કશ્યપ, સુભાષચંદ્ર ડૉ. (જ. 10 મે 1929, ચાંદપુર, જિલ્લો બિજનોર, ઉત્તરપ્રદેશ) : બંધારણ-નિષ્ણાત, લોકસભાના પૂર્વ મહાસચિવ અને બંધારણની સમીક્ષા કરવા નિમાયેલ રાષ્ટ્રીય પંચના સભ્ય. પિતાનું નામ બળદેવદાસ તથા માતાનું નામ બસંતી. સમગ્ર શિક્ષણ ઉત્તરપ્રદેશના અલ્લાહાબાદ નગરમાં. એમ.એ. (રાજ્યશાસ્ત્ર), એલએલ.બી. તથા રાજ્યશાસ્ત્ર વિષયમાં અલ્લાહાબાદ યુનિવર્સિટીની ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફીની પદવી મેળવી. વ્યાવસાયિક કારકિર્દી પત્રકારત્વ દ્વારા આરંભી. સાથોસાથ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં આસિસ્ટંટ પ્રોફેસરના પદ પર તેમણે કામ કર્યું. 1953માં લોકસભાના સચિવાલયમાં મુખ્ય સંશોધન-અધિકારી તરીકે જોડાયા; સાથોસાથ વિશેષ ફરજના અધિકારી(OSD)ના હોદ્દા સાથે લોકસભાના મુખ્ય ગ્રંથપાલ તરીકે કામ કર્યું. 1965-66માં અમેરિકન કૉંગ્રેસના ફેલો બન્યા. 1966માં અમેરિકન અને ઇન્ટરનૅશનલ અકાદમી ઑવ્ લૉમાં કાર્યરત રહ્યા. 1977માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના ફેલો બન્યા. 1984-90 દરમિયાન લોકસભાના ક્રમશ: નિયામક, સહસચિવ તથા મહાસચિવનાં પદો પર બઢતી મેળવી. દૈનિક ‘પરિવર્તન’, સાપ્તાહિક ‘ધ યુનિયન’ તથા ‘પ્રભાત’ સામયિકનું સંપાદનકાર્ય કરતા રહ્યા. વળી ‘જર્નલ ઑવ્ કૉન્સ્ટિટ્યૂશનલ ઍન્ડ પાર્લમેન્ટરી સ્ટડીઝ’ તથા ‘લોકતંત્રસમીક્ષા’નું તંત્રીપદ પણ સંભાળ્યું. ઇન્ડિયન પાર્લમેન્ટરી ગ્રૂપના સચિવપદે તથા ભારત સરકારના પ્રેસ રેગ્યુલેશન વિધિવિહાન(PR)ના પરામર્શકની જવાબદારીઓ અદા કરી. 1996-98 દરમિયાન ‘નેહરુ ફેલો’ બન્યા. લોકસભામાંથી નિવૃત્તિ પહેલાં ‘પૉલિટિક્સ ઇન્ડિયા’ સામયિકના સંપાદક રહ્યા.
તેમને બંધારણીય બાબતોના નિષ્ણાત ગણવામાં આવે છે. અટલબિહારી વાજપેયીના વડાપ્રધાનપદ હેઠળની એન.ડી.એ. સરકારે ભારતના બંધારણની સમીક્ષા કરવા સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ વેંકટપૈયાના પ્રમુખપણા હેઠળ નીમવામાં આવેલા પંચમાં સુભાષ કશ્યપનો પણ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવેલો છે.
તેમણે વિપુલ ગ્રંથરચના કરી છે : ‘જવાહરલાલ નેહરુ, કૉન્સ્ટિટ્યૂશન ઍન્ડ પાર્લમેન્ટ’; ‘હ્યૂમન રાઇટસ્ ઍન્ડ પાર્લમેન્ટ’; ‘પૉલિટિક્સ ઑવ્ ડીફેક્શન’; ‘ટ્રીસ્ટ વીથ ફ્રીડમ’; ‘પૉલિટિક્સ ઑવ્ પાવર’; ‘ડિક્શનરી ઑવ્ પૉલિટિકલ સાયન્સ’; ‘ધ અનનૉન નિટ્ઝે’; ‘મિનિસ્ટર્સ ઍન્ડ લેજિસ્લેટર્સ’; ‘પાર્લમેન્ટ ઑવ્ ઇન્ડિયા’; ‘મિથ્સ ઍન્ડ રિયાલટીઝ’; ‘હિસ્ટરી ઑવ્ ફ્રીડમ મૂવમેન્ટ’ (1857-1947); ‘હિસ્ટરી ઑવ્ પાર્લમેન્ટરી ડેમૉક્રસી’; ‘પાર્લમેન્ટરી વિટ ઍન્ડ હ્યુમર’; ‘ઑફિસ ઑવ્ ધ સ્પીકર ઍન્ડ સ્પીકર્સ ઑવ્ લોકસભા’; ‘ધ ટેન લોકસભાઝ’ (1952–91); ‘રીફૉર્મિંગ ધ કૉન્સ્ટિટ્યૂશન’; ‘એન્ટિ ડીફેક્શન લૉ ઍન્ડ પાર્લમેન્ટરી પ્રિવિલેજેસ’; ‘હિસ્ટરી ઑવ્ પાર્લમેન્ટ’ (6 volumes); તથા ‘અવર કૉન્સ્ટિટ્યૂશન’.
તેમને મળેલા માન સન્માનમાં કમાન્ડર ઍન્ડ ડિગ્રી ઑવ્ એચ. ઓ. એ. એસ. એફનું માનદ્ ટાઇટલ તેમના બંધારણના કાયદાના કાર્ય માટે, મોતીલાલ નેહરૂ ઍવૉર્ડ બે વખત, જવાહરલાલ નહેરૂ ફેલોશીપ (1996-98), આ ઉપરાંત વિદૂર સમ્માન, રાજીવ સ્મૃતિ સમ્માન, વિધિ સેવા સમ્માન અને ગ્રેટ સન ઑવ્ ધ સોઇલ અ ઍવૉર્ડ તેમ જ 2015માં પદ્મભૂષણ પણ એનાયત થયો છે.
ભારતના બંધારણની બાબતમાં જો કોઈ મડાગાંઠ ઊભી થાય અથવા બંધારણના અર્થઘટન અંગે કોઈ વિવાદ ઊભો થાય તો દેશના જે કેટલાક નિષ્ણાતોના અભિપ્રાય મેળવવામાં આવે છે તેમાં ડૉ. સુભાષચંદ્ર કશ્યપ મોખરે હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે