સંસદ (ભારતીય)

ભારતીય સંઘની કાયદા ઘડનારી કેન્દ્રીય ધારાસભા. તે દ્વિગૃહી છે અને તેની રચનામાં ભારતના રાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા (ઉપલું ગૃહ) અને લોકસભા(નીચલું ગૃહ)નો સમાવેશ થાય છે. કાયદાઘડતરની બાબતમાં બંને ગૃહો લગભગ સમાન સત્તાઓ ધરાવે છે. તેમાં મહત્ત્વનો અપવાદ નાણાખરડો છે. નાણાખરડો સૌપ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે, વળી રાજ્યસભા નાણાખરડાને 14 દિવસથી વધુ સમય માટે રોકી શકતી નથી. આમ, નાણાખરડા અંગે લોકસભા સર્વોચ્ચ શક્તિશાળી ગૃહ છે. બંને ગૃહો દ્વારા મંજૂર થયેલા ખરડા રાષ્ટ્રપ્રમુખની સંમતિ મળ્યા બાદ કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. રાષ્ટ્રપ્રમુખ સંસદ બોલાવવાનો, સંસદનું સત્ર મુલતવી રાખવાનો કે પૂરું કરવાનો અને લોકસભાનું વિસર્જન કરવાનો અધિકાર ધરાવે છે.

સાંસદોને બંધારણ દ્વારા કેટલાક વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે. બંધારણ તેમને વાણીસ્વાતંત્ર્ય સાથે કેટલીક વિશેષ સુરક્ષા પૂરી પાડે છે. ગૃહમાં, સંસદમાં કે તેની સમિતિઓમાં બોલાયેલા શબ્દો, રજૂ થયેલાં વક્તવ્યો કે મંતવ્યો માટે તેમની પર અદાલતી કાર્યવહી કરી શકાતી નથી તેમજ તેમને તે માટે અદાલતમાં જવાબદાર ઠેરવી શકાતા નથી. આમ, સાંસદો અને ગૃહોની સત્તા, વિશેષાધિકારો તથા કામગીરી બંધારણ અને કાયદાથી રક્ષિત છે.

સંસદભવન : ભારતનું સંસદભવન (પાર્લમેન્ટ-હાઉસ) નવી દિલ્હીની ભવ્ય ઇમારતોમાં સ્થાન ધરાવે છે. તેની ઇમારત આધુનિક શિલ્પ અને સ્થાપત્યકળાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ છે. તેના બાંધકામમાં શોભાત્મક લાલ રેતીના પથ્થરો મુખ્યત્વે વાપરવામાં આવ્યા છે. સંસદભવનનો સમગ્ર વિસ્તાર લાલ રેતીના પથ્થરોની દીવાલ, લોખંડની જાળી અને દરવાજાઓથી સુરક્ષિત કરાયેલો છે. સંસદભવનની ડિઝાઇન ખ્યાતનામ સ્થપતિઓ સર ઍડવર્ડ લુટ્યેન્સ અને સર હર્બર્ટ બેકરે તૈયાર કરી હતી. આ બંને સ્થપતિઓએ નવી દિલ્હીની ઘણી સુંદર ઇમારતોનું નિર્માણ કર્યું હતું જેમાં ઝાંસીની સાવ નજીક આવેલા ઓરછા ગામની ઇમારતો-મંદિરો અને મહેલો-નું પ્રતિબિંબ પડે છે. રાજપૂત સ્થાપત્યના ઇતિહાસમાં બુંદેલાઓની રાજધાની ઓરછામાં કળાના શ્રેષ્ઠ નમૂનાઓ જોવા મળે છે. વિશેષે ઓરછા તેના સ્થાપત્યની છત્રીઓ માટે જાણીતું છે. દિલ્હીની ઘુમ્મટદાર ઇમારતો રાષ્ટ્રપતિ ભવન, પાર્લમેન્ટ, સર્વોચ્ચ અદાલત તેમજ નૉર્થ અને સાઉથ બ્લૉક પર ઓરછાના મહેલોના સ્થાપત્યની અસર છે તેમ ઍડવર્ડ લુટ્યેન્સ નોંધે છે. 12 ફેબ્રુઆરી, 1921ના દિવસે ડ્યૂક ઑવ્ કોનાહટના વરદ હસ્તે આ ઇમારતનું શિલારોપણ કરવામાં આવ્યું હતું. સંસદભવનના નિર્માણનો ખર્ચ તે જમાનામાં 83 લાખ રૂપિયા થયો હતો. ઇમારતના બાંધકામમાં છ વર્ષનો સમય લાગ્યો હતો. 18 જાન્યુઆરી, 1927ના રોજ તેનું ઉદ્ઘાટન ભારતના ગવર્નર જનરલ લૉર્ડ ઇરવિનના હસ્તે થયું હતું. વર્તુળાકાર સ્વરૂપની આ ઇમારત 170.69 મી.નો વ્યાસ ધરાવે છે. આ ઇમારતના વર્તુળાકારનો ઘેરાવો 536.33 મીટરનો છે, જે લગભગ એક તૃતીયાંશ માઈલ જેટલો ગણી શકાય. છ એકરની જમીનમાં ફેલાયેલું સંસદભવન 24,281.16 ચોરસ મીટર જગા રોકે છે. આ ભવનના પ્રથમ મજલા પર વર્તુળાકાર ખુલ્લી ઓસરી છે જેની અંદરના ભાગમાંથી મકાનના વિવિધ ઓરડામાં જઈ શકાય છે; જ્યારે ઓસરીના બહારના ભાગમાં 8.23 મી.ની ઊંચાઈ ધરાવતા, લાલ પથ્થરના બનેલા વર્તુળાકાર 144 થાંભલાની હાર વર્તુળાકારે આખા ભવનને ઘેરે છે અને સમગ્ર ભવનને અનન્ય રોનક આપે છે. સંસદનું આ ભવન એક ડઝન પ્રવેશદ્વાર ધરાવે છે. તેમાં પ્રથમ ક્રમાંકનું દ્વાર સંસદભવનનું મુખ્ય પ્રવેશદ્વાર છે.

આ વર્તુળાકાર સંસદભવનની અંદર આવેલા ખંડોની રચના નોંધપાત્ર છે. સમગ્ર ઇમારતની મધ્યમાં વર્તુળાકારે આવેલો કેન્દ્રીય ખંડ ‘સેન્ટ્રલ હૉલ’ તરીકે જાણીતો છે જે સમગ્ર સંસદભવનનું ધબકતું હૃદય છે. તે સાંસદોની ચહલપહલ અને આવનજાવનથી સદાયે ધબકતો રહે છે. આ ‘સેન્ટ્રલ હૉલ’ના પરિઘ પર ત્રણ અત્યંત વિશાળકાય કક્ષ (chambers) તેની સાથે જોડાયેલા છે; જેમાં લોકસભા, રાજ્યસભા અને ગ્રંથાલય-ખંડનો સમાવેશ થાય છે. આ ખંડના પ્રથમ મજલા પર છ ગૅલેરીઓ છે, જેનો ઉપયોગ સાંસદોના મહેમાનો, પત્રકારો, નામાંકિત મુલાકાતીઓ વગેરે માટે કરવામાં આવે છે. બંને ગૃહોની સંયુક્ત બેઠક નિહાળવા આ મુલાકાતીઓ આવતા હોય છે. આ ખંડના ઘુમ્મટનો વ્યાસ 29.87 મીટરનો છે. ઘુમ્મટની આ અસાધારણ રચનાને કારણે તે આધુનિક વિશ્વનો સૌથી અફલાતૂન ઘુમ્મટ બની રહે છે. એટલું જ નહિ; પરંતુ આ ઘુમ્મટની રચના દ્વારા તે ‘ભારતીય સ્પર્શ’ પામીને અન્ય ભારતીય ઐતિહાસિક ઇમારતોની (બીજાપુરનો ગોળગુંબજ કે તાજમહેલનો ઘુમ્મટ) સાથે સામંજસ્ય રચી તેની પંગતમાં સ્થાન મેળવે છે. તેના સ્થપતિઓની આ દૂરંદેશી બિરદાવવાલાયક છે.

સંસદભવનનો આ ‘સેન્ટ્રલ હૉલ’ ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિની ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી છે. આ હૉલમાં 15 ઑગસ્ટ, 1947ના રોજ સત્તાનું હસ્તાંતરણ થતાં અંગ્રેજો પાસેથી સત્તા મેળવતા ભારત દેશને સ્વતંત્ર ઘોષિત કરવામાં આવ્યો હતો. બંધારણસભાની અર્ધરાત્રિકાલીન બેઠક યોજાયેલી જેમાં એક ધ્વજ ભારતની મહિલાઓ તરફથી સમર્પિત કરવામાં આવ્યો અને તે ભારતનો માન્ય અને અધિકૃત રાષ્ટ્રધ્વજ બન્યો. સ્વતંત્ર ભારતનું બંધારણ આ ‘હૉલ’માં ઘડાયું. 9 ડિસેમ્બર, 1946થી 24 જાન્યુઆરી, 1950 સુધી બંધારણની રચના અંગેની બેઠકો અને ચર્ચા-વિચારણા આ ખંડમાં યોજાયાં હતાં. આઝાદી પૂર્વે આ ખંડનો ઉપયોગ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બ્લી અને કાઉન્સિલ ઑવ્ સ્ટેટના ગ્રંથાલય તરીકે થતો હતો. 1946માં આ ખંડની રચનામાં સાધારણ ફેરફાર કરી તેને વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવ્યો હતો.

વર્તમાન સમયમાં આ કેન્દ્રીય ખંડનો ઉપયોગ મુખ્યત્વે સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવા માટે કરવામાં આવે છે. પ્રત્યેક સામાન્ય ચૂંટણી પછી યોજાતી લોકસભાની પ્રથમ બેઠક આ ખંડમાં મળે છે, જેમાં રાષ્ટ્રપ્રમુખ લોકસભાને સંબોધે છે.

આ ઇમારતના ભોંયતળિયા પર સંસદનું ગ્રંથાલય છે. આઝાદી પૂર્વે આ ગ્રંથાલય પ્રિન્સ ચેમ્બર્સ તરીકે જાણીતું હતું. તેમાં તે સમયે કેટલાક કૉન્ફરન્સ રૂમ હતા. સ્વતંત્રતા બાદ સર્વોચ્ચ અદાલતના કામચલાઉ મકાન તરીકે આ ગ્રંથાલય-ખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ખંડ સ્થાયી ગ્રંથાલય-ખંડ બન્યો. તેમાં  ગ્રંથાલયની સામગ્રી ઉપરાંત લોકસભા-રાજ્યસભાની ચર્ચા અને અહેવાલોને લગતી સામગ્રી, વિવિધ પ્રકાશનો તેમજ સંદર્ભગ્રંથો વગેરે રાખવામાં આવે છે. થોડાંક વર્ષો પહેલાં તેની સાથે નવા ગ્રંથાલયનું બાંધકામ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય ખંડના પરિઘ પર ત્રણ અત્યંત વિશાળકાય કક્ષો-(chambers)નો આપણે ઉલ્લેખ કર્યો, જેમાંનો એક કક્ષ ગ્રંથાલય-ખંડનો છે. અન્ય બે કક્ષોમાં એક કક્ષ લોકસભાનો અને બીજો કક્ષ રાજ્યસભાનો છે. આ ત્રણેય કક્ષો બાહ્ય દેખાવ પરથી અર્ધવર્તુળાકાર જણાય છે; પરંતુ ખંડોની આંતરિક રચનામાં આ ખંડો વર્તુળાકાર ધરાવે છે. 446 ચોરસ મીટર ભૂમિવિસ્તાર પર લોકસભાનો અર્ધવર્તુળાકાર ખંડ રચાયેલો છે. જ્યારે અંદરની વર્તુળાકાર રચનામાં પરિઘના એક બિંદુ પર લોકસભાના અધ્યક્ષની પીઠિકા છે અને અન્ય નાળ આકારના (‘U’ આકારના) વિસ્તારમાં છ વિભાગોમાં લોકસભાના સાંસદોને બેસવા માટેની પાટલીઓ ગોઠવાયેલી છે. રાજ્યસભાનો ખંડ પણ આવી જ રચના-વ્યવસ્થા ધરાવે છે; પરંતુ તેનું કદ નાનું છે અને 250 જેટલા સભ્યોની બેસવાની વ્યવસ્થા તેમાં કરાયેલી છે. આ બંને ખંડો વાતાનુકૂલિત અને અત્યાધુનિક ધ્વનિ રહિત (sound proof) તક્નીક ધરાવે છે. વધુમાં સ્વયંસંચાલિત મતનોંધણી યંત્ર (vote recording equipment) અને સમાંતર અર્થઘટન-પ્રણાલી(simultaneous interpretation system)થી સજ્જ છે. 2004ના અંદાજ અનુસાર સંસદની કાર્યવહીની મિનિટદીઠ 23થી 24 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. 1966માં એક મિનિટની કાર્યવહીનો ખર્ચ 300 રૂપિયા અને 1974માં તે 450 રૂપિયા હતો.

