સાઉદી અરેબિયા : રાતા સમુદ્ર અને પર્શિયન અખાત વચ્ચે વિસ્તરેલા અરેબિયન દ્વીપકલ્પમાં આવેલો મધ્ય-પૂર્વના દેશો પૈકીનો એક દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 0´થી 32° 10´ ઉ. અ. તથા 34° 30´ થી 56° 0´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે અને તેના લગભગ મધ્યભાગેથી કર્કવૃત્ત પસાર થાય છે. તેનું ભૌગોલિક ક્ષેત્રફળ લગભગ 22,50,070 ચોકિમી. છે. તે અરેબિયન દ્વીપકલ્પના આશરે 4/5 ભાગને આવરે છે, જ્યારે દ્વીપકલ્પના બાકીના ભાગોમાં અન્ય રાષ્ટ્રો આવેલાં છે. તેની દક્ષિણમાં યેમેન (Yemen), અગ્નિમાં ઓમાન, પૂર્વમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) તથા કતાર, ઉત્તરમાં જૉર્ડન, ઇરાક તથા કુવૈત જેવા દેશો સાથે તે ભૂમિસીમા ધરાવે છે. તેના નજીકના અન્ય પડોશી દેશોમાં સીરિયા, ઇઝરાયલ, ઇજિપ્ત, સુદાન, ઇથિયોપિયા, સોમાલિયા, ઈરાન, લૅબેનન, બહેરિન વગેરેનો સમાવેશ થાય છે.
સાઉદી અરેબિયાનું મોટાભાગનું ભૂમિસીમાંકન પદ્ધતિસર કરવામાં નહિ આવેલું હોવાથી પડોશી દેશો સાથે વારંવાર સરહદી અથડામણો થતી રહે છે. તે મંત્રીમંડળ સહિતની રાજાશાહી શાસનપદ્ધતિ [શેખ શાસનપદ્ધતિ (Sheikh kingdom)] ધરાવે છે. 1992માં સાઉદ શાહી પરિવારે દેશમાં પ્રથમ બંધારણની શરૂઆત કરી. તેની કાનૂની પદ્ધતિ શેરિયાના ઇસ્લામિક કાયદાઓ પર આધારિત છે. આ દેશનું પાટનગર રિયાધ છે, આમ છતાં જિદ્દાહ (Jedda) આંતરરાષ્ટ્રીય રાજકીય સંબંધો અંગેનું મહત્ત્વનું કેન્દ્ર છે, જ્યાં દેશના મંત્રીઓ તથા વિદેશોના રાજદૂતોની કચેરીઓ આવેલી છે. વહીવટી સરળતા માટે સાઉદી અરેબિયાને હિજાઝ (Hijaz), નેજ્દ (Nejd), આસિર (Asir) અને અલ હાસા (Al Hasa) – એમ ચાર પ્રાન્તોમાં વહેંચવામાં આવ્યો છે. હિજાઝ તથા આસિર, એ પશ્ચિમ ક્ષેત્રના પ્રાન્તો છે, નેજ્દ પ્રાન્ત મધ્ય ભાગમાં, જ્યારે અલ હાસા પ્રાન્ત પર્સિયન અખાતને કિનારે આવેલો છે.
પ્રાકૃતિક રચના તથા જળપરિવાહ : ભૂસ્તરવિદોના મત અનુસાર રાતો સમુદ્ર, એ પૂર્વ આફ્રિકાની લાંબી વિખ્યાત ફાટખીણનું અનુસંધાન છે. આ સમગ્ર પ્રદેશમાં આવેલાં ઘણાં સ્થળો જ્વાળામુખીય ઉત્પત્તિ ધરાવતાં હોવાના ખ્યાલને ભૂસ્તરવિદો દ્વારા અનુમોદન મળ્યું છે. એવી જ રીતે ઓમાન સીમાએ ગેડ પર્વતો આવેલા છે, જેના ભૂસ્તરીય બંધારણનું અનુસંધાન પર્શિયન અખાતના સામેના કિનારે ઈરાનમાં આવેલી ઝાગ્રોસ પર્વતમાળા સાથે સાંકળવામાં આવે છે.
સમગ્ર અરેબિયન દ્વીપકલ્પ, એ અતિ પ્રાચીન અને નક્કર ખડકોનો બનેલો ઉચ્ચપ્રદેશ છે, જે ઈશાન તરફનો ઢોળાવ ધરાવે છે. પશ્ચિમે રાતા સમુદ્રકાંઠે તિહામાહ(Tihamah)નું સાંકડું મેદાન આવેલું છે. આ મેદાન દક્ષિણ ભાગમાં આશરે 64 કિમી. જેટલું પહોળું છે, પણ જેમ જેમ ઉત્તર તરફ જઈએ તેમ તેમ તેની પહોળાઈમાં ઘટાડો થતો જાય છે; જેમ કે, મક્કા નજીક તેની પહોળાઈ 48 કિમી. જેટલી છે અને છેક ઉત્તરમાં અકાબાના અખાત સુધીની કિનારાની મેદાનપટ્ટી વધુમાં વધુ 32 કિમી. જેટલી પહોળાઈ ધરાવે છે. દેશના પૂર્વ ભાગોમાં પર્શિયન અખાતના કિનારાનાં મેદાનો પટ્ટી સ્વરૂપનાં છે, જે જાડા પંકથર ધરાવે છે.
રાતા સમુદ્રકાંઠાનાં સાંકડાં મેદાનોની સમાંતરે અને ઉચ્ચ પ્રદેશની પશ્ચિમની કિનારી પર હિજાઝ અને આસિરની તૂટકતૂટક પર્વતશ્રેણીઓ સીધા ઢોળાવ રૂપે ઊંચકાય છે અને તેમની ઊંચાઈ આશરે 1,500 મી.થી 2,500 મી. સુધી પહોંચે છે. પશ્ચિમની પર્વતશ્રેણીઓનું સર્વોચ્ચ શિખર ‘જેબેલ રાઝિખ’ (Jebel Razikh) 3,658 મી.ની ઊંચાઈ ધરાવે છે. પહાડી ક્ષેત્રોના પૂર્વ તરફના ઢોળાવો ધીમે ધીમે આછા થતા જાય છે.
મધ્યસ્થ ઉચ્ચપ્રદેશમાં ઊંચાઈની બાબતમાં ઘણુંબધું વૈવિધ્ય જોવા મળે છે. તેમાં તૈફ વિસ્તાર 1,524 મી., આશૈરા (Ashaira) પ્રદેશ 1,128 મી. અને બિરકા (Birka) ક્ષેત્ર 853 મી.ની ઊંચાઈ ધરાવે છે. દહના(Dahna)ના વિસ્તારોમાં સ્તરભંગરચના તથા ગેડીકરણ એમ બે ભૂસ્તરીય સંરચનાત્મક પ્રક્રિયાઓ થયેલી જોવા મળે છે.
આ દેશના મધ્યસ્થ ભાગોમાં નાનામોટા રેતાળ રણપ્રદેશો પથરાયેલા છે. નેફુદ (Nefud), દહના, રબ-અલ-ખલી (Rub-al-Khali) વગેરે પ્રખ્યાત રણપ્રદેશો છે. દહના ક્ષેત્રમાં રેતીના ઢૂવા છવાયેલા છે. આ બધા રણપ્રદેશોમાં જૌફ (Jauf), હૈલ (Hail), બુરૈદા (Buraida)ે, અનૈઝા (Anaiza) વગેરે વિશાળ રણદ્વીપો આવેલા છે. પૂર્વનાં ઢોળાવવાળાં મેદાનો થોડીક છૂટીછવાઈ પર્વતશ્રેણીઓ પણ ધરાવે છે. અલ હાસા (Al Hasa) વિસ્તારમાં હોફુફ (Hofuf), કતિફ (Katif), ઉજૈર (Ujair) વગેરે રણદ્વીપો આવેલા છે.
આસિર વિભાગની પર્વતીય હારમાળાઓ આશરે 2,743 મી.ની ઊંચાઈ ધરાવે છે, પણ ઉત્તર તરફ જતાં તેની ઊંચાઈ ક્રમશ: ઘટતી જાય છે; જેમ કે, મક્કા નજીક 2,438 મી., મહાદ ધહાબ (Mahad Dhahab) નજીક 1,219 મી., મદીના નજીક 914 મી. થઈ જાય છે. મધ્યસ્થ ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે 1,219 મી.થી 1,828 મી. વચ્ચે બદલાયા કરે છે.
રણપ્રદેશોમાં સપાટી પર પાણી ભાગ્યે જ જોવા મળે છે. અહીં કોઈ કાયમી ઝરણાં કે નદીઓ નથી. અહીં ઉદબાષ્પન ખીણપ્રદેશો (શુષ્ક ખીણો) (evaporate wadis) નજરે પડે છે. આમ છતાં ભૂગર્ભજળની ઉપલબ્ધિને લીધે અહીં ઘણા રણદ્વીપો આવેલા છે. વળી કેટલેક સ્થળે પાતાળકૂવાઓ દ્વારા પણ પાણી મેળવવામાં આવે છે.
આબોહવા, કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન : આ દેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. તેના પાટનગર રિયાધથી સહેજ દક્ષિણમાં થઈને કર્કવૃત્ત પસાર થાય છે. સાઉદી અરેબિયામાં દુનિયામાં સૌથી વધુ ગરમ ઉનાળાવાળી આબોહવા અનુભવાય છે. આ દેશ કાયમી અયનવૃત્તીય ગુરુભારપટ્ટની અસર નીચે આવતો હોવાથી અહીં ઊંચેની હવાનું અધ:સરણ થાય છે. આ હવા ભૂમિસપાટી નજીક આવતાંની સાથે ગરમ બને છે તેથી તેમાં રહેલો ભેજ ઠરી શકતો નથી, પરિણામે અહીં વરસાદ પડતો નથી. જોકે આ દેશમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 % જેટલું ઊંચું રહે છે, જે અસહ્ય હોય છે. આમ છતાં વાયવ્ય તરફથી વાતા પવનોની અસરથી અહીંના ઉનાળા કંઈક અંશે નરમ બને છે તેમજ શિયાળા સહન કરી શકાય તેટલા પ્રમાણમાં ઠંડા રહે છે, જ્યારે દક્ષિણ તરફથી પવનો ફૂંકાવાની શરૂઆત થાય છે, ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે અને ધૂળનાં આકસ્મિક તોફાનો ઉત્પન્ન થાય છે. આમ મેઑક્ટોબર માસ દરમિયાન અહીં અલ્પ પ્રમાણમાં વરસાદ પડે છે.
