પરિમાણ : ભૌમિતિક અવકાશ(પછી તે રેખા હોય, સમતલ હોય કે અવકાશ હોય)નું પરિમાણ એટલે તે અવકાશના કોઈ બિંદુનું સ્થાન નિશ્ચિત કરવા માટે જે લઘુતમ માપોની જરૂર પડે તેમની સંખ્યા; દા. ત., અમદાવાદ-મુંબઈ હાઈવે પર કોઈ બિંદુનું સ્થાન નિશ્ચિત કરવા માટે કેવળ એક જ સંખ્યા આપવી પડે (તે હાઈવે પર અમદાવાદથી તે બિંદુનું અંતર), માટે હાઈવેનું પરિમાણ એક છે તેમ કહેવાય. પૃથ્વીની સપાટી પરના કોઈ સ્થાનને નિશ્ચિત કરવા માટે બે સંખ્યાઓ (અક્ષાંશ અને રેખાંશ) આપવી પડે. તેથી પૃથ્વીની સપાટીનું પરિમાણ બે છે. આપણી આસપાસના વાતાવરણમાં આવેલ કોઈ બિંદુને નિશ્ચિત કરવા તે બિંદુની બરાબર નીચે આવેલ પૃથ્વીની સપાટી પરના બિંદુના અક્ષાંશ, રેખાંશ અને તે બિંદુથી આપણા બિંદુની ઊંચાઈ એમ ત્રણ સંખ્યા આપવી પડે. તેથી આપણી આસપાસના અવકાશનું પરિમાણ ત્રણ છે.
સામાન્ય રીતે જેને લંબાઈ જ હોય (પણ પહોળાઈ કે જાડાઈ ન હોય) તેવી આકૃતિ (દા. ત., રેખા) એક પરિમાણવાળી આકૃતિ છે; જેને લંબાઈ, પહોળાઈ હોય પણ જાડાઈ ન હોય (દા. ત., સમતલ) તે બે પરિમાણવાળી આકૃતિ છે અને જેને લંબાઈ, પહોળાઈ અને જાડાઈ પણ હોય (દા. ત., ઈંટ કે અવકાશ) તે ત્રણ પરિમાણવાળી આકૃતિ છે. એક બિંદુનું પરિમાણ શૂન્ય લેવામાં આવે છે.
પરિમાણના આ ખ્યાલને ગણિતમાં વિસ્તારવામાં પણ આવ્યો છે. કોઈ ગણના તમામ સભ્યોને તે જ ગણના અમુક મર્યાદિત સંખ્યાના સભ્યોની મદદથી અભિવ્યક્ત કરી શકાય તો તે મર્યાદિત સંખ્યાને તે ગણનું પરિમાણ કહેવાય; દા. ત.,
IR2 = {(a, b) a, b c IR}
ના બધા જ સભ્યોને બે સભ્યો (1, 0), અને (0, 1)ના સુરેખ સંયોજન રૂપે દર્શાવી શકાય છે.
(a, b) = a (1, 0) + b (0, 1)
માટે IR2નું પરિમાણ બે છે તેમ કહેવાય. આ જ રીતે Rnનું પરિમાણ n છે.
સદિશ અવકાશની જેમ ગણિતમાં વિયોજનીય માનાવકાશ- (separable metric space)ના પરિમાણની પણ વ્યાખ્યા આપવામાં આવે છે.
ભૌતિકશાસ્ત્રમાં દરેક ભૌતિક રાશિને પણ પરિમાણ હોય છે. આ પરિમાણ મૂળભૂત રાશિઓ, જેવી કે લંબાઈ (L), સમય (T) અને દળ(M)ના યોગ્ય ઘાત વડે આપેલી રાશિને વ્યક્ત કરવાથી મળે છે; દા. ત., વેગ એ અમુક અંતરને (તે અંતર કાપવા માટે લાગતા) સમય વડે ભાગવાથી મળે છે માટે વેગનું પરિમાણ L/T અથવા LT–1છે તેમ કહેવાય છે. આ જ પ્રમાણે ઊર્જાનું પરિમાણ ML2T–2 છે.
દર્શનસિંઘ બસન