હાજી-ઉદ્-દબીર : ગુજરાતનો 17મી સદીનો મુસ્લિમ ઇતિહાસકાર. હાજી-ઉદ્-દબીરનું મૂળ નામ અબ્દુલાહ મુહમ્દમ-બિન ઉમર અલ્મક્કકી હતું. તેનો જન્મ મક્કામાં થયો હતો. એ પછી તેણે પાટણ, અમદાવાદ અને ખાનદેશમાં અનેક અમીરોને ત્યાં નોકરી કરી હતી, તેનું વ્યક્તિત્વ વિશિષ્ટ પ્રકારનું હતું અને તેણે મહત્વનાં સ્થળોએ મહત્વની જગ્યાએ નોકરીઓ કરી હતી. મહેનતુ અને વિદ્વાન હોવાથી તેણે અરબી ભાષામાં ‘ઝફ્રુલ્વાલિહ-બે-મુઝુફ્ફર-વ-આલિહૈ’ નામનો ઇતિહાસગ્રંથ ઈ. સ. 1605–1613 દરમિયાન રચ્યો હતો, જેમાંથી તે સમયની વિશ્વાસપાત્ર હકીકતો મળે છે. આ ગ્રંથ લખવાનો તેનો હેતુ હુસામખાનની ‘તારીખે બહાદુરશાહી’ની વિગતો આગળ ચલાવવાનો હતો. પોતે તટસ્થ ઇતિહાસકાર હતો અને તેણે જરૂરી ઠેકાણે ખુલાસાઓ પણ કર્યા છે એવું એમાં દેખાય છે. સમકાલીન બનાવો માટે એણે જે કાંઈ જોયેલું અને એમાં ભાગ લેનારાઓ પાસેથી સાંભળેલું તેના ઉપર આધાર રાખીને લખેલું છે એમ પણ એ દંભ વિના કહે છે. વળી એના પૂર્વજોમાંના કેટલાકનો સંબંધ ગુજરાતના સુલતાનો સાથે હતો. તેથી એના ગ્રંથમાં ઘણા એવા બનાવો જાણવા મળે છે કે જે બનાવોનાં વર્ણનો ‘મિરાતે સિકંદરી’માં આલેખાયાં નથી. વિશેષમાં એણે ગુજરાતનાં બંદરોમાં પોર્ટુગીઝોએ ઉપસ્થિત કરેલા ભયનો તાશ અહેવાલ આપ્યો છે; જેમાં તુર્કો, પોર્ટુગીઝો અને ગુજરાતીઓ વચ્ચે ત્રિપક્ષી ઝપાઝપી થયેલી તેનો પણ સમાવેશ કર્યો છે. ફિરંગી સત્તાઓને દીવ અને ગુજરાતના દરિયાકિનારેથી હાંકી કાઢવા સુલતાન મહમૂદ (ઈ. સ. 1537–1553) ત્રીજાના સમયમાં ઈ. સ. 1538 અને ઈ. સ. 1546માં બે ભારે પ્રયાસ થયા, એ યુદ્ધનાં વર્ણનો ફિરંગી ઇતિહાસકારોએ અને હાજી-ઉદ્-દબીરે કરેલાં છે તે બન્નેની તુલના કરવા જેવી છે. હાજી-ઉદ્-દબીરના આ ગ્રંથમાં ભારતની સમગ્ર ઇસ્લામી સલ્તનતનો અકબરના સમય સુધીનો ઇતિહાસ આપ્યો છે. આવો ગ્રંથ લગભગ ત્રણ સદી સુધી અપ્રાપ્ય રહેલો તે છેવટે 20મી સદીના આરંભમાં પ્રકાશમાં આવ્યો છે. આ ગ્રંથમાંથી ઇતિહાસ સિવાય ગુજરાતનાં પાટણ અને અમદાવાદ જેવાં મુખ્ય શહેરોમાં ચાલતી ખાસ કરીને મુસ્લિમ પરંપરાના શિક્ષણ અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિશે સારી એવી માહિતી મળે છે. કદાચ આ ગ્રંથના હિસાબે જ પછી લગભગ 150 વર્ષ બાદ મિર્ઝા મહમદ હસન ઉર્ફે અલી મહમદખાને ‘મિરાતે અહમદી’ લખી હતી.

પ્રદ્યુમ્ન ભ. ખાચર