રિયાધ(ઊંચાઈ 590 મી.)નાં જાન્યુઆરીનાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 21° સે. તથા 8° સે. તેમજ જુલાઈનાં અનુક્રમે 42° સે. અને 26° સે. જેટલાં અનુભવાય છે. તેનો સરેરાશ વાર્ષિક વરસાદ માત્ર 10 મિમી. જેટલો છે. એવી જ રીતે પશ્ચિમ કિનારે આવેલા જિદ્દાહ- (6 મી.)નાં જાન્યુઆરીનાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 29° સે. તથા 19° સે. તેમજ જુલાઈનાં અનુક્રમે 37° સે. તથા 26° સે. રહે છે. તેનું જૂનનું સર્વોચ્ચ તાપમાન 47° સે. જેટલું નોંધાયેલું છે. તેના સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 4.9 મિમી. છે.
આસિરના પહાડી પ્રદેશમાં શિયાળામાં સખત ઠંડી અનુભવાય છે અને ક્વચિત્ કરા તથા હિમ (snow) પણ પડે છે. તેના સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 350 મિમી. જેટલું હોય છે.
પહાડી ક્ષેત્રો અને ઉચ્ચ પ્રદેશના કેટલાક ભાગોમાં તથા રણદ્વીપના વિસ્તારોમાં ટૂંકું ઘાસ, વૃક્ષો અને કાંટાળાં ઝાંખરાં જેવી વનસ્પતિ થાય છે. બાકીના રેતાળ રણપ્રદેશોમાં વનસ્પતિનું પ્રમાણ જૂજ અથવા નહિવત્ છે. હિજાઝ પ્રાન્તમાં બાવળનાં વૃક્ષોનું પ્રમાણ વિશેષ છે, જ્યારે રણદ્વીપોમાં ઘાસ અને ખજૂરનાં વૃક્ષો ઊગે છે. દેશના દક્ષિણ ભાગોમાં ઔષધિ માટે ઉપયોગી વનસ્પતિ થાય છે.
પહાડી ક્ષેત્રો પરની આછીપાતળી વનરાજિમાં ચિત્તા જેવાં કેટલાંક હિંસક પ્રાણીઓ જોવા મળે છે. આ સિવાય શિયાળ, સસલાં, નોળિયા, ઘો, કાચીંડા, સર્પની વિવિધ જાતો તેમજ બખોલોમાં નિવાસ કરતાં સજીવો અહીં સામાન્ય છે. વળી ગીધ, સમડી, ગરુડ, બાજ તથા બીજાં રણનિવાસી પક્ષીઓ પણ અહીં નજરે પડે છે. આ ઉપરાંત અહીંનાં પાળેલાં પ્રાણીઓમાં ઊંટ, ખચ્ચર, ઘોડા, ગધેડાં, ઘેટાંબકરાં વગેરેનો સમાવેેશ થાય છે. રણપ્રદેશના જહાજ તરીકે ઓળખાતા ઊંટની ઉપયોગિતા અહીં આજે પણ પહેલાંના જેટલી જ રહેવા પામી છે.
ભૂમિઉપયોગ, ખેતી અને પશુપાલન : આ દેશના આશરે 55.8 % ભૂમિવિસ્તારમાં ચરિયાણ બીડ આવેલાં છે, જ્યારે તેના લગભગ 1.8 % જમીન-વિસ્તારમાં ખેતીપ્રવૃત્તિ થાય છે. તેની માત્ર 0.8 % ભૂમિ જંગલો હેઠળ છે. વળી પડતર, બાંધકામ અને અન્ય ઉપયોગ હેઠળની ભૂમિનું પ્રમાણ લગભગ 41.6 % જેટલું થવા જાય છે.
આ દેશમાં મુખ્યત્વે આબોહવાની પ્રતિકૂળતા અને યોગ્ય જમીનોનો અભાવ હોવા છતાં આજીવિકા મેળવવા માટે ઘણુંખરું ખેતી કરવામાં આવે છે. તેની આશરે 12 % વસ્તી ખેતી દ્વારા રોજગારી મેળવે છે. આસિર વિસ્તારમાં થતી ખેતી ખાસ કરીને વરસાદ પર આધારિત છે, જ્યારે પૂર્વમાં સિંચાઈવાળા ખેતીવિસ્તારો આવેલા છે. રણદ્વીપોમાં પણ ખેતી થાય છે. કેટલાક ભાગોમાં પાતાળકૂવાઓ દ્વારા સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. સામાન્ય રીતે અહીં ઘઉં, જુવાર, બાજરી, જવ વગેરે જેવા ધાન્યપાકો લેવાય છે. અન્ય પાકોમાં ટમેટાં, બટાટા, ડુંગળી તથા બીજાં શાકભાજી તેમજ તરબૂચ, સક્કરટેટી, કૉફી, ખજૂર, જુવાર વગેરેનો સમાવેશ થાય છે. વળી થોડાક વિસ્તારોમાં ડાંગર, તમાકુ, મકાઈ, દ્રાક્ષ તથા સૂકા મેવા જેવા પાકો પણ થાય છે.
આ દેશના વાયવ્ય ભાગમાં થોડાક પ્રમાણમાં ભૂમધ્ય સમુદ્ર પ્રકારની આબોહવાની અસર વર્તાય છે; તેથી ત્યાં દ્રાક્ષ, નારંગી, લીંબુ, સંતરાં, વગેરે જેવાં ફળો વિશેષ પ્રમાણમાં થાય છે. કેટલાક ભાગોમાં સૂકા મેવાનું ઉત્પાદન લેવાય છે. આ દેશમાં ખજૂરનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. રિયાધ પાસેની લગભગ 800 હૅક્ટર જેટલી ભૂમિને સિંચાઈનો લાભ મળ્યો છે. મદીનાનો પ્રદેશ ખજૂરઉત્પાદન માટે જાણીતો છે. આ દેશમાં ખજૂરની 20 કરતાં વધુ જાતો થાય છે, તે પૈકી હાસા ક્ષેત્રના હોફુફ રણદ્વીપમાં થતી ખિલાસ (khilas) નામની ખજૂરની જાત કદમાં નાની હોય છે, પણ બધી જાતોમાં તે સૌથી વધુ મીઠાશ ધરાવે છે. વળી હોફુફ રણદ્વીપમાં સાત સ્થળે ફુવારા આવેલા છે, તેથી ખેતી માટે અહીં ઘણી જ લાભદાયક સ્થિતિ પ્રવર્તે છે. પાણીની સુવિધાને લીધે અહીં ડાંગરનો પાક પણ લેવાય છે.
સાઉદી અરેબિયામાં અગાઉ પરંપરાગત રીતે પશુઓનાં મળમૂત્રનો ખાતર તરીકે ઉપયોગ થતો હતો, પણ બીજા વિશ્વયુદ્ધ પછીથી અહીં અનાજનું ઉત્પાદન વધારવાના ભાગ રૂપે રાસાયણિક ખાતરનો વપરાશ થવા લાગ્યો. શરૂઆતમાં આવાં ખાતરોના વપરાશથી ખાર્જ (kharj) પ્રદેશમાં ઘઉંના ઉત્પાદનમાં ઘણો વધારો નોંધાયો. આ પરિણામથી આ દેશમાં હવે રાસાયણિક ખાતરોના વપરાશનું પ્રમાણ વધવા લાગ્યું છે.
પીવાના પાણી માટેના સૌરનિસ્યંદન પ્લાન્ટ સહિત ખેતીમાં સિંચાઈ, રણની જમીનોને નવસાધ્ય કરવાની પરિયોજનાઓ તેમજ બીજી રીતે ખેતી-સુધારણાની દિશામાં સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેટલાંક સ્થળોએ ખેતી આધુનિક પદ્ધતિથી થવા લાગી છે. ઉત્તમ બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ ટ્રૅક્ટર અને ખેતી માટેનાં બીજાં સાધનોનો વપરાશ કરીને વધુ સારાં પરિણામો હાંસલ કરવામાં અહીંના ખેડૂતો સફળ થયા છે. કેટલાંક નવાં કૃષિકેન્દ્રો પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે. ખાર્જ, જાબ્રિન (Jabrin), કતિફ (Qatif), વાડી ફાતિમા (Wadi Fatima) અને હાસામાં મુખ્ય કૃષિકેન્દ્રો આવેલાં છે.
આ દેશની ગ્રામવસ્તીનો મોટો ભાગ પશુસંવર્ધન અને પશુચરિયાણપ્રવૃત્તિમાં રોકાયેલો રહે છે. હિજાઝનાં ઊંચાં પહાડી ક્ષેત્રોમાં વ્યાપારી ધોરણે પશુઉછેર કરવામાં આવે છે. મોટાભાગની વિચરતી જાતિઓનો મુખ્ય વ્યવસાય ઊંટસંવર્ધન તથા તેનો વ્યાપાર છે. વળી ઊંટ તથા ઘેટાંઉછેર દ્વારા દૂધ, માંસ, ઊન, વાળ, ચામડાં વગેરે જેવી પશુ-પેદાશો મેળવાય છે. બેદુઇન લોકો સ્થળાંતર કરીને પશુપાલનનો વ્યવસાય કરે છે. આ સિવાય આ દેશમાં ગાય, ઘોડા, ગધેડાં, ખચ્ચર, મરઘાં-બતકાં વગેરેનું પણ પાલન થાય છે. અહીંની અરબી ઘોડાની જાત વિશ્વવિખ્યાત છે.
ઊર્જાસંસાધનો, ખનીજસંપત્તિ તથા ઉદ્યોગો : આ દેશમાંથી ઊર્જાસ્રોત-સ્વરૂપનાં ખનીજો પૈકી ખનીજતેલ અને કુદરતી વાયુ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તે વિશ્વની ખનીજતેલની લગભગ 20 % અનામતો ધરાવે છે; એટલું જ નહિ, પણ વિશ્વના ખનીજતેલના આગળ પડતા ઉત્પાદક દેશોમાં યુ.એસ. અને રશિયા પછીનું સ્થાન મેળવે છે. તેણે વિશ્વના ખનીજતેલના નિકાસકાર દેશોમાં પણ આગળ પડતું સ્થાન જાળવી રાખ્યું છે. અખાતકિનારા નજીક મુખ્યત્વે ધાહરાન (Dhahran) ખાતે ખનીજતેલ-ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું છે. આ ભાગમાં ધાહરાન અને અબકૈક (Abqaiq) એ મોટા કદનાં તેલક્ષેત્રો છે; જ્યાં ખાસ કરીને આરબ-અમેરિકન ઑઇલ કંપની (Aramco) કામ કરી રહી છે. અન્ય તેલક્ષેત્રોમાં દમ્મામ (Dammam), ખોબર (Khobar), ઘાવર (Ghavar), જુબાઇલ (Jubail), સાફાનિયા (Safania), ખુરાઇસ (Khurais) વગેરેનો સમાવેશ થાય છે; જેમાંથી ખનીજતેલ તથા કુદરતી વાયુ મેળવવામાં આવે છે.
પર્શિયન અખાતના કિનારે બહેરિન નજીક આવેલા રાસ તનુરા (Ras Tannurah) ખાતે તેલશુદ્ધીકરણ-કારખાનું (રિફાઇનરી) સ્થાપવામાં આવ્યું છે. વળી રાસ તનુરા અંતિમ મથક(terminal)થી ખનીજતેલની મુખ્યત્વે જાપાન તથા યુરોપના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. રાસ તનુરા અંતિમમથકને ભૂમધ્ય સમુદ્રકાંઠા પરના લૅબેનન દેશના સિડોન (Sidon) બંદરને જોડતી આશરે 1,760 કિમી. લાંબી પાઇપલાઇન નાંખવામાં આવી છે. આ પાઇપલાઇન ‘ટેપ લાઇન’ (Trans Arabian Pipe-line : T. A. P.) તરીકે વધુ જાણીતી છે. બાકીનું ખનીજતેલ રાસ તનુરા તથા જિદ્દાહ ખાતેનાં ખનીજતેલ- શુદ્ધીકરણનાં કારખાનાં(રિફાઇનરી)માં જાય છે.
ખનીજતેલ અને કુદરતી વાયુ ઉપરાંત આ દેશના પશ્ચિમકાંઠે સુવર્ણ તથા લોહખનીજોનું ઉત્ખનન થાય છે. મક્કા અને મદીના વચ્ચે માહ્દ-અલ-દહાબ (Mahd-al-Dahab) ખાતે સોનાની ખાણ આવેલી છે. આ ઉપરાંત આ દેશ તાંબું, જસત, યુરેનિયમ વગેરે ધાતુમય ખનીજો તેમજ ફૉસ્ફેટ અને ચિરોડી(gypsum)ની અનામતો ધરાવે છે. જોકે હાલમાં તેમનું ઉત્ખનન કરવામાં આવતું નથી.
થોડાક દાયકાઓ પૂર્વે અહીં ઔદ્યોગિકીકરણ પ્રાથમિક તબક્કામાં હતું; પણ ખનીજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રોની શોધ પછી ઔદ્યોગિકીકરણની પ્રક્રિયા વેગવાન બની છે. અહીંનો સૌથી મોટો ઉદ્યોગ ખનીજતેલ અને કુદરતી વાયુને ભૂગર્ભમાંથી બહાર કાઢવાને લગતો છે. તેને આનુષંગિક ઉદ્યોગોમાં ખનીજતેલ-શુદ્ધીકરણ અને પેટ્રોરસાયણોને લગતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આવા મોટા પાયા પરના ઉદ્યોગોના અપવાદોને બાદ કરતાં દેશની ગણીગાંઠી શહેરી વસાહતોમાં સ્થાનિક બજારની જરૂરિયાતો પૂરી પાડવા માટે નાના અને મધ્યમ પાયા પરના થોડાક ઔદ્યોગિક એકમો સ્થાપવામાં આવ્યા છે. અહીં સાબુ, પગરખાં, કાચ, સિમેન્ટ, કાગળ, લોહ-પોલાદ તથા બીજી ધાતુપેદાશો, ખાદ્ય ચીજવસ્તુઓ તથા પીણાં, ખાંડ, સિગારેટ, પ્લાસ્ટિક, વિદ્યુત-ઉપકરણો તથા જીવનજરૂરી અન્ય ચીજવસ્તુઓને લગતું ઔદ્યોગિક ઉત્પાદન થાય છે.
જિદ્દાહ તથા દમ્મામ, એ દેશનાં અગત્યનાં ઔદ્યોગિક મથકો છે. જિદ્દાહ, રિયાધ અને દમ્મામમાં ઔદ્યોગિક વસાહતો સ્થપાઈ છે, જે વિવિધ પ્રકારનું ઔદ્યોગિક ઉત્પાદન કરતા એકમો ધરાવે છે. પાટનગર રિયાધ ખાતે ઘઉંના આટાની મિલો આવેલી છે. વળી અહીં ખાંડ, સિમેન્ટ, રાસાયણિક ખાતર તથા છૂટક ભાગો જોડીને વાહનો બનાવવાને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. વળી આ નગરમાં ઍલ્યુમિનિયમ અને લોખંડ-પોલાદનાં કારખાનાં તથા ગૅસનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાન્તર કરવાના એકમો સ્થાપવાનું આયોજન છે. આ ઉપરાંત જિદ્દાહ તથા હોફુફમાં મુખ્યત્વે સિમેન્ટનું ઉત્પાદન થાય છે. રાસ તનુરા તથા જિદ્દાહ ખાતે ખનીજતેલ-શુદ્ધીકરણનાં કારખાનાં આવેલાં છે. વળી, જિદ્દાહ લોહપોલાદનું નાનું કારખાનું તથા દમ્મામ રાસાયણિક ખાતરોનું ઉત્પાદન કરતું કારખાનું ધરાવે છે. આ દેશમાં હાલમાં પર્શિયન અખાતકાંઠે પણ મત્સ્ય-ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. વધુમાં આ દેશ જળમાંથી ક્ષાર-નિષ્કાસન (desalination) કરતા ત્રણ એકમો ધરાવે છે.
પરિવહન, વ્યાપાર અને પ્રવાસન : આ દેશની સરકારે નવા અને સારા સડકમાર્ગો બાંધવા માટે અગ્ર પસંદગી આપેલી છે. હાલમાં તે 1,62,000 કિમી. લંબાઈના સડકમાર્ગો ધરાવે છે. તે પૈકી પાકી સડકોનું પ્રમાણ 43 % જેટલું છે. વળી દર વર્ષે નવી નવી સડકો બાંધવાનું આયોજન છે. પૂર્વ કિનારાથી પશ્ચિમ કિનારાના ભાગોને જોડતા સડકમાર્ગો તૈયાર કરવાની તેની સિદ્ધિ ઉલ્લેખનીય છે; જેમ કે, પૂર્વ કિનારાના દમ્મામથી શરૂ થતો સડકમાર્ગ પાટનગર રિયાધ થઈને પશ્ચિમ કાંઠાના જિદ્દાહ બંદરને સાંકળે છે. વધુમાં જિદ્દાહથી આ સડકમાર્ગ મક્કા અને મદીના થઈને ઉત્તર તરફ આગળ જાય છે. પાટનગર રિયાધથી દક્ષિણમાં જતો બીજો એક સડકમાર્ગ નજરાન (Najran) થઈને તૈફ (Taif), મક્કા તથા જિદ્દાહને સાંકળે છે.
આ દેશ આશરે 1,390 કિમી. લંબાઈનો દમ્મામ અને રિયાધને જોડતો એક જ રેલમાર્ગ ધરાવે છે, તે સાઉદી અરેબિયાની જીવાદોરી સમાન ગણાય છે, કારણ કે તે અબકૈક (Abqaiq), ઈથમાનિયા, હોફુફ, હરાધ વગેરે ખનીજતેલક્ષેત્રોને તેમજ પૂર્વ કાંઠે આવેલાં રાસ તનુરા ખનીજતેલ-શુદ્ધીકરણ-કારખાનાં(રિફાઇનરી)ને સાંકળે છે. આ રેલમાર્ગ ઉપરાંત દેશમાં અન્યત્ર અસંખ્ય વણઝારમાર્ગો આવેલા છે. ખાસ કરીને જ્યાં જ્યાં રણદ્વીપો છે અથવા તો અન્ય રીતે પાણીની સુવિધા છે તેવાં સ્થળોને જોડતા વણઝારમાર્ગોનો આજે પણ ઉપયોગ થાય છે.
ધાહરાન, રિયાધ તથા જિદ્દાહમાં હવાઈમથકો બાંધવામાં આવ્યાં છે. અત્યાર સુધી અહીં મધ્ય-પૂર્વની મોટાભાગની વિમાની કંપનીઓ દ્વારા વિમાનોની અવરજવર થતી હતી, પણ હવે વિશ્વની બધી જ વિમાની સેવાઓ સાઉદી અરેબિયામાં ઉતરાણ કરે છે. રાજ્યમાલિકીની ‘સાઉદી અરેબિયન ઍરલાઇન્સ’ આંતરિક અને આંતરરાષ્ટ્રીય સૂચિત ઉડ્ડયનો યોજે છે. આ ઉપરાંત યાત્રાળુઓ અને પર્યટકો માટે પણ ખાસ ઉડ્ડયનો યોજાય છે.
આ દેશમાં જિદ્દાહ તથા દમ્મામ – આ બે મુખ્ય બંદરો છે, જ્યાં દેશના આયાતનિકાસ-વ્યાપારનું મોટાભાગનું કામકાજ થાય છે. આ સિવાય એન્બો, એલ્વોઝ, રેબીગ, લીથ, કુનફિડા વગેરે અન્ય નાનાં બંદરો છે. તેના આયાત-વ્યાપારના મુખ્ય ભાગીદાર દેશોમાં યુ.એસ., યુ. કે., જાપાન, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, ઇટાલી વગેરેનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયા મુખ્યત્વે યંત્રો અને ઉપકરણો, વાહનોના ભાગો, પાયાની ધાતુઓ અને તેમાંથી બનતી ચીજો, રસાયણો અને રાસાયણિક પેદાશો, શાકભાજી, કાપડ તથા તૈયાર કપડાં વગેરેની આયાત કરે છે; જ્યારે યુ.એસ., જાપાન, કોરિયા, સિંગાપોર, નેધરલૅન્ડ, ફ્રાન્સ વગેરે તેના નિકાસ-વ્યાપારના મુખ્ય ભાગીદાર દેશો છે. તેની મુખ્ય નિકાસોમાં પેટ્રોલિયમ (70.4 %), પેટ્રોલિયમ-પેદાશો અને રસાયણો (21.7 %) વગેરેનો સમાવેશ થાય છે.
મક્કા એ મહમદ પયગમ્બરનું જન્મસ્થળ તેમજ મદીના એ તેમનું પાટનગર હતું. આ ઉપરાંત મદીનામાં તેમની પવિત્ર કબર આવેલી છે. આમ મક્કા અને મદીના – આ બંને સ્થળો મુસ્લિમ ધર્મનાં પવિત્ર યાત્રાધામો ગણાય છે. અહીં દર વર્ષે દુનિયાના લગભગ 60 જેટલા દેશોના આશરે 6 લાખ જેટલા મુસ્લિમ યાત્રિકોની અવરજવર રહે છે. આ ઉપરાંત અન્ય વિદેશી પર્યટકોના પ્રવાહને લીધે અહીં પ્રવાસન અને હૉટેલ-ઉદ્યોગનો સારો વિકાસ સધાયો છે. 1998માં લગભગ 37 લાખ જેટલા વિદેશી પર્યટકોએ આ દેશની મુલાકાત લીધી હોવાનું નોંધાયું છે.
વસ્તી અને વસાહતો : આ દેશની વસ્તી આશરે 2,16,60,000 (ઈ. સ. 2000) જેટલી છે. તેના ઘણાબધા ભાગોમાં વેરાન રણપ્રદેશો છવાયેલા છે. માત્ર રણદ્વીપોમાં પાણીની સુવિધાને કારણે થોડોક માનવવસવાટ જોવા મળે છે. ટૂંકમાં રણપ્રદેશોમાં વસ્તીનું પ્રમાણ અલ્પ છે, તેનાથી ઊલટું, આ દેશના થોડાક માનવપોષક વિસ્તારોમાં ગીચ વસ્તી કેન્દ્રિત થયેલી છે. આમ, વસ્તીવિતરણ તથા વસ્તીગીચતાનું પ્રમાણ અત્યંત અસમાન છે. સમગ્ર દેશના સંદર્ભમાં જોઈએ તો અહીં દર ચોકિમી.એ સરેરાશ વસ્તીગીચતા 9.8 વ્યક્તિઓ જેટલી છે.
દેશના પશ્ચિમ કાંઠા પાસેનાં મક્કા અને મદીના ઇસ્લામ ધર્મનાં પવિત્ર યાત્રાધામો છે. ત્યાં બારે માસ દેશવિદેશના યાત્રિકોની ભારે અવરજવર રહે છે, જેથી આ વિસ્તાર દેશના હાર્દપ્રદેશ સમાન બન્યો છે; તેથી અહીં ગીચ વસ્તી કેન્દ્રિત થયેલી છે. ગીચ વસ્તીની આ પટ્ટી પશ્ચિમ કાંઠાના જિદ્દાહ બંદર સાથે સંકળાયેલી છે. ગીચ વસ્તીનો બીજો પ્રદેશ પાટનગર રિયાધ અને દમ્મામ બંદર સુધી લંબાયેલો છે. પૂર્વકાંઠા નજીકનાં ખનીજતેલક્ષેત્રો તથા તેને આનુષંગિક ઔદ્યોગિક વિસ્તારોમાં ગીચ વસ્તી જોવા મળે છે.
પશુચરિયાણ અને ખેતીપ્રવૃત્તિમાં થોડીક ગ્રામીણ વસ્તી રોકાયેલી છે. આ દેશમાં ગ્રામીણ વસ્તીની તુલનામાં શહેરી વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અહીં શહેરી વસ્તીનું પ્રમાણ 83 % છે, જ્યારે ગ્રામીણ વસ્તીનું પ્રમાણ 17 % જેટલું છે. વળી આ દેશની વસ્તીમાં સ્ત્રી-પુરુષોનું પ્રમાણ પણ અસમાન છે. અહીં પુરુષોનું પ્રમાણ 55.3 % છે, જ્યારે સ્ત્રીઓનું પ્રમાણ 44.7 % જેટલું છે.
એમ મનાય છે કે આ દેશની પ્રજા પ્રાચીન સેમેટિક જાતિની વંશજ છે. જાતિ પ્રમાણે વસ્તીનું માળખું તપાસતાં અહીંની કુલ વસ્તીમાં સાઉદી લોકોની વસ્તી 66 %, ઇજિપ્તવાસીઓની વસ્તી 7 % અને વિદેશીઓની વસ્તી 25 % જેટલી છે. વિદેશી લોકોમાં પણ દક્ષિણ એશિયાઈ પ્રજાનું પ્રમાણ 14 % છે. એક એવું અનુમાન છે કે સાઉદી અરેબિયાની કુલ વસ્તીમાં આશરે 60 લાખ લોકો વિદેશી છે. ધર્મ પ્રમાણેનું વસ્તીપ્રમાણ તપાસતાં અહીં સુન્ની મુસ્લિમ 93.3 %, શિયા મુસ્લિમ 3.3 %, ખ્રિસ્તી 3 % અને અન્ય ધર્મનું અનુસરણ કરતા લોકોનું પ્રમાણ 0.4 % જેટલું છે. અહીંના લોકોની ભાષા અરબી છે, તેમ છતાં દેશનો વિશાળ વર્ગ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. આ દેશના લોકોમાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 63 % જેટલું છે.
સાઉદી અરેબિયામાં જિદ્દાહ, રિયાધ, મક્કા, મદીના, દમ્મામ, તૈફ, બુરૈદા, અનેજા, હોફુફ વગેરે અગત્યની શહેરી વસાહતો છે. મધ્યના નેજ્દ (Nejd) ક્ષેત્રમાં આવેલું દેશનું સૌથી મોટું નગર રિયાધ છે, જે દેશના ભૂમિમાર્ગો અને હવાઈ માર્ગોનું કેન્દ્ર છે. તે દેશનાં અન્ય અગત્યનાં શહેરી કેન્દ્રો સાથે સડકમાર્ગે સંકળાયેલું છે; જ્યારે રેલમાર્ગે તે પર્શિયન અખાતના કિનારે આવેલા દેશના મુખ્ય બંદર દમ્મામ સાથે જોડાયેલું છે. તેની વસ્તી 31,80,000 (1999) જેટલી છે. તે દેશનું મુખ્ય પાટનગર છે. દેશના પશ્ચિમ કાંઠે મક્કાના રસ્તા પર જતાં વચ્ચે જિદ્દાહ આવે છે. તે યાત્રિકોને એકઠા થવાના સ્થળ તરીકે વિકાસ પામ્યું છે. આજે તે દેશનું અગત્યનું ઔદ્યોગિક મથક છે અને રાતા સમુદ્ર પરનું દેશનું મુખ્ય બંદર છે. વળી તે દેશના દ્વિતીય પાટનગર તરીકેની કામગીરી પણ સંભાળે છે. અહીં દેશના મંત્રીઓ તથા વિદેશોના રાજદૂતોની કચેરીઓ આવેલી છે. તે આંતરરાષ્ટ્રીય રાજકીય સંબંધો અંગેનું મહત્ત્વનું કેન્દ્ર છે. તેની વસ્તી 15 લાખ (1991) જેટલી છે.
આ ઉપરાંત હજરત મહમદ પયગમ્બરનું જન્મસ્થળ મક્કા (7,70,000 : 1995) એ મુસ્લિમ હજયાત્રિકો માટેનું અગત્યનું શહેર છે. તે સિરાત પર્વતોમાં રણદ્વીપની આસપાસ, મુખ્ય વણઝારમાર્ગો પર બાંધવામાં આવેલું છે. અહીંથી મદીના (4,00,000 : 1991) લગભગ 523 કિમી. દૂર ઉત્તરમાં આવેલું છે. તે પણ મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ છે. મક્કાથી લગભગ 80 કિમી. દૂર આવેલું તૈફ (4,10,000 : 1991) એ સમુદ્રસપાટીથી લગભગ 1,585 મીટરની ઊંચાઈ પર આવેલું છે; તેથી તે એ વિસ્તારનું મુખ્ય પર્યટક-કેન્દ્ર બન્યું છે. પર્શિયન અખાત પરનું દમ્મામ (3,50,000) એ ઔદ્યોગિક મથક અને અગત્યનું બંદર છે. આ ઉપરાંત આ દેશમાં જુબાઇલ (Jubail) તથા યાન્બુ (Yanbu) – આ બે નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાઈ છે.
બીજલભાઈ શંકરભાઈ પરમાર