પરિચ્છેદ–ચિત્રણ (tomography)
શરીરનો જાણે આડો છેદ પાડીને લેવાયેલા એક્સ-રે ચિત્રાંકન જેવું ચિત્રાંકન (image) મેળવવાની પદ્ધતિ. તેને અનુપ્રસ્થ ચિત્રાંકન અથવા આડછેડી ચિત્રાંકન પણ કહે છે. તેને બે પ્રકારમાં વહેંચી શકાય: રૂઢિગત (conventional) અને કમ્પ્યૂટરયુક્ત (computed). રૂઢિગત પરિચ્છેદ-ચિત્રણનો વ્યાવહારિક પ્રથમ ઉપયોગ બોકેજે કર્યો હતો. તેમાં ઝીડીસ્કડી-પ્લમ્પ્સે સુધારા કર્યા. ટિવનિંગે તેનું સરળ સાધન વિકસાવ્યું હતું.
છાતીનાં એક્સ-રે-ચિત્રાંકનો દ્વિપરિમાણી હોય છે તેથી જુદી જુદી ઊંડાઈએ આવેલી સંરચનાઓની છાયાઓ એકબીજી પર પડે છે. તેને કારણે ફેફસાંની નસો, ફેફસાંની આંતરખંડીય ફાડ (interlobar fissure), શ્વસનનલિકાઓ અને તેમની શાખાઓ તેમજ હૃદયના ખંડો અને છાતીની અંદરની મોટી નસો વિશે પૂરેપૂરી માહિતી મેળવવામાં તકલીફ રહે છે. તેને સુસ્પષ્ટ રીતે દર્શાવવા માટે પરિચ્છેદ-ચિત્રણની પદ્ધતિ વિકસી છે. હાલ આ પદ્ધતિને કમ્પ્યૂટરયુક્ત અક્ષીય પરિચ્છેદ-ચિત્રણ-વીક્ષણ (computed axial tomography scan : CAT scan) અથવા સામાન્ય ભાષામાં ‘કેટ’ (CAT) સ્કૅન કે સી. એ. ટી. સ્કૅન તરીકે ઓળખવામાં આવે છે. સી. એ. ટી. સ્કૅન શરીરના અન્ય ભાગોનાં પણ પરિચ્છેદ-ચિત્રાંકનો મેળવી આપે છે.
રૂઢિગત પરિચ્છેદ-ચિત્રણનો ઉપયોગ ફેફસાંના રોગો જેવા કે ફેફસીતંતુતા (pulmonary fibrosis), ગૂમડું, કૅન્સર, હાઇડેટિડસિસ્ટ તથા ક્ષય; હૃદયની દીવાલમાંની ક્ષતિઓ; લોહીની મોટી નસોની વિકૃતિઓ તથા ગળું, સ્વરપેટી કે શ્વાસનળીની વિકૃતિઓ વગેરેના નિદાનમાં થતો હતો.
તેમાં છાતીનાં, કોઈ એક પૂર્વનિશ્ચિત સ્થળેથી જાણે તેનો આડછેદ કરીને તે આડછેદી (અનુપ્રસ્થ કે પરિચ્છેદીય) સપાટીને સ્પષ્ટ દેખી શકાય તે રીતનું એક્સ-રે-ચિત્રાંકન લેવાય છે. આ સરળ પદ્ધતિમાં એક્સ-રે-નળી અને એક્સ-રે-ફિલ્મને સામસામે રાખી, વચ્ચે દર્દીનો જે તે ભાગ આવે તેવું ગોઠવીને એક્સ-રે-ચિત્રાંકનો લેવાય છે. સાથે સાથે તે સમયે એક્સ-રે-નળી તથા એક્સ-રે-ફિલ્મને સામસામી દિશામાં વર્તુળાકારે ખસેડવામાં આવે છે. જે સમતલ(plane)ની સપાટીને સ્પષ્ટ રીતે જોવાની હોય તેને મધ્યસ્થાને-કેન્દ્રસ્થાને રાખી શકાય તેવી રીતે એક્સ-રે નળી અને ફિલ્મને વક્રાકારે ફેરવાય છે. આમ જુદી જુદી ઊંડાઈનાં ચિત્રાંકનો મેળવવા માટે કેન્દ્રીય આધાર બિન્દુને ઉપર-નીચે ખસેડાય છે. 1 સેમી. અથવા સારા સાધન વડે 0.5 સેમી.નાં અંતરે ચિત્રાંકનો લેવાય છે. તેને બોલચાલની ભાષામાં આડછેદ (cuts) કહે છે. સામાન્ય રીતે છાતીના છ આડછેદ પર્યાપ્ત ગણાય છે, જેમાં જરૂરિયાત પ્રમાણે વધઘટ કરાય છે.
પરિચ્છેદ-ચિત્રણ : સી. એ. ટી. સ્કૅન : (અ) સી. એ. ટી. સ્કૅન યંત્રની યોજના, (1) એક્સ-રે નળી, (2) સરકતી શય્યા પર દર્દી, (3) એક્સ-રે-પ્રતિગ્રાહક, (4) 1થી 3નો સમાવેશ કરતું યંત્ર, (5) પરિગણક (કમ્પ્યૂટર), (6) ચિત્રાંકન દર્શાવતું યંત્ર, (7) ચિત્રાંકન દર્શાવતો પડદો. (આ) એક્સ-રે નળી અને એક્સ-રે-પ્રતિગ્રાહક બંને ખસે એવી યોજના. (ઇ) ગોળ એક્સ-રે-પ્રતિગ્રાહક વચ્ચે ફક્ત એક્સ-રે નળી 360° ફરે એવી યોજના. (ઈ) એક્સ-રે નળી એક્સ-રે-પ્રતિગ્રાહક વચ્ચે દર્દીને સ્થિર રાખવાથી આડછેદી માહિતી મેળવવાની પદ્ધતિ.
કમ્પ્યૂટરયુક્ત પરિચ્છેદ-ચિત્રણ(સી.એ.ટી.સ્કૅન)ની પદ્ધતિની શોધનું માન સર ગોડફ્રે હોઉન્સફિલ્ડને જાય છે, જેમને 1979માં તેને માટે નોબલ પુરસ્કાર મળ્યો હતો. 1972માં લંડનની એટિકન્સન મોર્લેની હૉસ્પિટલમાં તેનું પહેલું યંત્ર મુકાયું હતું. તેણે ખોપરીની અંદરના રોગોના નિદાનમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું. 1975માં શરીરના અન્ય ભાગોનાં પરિચ્છેદી-ચિત્રાંકનો મેળવવાનું સાધન વિકસાવાયું અને મેયો ક્લિનિક, યુ.એસ.એ.માં તેને ગોઠવવામાં આવ્યું. તેમાં રૂઢિગત પરિચ્છેદ-ચિત્રણના સિદ્ધાંત મુજબ ચિત્રાંકનો મેળવીને તેને કમ્પ્યૂટરની મદદથી સુસ્પષ્ટ ત્રણ પરિમાણમાં જોઈ શકાય છે.
