હાઉસી બર્નાર્ડો આલ્બર્ટો (Houssay Bernardo Alberto)
February, 2009
હાઉસી, બર્નાર્ડો આલ્બર્ટો (Houssay, Bernardo Alberto) [જ. 10 એપ્રિલ 1887, બ્યૂનોસ ઐરેસ (Buenos Aires), આર્જેન્ટિના; અ. 21 સપ્ટેમ્બર 1971] : સન 1947ના તબીબી વિદ્યા તથા દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના 3 વિજેતાઓમાંના એક. તેમને અર્ધા ભાગનો પુરસ્કાર અપાયો હતો. જ્યારે અમેરિકાના કાર્લ કૉરિ અને ગર્ટી કોરિન વચ્ચે બાકીના અર્ધા ભાગનો પુરસ્કાર સરખા ભાગે વહેંચાયો હતો.
બર્નાર્ડો આલ્બર્ટો હાઉસી
ખાંડ(શર્કરા)ના ચયાપચય(metabolism)માં અગ્ર-પીયૂષિકા ગ્રંથિ(anterior pituitary gland)ના અંત:સ્રાવોના કાર્ય અંગે સંશોધન કરવા માટે તે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. શરીરમાં રાસાયણિક દ્રવ્યોનું ઘટન-વિઘટન થાય અને તેના દ્વારા ઊર્જા કે શરીરને ઉપયોગી રસાયણો કે કોષના ઘટકો બને તે સમગ્ર કાર્યને ચયાપચય કહે છે. અગ્રપીયૂષિકા ગ્રંથિ મોટા મગજની નીચે ખોપરીમાં આવેલી છે. તેમાં ઉદભવતા અંત:સ્રાવો (hormones) શરીરમાં શર્કરાના ચયાપચય ઉપરાંત અન્ય કાર્યોમાં મહત્ત્વનું કાર્ય કરે છે. તેમણે દર્શાવ્યું હતું કે અગ્રપીયૂષિકા ગ્રંથિમાંથી નીકળતો અંત:સ્રાવ શર્કરાનો ચયાપચય અટકાવે છે અને તેનું ઇન્જેક્શન મધુપ્રમેહ કરે છે.
તેમના પિતા વકીલ હતા. તેઓ વિચક્ષણ બાળક (child prodigy) હતા. તેઓ 9 વર્ષે કૉલેજમાં પ્રવેશ્યા અને 13મા વર્ષે હૉસ્પિટલમાં ઇન્ટર્ન બન્યા હતા. સન 1910માં તેઓ પશુચિકિત્સાવિદ્યા(veterinary science)ની યુનિવર્સિટી સ્કૂલમાં પ્રાધ્યાપક બન્યા અને 1913માં તેઓ અલવીર હૉસ્પિટલના મુખ્ય તબીબ બન્યા. સન 1919માં તેઓ મેડિકલ સ્કૂલમાં દેહધર્મવિદ્યાના પ્રાધ્યાપક બન્યા. ત્યાં તેમણે દેહધર્મવિદ્યાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિવાળી સંસ્થા બનાવી, જેના તેઓ 1943 સુધી નિયામકપદે રહ્યા. તેમણે તે સમયે દેશમાં અસરકારક લોકશાહી હોવી જોઈએ તેવો વિચાર વ્યક્ત કર્યો અને તેથી ત્યારની સરકારે તેમને પદચ્યૂત કર્યા. તેમણે મદદ માટે મળેલાં નાણાંમાંથી એક નવી સંસ્થા બનાવી, જેના નિયામક તરીકે તેમણે કાર્ય કર્યા કર્યું. તેમણે દેહધર્મવિદ્યાનાં ઘણાં ક્ષેત્રોમાં કાર્ય કર્યું. તેમણે 500થી વધુ શોધપત્રો અને પુસ્તકો લખ્યાં છે. 1955માં તેમની સરકારે ફરીથી તેમને યુનિવર્સિટીમાં નિયુક્તિ આપી. તેઓએ મારિયા એન્જેલિના કેટેન સાથે લગ્ન કર્યું હતું. તેનાથી તેમને 3 પુત્રો થયા હતા.
શિલીન નં. શુક્લ