સાકાઈ, હોઇત્સુ (જ. 1 ઑગસ્ટ, 1761, એડો, ટોકિયો, જાપાન; અ. 3 જાન્યુઆરી 1829, એડો, ટોકિયો, જાપાન) : જાપાની ચિત્રકાર. સાકાઈના મોટા ભાઈ જાપાનના એક સ્થાનિક રજવાડાના રાજા હતા. 1797માં સાકાઈ બૌદ્ધ સાધુ બન્યા. 1809માં એ નેગીશી જઈને ચિત્રકલા શીખ્યા. ચિત્રકાર ઓગાટા કોરિનની શણગારાત્મક લઢણો સાકાઈને ખાસ પસંદ પડી. કોરિનની સોમી મૃત્યુ જયંતી પ્રસંગે તેમણે કોરિનનાં સો ચિત્રોની નકલો પ્રદર્શિત કરી તથા કોરિનની સરલીકૃત (simplified) શણગારાત્મક ડિઝાઇનોનું પુસ્તક પ્રકાશિત કર્યું. આ પ્રયત્નોના પ્રતાપે ઓગણીસમી સદીના જાપાનની ચિત્રકલા ઉપર કોરિનનો ઊંડો પ્રભાવ પડ્યો. કોરિનનો પુનરુદ્ધાર (revival) કરવા ઉપરાંત સાકાઈએ મૌલિક ચિત્રો પણ ચીતર્યાં; જેમાં પવનમાં હિલોળા લેતી વનસ્પતિઓને તાદૃશ ચીતરી છે. તેમનાં આવાં બે ચિત્રો ‘સમર ઍન્ડ ઑટમ ફલાવર્સ’ તથા ‘સમર ગ્રાસિસ’ તેમની ચિત્રકળાના સર્વોત્તમ નમૂનાઓ (master-pieces) ગણાય છે. તેમણે હાઇકુ પણ લખ્યાં છે.
અમિતાભ મડિયા