૂપ, કોઈ ચિરાયુ તો કોઈ અલ્પાયુ વગેરે વગેરે. આ વૈચિત્ર્યનું કારણ શું હોઈ શકે ? ઈશ્વરે પોતાની ઇચ્છાથી અને પોતાને ગમ્યું તેમ આ બધું કર્યું છે એમ માનીએ તો ઈશ્વરને પક્ષપાતી જ માત્ર નહિ, ક્રૂર પણ માનવો પડે. કારણ કે માસૂમ બાળકો અને સજ્જન માણસને જાતજાતના રોગ અને દુ:ખોના ભોગ બનતાં જોઈએ છીએ; જ્યારે આપણી કલ્પના પ્રમાણે તો ઈશ્વર ન્યાયી અને દયાળુ છે. કસોટી કરીને દોષીમાંથી દોષરહિત બનાવવા માટે ઈશ્વર આમ કરે છે એમ માનવામાં આવે તો આ કસોટી દરેકની સરખી નથી હોતી અને એમાંથી પાર ઊતરવાની શક્તિ પણ દરેકમાં સરખી નથી. અકસ્માતે આ વૈવિધ્ય થયું છે એમ માનતાં મનુષ્યની બુદ્ધિમાં જે કાર્યકારણભાવનો ખ્યાલ ઠસી ગયો છે તેનો વિરોધ થાય; તેથી હિન્દુ ચિંતકોએ એ સ્વીકાર્યું કે આ વૈચિત્ર્યનું કારણ તે તે મનુષ્યમાં, તેના કર્મમાં શોધવું રહ્યું. વાવ્યા વિના લણાય નહિ અને જેવું વાવે તેવું લણે એ ન્યાયે કર્મ એ જ સઘળા ભેદનું કારણ છે.
કર્મનો અર્થ અકારણ ભાગ્ય નહિ, પણ કરેલું કામ અને એની જવાબદારી માણસની પોતાની છે અને એ દૃષ્ટિએ માણસ જવાબદારીપૂર્વક યોગ્ય કર્મ કરવાની પ્રેરણા મેળવે છે. અત્યારે આપણે જે કર્મ કરીએ છીએ તેનું ફળ ભવિષ્યમાં મળશે અને અત્યારે જે કર્મ કરીએ છીએ તે ભૂતકાળમાં કરેલાં કર્મનું ફળ છે, પણ એનો અર્થ એ નહિ કે માણસ લાચાર થઈને કર્મની જાળમાં ફસાઈને અનિચ્છાએ પણ સારાં-નરસાં કર્મ કરે છે. એ કર્મો કરવાના સંજોગો પૂર્વે કરેલાં કર્મનું ફળ છે; પણ એ કર્મ કેવી રીતે અને કેવા ભાવથી માણસ કરે છે તે તેણે પ્રયત્નપૂર્વક મેળવેલ ચિત્તશુદ્ધિ અને સ્વસ્થતા કે અન્યથા પર આધાર રાખે છે અને અહીં માનવની સ્વતંત્રતા સ્વીકારવી શક્ય બને છે.
કર્મસિદ્ધાન્તની વિકસિત અવસ્થામાં શાસ્ત્રકારોએ કર્મોને ત્રિવિધ માન્યાં છે – સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ. સંચિત એટલે પૂર્વ જન્મોનાં અસંખ્ય સંગ્રહાયેલાં કર્મ, જેમનું ફળ મળ્યું નથી અને મળવાની શરૂઆત થઈ નથી. પ્રારબ્ધ કર્મ એટલે ગત જન્મોનાં કર્મ, જેની ફળવાની શરૂઆત થઈ ગઈ છે અને જે ભોગવવા માટે વર્તમાન શરીર પ્રાપ્ત થયું છે. ક્રિયમાણ એટલે આ જન્મમાં કરાતાં નવાં કર્મ.
કર્મના સિદ્ધાન્ત સાથે પુનર્જન્મનો સિદ્ધાન્ત સંકળાયેલો છે. પુનર્જન્મ ન માનીએ તો ‘કૃતહાનિ’ અને ‘અકૃતાભ્યાગમ’નો પ્રસંગ આવે. અત્યારે જે કર્મ કરાય છે અને ફળ તાત્કાલિક મળતું નથી તે નિષ્ફળ જાય અને કરેલાની હાનિ થાય. વળી વર્તમાન સ્થિતિ કશું કર્યા વિના પ્રાપ્ત થઈ એમ માનવું પડે. અર્થાત્ જે કર્યું નથી તેનું ફળ પ્રાપ્ત થયું છે એમ માનવું પડે. માટે વર્તમાન જીવનનાં કર્મોને ફળવા માટે ભવિષ્યનાં જન્મ અને વર્તમાન સ્થિતિનો ખુલાસો કરવા માટે ભૂતકાળનાં જન્મ માનવાં જોઈએ, એમ હિન્દુ શાસ્ત્રકારો માને છે. આ અનાદિ કાળથી ચાલ્યું આવે છે.
જીવની ત્રણ ગતિ છે – આ લોકમાં પુનર્જન્મ; પરલોકમાં સ્વર્ગ કે નરક અને ઉભયલોકથી પર એવી મુક્તિ. જેઓ આત્માના સ્વરૂપનું જ્ઞાન મેળવીને, તૃષ્ણા-અહંકાર આદિનો નાશ કરીને કે ભગવાનની ઉત્તમ ભક્તિ દ્વારા કર્મબંધનથી મુક્ત થતા નથી તેઓ પોતાનાં સારાં-ખરાબ કર્મોના પરિણામે સ્વર્ગ કે નરક પામે છે અને કર્મના પ્રમાણમાં સ્વર્ગ-નરકની સ્થિતિ ભોગવીને ફરી સંસારમાં જન્મે છે અને એ રીતે જન્મ-મરણની સાંકળ ચાલ્યાં કરે છે; પણ જેઓ પરમેશ્વરની ભક્તિ કરે છે, આત્માના સ્વરૂપનું જ્ઞાન મેળવે છે અને કર્મો પ્રત્યે કર્તૃભાવ અને આસક્તિ ત્યજી દે છે તેઓ મુક્તિ મેળવે છે.
કર્મ, પુનર્જન્મ અને મુક્તિનો સિદ્ધાન્ત ભારતના સર્વધાર્મિક સંપ્રદાયોમાં સ્વીકાર્ય બન્યો છે. (માત્ર લોકાયતિકો આત્મા, સ્વર્ગ-નરક પુનર્જન્મ અને મુક્તિમાં માનતા નથી.)
પુરાણાદિમાં પ્રતિપાદિત ધર્મ : વેદકાલમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવતી અને ચિંતકો આ દેવોનું વર્ગીકરણ પૃથ્વી, અંતરિક્ષ અને દ્યુલોક એમ ત્રણ લોકના દેવરૂપે કરતા. વળી એક તત્વને ભિન્ન ભિન્ન રૂપે જોવામાં અને ઉપાસવામાં આવે છે એવો ખ્યાલ દૃઢ થતો દેખાય છે. હિરણ્યગર્ભ, વિશ્વકર્મા, પુરુષ, પ્રજાપતિ જેવા નામથી તેની સ્તુતિ કરવામાં આવતી અને તત્વચિંતનની પરિભાષામાં તે એક પરમ તત્વ કે સત્-રૂપે સ્વીકારાયું જેમાંથી જગતની ઉત્પત્તિ થઈ અને જેનાથી દેહે દેહે વસતો આત્મા અભિન્ન છે. પુરાણોમાં પરમાત્માનાં વિવિધ સ્વરૂપ, એનો મહિમા અને તેનો પ્રત્યક્ષ અનુભવ લેવા માટે અનુકૂળ થતાં સાધનો વગેરેનું પ્રાચીન કથાઓ, સંવાદો વગેરે રૂપે રોચક વર્ણન કરાયું છે.
