હિટ્ટાઇટ : પ્રાચીન એશિયા માઇનોર અથવા અત્યારના તુર્કસ્તાનમાં આવીને સૌપ્રથમ વસવાટ કરનાર લોકો. તેઓ બળવાન અને સુધરેલા હતા. તેઓ ઈ. પૂ. 2000ની આસપાસ તુર્કસ્તાનમાં આવ્યા અને ઈ. પૂ. 1900ની આસપાસ એમણે ત્યાં સત્તા જમાવવાની શરૂઆત કરી. હિટ્ટાઇટોએ સ્થાનિક લોકોને જીતીને અનેક નગરરાજ્યો સ્થાપ્યાં, જેમાં સૌથી વધારે મહત્વનું રાજ્ય હટ્ટુસસ (Hattusas) હતું. એ તુર્કસ્તાનની અત્યારની રાજધાની અંકારા પાસે આવેલું હતું. ઈ. પૂ. 1650 આસપાસ જ્યારે નગરરાજ્યોમાંથી હિટ્ટાઇટ સામ્રાજ્ય બન્યું ત્યારે હટ્ટુસસ એનું પાટનગર બન્યું. ઈ. પૂ. 1595 આસપાસ એમણે બૅબિલૉન જીતી લીધું. એ પછી મેસોપોટેમિયા અને સીરિયાના કેટલાક પ્રદેશો એમણે જીત્યા. ઈ. પૂ. 1500 આસપાસ એ મધ્યપૂર્વનું શક્તિશાળી રાજ્ય બન્યું. રાજાશાહી તંત્રવાળા હિટ્ટી રાજ્યમાં પેલેસ્ટાઇન અને મિટ્ટાનીનો પણ સમાવેશ થતો હતો. હિટ્ટાઇટ લોકોની સંસ્કૃતિ અને ભાષા ઇન્ડો–યુરોપિયન હતી. તેમની ભાષાના કેટલાક શબ્દો અંગ્રેજી ભાષાના શબ્દો સાથે સામ્ય ધરાવતા હતા. આ હિટ્ટાઇટ લોકો દક્ષિણ એશિયામાંથી આવ્યા હોવાની શક્યતા છે. એમની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ સાથે થોડું સામ્ય ધરાવે છે.
ઈ. પૂ. 1285 આસપાસ હિટ્ટાઇટ લોકોના રાજા મુટવટાલ્લિસ-(Mutwatallis)ને ઇજિપ્તના રાજા રામેસીસ 2જા સાથે પેલેસ્ટાઇનની ઉત્તરે આવેલી ઓરોન્ટીસ નદીના કિનારે આવેલ કડેશ શહેર પાસે ભયંકર યુદ્ધ થયું, જેમાં રામેસીસ 2જો માંડ માંડ બચી શક્યો. એ યુગનું આ એક મોટું યુદ્ધ હતું. આ યુદ્ધને અંતે હિટ્ટાઇટ લોકોએ ઇજિપ્ત જીતી લેવાને બદલે એની સાથે શાંતિની સંધિ કરી. ઉપરાંત, હિટ્ટાઇટ રાજકુંવરીનાં રામેસીસ 2જા સાથે લગ્ન કરવામાં આવ્યાં. આ પૂર્વે ઇજિપ્તના એક રાજા(શક્યત: તુતેનખામેન)નું અવસાન થતાં એની વિધવા રાણીએ હિટ્ટાઇટોના રાજાને તેના એક પુત્રને પોતાનો પતિ અને ઇજિપ્તનો રાજા બનવા ઇજિપ્ત મોકલવા જણાવ્યું હતું; પરંતુ રાજાનો પુત્ર ઇજિપ્ત જાય તે પહેલાં તેના નારાજ સરદારોએ એનું ખૂન કરી નાખ્યું હતું.
એ પછી સમય જતાં હિટ્ટાઇટ લોકોના પૂર્વ અને પશ્ચિમના સાથીઓએ એમની સામે બળવો કર્યો. કેટલીક જાતિઓએ ગ્રીસની વધતી તાકાતથી બચવા પોતાનાં મૂળ સ્થાનો છોડી એજિયન સમુદ્રના વિસ્તારોમાં વસવાટ કર્યો હતો. આ જાતિઓએ ઈ. પૂ. 1200ની આસપાસ હટ્ટુસસ શહેરને બાળીને ખાખ કર્યું. એ પછી બીજાં 500 વર્ષ સુધી હિટ્ટાઇટ નગરરાજ્યો ટકી રહ્યાં; પરંતુ એ નબળાં હતાં એટલે ધીમે ધીમે નાશ પામ્યાં. કર્ચેમિશ શહેર હિટ્ટાઇટ લોકોનું પૂર્વનું પાટનગર હતું; પરંતુ એસિરિયાના રાજા સારગોન 2જાએ ઈ. પૂ. 717માં એ જીતી લેતાં હિટ્ટાઇટોના સ્વતંત્ર રાજ્યનો કાયમ માટે અંત આવ્યો. બાઇબલના ‘જૂના કરાર’માં હિટ્ટાઇટ લોકોના કેટલાક ઉલ્લેખો આવે છે. અબ્રાહમે એની પત્ની સરાહના દફન માટે એફ્રોન નામના હિટ્ટાઇટ પાસેથી મચપેલાહની ગુફા અને ખેતર ખરીદ્યાં હતાં. અબ્રાહમના પૌત્ર એસો(Esau)એ બે હિટ્ટાઇટ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં. રાજા ડૅવિડે ઉરિઆ (Uriah) નામના હિટ્ટાઇટને મારી નાખ્યો હતો, જેથી એની પત્ની બાથશેબા સાથે એ લગ્ન કરી શકે.
