હાઇડ્રોકાર્બનો (hydrocarbons) : માત્ર કાર્બન અને હાઇડ્રોજન તત્ત્વો ધરાવતાં રાસાયણિક સંયોજનો. જે હાઇડ્રોકાર્બનોનાં કાર્બન પરમાણુઓ સળંગ [અખંડ, અવિચ્છિન્ન (continuous)] કે અશાખાન્વિત (nonbranched) ક્રમમાં જોડાયેલાં હોય તેમને સામાન્ય (normal) હાઇડ્રોકાર્બનો કહે છે. તેમને રેખીય અથવા સરળ શૃંખલાવાળાં હાઇડ્રોકાર્બન પણ કહે છે. કુદરતી વાયુમાં વધુ પ્રમાણમાં મળી આવતો મિથેન (CH4) તથા થોડા પ્રમાણમાં મળતો ઇથેન (C2H6) એ હાઇડ્રોકાર્બનો છે. તેઓ IUPAC નામકરણ પ્રમાણે આલ્કેન તરીકે ઓળખાય છે. હાઇડ્રોકાર્બનોના બે મુખ્ય વિભાગ છે : (અ) એલિફેટિક (aliphatic) હાઇડ્રોકાર્બનો અને (આ) ઍરોમૅટિક હાઇડ્રોકાર્બનો અથવા એરીન્સ (arenes) (દા. ત., બેન્ઝિન).

એલિફેટિક હાઇડ્રોકાર્બનોના ચાર પેટાવિભાગ છે : (i) આલ્કેન્સ (alkanes), (ii) આલ્કીન્સ (alkenes), (iii) આલ્કાઇન્સ (alkynes) અને (iv) ઍલિસાઇક્લિક (alicyclic) સંયોજનો.

આલ્કેન્સ(આલ્કેન સંયોજનો)માંના બે કાર્બન વચ્ચે એક કરતાં વધુ (બહુગુણિત, multiple) બંધ હોતાં નથી. જેમાં કાર્બન-કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેમને આલ્કીન્સ અને જેમાં કાર્બન-કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તેમને આલ્કાઇન્સ કહે છે.

સામાન્યત: કાર્બન કાર્બન વચ્ચે એકબંધ (single bond) ધરાવતાં સંયોજનોને સંતૃપ્ત અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતાં સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. જે હાઇડ્રોકાર્બનમાં એક વિશિષ્ટ વલય હોય તેમને ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન કહે છે.

[જુઓ : વિશ્વકોશ ખંડ 2 : આલ્કેન સંયોજનો, આલ્કીન સંયોજનો, આલ્કાઇન સંયોજનો; ખંડ 3 : ઍરોમૅટિક સંયોજનો.]

જ. પો. ત્રિવેદી