પરમાત્મા જગતની સૃષ્ટિ, સ્થિતિ અને લયનું કારણ છે એ વાત ઉપનિષદોમાં ભારપૂર્વક કહી છે. પુરાણોમાં આ ત્રણ ક્રિયાઓને લઈને પરમાત્માના બ્રહ્મા, વિષ્ણુ અને શિવ – એમ ત્રણ રૂપો દર્શાવ્યાં છે. પૌરાણિક સમયમાં ઉદભવેલી આ ત્રિમૂર્તિની કલ્પના પરમાત્માનું સમગ્ર સ્વરૂપ બતાવવા પર્યાપ્ત છે; તેથી હવેના હિન્દુ ધર્મમાં આ ત્રિમૂર્તિના ત્રણ દેવો સર્વ દેવોમાં મુખ્ય ગણાય છે. બ્રહ્મા શેષ-અનંતની શય્યા ઉપર સૂતેલા અને લક્ષ્મી જેમના પગ ચાંપે છે એવા વિષ્ણુની નાભિમાંથી ઉત્પન્ન થયેલ કમલ ઉપર વિરાજમાન છે અને એમના ચાર મુખમાંથી ચાર વેદ નીકળ્યા છે એવી પૌરાણિક કલ્પના છે. પરમાત્મા જગતમાં વ્યાપીને તેનું રક્ષણ-પાલન કરે છે એ રૂપે તે વિષ્ણુ કહેવાય છે અને એ પાલન માટે પરમાત્મા વખતોવખત આ જગતમાં પ્રકટ થઈ સજ્જનને મદદ કરે છે અને દુર્જનનો વિનાશ કરે છે; તેથી વિષ્ણુના વિવિધ અવતાર થયા છે એમ મનાય છે.
પરમાત્માનું ત્રીજું સ્વરૂપ ‘રુદ્ર’ કે ‘શિવ’ કહેવાય છે. તોફાની પવનમાં પ્રકટ થતી પરમાત્માની ઉગ્ર મૂર્તિને વેદમાં ‘રુદ્ર’ નામ આપવામાં આવ્યું છે અને એની અગ્નિ સાથે એકતા માનવામાં આવી છે. અગ્નિ સર્વ વસ્તુને ભસ્મસાત્ કરે છે તેથી રુદ્ર પણ પરમાત્માની સંહારની મૂર્તિ મનાય છે. અગ્નિની ઊભી જ્વાળા એ એની મૂર્તિ (શિવલિંગ) બને છે. અગ્નિની વેદિ એ એની જળાધારી, અગ્નિમાં હોમાતી ઘીની ધારા એ શિવલિંગ ઉપર થતી જળની અભિષેક-ધારા, અગ્નિની ભસ્મ તે શિવના ઉપાસકોએ ધારણ કરવાનું ચિહન, અગ્નિની શિખાની આસપાસ વીંટાતો ધૂમ તે શિવની જટા તથા અગ્નિ અને ધૂમ મળી જે નીલલોહિત (શ્યામરક્ત) વર્ણ થાય તે ઉપરથી શિવનું એક નામ ‘નીલલોહિત’ એવું પડ્યું છે. અગ્નિ એ ઘેર ઘેર વસતું પરમાત્માનું તેજ છે, ઘરનું કલ્યાણ એના ઉપર આધાર રાખે છે, તેથી એ શિવ (મંગલ) અને શંકર (સુખકર) પણ કહેવાય છે. એ જ શિવ તત્વદૃષ્ટિએ સાંખ્યના પ્રકૃતિ અને પુરુષ રૂપે બે તત્વો પૈકી પુરુષ તત્વ છે અને એ તત્વ અવિકારી હોવાથી બહુધા શિવના વિષ્ણુ જેવા અવતારો ગણાતા નથી. (જુઓ આનંદશંકર ધ્રુવ – હિન્દુ વેદ ધર્મ, પૃ. 231થી.)
બ્રહ્માની ઉપાસના હાલ ભારતમાં પ્રચલિત નથી. ( કેટલીક મૂર્તિઓ મળે છે; દા. ત., અજમેર પાસે પુષ્કર ક્ષેત્રમાં અને ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મામાં.) શિવ અને વિષ્ણુના ઉપાસકો ઘણા છે તેથી શૈવ અને વૈષ્ણવ – એવા હિન્દુ ધર્મના મુખ્ય બે પંથ છે. શૈવ ધર્મનું ચિહન ભસ્મ, રુદ્રાક્ષ અને ત્રણ રેખાનું આડું તિલક છે; જ્યારે ગોપીચંદન, તુલસીની માળા અને ઊભું તિલક એ વૈષ્ણવ પંથનાં ચિહન છે.
પંચાયતન – સ્માર્ત હિન્દુઓ શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ અને અંબિકા (માતા) – એ પાંચ દેવનાં આયતન, અર્થાત્ રહેઠાણ, સ્થાન કે મૂર્તિઓની પૂજા કરે છે. દેવ એક જ છે પણ એ પાંચ રહેઠાણમાં પ્રકટ થવાને કારણે જુદાં જુદાં નામ પામે છે; તેથી તે પંચદેવ ન કહેવાતાં ‘પંચ આયતન’ કહેવાય છે. દરેક બ્રાહ્મણે સંધ્યા-વંદનમાં બુદ્ધિના પ્રેરક પ્રકાશરૂપ સવિતા યાને સૂર્યની ઉપાસના કરવાની હોય છે. તે ઉપરાંત પરમાત્માનાં બે સ્વરૂપો – લોકરક્ષણાર્થે અવતાર ગ્રહણ કરતું એવું અર્થાત્ વિષ્ણુનું અને બીજું, મંગલ સુખકારી અર્થાત્ શિવનું – એમની પૂજા થાય છે. વળી ગણપતિ તે ‘બ્રદ્વન્’ ઉપરથી થયેલ વેદિક બ્રહ્મણસ્પતિ – વાણીના, વિદ્યાના, સર્વવિઘ્નનાશક પરમાત્મ-સ્તુતિના દેવ છે અને અંબિકા તે સાંખ્યની પ્રકૃતિ, પુરુષરૂપ શિવની સહધર્મચારિણી છે. એ જ વેદાન્તની માયા, જગન્માતા-શક્તિ છે, સંહારકર્ત્રી મહાકાલીરૂપ પણ એ જ છે અને સંસારમાંથી મુક્તિ અપાવનાર વિદ્યાશક્તિ પણ એ જ છે. એ જ પ્રકૃતિને વિષ્ણુની પત્ની લક્ષ્મી રૂપે અને બ્રહ્માની પત્ની સરસ્વતી રૂપે પુરાણો આલેખે છે. આમ પરમાત્માની મહાશક્તિ મહાકાલી–મહાલક્ષ્મી–મહાસરસ્વતી રૂપે પૂજાય છે.
અવતાર : વિષ્ણુ જગતનું પાલન કરે છે અને તેથી જગતના રક્ષણ માટે જગતમાં અવતરી જુદાં જુદાં કાર્યો તેમણે કરવાનાં હોય છે. આ ઊતરવું કે અવતરવું એટલે તે કોઈ અન્ય સ્થળેથી હઠી નીચે આવે છે એવું નથી; પણ વિષ્ણુ પોતાનાં અનંત સ્વરૂપોની કલાઓ કે વિભૂતિઓ પ્રાણીઓને અનુભવગોચર કરાવે છે. તેમનું નામ અવતાર છે, નાનાં નાનાં વિવિધ રૂપો પરમાત્મા ધારણ કરે તે ‘વિભૂતિ’ અને મુખ્ય વિભૂતિ તે અવતાર.