સંસ્કૃતિ : હિટ્ટાઇટ કલા, સ્થાપત્ય, સાહિત્ય અને ધર્મ ઉપર એનાં પડોશી રાજ્યોની અસર હતી. પડોશી દેશો કરતાં એમનું વહીવટી તંત્ર અને કાયદાઓ વધારે સારાં હતાં. એમણે જીતેલા લોકો સાથે શાંતિભર્યા અને લાભદાયક સંબંધો બાંધ્યા હતા. એમણે સૌપ્રથમ લોખંડ ઓગાળવાની પદ્ધતિ શોધી અને એમાંથી ઘરવપરાશનાં સાધનો, ઓજારો તથા શસ્ત્રો બનાવ્યાં. લોખંડનાં શસ્ત્રોને કારણે એમણે અન્ય જાતિઓ ઉપર લશ્કરી સર્વોપરિતા મેળવી. એમણે વજનમાં હલકા અને ઝડપથી દોડી શકે એવા રથ પણ બનાવ્યા હતા. એ સમયે પ્રવાસમાં અને યુદ્ધોમાં રથોનો ઉપયોગ થતો હતો.
હિટ્ટાઇટ લોકો આંતરરાષ્ટ્રીય પત્રવ્યવહાર માટે બૅબિલૉનિયાની અક્કાડિયન ભાષાનો ઉપયોગ કરતા અને પોતાનાં આંતરિક, રાજકીય તથા ધાર્મિક લખાણો માટે ચિત્રલિપિ (hieroglyphic) અને શંખલિપિ(cuneiform)માં લખાયેલી હિટ્ટાઇટ ભાષાનો ઉપયોગ કરતા. એમણે આ લિપિઓ મેસોપોટેમિયાના લોકો પાસેથી અપનાવી હતી. ભાષાના વિદ્વાનોએ આ શંખલિપિ ઈસુની 20મી સદીની શરૂઆતમાં અને ચિત્રલિપિ સને 1947માં ઉકેલી હતી. એ સમયે લખાણ માટીની કે પથ્થરની તકતી ઉપર લખવામાં આવતું.
હિટ્ટાઇટ લોકો સામાન્ય રીતે ખેતીપ્રધાન હતા. મહેલો બાંધવામાં અને પથ્થરનું સલાટકામ તથા કોતરકામ કરવામાં તે હોશિયાર હતા. એમના રાજમહેલોના પ્રવેશદ્વારે બંને બાજુ સામસામે પથ્થરના બે મોટા સિંહ મૂકવામાં આવતા. એસિરિયનો એમના અનુકરણ રૂપે મહેલની બંને બાજુ મોટા ગરુડો મૂકતા. તેઓ ચલણ તરીકે નિયત વજનના ચાંદીના ટુકડાઓનો ઉપયોગ કરતા. હિટ્ટી રાજ્યમાં રાજાશાહી પ્રથા હતી. રાજા સમગ્ર વહીવટી તંત્રનો વડો હતો. રાજા અને પ્રજાએ અપનાવેલા કાયદાસંગ્રહ પ્રમાણે શાસન ચાલતું અને ન્યાય અપાતો. સજાઓ પ્રમાણમાં હળવી કરવામાં આવતી. પ્રાચીન ભારતના દેવો સાથે નામસામ્ય ધરાવતા ઇન્દ્ર, વરુણ, મિત્ર વગેરે દેવોની પૂજા થતી. શરૂઆતમાં મૃતદેહોને દાટવામાં આવતા; પરંતુ પાછળથી એમાં સુધારો કરી અગ્નિદાહ આપવાની પ્રથા શરૂ થઈ હતી. હિટ્ટાઇટ લોકોએ સૌપ્રથમ લોખંડની શોધ કરી તેનો ઉપયોગ શરૂ કર્યો એ વિશ્વસંસ્કૃતિમાં એમનું સૌથી મોટું પ્રદાન છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી