હિચકૉક, આલ્ફ્રેડ (જ. 13 ઑગસ્ટ 1899, લંડન; અ. 28 એપ્રિલ 1980, લોસ એન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : રહસ્યમય ચલચિત્રોના વિખ્યાત નિર્માતા, દિગ્દર્શક, લેખક. ચલચિત્રકળા પર જે કેટલાક ચિત્રસર્જકોનો સૌથી વધારે પ્રભાવ પડ્યો છે તેમાં સ્થાન ધરાવતા આલ્ફ્રેડ હિચકૉક તેમનાં રહસ્યચિત્રોને કારણે વિખ્યાત બન્યા છે. તેમનો જન્મ લંડનના એક ગરીબોના લત્તા ઈસ્ટ એન્ડમાં ઈંડાં અને ફળની એક નાનકડી દુકાન ચલાવતા વેપારીને ઘેર થયો હતો. તેમનું બાળપણ ગરીબાઈ અને અભાવો વચ્ચે વીત્યું હતું. તેઓ કિશોરવયે પહોંચ્યા ત્યારે પિતાનું છત્ર ગુમાવી દેતાં ઘરના ગુજરાનની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. અભ્યાસ અધૂરો છોડીને વીજળીનાં દોરડાં બનાવતા કારખાનામાં મજૂરી શરૂ કરીને કારકુન બન્યા. વાંચવાનો તેમને નાનપણથી શોખ હતો તે ગમે તેમ કરીને ચાલુ રાખ્યો હતો. આ શોખે તેમને લેખન તરફ વાળ્યા. તેમણે નાની નાની રહસ્યકથાઓ લખવી શરૂ કરી હતી. એ દિવસો મૂક ચલચિત્રોના હતા. હિચકૉકને પણ ચલચિત્રોમાં રસ જાગ્યો. મૂક ચિત્રોની કથા સમજાવતાં કે કોઈ સંવાદ જે તે દૃશ્યની સાથે લખાયેલો આવતો. તે માટે પહેલેથી કાર્ડ બનાવી રાખવાં પડતાં. હિચકૉકે ચલચિત્રોમાં આવાં કાર્ડ લખવાનું શરૂ કરીને કારકિર્દી શરૂ કરી. આ કામ માટે તેઓ 1922માં ‘ફેમસ પ્લેયર્સ-લાસ્કી’ કંપનીમાં નોકરીએ રહી ગયા. આ કંપની સમય જતાં ‘પેરેમાઉન્ટ પિક્ચર્સ’ તરીકે જાણીતી બની હતી. આ કંપનીમાં રહીને હિચકૉકે કાર્ડ બનાવવા સાથે ચિત્રનિર્માણ સંબંધિત બીજાં બધાં કામોમાં રસ લેવા માંડ્યો. ખાસ કરીને પટકથાલેખનમાં તેમનો વધુ રસ હતો. આ ઉપરાંત ચિત્રોના નિર્માણ વખતે બિનમહત્વનાં હોય એવાં દૃશ્યોનું તેમને દિગ્દર્શન સોંપાતું. 1922માં ‘નંબર થર્ટીન’ નામના એક હાસ્યચિત્રનું દિગ્દર્શન તેમને સોંપાયું, પણ કમનસીબે એ ચિત્ર કદી પૂરું જ થઈ શક્યું નહિ. એ પછી તેમણે કેટલાંક ચિત્રોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું અને 1925માં તેમના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલું પ્રથમ ચિત્ર ‘ધ પ્લેઝર ગાર્ડન’ રજૂ થયું હતું. આ ચિત્ર બન્યું તે પહેલાં તેઓ જર્મની જઈને ચિત્રનિર્માણનો કેટલોક અભ્યાસ કરી આવ્યા હતા. ‘ધ પ્લેઝર ગાર્ડન’ ચિત્રે તેમને ખાસ્સી નામના અપાવી હતી, પણ ખુદ હિચકૉક તો 1926માં નિર્માણ પામેલા તેમના ત્રીજા ચિત્ર ‘ધ લૉજર’ને પોતાનું પ્રથમ ખરું ચિત્ર ગણાવતા હતા. દાદર ચઢતાં કે ઊતરતાં પગ દર્શાવીને રહસ્ય ઊભું કરવાની તેમની સૂઝ અજોડ હતી. ‘ધ લૉજર’માં પણ તેમની આ ખાસિયતનો તેમણે ઉપયોગ કર્યો હતો. શેરીઓમાં રખડતી રૂપજીવિનીઓને મારી નાંખનાર હત્યારા ‘જૅક ધ રીપર’ની અપરાધકથા પર તે આધારિત હતું. એક મકાનમાલિકણ પોતાના ઘરમાં રહેવા આવતા દરેક નવા ભાડવાતને જૅક ધ રીપરની શંકાથી જુએ છે એવું તેનું કથાનક હતું. એક રહસ્યચિત્રમાં જે ખૂબીઓ હોવી જોઈએ તે બધી ખૂબીઓ ધરાવતું આ ચિત્ર હવે તો બ્રિટનમાં બનેલાં સર્વકાલીન શ્રેષ્ઠ ચિત્રોમાં સ્થાન પામી ચૂક્યું છે. પ્રેક્ષકોને એકદમ જ આંચકો આપતી ઘટનાઓ કે કથામાં વળાંક આપવો એ પણ હિચકૉકની એક ખાસિયત હતી.
આલ્ફ્રેડ હિચકૉક
હિચકૉકનું પ્રથમ સવાક્ ચિત્ર હતું ‘બ્લૅકમેઇલ’. પછી તો હિચકૉકનાં એક પછી એક ઉમદા રહસ્યચિત્રો પ્રદર્શિત થતાં રહ્યાં. 1934નું વર્ષ હિચકૉકની કારકિર્દી માટે બહુ મહત્વનું પુરવાર થયું હતું. ઇંગ્લૅન્ડના એક અગ્રિમ હરોળના દિગ્દર્શક તરીકે તેઓ આ વર્ષે પ્રસ્થાપિત થયા હતા; કારણ કે એ વર્ષે શરૂ કરીને પછીનાં પાંચ વર્ષ દરમિયાન તેમણે ઉત્કૃષ્ટ રહસ્યચિત્રોનું કળા અને વ્યવસાય બંને રીતે સર્જન કર્યું હતું, જેનો પ્રારંભ ‘ધ મૅન હૂ ન્યૂ ટૂ મચ’(1934)થી થયો હતો. એ પછી 1935માં તેમણે બનાવેલા ‘ધ 39 સ્ટેપ્સ’ સફળ ચિત્રથી પ્રભાવિત થઈને હૉલિવુડના ચિત્રનિર્માતા ડેવિડ ઓ. સેલ્ઝનિકે તેમને અમેરિકા બોલાવતાં હિચકૉક અમેરિકામાં સ્થાયી થયા.
હિચકૉકનું હૉલિવુડનું પ્રથમ ચિત્ર તે ‘રિબેકા’ (1940). તેને એ વર્ષે શ્રેષ્ઠ ચિત્રનો ઑસ્કાર મળ્યો હતો. આ માટે હિચકૉકને શ્રેષ્ઠ દિગ્દર્શકનું નામાંકન પણ મળ્યું હતું. લંડનના નિવાસ દરમિયાન કેટલાક બૌદ્ધિકો સાથે મળીને તેમણે ‘લંડન ફિલ્મ સોસાયટી’ શરૂ કરી હતી. પોતાનાં ચલચિત્રો થકી વિશ્વસિનેમામાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન કરનાર આ મહાન ચિત્રસર્જક તેમના પોતાના કોઈ ચિત્ર માટે કદી ઑસ્કાર ઍવૉર્ડ મેળવવા સદભાગી થઈ શક્યા નહોતા. 30મી ડિસેમ્બર 1979માં બ્રિટનનાં રાણીએ હિચકૉકને નાઇટહૂડથી સન્માનિત કર્યા હતા.
વિખ્યાત ફ્રેન્ચ ચિત્રસર્જક ફ્રાન્સવા ત્રુફો હિચકૉકને પોતાના ગુરુ માનતા. તેમણે ચલચિત્રકળા અંગે હિચકૉક સાથે કુલ 54 કલાક વાત કરીને તેને આધારે જે પુસ્તક પ્રગટ કર્યું તે ચલચિત્રકળાને સમજવા માટે ગીતા સમાન ગણાય છે.
નોંધપાત્ર ચિત્રો : ‘ધ પ્લેઝર ગાર્ડન’ (1925), ‘ધ લૉજર’ (1926), ‘બ્લૅકમેઇલ’ (1929), ‘ધ મૅન હૂ ન્યૂ ટૂ મચ’ (1934), ‘ધ 39 સ્ટેપ્સ’ (1935), ‘ધ સિક્રેટ એજન્ટ’ (1936), ‘રિબેકા’ (1940), ‘સસ્પિશિયન’ (1940), ‘સ્પેલ બાઉન્ડ’ (1945), ‘અન્ડર કૅપ્રિકૉર્ન’ (1949), ‘સ્ટ્રેન્જર ઑન એ ટ્રેન’ (1951), ‘ડાયલ એમ ફૉર મર્ડર’, ‘રિયર વિન્ડો’ (1954), ‘વર્ટિગો’ (1958), ‘નૉર્થ બાય ધ નૉર્થ–વેસ્ટ’ (1959), ‘સાયકો’ (1960), ‘ધ બર્ડ્ઝ’ (1963), ‘ફ્રેન્ઝી’ (1972).
હરસુખ થાનકી