એક્સ-રે નળીમાંનાં કિરણો દર્દીની અંદર પસાર થઈને પ્રતિગ્રાહક પર પહોંચે ત્યારે તેને મુખપાર્શ્વ (profile) કહે છે. ત્યારબાદ તેમને બીજા ખૂણે ફેરવવામાં આવે છે. ફરીથી તે દર્દીને પસાર કરે છે અને બીજા મુખપાર્શ્વની માહિતી મેળવાય છે. આમ બધા મુખપાર્શ્વની માહિતીની એક શૃંખલા મેળવાય છે, જેનું કમ્પ્યૂટર વડે પૃથક્કરણ કરીને એક ચિત્રાંકન મેળવાય છે. અગાઉનાં ધીમાં યંત્રોમાં દર 10°એ ખૂણો ગોઠવીને લેવાતાં ચિત્રાંકનોમાં 180°નો એક વૃત્ત (arc) ફરતાં 20થી 60 સેકન્ડ થતી. હાલનાં ઝડપી યંત્રોમાં એક્સ-રે-નળી સાથે અને એક્સ-રે-પ્રતિગ્રાહકોને 360°માં એકસાથે ફેરવવામાં આવે છે અથવા તો એક્સ-રે-પ્રતિગ્રાહકોની એક આખી વીંટી જેવી ગોળ સંયોજનાને સ્થાપી દઈને 360° માટે એક્સ-રે નળીને ફેરવાય છે. નવાં ઝડપી યંત્રોથી 2 સેકન્ડમાં એક સમતલ-સપાટીનું ચિત્રાંકન મેળવી શકાય છે. ઝડપી ચિત્રણપદ્ધતિ(imaging technique)એ લોહીની નસો તથા હૃદય અંગેની ઘણી માહિતી મેળવવામાં સુગમતા કરી છે. હવે યંત્રકક્ષને 20° સુધી આગળ કે પાછળ ત્રાંસો કરી શકાય છે; તેથી ખરેખરાં પરિચ્છેદી-ચિત્રાંકનો મળે છે.
સી.એ.ટી.સ્કૅનની તપાસ કર્યા પછી તેમાંથી મળેલી માહિતીને અંકીય સ્વરૂપે (digital form) કમ્પ્યૂટરની દૃઢચકતી (hard disc) પર રખાય છે. કમ્પ્યૂટર તેનું ચિત્રાંકન(image)માં રૂપાંતર કરીને તેને તેના દર્શકપટલ (monitor) પર દેખાડે છે. એક્સ-રે-ફિલ્મ પર પણ તેનાં ચિત્રાંકનો મેળવી શકાય છે. જરૂર પડ્યે તેને નજીકથી જોતાં હોઈએ એવું મોટું ચિત્રાંકન પણ કરી શકાય છે. નસ દ્વારા એક્સ-રે-રોધી દ્રવ્ય આપીને એક પ્રકારની ગતિશીલ માહિતી પણ મેળવી શકાય છે. મોટાભાગનાં સી.એ.ટી.સ્કૅનનાં ચિત્રાંકનોમાં 1થી 10 મિમી. જાડાઈનો પરિચ્છેદ લેવાય છે.
એક્સ-રે-પ્રતિગ્રાહકોએ મેળવેલા અલ્પિત (attenuated) એક્સ-રે-પુંજોની માહિતીને સી.ટી.નંબરમાં ફેરવાય છે, તેને હાઉન્સફિલ્ટની ક્રમાંકશ્રેણી(scale)ના રૂપમાં દર્શાવવામાં આવે છે. જુદી જુદી પેશીનો જુદો જુદો સીટી-નંબર (સીટી-ક્રમાંક) હોય છે; જેમ કે, ફેફસાં માટે તે -400થી -600 છે, ચરબી માટે -60થી -100 છે, પાણીનો ‘0’ છે, મૃદુ પેશીનો +40થી 80 છે અને હાડકાંનો +400થી +1000 છે. જુદાં જુદાં યંત્રોમાં આ ક્રમાંકશ્રેણીમાં થોડો ફેરફાર રહેતો હોય છે.
કમ્પ્યૂટરમાં સંગૃહીત માહિતી ચુંબકીય-પટ્ટી કે મૃદુચકતી (floppy) પર અથવા પ્રકાશલક્ષી ચકતી (optic disc) પર પણ આલેખી શકાય છે તથા ત્યાંથી સહેલાઈથી પાછી મેળવી પણ શકાય છે.
સામાન્ય રીતે એક સી.એ.ટી.સ્કૅનની તપાસમાં દર્દીને મળતી એક્સ-રેની માત્રા બેરિયમ શ્રેણી જેવી તપાસમાં મળતી એક્સ-રેની માત્રા જેટલી જ હોય છે. સામાન્ય રીતે ચામડી માટે તે 1થી 6.5 chy (rads) હોય છે. સામાન્ય રીતે 77થી 140 kVp (કિલો વૉલ્ટેજ)વાળાં યંત્રો વપરાય છે. હાલ 1થી 10 સેકન્ડ જેટલા સમયગાળામાં જરૂરી માહિતી મેળવતાં યંત્રો વિકસ્યાં છે. જેટલું ઝડપી યંત્ર તેટલા ઓછા સમય માટે દર્દીને તેનો શ્વાસ રોકવો પડે છે. દરેક ચિત્રણ માટે બે સેકન્ડથી વધુ સમય લેતાં યંત્રોમાં દર્દીને શ્વાસ રોકવાનું કહેવું પડે છે અને હલન-ચલનને કારણે ઉદ્ભવતી છદ્મ-છાયાઓ (artefacts) ઘટે છે. પીયૂષિકા (pituitary) ગ્રંથિ માટે 1 થી 2 મિમી.ના પરિચ્છેદ લેવાય છે, જ્યારે અધિવૃક્ક (adrenal) ગ્રંથિ માટે 4થી 5 મિમી.ના પરિચ્છેદ લેવાય છે. છાતી, પેટ અને શ્રોણિ કે બસ્તિપ્રદેશ(pelvis) માટે 8થી 10 મિમી.ની જાડાઈના પરિચ્છેદ લેવાય છે. નાના દોષ-વિસ્તારો (lesions) શોધી કાઢવા પાતળા પરિચ્છેદ જરૂરી બને છે. પેટની પાછલી દીવાલ પર આવેલી પશ્ચપરિતની લસિકાગ્રંથિઓ(retroperitoneal lymphnodes)ના અભ્યાસ માટે 15થી 20 મિમી.ની જાડાઈના પરિચ્છેદ પણ ચાલે છે. સી.એ.ટી.સ્કૅન કરતાં પહેલાં વિપુલીકરણ (zoom out), યંત્રકક્ષનો ખૂણો તથા પરિચ્છેદની જાડાઈ કેટલાં રાખવાં તે નક્કી કરી લેવાય છે.
પેટ અને શ્રોણિ(વસ્તિપ્રદેશ)ના સી.એ.ટી.સ્કૅન અભ્યાસ માટે 3 કલાક સુધી જઠર ખાલી રહે તે જોવાય છે, જેથી કરીને એક્સ-રે-રોધી માધ્યમ (પદાર્થ) (radioopaque medium) પિવડાવીને તેની સ્પષ્ટ રૂપરેખા (out-line) દર્શાવી શકાય. શ્રોણિ(બસ્તિપ્રદેશ)ના અભ્યાસ માટે દર્દીએ તેના મૂત્રાશયમાં પેશાબ ભરી રાખવો પડે છે. સ્ત્રીઓએ તેમની યોનિમાં હવા ભરેલી જાળીવાળું ટેમ્પુન પહેરવાનું સૂચવાય છે, જેથી કરીને યોનિ(vagina)ની સ્પષ્ટ રૂપરેખા મળી રહે. આંતરડાને એક્સ-રે-રોધી માધ્યમદ્રવ્ય પિવડાવીને એક્સ-રે-રોધી બનાવાય છે; કેમ કે, ખાલી આંતરડાં ઘણી વખતે ગાંઠ જેવો દેખાવ કરે છે. આંતરડાને અપારદર્શક બનાવવા માટે સોડિયમ મેગ્લુમાઇન ડાયાટ્રાઝોએટ અથવા ઓછી ઘનતાવાળું બેરિયમનું દ્રાવણ પિવડાવાય છે. કયો વિસ્તાર તપાસવાનો છે તે આધારે આ પદાર્થોની માત્રા (dose) અને સમયગાળો નક્કી કરવામાં આવે છે. ઉપલા પેટના અભ્યાસ માટે 300 મિલી. મુખમાર્ગી વિધર્મી માધ્યમદ્રવ્ય (contrast medium) અથવા એક્સ-રે-રોધી માધ્યમને 20 મિનિટ પહેલાં પિવડાવાય છે. સ્વાદુપિંડ(pancreas)ના અભ્યાસ માટે તથા પકવાશય(duodenum)ને એક્સ-રે-રોધી બનાવવા માટે 10 મિનિટ પહેલાં વિધર્મી માધ્યમદ્રવ્ય પિવડાવીને જમણી બાજુ સૂવાનું જણાવાય છે. પેટના નીચલા ભાગ માટે 600થી 900 મિલી. દ્રાવણને 1 કલાક પહેલાં અપાય છે. મળાશયમાં નાંખી શકાતું માધ્યમદ્રવ્ય મળાશય અને નીચે ઊતરતા મોટા આંતરડાના નીચલા ભાગની રૂપરેખા સ્પષ્ટ કરે છે. તેનો ઉપયોગ શ્રોણિ(બસ્તિપ્રદેશ)માંની ગાંઠ દર્શાવવા થાય છે.
આયોડિનવાળાં વિધર્મી માધ્યમદ્રવ્યો જે અવયવમાંથી પસાર થાય તેને એક્સ-રે-રોધી બનાવીને તેમની છાયા વધુ સ્પષ્ટ કરે છે. તેને 3 તબક્કાઓમાં તપાસી શકાય છે : (1) વાહિનીલક્ષી સુસ્પષ્ટીકરણ (vascular enhancement), (2) સામાન્ય પેશીનું સુસ્પષ્ટીકરણ અને (3) મૂત્રમાર્ગનું અપારદર્શીકરણ (opacification). નસમાં અપાયેલાં આયોડિનવાળાં માધ્યમદ્રવ્યો જે તે અવયવની રચના અને વિકૃતિ સ્પષ્ટપણે દર્શાવે છે. આવી રીતે અપાતા પદાર્થો નસમાં ઝડપથી કે ધીમે ધીમે અપાય છે. ઝડપથી આપવાની પદ્ધતિમાં અપારદર્શીકરણ વધુ સારી રીતે થાય છે અને તે 40થી 60 સેકન્ડ સુધી રહે છે. સબળ ઉત્ક્ષેપકો (power injectors), વડે 5 મિલી. 1 સેકન્ડના ઝડપી દરે ઇન્જેક્શન (નિક્ષેપન) આપી શકાય છે. મૂત્રપિંડની સામાન્ય કાર્યક્ષમતા હોય તો 100થી 150 મિલી. 60 % વિધર્મી માધ્યમદ્રવ્યવાળું દ્રાવણ નસ વાટે ઝડપથી અપાય છે. ઓછા આસૃતિદાબ(osmotic pressure)વાળા પદાર્થો પણ આ કાર્ય માટે મળતા થયા છે. તેથી ગતિશીલ (dynamic) સી.એ.ટી.સ્કૅન વધુ સુસ્પષ્ટ બન્યું છે અને ઊબકા-ઊલટીનું પ્રમાણ પણ ઘટ્યું છે.
વાહિનીલક્ષી સુસ્પષ્ટીકરણનો તબક્કો પતે એટલે આખા અવયવની નાની નસોમાં ફેલાયેલું વિધર્મી માધ્યમદ્રવ્ય જ્યાં જ્યાં જેટલું રુધિરાભિસરણ હોય તેટલા પ્રમાણમાં તે અવયવની સામાન્ય પેશીને એક્સ-રે-રોધી બનાવીને સુસ્પષ્ટ છાયા ઉત્પન્ન કરે છે. તેમાં નસોની અને અવયવની પ્રમુખપેશી(parenchyma)ના કોષોની બહારના પ્રવાહીમાં પ્રવેશેલું માધ્યમ પણ જોવા મળે છે. મૂત્રપિંડના કૅન્સરમાં આ ખૂબ સ્પષ્ટ રીતે જોવા મળે છે. યકૃતમાં પ્રવાહી ભરેલી પોટલી જેવી કોષ્ઠ (cyst) હોય તો તેનું અપારદર્શીકરણ થતું નથી, પરંતુ તેનું સૌમ્ય (benign) કે કૅન્સરની ગાંઠોમાં વધતાઓછા પ્રમાણમાં અપારદર્શીકરણ થાય છે. સામાન્ય રીતે પેશી-સ્પષ્ટીકરણના તબક્કાને માટે 5થી 10 મિનિટ રાહ જોવી પડે છે.
મૂત્રપિંડમાં લોહી ગળાઈને પેશાબ બને છે. તેમાં ગળણીનું કામ કરતા એકમોને મૂત્રલ (nephron) કહે છે. પેશી-સ્પષ્ટીકરણના તબક્કા પછી વિધર્મી માધ્યમદ્રવ્ય ગળાઈને મૂત્રમાં પ્રવેશે છે. તેથી મૂત્રમાર્ગના શ્રોણિ(બસ્તિપ્રદેશ), મૂત્રપિંડનલિકા, મૂત્રાશય અને મૂત્રાશયનલિકા અપારદર્શક એક્સ-રે-રોધી માધ્યમદ્રવ્યથી ભરાય છે અને તેમની રૂપરેખા સુસ્પષ્ટ બને છે.
કરોડરજ્જુ(મેરુરજ્જુ)ની આસપાસ 3 આવરણો છે. તેમાંના જાળીમય આવરણ(જાળીમય તાનિકા, arachoid mater)ની નીચે પ્રવાહી ભરાયેલું હોય છે. તે પ્રવાહી મગજ(મસ્તિષ્ક)ની આસપાસ પણ હોય છે. તેથી તેને મેરુ-મસ્તિષ્કજળ (cerebrospinal fluid, CSF) કહે છે. તેમાં કેડમાંથી કાણું પાડીને (કટિછિદ્રણ) નસ વડે એક્સ-રે-રોધી માધ્યમદ્રવ્યને નાંખી શકાય છે. તેને મેરુરજ્જુ-ચિત્રણ અથવા કરોડરજ્જુ ચિત્રણ (myelography) કહે છે. પાણીમાં ઓગળી શકે તેવા માધ્યમદ્રવ્યને કટિછિદ્રણ (lumber puncture) કરીને સોય વડે મેરુ-મસ્તિષ્ક જળમાં નંખાય છે. તેને અંતસ્તાનિકા-નિક્ષેપન (intra-thecal injection) કહે છે. ત્યારપછી તે ભાગનો સી.એ.ટી.સ્કૅન લેવાય છે. તેનાં સ્પષ્ટ ચિત્રો લેવા માટે ચિત્રના વિપુલીકરણ(zooing out)ની સગવડ હોવી જરૂરી છે. સામાન્ય રીતે 4થી 5 મિમી.નો પરિચ્છેદ લેવાય છે. કેટલાંક કેન્દ્રોમાં કેડના કરોડના મણકા વચ્ચેની ગાદી ખસવાના અને ચેતામૂળના દબાણ થવાના કિસ્સાની તપાસમાં વિધર્મી માધ્યમો વગરનો સી.એ.ટી.સ્કૅનનો અભ્યાસ કરાય છે.
સી.એ.ટી.સ્કૅનની મદદથી શરીરની અંદરની ગાંઠોમાંથી પ્રવાહી કે ટુકડો લઈને સૂક્ષ્મદર્શક વડે તપાસવા માટે મોકલી અપાય છે. તેને પેશીપરીક્ષણ (biopsy) કહે છે. તે કૅન્સરના નિદાનમાં ઉપયોગી છે. આ ઉપરાંત શરીરના અંદરના ભાગમાંનું ગૂમડું શોધીને તેમાંનું પરુ કાઢી નાંખી શકાય છે. ક્યારેક પેટના ઉપલા ભાગમાં, જઠરની પાછળ આવેલા કાયગુહાકીય ચેતાકંદુક (coelomic axis ganglion) નામના ચેતાતંત્રની એક નાની લખોટી જેવી સંરચનાનું કાર્ય બંધ કરી દેવા ઇન્જેક્શન અપાય છે. તે અત્યંત મહત્ત્વની નસોની પાસે હોવાથી ઘણી કાળજી, ચીવટ અને ઝીણવટથી કાર્ય કરવું પડે છે. તે માટે સ્થાનનું જરૂરી સૂક્ષ્મનિશ્ચયન (precision) સી.એ.ટી.સ્કૅન વડે કરાય છે. મહત્ત્વની નસો કે હવા ભરેલા આંતરડાની નજીકની આવી કોઈ પણ પ્રક્રિયામાં અલ્ટ્રાસાઉન્ડ કરતાં સી.એ.ટી.સ્કૅન વધુ લાભદાયી બની રહે છે. વળી તે સોયની ટોચને સ્પષ્ટપણે દર્શાવે છે. સામાન્ય રીતે સ્વાદુપિંડ, અધિવૃક્ક ગ્રંથિ કે પેટમાંની લસિકાગ્રંથિઓમાંની નાની ગાંઠ, કોણીમાંના હાડકાની નજીકની ગાંઠ, છાતીના મધ્યભાગમાં આવેલી ગાંઠ કે ઉરોદરપટલ પાસેના યકૃતમાં આવેલી નાની ગાંઠમાં સી.એ.ટી.સ્કૅનને વધુ મહત્ત્વનું ગણવામાં આવે છે. સામાન્ય રીતે પેશીપરીક્ષણ કરતાં પહેલાં 3 કલાક સુધી કશું મોં વડે ન લેવાનું સૂચવાય છે અને મનને શાંત કરતી દવા અપાય છે. સામાન્ય રીતે જે તે ભાગની ચામડીને બહેરી કરીને ચામડીમાંથી સોય નાખીને તપાસ કરાય છે. જો ધૂલિરંજકકોષાર્બુદ (pheochromocytoma) ધૂળ જેવાં રંગદ્રવ્યોવાળા કોષોની ગાંઠ હોવાની સંભાવના હોય તો આ તપાસ કરાતી નથી. આ પદ્ધતિ દ્વારા સામાન્ય રીતે 80 %થી 90 % દર્દીઓમાં નિદાન મળે છે.
સી.એ.ટી.સ્કૅનનો એક મહત્ત્વનો ઉપયોગ કૅન્સરની સારવારમાં વપરાતી વિકિરણચિકિત્સા(radiotherapy)ના આયોજનમાં થાય છે. તે ગાંઠના સ્થાનને નિશ્ચિત કરી આપે છે. ચામડી પર કાયમ રહી જાય તેવો ડાઘ કરીને (છૂંદણાં કરીને) તેના પર બેરિયમની પટ્ટી મૂકવામાં આવે છે. તેને કારણે જે તે ગાંઠની ઉપરની ચામડીનો કયો ભાગ છે તે નક્કી કરી શકાય છે. વિકિરણ-ચિકિત્સાનાં કિરણો ક્યાંથી આપવાં તે નક્કી કરવામાં તે મદદરૂપ છે. વળી હાલ સી.એ.ટી. સંલગ્ન આયોજનતંત્ર(CAT related planning system)ને સંકલિત કરાયેલું હોય તો તેમાં વિકિરણની માત્રા અને પ્રવેશપથ નક્કી કરવામાં ઘણી સુગમતા રહે છે. એવી આશા રખાય છે કે સી.એ.ટી.સ્કૅન સાથે સંકલિત સારવારના આયોજનની પદ્ધતિ કૅન્સરની સારવારમાં ઘણાં ફળદાયી પરિણામો આપશે.