વિષ્ણુના દસ અવતાર અને બીજી વિસ્તૃત નામાવલિ પ્રમાણે ચોવીસ અવતાર ગણાવવામાં આવે છે. વિષ્ણુના ચોવીસ અવતારનાં નામ નીચે આપ્યાં છે. તેમાંથી મુખ્ય દસ અવતારનાં નામ આગળ તારક ચિહન () મૂક્યું છે :
(1) સનકાદિક (સનક, સનન્દન, સનાતન અને સનત) કુમાર – અખંડિત બ્રહ્મચર્ય પાળી પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર.
(2) વરાહ – પૃથ્વીનો રસાતળમાંથી ઉદ્ધાર કરનાર યજ્ઞેશ્વર ભગવાન સૂર્ય.
(3) નારદ – ભાગવત ધર્મ ભક્તિમાર્ગ – નો ઉપદેશ કરનાર દેવર્ષિ.
(4) નર–નારાયણ – જીવાત્મા અને પરમાત્મારૂપી બે સખા; ભાગવત ધર્મ પ્રવર્તાવનાર અને જનકલ્યાણ માટે નિરંતર તપ કરનાર બે ઋષિઓ.
(5) કપિલ – આદિ વિદ્વાન, તત્વજ્ઞાની સિદ્ધ મુનિ. સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરનાર.
(6) દત્તાત્રેય – ત્રિમૂર્તિરૂપ ભગવાનનો અવતાર, જેમણે મહારાજા અલર્ક તથા પ્રહલાદને આત્મવિદ્યાનો ઉપદેશ આપ્યો.
(7) યજ્ઞ – આકૂતિ(હૃદયની વૃત્તિ)ને વિશે રુચિ(ભગવાન પ્રત્યે પ્રેમરૂપ પ્રજાપતિ)થી અવતરેલા, જેમણે સ્વયંભુવ મન્વન્તરનું પાલન કર્યું.
(8) ઋષભદેવ – આદ્ય જૈન તીર્થંકર, પરમહંસમાર્ગના પ્રણેતા.
(9) પૃથુ – ‘આદિરાજ’; જેમણે પૃથ્વી સપાટ અને વસવા યોગ્ય કરી તથા પૃથ્વીમાંથી અનાજ, ખનિજ વગેરે મનુષ્યોપયોગી પદાર્થો ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું તથા રાજાના ધર્મો પોતાના દૃષ્ટાંતથી બતાવ્યા.
(10) મત્સ્યાવતાર – જલપ્રલય વખતે વૈવસ્વત મનુની રક્ષા કરી, અજ્ઞાનના સમુદ્રમાંથી એકાદ ભવ્ય જીવને બચાવી જ્ઞાન અને ધર્મનું રાજ્ય જગતમાં સ્થિર કરનાર. મત્સ્ય જળની બહાર દેખાતો નથી પણ જળની અંદર હોય છે, તેમ પરમાત્મા આ વિશ્વમાં દેખાતો ન હોવા છતાં પણ અંદર રહેલો છે. (‘શતપથ બ્રાહ્મણ’માં મત્સ્યની કથા છે; બૅબિલૉન વગેરેનાં ધર્મપુસ્તકોમાં પણ આવા જલપ્રલયની કથા છે.)
(11) કૂર્માવતાર – સમુદ્રમંથન વખતે મંદરાચલ ધારણ કર્યો. પરમાત્માનું સૃષ્ટિ-પ્રલયરૂપ સંકોચ-વિકાસ પામતું સ્વરૂપ.
(12) ધન્વંતરિ – જગત માટે અમૃતકળશ લઈ પ્રકટ થયેલા વૈદ્ય.
(13) મોહિની – દાનવોને મોહમાં નાખનાર અને અમૃતપાનમાંથી ચુકાવનાર ભગવાનનું સ્વરૂપ.
(14) નૃસિંહાવતાર – પ્રહલાદનું રક્ષણ કર્યું, હિરણ્યકશિપુને માર્યો અને ભક્તના રક્ષણાર્થે ભગવાને ધારણ કરેલું વિકરાળ સ્વરૂપ.
(15) વામનાવતાર – દૈત્યરાજ બલિ પાસે ત્રણ પગલાં પૃથ્વી માગી; વામન-સ્વરૂપ વિસ્તારીને વિરાટ સ્વરૂપ ધારણ કરતાં ત્રૈલોક્ય પણ એના પગલાં મૂકવા માટે પૂરતું ન થયું.
(16) પરશુરામ – અભિમાની અને દુરાચારી મદોન્મત્ત ક્ષત્રિયોનો નાશ કરનાર બ્રાહ્મણ.
(17) વેદવ્યાસ – વેદની સંહિતાઓ ગોઠવી તેમના વ્યવસ્થિત વિભાગ કર્યા.
(18) રામ – પિતાની આજ્ઞા પાળી વનવાસ કર્યો, રાવણને માર્યો અને સીતાને પાછાં લાવ્યા; પિતૃભક્ત, રાજ્યધર્મ અને એકપત્નીવ્રતનો આદર્શ પૂરો પાડનાર. તત્વજ્ઞાનની દૃષ્ટિએ પ્રાણીમાત્રના અંતરમાં રમતા પરમાત્મા.
(19) બલરામ – ‘સંકર્ષણ’, મોહમયી મદિરા પીને ઉન્મત્ત બનેલો, પણ દૈવી અંશવાળો જીવ.
(20) કૃષ્ણ – પરમાત્માનું સંસારના અન્તર્યામીરૂપ સ્વરૂપ; પ્રેમ-લક્ષણા ભક્તિ અને કર્મયોગના ઉપદેષ્ટા, નર –અર્જુન–જીવાત્માના સખા–સારથિ–નારાયણ. કૃષ્ણાવતારમાં ગોકુલના કૃષ્ણ અને ભારતયુદ્ધના કૃષ્ણ – એ બે ભાવનાઓ એકઠી થઈ છે. ગોકુલમથુરાના કૃષ્ણ તે ‘ગોપકૃષ્ણ અને ભારતયુદ્ધના કૃષ્ણ તે અર્જુનના સખા કૃષ્ણ. પરમાત્મા-સંબંધી આ બે ભાવનાઓનું ઉદગમ-સ્થાન ઋગ્વેદ-સંહિતામાં જોઈ શકાય. ત્યાં આદિત્ય(વિષ્ણુ)ને ‘ગોપ’ વિશેષણ લગાડ્યું છે અને જીવાત્મા અને પરમાત્માને બે ‘સખા’ (જોડિયા) કહ્યા છે. એ જ ‘નર’ અને ‘નારાયણ’ અને એના અવતાર અર્જુન અને કૃષ્ણ.
(21) બુદ્ધ – નિર્વાણ કે પરમ શાંતિનો ઉપદેશ કરનાર; બૌદ્ધ ધર્મના પ્રવર્તક.
(22) કલ્કિ – કલિનો નાશ કરી, સત્યયુગ ફરી પ્રવર્તાવનાર, હવે પછી થવાનો ભગવાનનો અવતાર; ધર્મનો જ જય સિદ્ધ કરનાર પરમાત્માનું સ્વરૂપ; સત્ય, ન્યાય અને ધર્મના વિજયની મનુષ્યે બાંધેલી આશાની ભાવના.
(23) ધર્મ – વિશ્વને ધારણ કરતા પરમાત્માના નૈતિક અને ધાર્મિક નિયમોનું સ્વરૂપ.
(24) મનુ – એ નિયમોના સંસ્થાપક અને વ્યવસ્થાપક રાજાનું સ્વરૂપ.
