પરીખ, ઇષિરા (. 11 માર્ચ 1962, અમદાવાદ) : કથક નૃત્યશૈલીનાં જાણીતાં કલાકાર. તેમણે સમગ્ર શિક્ષણ તથા નૃત્યની તાલીમ અમદાવાદ ખાતે લીધી છે. પિતાનું નામ સુબંધુ અને માતાનું નામ સાધના, જેઓ અમદાવાદની હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટ્સ કૉલેજમાં મનોવિજ્ઞાન વિષયનાં અધ્યાપિકા હતાં. પિતા વ્યવસાયે કૉન્ટ્રેક્ટર છે. ઇષિરાના દાદા રસિકલાલ છોટાલાલ પરીખ ગુજરાતના જાણીતા વિદ્વાન હતા. ઇષિરા પરીખ ‘આનર્ત ફાઉન્ડેશન’ના સહસંસ્થાપક છે.

ઇષિરા પરીખે અમદાવાદની જાણીતી કદમ્બ નૃત્યસંસ્થામાં કથક નૃત્યશૈલીમાં ઉચ્ચ કક્ષાની તાલીમ લઈ ઘણી સર્જનાત્મક રચનાઓ પ્રસ્તુત કરી છે. નૃત્યમાં દેશવિદેશમાં ખ્યાતિ ધરાવતાં કથક નૃત્યાંગના કુમુદિની લાખિયા તેમનાં ગુરુ છે. દેશવિદેશના ઘણા જાણીતા નૃત્યકારો અને નૃત્યરચનાકારો સાથે તેમણે કામ કર્યું છે અને પ્રશંસા મેળવી છે. આ ઉપરાંત, તેમણે ઘણી નૃત્યશિબિરોમાં શરૂઆતમાં તાલીમાર્થી તરીકે ભાગ લીધો છે અને ત્યાર બાદ સંચાલક તરીકે સેવાઓ આપી છે. તેમણે નૃત્ય વિષય પર દેશવિદેશમાં જાહેર વ્યાખ્યાનો પણ આપ્યાં છે. તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ કલ્ચરલ રિલેશન્સ(ICCR)નાં ઉચ્ચ કોટિનાં કલાકાર છે. તેમણે લગભગ ત્રીસ જેટલા દેશોમાં સાંસ્કૃતિક આદાનપ્રદાન કર્યું છે.

તેમના પતિ મૌલિક શાહ જેઓ શરૂઆતમાં ઇષિરા પરીખ સાથે નૃત્યની તાલીમ લેતા હતા તેઓ હવે નૃત્યક્ષેત્રમાં સહિયારી પ્રવૃત્તિ કરે છે.

ગુજરાત સરકારે ઇષિરા પરીખને વર્ષ 2006-07ના ગૌરવ પુરસ્કારથી સન્માન્યાં છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે