સાઉદ, રાજા ઇબ્ન અબ્દ અલ અઝીઝ

January, 2007

સાઉદ, રાજા ઇબ્ન અબ્દ અલ અઝીઝ (. 15 જાન્યુઆરી 1902, કુવૈત; . 23 ફેબ્રુઆરી 1969, એથેન્સ) : સાઉદી અરેબિયાના રાજા. સાઉદી અરેબિયાના મૂળ રાજા ઇબ્ન સાઉદના તેઓ બીજા પુત્ર હતા. તેમણે કુવૈતમાં શિક્ષણ લીધું હતું.

તેમના મોટાભાઈના અવસાનને કારણે મે, 1933માં તેઓ રાજા બન્યા. વ્યક્તિગત ધોરણે આ હિંમતબાજ શાસકમાં અરેબિયાને એક રાખવાની કુનેહ હતી. નેતૃત્વની તાલીમ મેળવી, અગત્યના વહીવટી હોદ્દાઓ પર રહીને તેમણે દેશ-વિદેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો. 1934માં સાઉદી અરેબિયાના એક પ્રાંત આસીરના લશ્કરના તેઓ કમાન્ડર રહ્યા અને 1939માં સશસ્ત્ર દળોના કમાન્ડર ઇન ચીફ બન્યા. હેનીઝના વાઇસરૉય બન્યા. 9 નવેમ્બર, 1953ના રોજ તાજ ધારણ કરી શાસક બન્યા. તેમની સત્તા સંપૂર્ણ હતી અને માત્ર મુસ્લિમ ધાર્મિક કાયદાથી સીમિત હતી. ખનિજ-તેલના ઉત્પાદનથી સાઉદી અરેબિયા સમૃદ્ધ બન્યું, પરંતુ ઇજિપ્ત જેવા પશ્ચિમવિરોધી પડોશીઓને કારણે તકલીફો વધી. તેમણે પ્રધાનમંડળવાળી સરકાર રચી પણ તેમાં નિષ્ફળ જતાં તેમની સામેનો વિરોધ મજબૂત બન્યો. 1958માં ભાઈ ફૈઝલને અંશત: સત્તા સુપરત કરી. 1964માં તેમને બરતરફ કરાયા અને તેમનો ભાઈ ફૈઝલ સાઉદી અરેબિયાનો રાજા બન્યો. તે જ વર્ષે તેમને દેશનિકાલ કરાતાં તેમણે એથેન્સમાં શરણું લીધું અને ત્યાં જ તેમનું નિધન થયું.

રક્ષા મ. વ્યાસ