ભગવદગીતા 4.6–9માં શ્રીકૃષ્ણે ‘અવતાર’નું રહસ્ય સમજાવ્યું છે. જ્યારે જ્યારે જગતમાં ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ પ્રસરે છે ત્યારે ભગવાન અજર, અક્ષર અને સૌનો ઈશ્વર હોવા છતાં પોતાની માયાથી દેહ ધારણ કરે છે – સંતોના રક્ષણ માટે અને પાપીઓના નાશ માટે, ધર્મની સ્થાપનાર્થે ભગવાન યુગે યુગે જન્મ ધારણ કરે છે. યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ જેવા સેમિટિક પ્રજાના ધર્મોમાં એકેશ્વરવાદી અને નૈતિક, ન્યાય, દયાળુ ઈશ્વરની માન્યતા છે, પણ ઈશ્વર પોતે જ જગતમાં મનુષ્ય રૂપે અવતરે છે કે દેહ ધારણ કરે છે એવી માન્યતા નથી, જરૂર જણાય ત્યારે ઈશ્વર પોતાના દૂતોને, ફરિશ્તાઓને, પયગંબરોને છેવટે પોતાના વહાલા પુત્રને ઉદ્ધાર માટે મોકલે છે, પણ પોતે તો પર તત્વ તરીકે મનુષ્યોથી પર જ રહે છે. જ્યારે હિન્દુ ધર્મમાં પૂર્ણ પ્રેમસ્વરૂપ ઈશ્વર પ્રાકૃત શરીર ધારણ કરીને ભક્તોનું રક્ષણ, પોષણ, લાલન-પાલન કરે છે અને અધર્મનો નાશ કરી સદાચારરૂપ ધર્મ તથા ભક્તિની સંસ્થાપના કરે છે એવી માન્યતા છે.
ભગવત્પ્રાપ્તિનાં સાધન : ભગવદગીતામાં ભગવત્પ્રાપ્તિનાં ત્રણ યોગ (સાધનામાર્ગ) જુદા જુદા સાધકોની યોગ્યતા અને રુચિને અનુલક્ષીને બતાવ્યા છે – કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. સારાં-ખરાબ કર્મોને લઈને પુણ્ય કે પાપ થાય છે અને તેમનાં ફળ ભોગવવા માટે વારંવાર જન્મ લેવો પડે છે; પણ પ્રાણીમાત્રની પ્રકૃતિ જ એવી છે કે કર્મ કર્યા વિના ચાલે નહિ. તો પછી એમાંથી મુક્તિ કેવી રીતે મળે ? શ્રીકૃષ્ણે ભગવદગીતામાં નિષ્કામ કર્મ દ્વારા ભગવત્પ્રાપ્તિની વાત કરી છે. જો સ્વાર્થ છોડી, ફળની આશા રાખ્યા વિના, જીવનમાં જે કરવાના સંજોગો ઊભા થાય તે કર્તૃત્વનો ભાવ છોડીને કરવામાં આવે તો એ બંધનકારક બનતા નથી, પણ એ માટે અહંતા–મમતાનો ત્યાગ જરૂરી છે. આ કર્મ મેં કર્યું અને એનું ફળ મને જ મળવું જોઈએ એ અહંકાર અને તૃષ્ણા છૂટી જાય અને એ સમજાય કે કર્મ કરવું એ પ્રકૃતિનો સ્વભાવ છે, આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી તો એ કર્મ બંધનકારક નથી બનતાં અને સંસારને બાંધતાં નથી.
જ્ઞાનયોગની સાધના ધીમી અને ખૂબ ધીરજ માગી લે એવી છે. નિષ્કામ ભાવે કરેલાં કર્મોથી ચિત્તશુદ્ધિ કરવી અને નિત્ય-અનિત્ય વસ્તુનો વિવેક, વૈરાગ્ય (ઇહલોક કે પરલોકના વિષય-ભોગની ઇચ્છાનો અભાવ), શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન તથા મોક્ષપ્રાપ્તિનો દૃઢ સંકલ્પ કેળવવાં – એ અનિવાર્ય છે, તો જ બ્રહ્મજ્ઞાનનો અધિકાર પ્રાપ્ત થાય. આ થતાં શ્રોત્રિય (વેદો અને શાસ્ત્રોના અભ્યાસી) અને બ્રહ્મનિષ્ઠ ગુરુના માર્ગદર્શન હેઠળ, આત્મા-પરમાત્માના જ્ઞાનનું શ્રવણ–મનન–નિદિધ્યાસન કરતાં કરતાં એટલી દૃષ્ટિ ઊઘડી જાય કે આત્મતત્વનો સાક્ષાત્કાર થાય. આ જ્ઞાનરૂપી અગ્નિ બધાં કર્મોને બાળી નાખે છે.
ભક્તિમાર્ગ એ રાજમાર્ગ છે, જે સર્વને માટે સુલભ છે. એના અધિકારી થવા માટે સાધકે શ્રદ્ધાળુ, સદાચારી, અહંતા –મમતારહિત સદા સંતોષી અને ઈશ્વરને સમર્પિત હોવું અનિવાર્ય છે. આવો સાધક ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. પરમેશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિશાળી, સર્વસદગુણસંપન્ન, વિભુ વગેરે તો છે જ પણ ભક્તવત્સલ છે અને જો કોઈ નૈતિક શુદ્ધિ અને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક ઈશ્વરને સમર્પિત થઈ જાય તો ભગવાન તેનું યોગક્ષેમ સંભાળી લે છે અને તેને કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. કર્મ, જ્ઞાન કે ભક્તિમાર્ગ કોઈ એકાંગી નથી, કર્મયોગમાં જ્ઞાન અને ભક્તિનો ટેકો હોય છે, પણ કર્મ પર મદાર છે એવું જ જ્ઞાનયોગ અને ભક્તિયોગનું સમજવું.
હિન્દુ દર્શનો(ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, બહ્મમીમાંસા કે વેદાંત)માં જ્ઞાનનું ઘણું મહત્વ સ્વીકારાયું છે. વેદાંતમાં શંકરાચાર્ય જ્ઞાનથી જ મુક્તિ માને છે, તેની પહેલાં ચિત્તશુદ્ધિ અને એકાગ્રતાને માટે કર્મ અને ઉપાસના ઉપયોગી છે, પણ મુક્તિ તો જ્ઞાનથી જ મળે છે. વળી કર્મ અને ભક્તિ દ્વૈત ઉપર આધારિત છે તેથી એટલે અંશે એ ઉપયોગી હોવા છતાં અવિદ્યાના ક્ષેત્રમાં છે અને મોક્ષપ્રાપ્તિના સીધા માર્ગમાં તેમનું સ્થાન ન હોઈ શકે. ભાસ્કરાચાર્ય કર્મ અને જ્ઞાન ઠેઠ સુધી ઉપયોગી છે એમ માને છે. રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય વગેરે આચાર્યો કર્મ અને જ્ઞાનને ગૌણ ગણી ભક્તિને જ મોક્ષનું સાધન માને છે.
ભક્તિ એટલે પરમેશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા અને સ્નેહ અને તેને સમર્પણ. ભક્તિનાં તત્વો તો વૈદિક સંહિતાનાં સૂક્તોમાં પણ છે. તે તે દેવને પિતા કે સખા કે પરમ પાલક માનીને પોતાનું ભલું કરવાની વિનંતિ કરવામાં આવે છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણને પિતા, સખા વગેરે માન્યા છે અને શ્રીકૃષ્ણની ઇચ્છા પ્રમાણે જ અર્જુન કરવાનું કબૂલે છે. સામે શ્રીકૃષ્ણ અર્જુનને જે કરવું હોય તે કરવાની છૂટ આપે છે, પણ આ ભક્તિ-પ્રકારમાં પૂજા કે દાસ્ય-ભાવ વગેરે ઘટકો નથી. જ્યારે જે ભાગવત સંપ્રદાયમાં ભક્તિનો પ્રકાર છે તેમાં જુદી જ ભાવના નજરે ચઢે છે, તેથી ઘણા વિદ્વાનો માને છે કે વૈષ્ણવ અને શૈવ ધર્મના વિકાસમાં આર્યેતર સંસ્કૃતિનો પ્રભાવ વિશેષ છે.
ભક્તિ પ્રાચીન કાલથી ચાલી આવતી હતી પણ તેની પહેલવહેલી વ્યવસ્થા મરીચિ આદિ અને નારદ, શાંડિલ્ય વગેરે મુનિઓએ કરી છે. પરંપરાથી ચાલતા એ ધર્મ સાત્વત ક્ષત્રિયોને મળ્યો, તેથી સાત્વત ધર્મ પણ કહેવાય છે. ભાગવત મતમાં ‘ભગ’ એટલે જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ અને તેજ એ છ ગુણ અને એ છ ગુણવાળો પરમાત્મા તે ‘ભગવાન’. ભગવાનના થઈને રહે તે ‘ભાગવત’ – ભક્ત અને તેઓનો મત તે ‘ભાગવત મત’. આ મતમાં ભક્તિને પરમાત્માને પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન માનવામાં આવે છે. સર્વ ભૂતમાં (પ્રાણીમાત્રમાં) જે ભગવાનનું સ્વરૂપ જુએ છે અને ભગવાનમાં જે ભૂતમાત્રને જુએ છે એ ઉત્તમ ભાગવત.
ઈશ્વર, ઈશ્વરને અધીન ભક્તો, અજ્ઞાનીઓ અને શત્રુઓ પ્રત્યે (ક્રમવાર) પ્રેમ, મૈત્રી, દયા અને ઉપેક્ષાની ભાવના રાખે છે તે મધ્યમ ભાગવત અને જે શ્રદ્ધાપૂર્વક માત્ર મૂર્તિમાં જ ભગવાનની પૂજા કરે છે, એના ભક્તોમાં નહિ કે અન્ય પ્રાણીમાત્રમાં પણ નહિ – એ પ્રાકૃત (સાધારણ, કનિષ્ઠ) ભાગવત ગણાય છે. ભગવાનના ભક્તો સંસારનાં દુ:ખોને પણ ગણકારતા નથી, ઊલટું, એ એમને વહાલાં લાગે છે, કારણ કે એથી ભગવાનનું સ્મરણ થાય છે. વિદ્વત્તા કરતાં પણ દીન-દુખિયાની સેવા એ ચઢિયાતી છે. ભક્તિધર્મમાં યજ્ઞની હિંસાનો નિષેધ છે. ભગવતસ્મરણથી સૌ કોઈ ભેદભાવ વિના પવિત્ર થાય છે. આવા ભક્તો મોક્ષની પણ ઇચ્છા રાખતા નથી. ભગવાનની ભક્તિ એ જ તેમને માટે સાધન તેમજ સાધ્ય છે.
ભાગવત પુરાણમાં (7.5.23) ભક્તિને નવધા કહી છે – ભગવાનની કથાઓનું શ્રવણ, કીર્તન અને સ્મરણ, ભગવાનનું પાદસેવન, અર્ચન અને વંદન તેમજ ભગવાન પ્રત્યે દાસ્યભાવ, સખ્યભાવ અને આત્મનિવેદનનો ભાવ – આ નવ પ્રકારોમાં પહેલા છ પ્રકારની ભક્તિ બાહ્ય ક્રિયાઓ સાથે સંબંધિત છે. આવી સાધનરૂપ ભક્તિને વૈધી કે ગૌણી ભક્તિ કહે છે. ગૌણી ભક્તિના ત્રણ પ્રકાર માન્યા છે – તામસી, રાજસી અને સાત્વિકી. જે માણસ હિંસા, દંભ, મત્સર અને ક્રોધથી પ્રેરિત સંકલ્પો સાથે ભક્તિ કરે છે તેની ભક્તિ તામસી છે. જે માણસ અમુક વિષય, યશ કે ઐશ્વર્યની લાલચથી ભક્તિ કરે છે એની ભક્તિ રાજસી છે અને જે માણસ સર્વ કર્મ ભગવાનને અર્પણ કરીને ભક્તિભાવનાના ઉદયને માટે ભક્તિ કરે છે તેની ભક્તિ સાત્વિકી છે. સાત્વિકી ભક્તિ અને સત્સંગથી ભક્તમાં ભગવાન પ્રત્યે દાસ્યભાવ, સખ્યભાવ અને આત્મનિવેદનનો ભાવ ઉદય પામે છે અને એ રીતે તે અનન્ય કે એકાંતિક ભક્તની સ્થિતિએ પહોંચે છે અને ભક્તિયોગ સિદ્ધ કરે છે.
આ ભાગવત મતમાં પરમાત્માનાં પાંચ સ્વરૂપ માન્યાં છે – પર, વ્યૂહ, વિભવ, અન્તર્યામી અને અર્ચા. ‘પર’ એ વૈકુંઠમાં બિરાજનાર નારાયણ પોતે. વાસુદેવ (પરમાત્મા), સંકર્ષણ (જીવ), પ્રદ્યુમ્ન (મન) અને અનિરુદ્ધ (અહંકાર) એ એના ચાર ‘વ્યૂહ’ (ગોઠવાયેલા પ્રકાર) છે. રામ, કૃષ્ણ વગેરે અવતાર તે ‘વિભવ’. વિશ્વને અંદર રહી પ્રેરતો, નિયમન કરતો અને જીવાત્માના અંતરમાં મિત્રભાવે વસતો તે ‘અન્તર્યામી’ અને મૂર્તિ તે ‘અર્ચા’.
પરમાત્માને પ્રાપ્ત કરવાનું સાધન જે ભક્તિ તે દ્વિવિધ છે. એક તો સાધારણ રીતે જે ભક્તિ કહેવાય તે અર્થાત્ પરમાત્માની ઉપર પ્રેમ અને શ્રદ્ધા અને બીજો પ્રકાર તે ‘પ્રપત્તિ’ એટલે કે શરણે જવું. ભક્ત પરમાત્માને શરણે જાય છે એટલે પરમાત્મા એની મેળે એનો ઉદ્ધાર કરે છે, ભક્તને પોતાને કંઈ કરવાનું રહેતું નથી (– જેમ બિલાડી પોતાના બચ્ચાને પકડીને સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે, બચ્ચાએ કાંઈ કરવાનું હોતું નથી તે જ – માર્જાર ન્યાય, રામાનુજના પંથની તેંગલાઈ શાખાનો આ મત છે.). બીજો મત એવો છે કે જેમ વાંદરીનું બચ્ચું એની માને પેટે વળગીને એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર જાય છે તેમાં બચ્ચાએ માત્ર વળગી રહેવા પૂરતો જ શ્રમ કરવાનો રહે છે, તેમ પ્રપન્ન ભક્તે પ્રભુને માત્ર વળગી રહેવાનું જ છે. (મર્કટ ન્યાય–રામાનુજ પંથમાં વડ્ગલાઈ શાખાનો આ મત છે.) પ્રભુ પોતાના પ્રપન્ન ભક્તનો પ્રેમથી સર્વ વાતે નિર્વાહ કરે છે.
જેવો ભક્તિનો એક ભાગવત (વૈષ્ણવ) સંપ્રદાય છે, તેવો જ બીજો શૈવ સંપ્રદાય છે, જેમાં શિવને મહેશ્વર, પશુપતિ વગેરે નામથી ભજવામાં આવે છે. ‘પશુ’ અર્થાત્ અજ્ઞાન જીવ, તેનો પતિ તે ‘પશુપતિ’ – પરમાત્મા જીવ ઉપર કરુણા લાવી જીવને આ સંસારરૂપી પાશમાંથી છોડાવે છે એમ આ સંપ્રદાયનો સિદ્ધાંત છે. એવો જ દેવી સંપ્રદાય છે. શક્તિ સંપ્રદાયમાં દેવીને ‘અષ્ટભુજા’ કલ્પી છે. શબ ઉપર ઊભેલી કે સિંહ કે વાઘ ઉપર બિરાજેલી દેવીમાં અસુર પ્રકારની મનુષ્યતાને મારી એના ઉપર રાચતી, મનુષ્યની ઉગ્ર પશુતાને વશ કરી એની ઉપર વિરાજતી દૈવી સંપત્તિનું દર્શન થાય છે.
હિન્દુ ધર્મમાં ભક્તિભાવનાની અભિવ્યક્તિ કથાકીર્તન દ્વારા, મૂર્તિપૂજા અને પ્રાર્થના દ્વારા તેમજ વ્રતો અને ઉત્સવો દ્વારા કરવામાં આવે છે. મૂર્તિપૂજા ચિત્તની એકાગ્રતાને માટે અને ભક્તિભાવ કેળવવા માટે છે. ભગવાનની માનસી પૂજા – ભગવાનની મૂર્તિને માનસિક રીતે ધારીને તેની એ જ રીતે પૂજા કરવાની વિધિ – પણ થઈ શકે છે અને એનો મહિમા વિશેષ છે, કારણ કે તેમાં સધાતી એકાગ્રતાને લીધે ભક્તિભાવ વધારે ગાઢ બની શકે છે. વર્ષના અમુક દિવસોએ રોજના વ્યવહારમાં રજા પાડીને આહાર લીધા વિના કે ફલાહારી રહીને ધ્યાન–ભજન–આત્મનિરીક્ષણ કરવાનું હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે – ગોકુલાષ્ટમી, રામનવમી, મહિનાની બે એકાદશી અને શિવરાત્રી આવાં વ્રતો કરવા માટેના વિશેષ જાણીતા દિવસો છે. વ્રતની સાધના વ્યક્તિગત રીતે તેમજ સામુદાયિક રીતે મંદિરમાં ઉત્સવોમાં ભાગ લઈને કરી શકાય છે.
વૈદિક સંહિતાઓમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ વગેરે દેવોની સ્તુતિ છે, જેમાં કેટલાક તો અશ્વિની જેવા વૈદ્યો છે અને ઋભુ કુશળ કારીગર. તેમની કુશળતા વગેરે જોઈને તેમને દેવતા તરીકેનું સ્થાન મળ્યું હોય એ શક્ય છે અથવા જો एकं सद्विप्रा बहुधा वदन्ति – નો સિદ્ધાંત સ્વીકારીએ તો એક પરમ તત્વની જુદી જુદી વિભૂતિઓ તરીકે તેમની સ્તુતિ કરવામાં આવે છે. ઉપનિષત્કાલ સુધીમાં તો એકેશ્વરવાદની ચોક્કસપણે સ્થાપના થઈ ગઈ હતી અને તે પરમ તત્વને માટે ‘બ્રહ્મન્’ કે ‘આત્મન્’ કે ‘સત્’ પદ પ્રયોજાતું થઈ ગયું હતું. વળી એ પરમ તત્વનું સગુણ તેમજ નિર્ગુણ તરીકે પ્રતિપાદન મળે છે. પરમાત્મા સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વસદગુણસંપન્ન, સર્વનિયન્તા, અજર, અમર, અવ્યય, સર્વવ્યાપક છે; બધું તેમાંથી ઉદભવ્યું છે, તેને લઈને ટકે છે અને પ્રલય થતાં તેમાં લય પામશે, છતાં તે સર્વથી પર પણ છે અને આ પર તત્વને ઉપાસના અને જ્ઞાનથી પ્રાપ્ત કરવાનું છે. પિતૃયાણ અને દેવયાન – એ બે માર્ગનું પ્રતિપાદન છે. પિતૃયાણ માર્ગ ધૂમમાર્ગ કહેવાય છે, કારણ કે તે યજ્ઞયાગનો માર્ગ છે અને ચંદ્રલોકમાં જાય છે. ત્યાં કર્મોનું ફળ ભોગવીને, પુણ્ય ક્ષીણ થતાં પૃથ્વી પર ફરી જન્મ લેવાનો હોય છે. દેવયાન ‘અર્ચિર્માર્ગ’ અર્થાત્ પ્રકાશનો માર્ગ કહેવાય છે કારણ કે તે જ્ઞાનનો માર્ગ છે અને બ્રહ્મલોકમાં જાય છે. ત્યાંથી ફરી જન્મ લેવાનો હોતો નથી અને ત્યાંના અધિષ્ઠાતા દેવની સાથે પૂર્ણ વૈભવનો અનુભવ કરવાનો હોય છે. (જોકે શંકરાચાર્ય પોતાનાં ભાષ્યોમાં એવો મત વ્યક્ત કરે છે કે દેવયાન-માર્ગે ગતિ કરવાની હોય છે તેથી હજુ અવિદ્યાનો પૂરેપૂરો નાશ થયો નથી અને બ્રહ્મલોકમાં વૈભવ ભોગવ્યા પછી પ્રલય થતાં બ્રહ્મલોક અને તેના અધિષ્ઠાતા દેવ સાથે બધું બ્રહ્મમાં લય પામે છે અને ફરી સૃષ્ટિ થાય ત્યારે આ જીવને જન્મ લેવાનો થતો નથી.) નિર્ગુણ બ્રહ્મનો ખ્યાલ ઉપનિષદના કેટલાક આચાર્યોએ આપ્યો છે તે સત્-ચિત-આનંદસ્વરૂપ છે; રૂપ, રસ આદિ વિનાનો છે. વાણી તેનું વર્ણન કરી નથી શકતી, મનથી તેનો વિચાર કે કલ્પના કરી શકાતી નથી, તે કોઈ ઇન્દ્રિયનો વિષય નથી; ઊલટું દેહ, ઇન્દ્રિય, મન વગેરે તેને લઈને પોતપોતાનું કામ કરી શકે છે. છેલ્લે એમ જ કહેવું પડે કે नेति नेति — આ નહિ, આ નહિ અર્થાત્ વ્યવહારની કોઈ પરિભાષાથી તેનું પ્રતિપાદન થઈ શકે નહિ, તેમ છતાં એ જે છે તે છે અને બધું તેને લઈને છે. આત્મા અને પરમાત્મા અભિન્ન છે અને જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે તેને ફરી જન્મ-મરણ નથી, તેને જન્મજન્માન્તરનો ફેરો નથી. શંકરાચાર્ય આને માટે કહે છે કે આત્મા બ્રહ્મરૂપ છે જ, તે પોતાને ઓળખે એટલે તત્કાલ એ બને છે કે સ્વસ્વરૂપમાં રહે છે, પછી કોઈ માર્ગે ક્યાંય જવાનું હોતું નથી.
ભગવદગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ – એ ત્રણેય મુક્તિના માર્ગોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, પણ ભક્તિમાર્ગને રાજમાર્ગ કહ્યો છે; કારણ કે એ બધાંને સુલભ છે. શુદ્ધ, સરળ, પવિત્ર અને રસતરબોળ ચિત્તવાળો ભક્ત જેને પરમેશ્વર કે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા છે અને જે તેને સમર્પિત છે તે આ માર્ગનો અધિકારી છે. ભગવાન તેની જવાબદારી લઈ લે છે, તેને જ્ઞાન આપે છે; જેથી એ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. અક્ષરબ્રહ્મનના જ્ઞાન કરતાં પુરુષોત્તમની ભક્તિ આ રીતે વધારે સરળ અને સીધી છે, જો ભક્ત એનો અધિકારી બને તો.
ઋગ્વેદ 10.82. 5.6માં એવી કલ્પના છે કે જે દ્યુ, પૃથ્વી, દેવો અને અસુરોથી પર છે તેને આપો દેવીઓએ ગર્ભ રૂપે ધારણ કર્યો. મનુસ્મૃતિમાં નારા નામનું જલ અને તેમાં સૂતેલા અજ એટલે નારાયણ એવી કથા છે. આ ઋગ્વેદના અજ નારાયણમાં સર્વ દેવોનો અને સર્વ નરોનો લય છે એવી ભાવના બ્રાહ્મણોમાં અને આરણ્યકોમાં ખીલવા લાગી અને તે નારાયણ એ જ પરમાત્મા, એ જ પરબ્રહ્મ, પરમેશ્વર એવી એકવાક્યતા જે શાસ્ત્રમાં થઈ તેને ‘એકાયન’ એવી સંજ્ઞા મળી. મહાભારતમાં નારાયણીય આખ્યાન શાંતિપર્વમાં આવે છે, જે પરથી એમ સમજાય છે કે એકાયન માર્ગના ઉપાસકોને ભાગવત કહેવામાં આવતા અને તેઓ વાસુદેવ નામના દેવના ઉપાસકો હતા. તે ધર્મ ભારતવર્ષમાં શ્વેતદીપમાંથી દૈવીપુરુષ ઉપરિચર વસુ મારફત પ્રવેશ પામ્યો. આ આખ્યાનમાંથી સમજાય છે કે ઉપરિચરવસુના યજ્ઞ પ્રસંગે પશુવધ કરવામાં આવ્યો ન હતો અને યજ્ઞવિધિ માનસયાગના વિધિ પ્રમાણે થયો હતો. મુખ્ય દેવ હરિ અથવા વિષ્ણુ હતા. આ દેવતાનું દર્શન ભક્તિ વડે જ થાય છે, બીજા ઉપાયથી નહિ.
વેદકાલીન નારાયણદેવ વસુરાજાના ઇષ્ટ હોવાથી વાસુદેવ થયા અને તે દેવતાનું પૂજન સાત્વત અથવા વૃષ્ણિ અથવા યાદવકુલના રાજાઓનો કુલધર્મ હતો અને તે ધર્મનું કૃષ્ણાવતારી વાસુદેવે પાલન કર્યું અને તેનો પ્રચાર કર્યો તેથી ભાગવત સંપ્રદાય સાત્વત તંત્ર કહેવાયો. વૈદિક વિષ્ણુ, આરણ્યક કાળના નારાયણ, હરિવંશના વાસુદેવ અને આભીર જાતિના બાલગોપાલ – આ સર્વ દેવતાઓ શ્રીકૃષ્ણ વાસુદેવ નામની વ્યક્તિમાં અભેદભાવ પામ્યા અને તેથી સર્વ વૈષ્ણવ સંપ્રદાયોમાં શ્રીકૃષ્ણ પ્રધાન પૂજ્યમૂર્તિ મનાવા લાગી. આ પ્રમાણે ભાગવત સંપ્રદાયમાં વિષ્ણુ વાસુદેવ, નારાયણ વાસુદેવ, કૃષ્ણ વાસુદેવ અને બાલગોપાળ કૃષ્ણ – એવી ચાર દૈવત ભાવનાએ પ્રવેશ કર્યો છે. પ્રસ્થાનત્રયી (ઉપનિષદ, ભગવદગીતા અને બ્રહ્મસૂત્ર) પર ભાષ્યો લખનાર શંકરાચાર્યના કેવલાદ્વૈતમાં (અપરજ્ઞાનની દૃષ્ટિએ) વિષ્ણુ વાસુદેવની ભાવના સ્વીકૃત છે. નારાયણ વાસુદેવની ભાવના રામાનુજાચાર્યના શ્રીસંપ્રદાયમાં વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત રૂપે પ્રવેશ પામી છે, કૃષ્ણ વાસુદેવની ભાવના નિમ્બાર્કાચાર્ય અને મધ્વાચાર્ય આદિના મતમાં છે અને બાલગોપાળ કૃષ્ણની ભાવના વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈતમાં છે.
મહાભારતના નારાયણીય આખ્યાનમાં પાંચરાત્ર સિદ્ધાંતનું જૂનામાં જૂનું રૂપ હાલ ઉપલબ્ધ છે; પરંતુ આ શાસ્ત્રની પરંપરાગત 108 સંહિતાઓ છે ઈશ્વરસંહિતા, ભારદ્વાજસંહિતા, અહિર્બુધ્ન્ય-સંહિતા, સાત્વતસંહિતા, શ્રીપ્રશ્નસંહિતા વગેરે.
મૂળ એકાયન વેદનું રહસ્ય આમ્નાય શાંડિલ્ય, ઔપગાયન, મૌંજ્યાયન, કૌશિક અને ભારદ્વાજ – એ પાંચ યોગીશ્વરો પાંચ અહોરાત્રમાં ભગવાન નારાયણ પાસે શીખ્યા; તેથી આ શાસ્ત્રને પાંચરાત્ર કહે છે. વળી પાંચ સિદ્ધાંતો – તત્વને લગતા, મુક્તિને લગતા, ભક્તિને લગતા, યોગને લગતા અને વૈશેષિક એટલે પ્રત્યક્ષ વિષયોને લગતા – તેમાં ચર્ચવામાં આવ્યા છે તેથી આ શાસ્ત્રને પાંચરાત્ર કહે છે. રાત્રિનો વાચક ‘રાત્ર’ શબ્દ તે પાંચ વિષયોના સિદ્ધાંતને પ્રતિપાદન કરનાર શાસ્ત્રને માટે લક્ષણાથી પ્રયોજાયો છે એમ જણાય છે. કેટલાકનું માનવું છે કે વૈદિક પાંચરાત્ર સત્ર એટલે પાંચ દિવસ ચાલનારો પુરુષનારાયણનો યજ્ઞ હતો. તે યજ્ઞદેવતા નારાયણનાં પાંચ રૂપો – પરવાસુદેવ, વ્યૂહદેવતા, વિભવદેવતા, અંતર્યામી દેવતા અને અર્ચાદેવતામાં ગૂંથાયેલાં હોવાથી તે યજ્ઞવિદ્યાનું રહસ્ય પ્રતિપાદન કરનાર શાસ્ત્ર કહેવામાં આવે છે. (‘હિન્દ તત્વજ્ઞાનનો ઇતિહાસ’ – નર્મદાશંકર દેવશંકર મહેતા, પૃ. 355.)
ભક્તિ–પ્રકાર – ભજનીય વિષ્ણુના મૂલ સ્વરૂપ સાથે અથવા સાકાર સ્વરૂપ સાથે અથવા અવતાર-સ્વરૂપ સાથે ‘ઉપાયપૂર્વક પ્રીતિ સાથે મનની સ્થિતિ બાંધવી’ તેને ભક્તિ કહે છે. આ ભક્તિ દ્વિવિધ છે – વિહિત અને અવિહિત. (સાધ્ય-સાધનના જ્ઞાનવાળી ભક્તિ તે વિહિતા ભક્તિ.) આ બંનેની શાખાની ભક્તિના પ્રકારો નીચે પ્રમાણે છે :
આ અઢાર પ્રકારની ભક્તિઓમાં વિહિતા શુદ્ધ ભક્તિ એ સ્વાભાવિક પ્રેમરૂપા હોવાથી અને તેમાં મોક્ષાદિ કોઈ ફલની અપેક્ષા ન હોવાથી તે સાધ્યરૂપા છે અને અન્ય સર્વ સાધનરૂપ છે. ઉપરના કોષ્ટકમાં 1–9 સુધીના ભક્તિના પ્રકારો સાધવાના મુખ્ય અધિકારી ગૃહસ્થો છે, 10–12 સુધીના મુખ્ય અધિકારી વનીઓ છે, 13મીનો મુખ્ય અધિકારી સંન્યાસી છે અને 14મીના અધિકારી સર્વ કોઈ છે, એટલે તેમાં વર્ણ, આશ્રમ, જાતિ, ગુણ વગેરે કશાની જરૂર નથી.
ભગવાનમાં પ્રેમસંબંધના પાંચ મુખ્ય પ્રકાર છે – શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, માધુર્ય. (પતિ-પત્ની અથવા આશિક-માશૂકાના સંબંધ ઉપર બંધાયેલ. શ્રીમદ્ ભાગવતમાં માધુર્ય ભાવ સર્વોત્તમ માન્યો છે.)