બાળકોના સી.એ.ટી.સ્કૅનમાં કેટલાંક મહત્ત્વનાં પાસાંઓ જોવાં પડે છે. બાળકો તપાસ દરમિયાન ઓછો સહકાર આપે છે અને તેમના પેટ અને છાતીમાંની ચરબીનો નિર્ણય લેવામાં મુશ્કેલી સર્જે છે. 4 વર્ષથી નાનાં બાળકોને સામાન્ય રીતે વૉર્ડમાં ઊંઘાડ્યાં પછી જ સી.એ.ટી.સ્કૅન માટે લેવાય છે. બાળક શ્વાસોચ્છ્વાસ કરતું રહે છે. માટે 5 સેકન્ડના ગાળામાં લેવાતાં ચિત્રણોની કક્ષા નિમ્નતર રહે છે, નસ દ્વારા વિધર્મી માધ્યમદ્રવ્ય આપવાથી કોઈ ખાસ હેતુ સરતો નથી. પરિચ્છેદની જાડાઈ અને બે પરિચ્છેદ વચ્ચેનું અંતર કયા પ્રકારની ગાંઠ દર્શાવવાની છે તેના પર આધાર રાખે છે. મુખ્ય ગાંઠોમાં મગજ, મૂત્રપિંડ, હાડકાં અને મૃદુપેશીની ગાંઠો છે. મગજ સિવાયની ગાંઠોમાં ગાંઠનું સ્થાન તથા છાતી એમ બંનેનો સી.એ.ટી.સ્કૅન લેવાય છે. સામાન્ય રીતે બાળકને નિશ્ચેતક (anaesthetic) દવા વડે બેહોશ કરીને ચિત્રણો લેવાય છે. તેમ કરતાં ફેફસાંમાં નિશ્ચેતકને કારણે ફેફસાના કેટલાક વિસ્તારો વાયુ વગરના દબાઈ જાય છે, જે નિદાન કરવામાં મુશ્કેલી સર્જે છે.
સી.એ.ટી.સ્કૅનનો સૌથી મહત્ત્વનો ઉપયોગ માથાને ઈજા પછી કે મગજમાં ગાંઠ થઈ હોય એવી શંકાને કારણે ખોપરીની અંદરની સંરચનાઓ જોવા માટે થાય છે. સ્વાદુપિંડશોથ (pancreatitis) કે પેટની અંદરના ગૂમડાને દર્શાવવા માટે પણ તે વપરાય છે. પીઠ અને કમરના દુખાવામાં કેડના મણકાનો સી.એ.ટી.સ્કૅન ઘણી ઉપયોગી માહિતી આપે છે. આધુનિક વિકાસના ભાગ રૂપે હૃદયધમનીની શસ્ત્રક્રિયા પછીની સ્થિતિ કે આનુષંગિક તકલીફોના નિર્ણયમાં પણ સી.એ.ટી.સ્કૅન મહત્ત્વનો ભાગ ભજવે છે. જોકે ક્યારેક ગાંઠ કૅન્સરની છે કે નહિ અથવા સ્વાદુપિંડમાંનો દોષવિસ્તાર કૅન્સર, લોહીની ગાંઠ કે ગૂમડાનો બનેલો છે કે કેમ તે નક્કી કરવામાં મુશ્કેલી પડે છે. આવી સ્થિતિઓ સી.એ.ટી. સ્કૅનની મર્યાદા દર્શાવે છે. એક બીજી મર્યાદા પેટ અને શ્રોણિ(બસ્તિપ્રદેશ)ના 15થી 20 મિમી.થી નાના દોષવિસ્તારોને દર્શાવવાની અક્ષમતામાં રહે છે. જોકે ફેફસાં (3થી 4 મિમી.) અને અધિવૃક્ક ગ્રંથિ(10 મિમી.થી નાના)માંના નાના દોષવિસ્તારો સહેલાઈથી ઓળખી શકાય છે. સી.એ.ટી.સ્કૅનની સૌથી મોટી મર્યાદા તે જઠર અને આંતરડા વિશે ખૂબ ઓછી માહિતી આપે છે તે છે. મૃદુપેશીને દર્શાવવામાં, નાના મગજ અને મસ્તિષ્ક-પ્રકાંડ(brain stem)ના રોગોમાં તથા જ્યાં આડછેદ નહિ પણ ઊભો છેદ જોવો જરૂરી બને એવા કરોડના મણકાના રોગોમાં સી.એ.ટી.સ્કૅન કરતાં ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging, MRI) વડે કરાતું પરીક્ષણ વધુ માહિતી આપે છે. હાલ ઓછા ખર્ચના અને વધુ ઝડપવાળા સી.એ.ટી.સ્કૅનનાં યંત્રો બનાવવાના પ્રયોગો ચાલી રહ્યા છે.
શિલીન નં. શુક્લ
શ્રીદેવી બા. પટેલ