હાજિની મોહીદ-દીન
February, 2009
હાજિની, મોહીદ-દીન (જ. 1917, હાજિન સોનાવાડી, કાશ્મીર) : કાશ્મીરી વિદ્વાન અને નાટ્યકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘મકૌલાત’ બદલ 1970ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ હાજિન સોનાવાડીમાં મેળવ્યું હતું. પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. અને પત્રકારત્વમાં ડિપ્લોમા સહિત એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી.
1942માં તેઓ પી. ડબ્લ્યૂ. કૉલેજ, જમ્મુમાં અરબીના અધ્યાપક તરીકે જોડાયા. 1958થી તેઓ એસ. પી. કૉલેજ, શ્રીનગરમાં અરબીના પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. તેઓ તેમના લોકોની રાજકીય જાગરૂકતાની ચળવળમાં સક્રિય રીતે જોડાયા અને ઘણી વાર જેલવાસ ભોગવ્યો. વળી તેમના પ્રદેશના સાહિત્યિક નવજાગરણમાં પણ તેઓ સામેલ થયા અને સંખ્યાબંધ સાહિત્યિક અને વિદ્વજ્જનોનાં મંડળોમાં સક્રિય રહ્યા.
‘ગ્રીસ સુંદ ધરા’ નામક દીર્ઘ નાટક દ્વારા તેમણે કાશ્મીરી સાહિત્યમાં નવો ચીલો પાડ્યો. ‘કાશિરે નાસ્રેચ કિતાબ’ નામક તેમના ગ્રંથને ‘સ્ટેટ અકાદમી ઑવ્ આર્ટ, કલ્ચર ઍન્ડ લૅન્ગ્વેજિઝ’નો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. વળી તેમણે પ્રથમ કાશ્મીરી કાવ્યસંગ્રહનું સંકલન કર્યું, જેનું પ્રકાશન સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવ્યું.
તેમની પુરસ્કૃત કૃતિ ‘મકૌલાત’ (1967) તેમનો અદ્યતન નિબંધસંગ્રહ છે. વિવિધ વિષયો પરના આ નિબંધો કાશ્મીરીમાં ગદ્ય લખાણોનો ભાવપૂર્ણ પુરાવો છે. તેમાં રોજિંદા વ્યવહારની ભાષાનો પ્રયોગ, દૃષ્ટિની સ્વસ્થતા અને સરળ શૈલીને કારણે આ કૃતિ તત્કાલીન કાશ્મીરી સાહિત્યમાં અનુપમ પ્રદાન ગણાય છે.
આ સંગ્રહ 7 નિબંધોનો બનેલો છે. પ્રથમ નિબંધ કાશ્મીરી ભાષાના ઊગમ અને વિકાસ અંગેના વિવાદાસ્પદ મુદ્દાને લગતો છે. તે અર્વાચીન કાશ્મીરની ઐતિહાસિક ભૂમિકા પર આધારિત છે. લોકોની પરંપરાગત માન્યતાઓ સંબંધી નિબંધમાં કાશ્મીરી લોકસાહિત્ય પર શૈવ ધર્મ, બૌદ્ધ તત્વજ્ઞાન અને મુસ્લિમ આધ્યાત્મિકતાની અસરોની વિદ્વત્તાપૂર્ણ ચર્ચા પ્રથમ વાર કરવામાં આવી છે. અન્ય નિબંધોમાં દંતકથાઓનો ભોગ બનેલી કાશ્મીરી કહેવતોના સ્રોત ટાંક્યા છે. વળી કાશ્મીર પર મુઘલોની શાહી અસરો પ્રદર્શિત કરીને વિવેચક પેઢી માટે કાશ્મીરની કાવ્યાત્મક કળાના અભ્યાસ અને ક્યાસ કાઢવા માટેનું આકર્ષણ તેમણે પૂરું પાડ્યું છે.
બળદેવભાઈ કનીજિયા