વૈષ્ણવ અને શૈવ પંથોનું પ્રમાણભૂત સાહિત્ય આગમ કહેવાય છે. શબ્દ ઉપર જ આધાર રાખવાને બદલે જે ગ્રંથ ભોગ-મોક્ષના ઉપાયોનું બુદ્ધિપૂર્વક પ્રતિપાદન કરે તે આગમ. જે ગ્રંથ પોતાના પ્રામાણ્યનો આધાર પોતાના ઉપર જ રાખે તે નિગમ. આથી સ્વત: પ્રમાણ વેદ તે નિગમ અને બુદ્ધિથી વ્યવસ્થા થાય તે આગમ. આગમો ઘણે ભાગે દ્રાવિડ દેશમાં (દક્ષિણાપથમાં) પ્રકટ થયા અને નિગમ (વેદ) ઉત્તરાપથમાં ઘડાયા. વૈષ્ણવ અને શૈવ આચાર્યોએ પ્રતિપાદિત કર્યું કે આગમો પણ વેદવિરોધી છે. પાછળથી ‘આગમ’ શબ્દ વેદનો પણ પર્યાય થઈ ગયો. તમિળ શૈવોની પણ સંહિતાઓ છે. દ્રાવિડોની બે મુખ્ય સંહિતાઓ તમિળ ભાષામાં છે. એકનું નામ ‘દેવારમ્’ અને બીજીનું ‘તિરુવાચકમ્’. આગમસંહિતાના ઘડનારા ત્રણ મુખ્ય આચાર્યો થયા છે. સંબંધર, આય્યર સ્વામી અને સુંદરમૂર્તિ નામના શૈવ આચાર્યોનાં પદ્યો ઈ. સ. પછી છઠ્ઠા-આઠમા સૈકામાં રચાયાં જણાય છે. તમિળ સાહિત્ય ઉપરાંત શૈવ સિદ્ધાંતનું પ્રતિપાદન સ્વતંત્ર રીતે સંસ્કૃત ભાષામાં થયું છે. તે પાંચમો રહસ્ય આમ્નાય 28 આગમ ગ્રંથોમાં પ્રસિદ્ધ થયો છે કામિકાગમ, યોગાગમ વગેરે.
એ જ રીતે દ્રાવિડ દેશમાં વૈષ્ણવ-દર્શનની મૂળ છાયા શ્રી સંપ્રદાયમાં આવી વસેલી છે. તે શ્રી સંપ્રદાયના બે વર્ગ પડ્યા જણાય છે – આલવારો અને આચાર્યોની પરંપરાઓ. તેમાં આલવારો ભક્તજન હતા – સરયોગી, ભૂતયોગી, પરાંકુશમુનિ, ગોદામા વગેરે. આ આલવારોમાં જાતિ અને વર્ણભેદ નહોતો. તેમાંના કેટલાક અત્યંત હલકી જ્ઞાતિના હતા છતાં ભગવદભક્તિપરાયણ હતા. ભટ્ટનાથનાં પુત્રી ગોદામા તુલસી-વન ખોદતાં મળ્યાં હતાં. તે બાઈ મીરાંબાઈ જેવું ભગવત્પરાયણ જીવન ગાળતાં હતાં. આ આલવારો 7–9મા સૈકામાં થયા જણાય છે. આલવારો પછી આચાર્યોની પરંપરા ચાલી; જેમાં નાથમુનિ, યામુનાચાર્ય અને રામાનુજાચાર્યનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. રામાનુજાચાર્ય પ્રતિપાદિત ભક્તિ જ્ઞાનપ્રધાન છે જ્યારે નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, મધ્વાચાર્ય, ચૈતન્ય જેવા જ્ઞાન કરતાં ભક્તિને, પ્રેમપ્રધાન ભક્તિને વધારે મહત્વ આપે છે. વલ્લભાચાર્યના મતમાં ભક્તિના બે પ્રકાર માન્યા છે મર્યાદા અને પુષ્ટિ. મનુષ્યના પોતાના સ્વતંત્ર પ્રયત્ન વડે કર્મ અને જ્ઞાનથી ઉત્પન્ન કરેલી ભક્તિ તે ‘મર્યાદા ભક્તિ’ કહેવાય છે. એ પુષ્ટિ ભક્તિથી ઊતરતા પ્રકારની છે. પરમાત્માના અનુગ્રહથી મળેલ ભક્તિ તે પુષ્ટિ ભક્તિ. પરમાત્માનો અનુગ્રહ – જે જીવ માટે અમૃત સમાન પોષણરૂપ છે – તે પુષ્ટિ કહેવાય છે અને એ રીતે પ્રાપ્ત થયેલી ભક્તિ તે ‘પુષ્ટિ ભક્તિ’. ભક્તો ભક્તિને મુક્તિ કરતાં અધિક માને છે. શિવભક્તિમાં શૃંગારભક્તિને બહુ મહત્વ નથી અપાયું પણ શુદ્ધ ભક્તિપ્રધાન યોગને વધારે મહત્વ અપાયું છે.
ઈ. સ. 13–14મા સૈકાથી ભારતમાં એક નવો જ યુગ શરૂ થયો. હવેથી ધાર્મિક ઉપદેશો સંસ્કૃત ભાષાને બદલે લોકભાષામાં થવા લાગ્યા. આ ધાર્મિક ઉત્થાનનાં મુખ્ય લક્ષણો છે : એકેશ્વરમાં નિષ્ઠા, સર્વ મનુષ્યોની સમાનતા, પ્રભુપ્રાપ્તિનાં મુખ્ય સાધન સત્સંગ અને શુદ્ધ હૃદયથી ઈશ્વરના નામનું રટણ. પ્રભુને પ્રાપ્ત કરવામાં જ્ઞાતિભેદ, લિંગભેદ આડે આવતો નથી. સાચી નિષ્ઠા અને શુદ્ધ હૃદય હોય તો કોઈ પણ ઈશ્વરપ્રાપ્તિ કરી શકે છે. આ યુગના સંતોમાં નરસિંહ, મીરાંબાઈ, રામાનંદ, કબીર, તુલસીદાસ, સુરદાસ, તુકારામ, જ્ઞાનદેવ વગેરેમાંથી કેટલાક ગરીબ, ગૃહસ્થાશ્રમી અને પૂર્વાશ્રમમાં વિષયાસક્ત પણ હતા. છતાં સત્સંગ પ્રાપ્ત થતાં જીવનમાં પરિવર્તન આવ્યું અને પ્રભુના ભક્તો થયા.
સહજાનંદ સ્વામીએ (1781–1830) સ્થાપેલ સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ ઉલ્લેખ કરવો જોઈએ; કારણ કે એનો આદર્શ જ્ઞાની ભક્ત છે અને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત એકાંતિકી ભક્તિ મોક્ષનું અંતિમ સાધન માનવામાં આવે છે. સહજાનંદ સ્વામીને તેમની હયાતીમાં જ અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા એટલે તેમનો હિન્દુ સમાજ પર દરેક રીતનો પ્રભાવ હતો.
નૂતન યુગની કટેલીક ધાર્મિક પ્રવૃત્તિઓમાં રાજા રામમોહનરાયે સ્થાપેલ બ્રહ્મોસમાજ, શુદ્ધ વેદ ધર્મના આગ્રહી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ આર્યસમાજ, મેડમ બ્લૅવેટ્સ્કી અને એની બેસન્ટે શરૂ કરેલી થિયૉસૉફી પ્રવૃત્તિ, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી સ્થપાયેલ રામકૃષ્ણ મિશન અને યોગી અરવિંદ ઘોષ અને રમણ મહર્ષિની સાધનાનો ઉલ્લેખ કરવો ઘટે.
નૂતન કેળવણીની અસર હેઠળ તેમાં હિન્દુ ધર્મનો નવેસરથી વિચાર કરવામાં આવ્યો છે.
એસ્તેર સોલોમન