સંસદભવનમાં આ ઉપરાંત સાંસદો માટે (1) ચા, કૉફી, દૂધનાં કેન્દ્રો, (2) પ્રાથમિક ઉપચાર કેન્દ્ર, (3) પોસ્ટ ઑફિસ, (4) રેલવે બુકિંગ ઑફિસ, (5) ઍરબુકિંગ ઑફિસ, (6) ફરિયાદ ઘટક વગેરેની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. સંસદ સંકુલનું વિશેષ પાસું છે ત્યાંના કેન્દ્રીય ખંડમાં મુકાતાં તૈલચિત્રો. ઑગસ્ટ 2003માં વડાપ્રધાન વાજપેયીએ કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને કાઝી નઝરુલ ઇસ્લામનાં તૈલચિત્રો ખુલ્લાં મૂક્યાં હતાં. એ સાથે આ સંકુલ ખાતે કવિઓ, દેશભક્તો અને રાજકારણીઓનાં થઈને કુલ 30 તૈલચિત્રો અને 28 પ્રતિમાઓ મુકાતાં સંસદીય સંકુલ સંગ્રહાલય કે કલાવીથિકા બની રહ્યું છે. આ અંગે પત્રકારોની લાગણી અને વ્યાપક લોકલાગણી એવી છે કે સંસદને ‘ગીચ’ સ્થાન બનતાં અટકાવવું જોઈએ.

13 મે, 1952ના રોજ થયેલ સૌપ્રથમ સામાન્ય ચૂંટણીઓ બાદ પ્રથમ વખત ભારતીય સંસદની રચના થઈ. તેની ઉલ્લેખનીય હયાતીનાં પચાસ વર્ષ પૂર્ણ થયાં ત્યારે તે પ્રસંગને અવિસ્મરણીય બનાવવા 22થી 24 જાન્યુઆરી, 2003 દરમિયાન આંતરરાષ્ટ્રીય સંસદીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. 25થી વધુ દેશોના લગભગ 400 જેટલા નામાંકિત પ્રતિનિધિઓ અને ભારતીય સાંસદોએ તેમાં હાજરી આપી હતી.

13 ડિસેમ્બર, 2001ના રોજ સંસદ પર આતંકવાદી હુમલો થયો.  સંસદની સુરક્ષા-વ્યવસ્થા લોકસભાના અધ્યક્ષની સત્તાઓ હેઠળ આવરી લેવાઈ છે. આતંકવાદી હુમલાએ સુરક્ષા-વ્યવસ્થાની કચાશ ઉઘાડી પાડી છે. આતંકવાદના ઓથારને કારણે સંસદભવનની સામાન્ય સુરક્ષા-વ્યવસ્થાને ઊંચી ટૅક્નૉલૉજી ધરાવતી સલામતીમાં પરિવર્તિત કરવામાં આવી છે. સાંસદોને આરફીડ (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન) કાર્ડ આપવામાં આવ્યાં છે. એથી સંસદભવન પરિસર કે ઇમારતમાં પ્રવેશનાર પાસે આ કાર્ડ હોવું આવશ્યક બને છે. પ્રત્યેક ચેક પૉઇન્ટ પાસેથી સભ્ય પસાર થાય ત્યારે આ કાર્ડ બતાવવું જરૂરી હોય છે, કાર્ડ બતાવ્યા પછી જ તેમને આગળ વધવા દેવામાં આવે છે. ઇ. સી. આઇ. એલ. નામની જાહેર ક્ષેત્રની એક પેઢીએ આ કાર્ડ બનાવ્યાં છે. સંસદભવનની વિશેષ સુરક્ષા-વ્યવસ્થા રૂપે વીજળીક વાડ, ચેતવણીસૂચક ઘંટડી તથા 30 ભાગોને સાંકળી લેતી કેન્દ્રીય કમ્પ્યૂટર વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી છે, જેથી અવાંચ્છનીય ઘટનાની તાત્કાલિક માહિતી મળી શકે. તે ઉપરાંત અત્યાધુનિક-સૉફેસ્ટિકેટેડ રોડ બ્લૉકરો, ટાયર કિલરો અને બૅરિયરો ખાસ અમેરિકા અને જર્મનીથી મંગાવવામાં આવ્યાં છે. આ પૂરી વ્યવસ્થાને એકબીજી જોડે સાંકળીને સંસદભવનને પૂરેપૂરું સુરક્ષિત બનાવાયું છે. તે માટે 2003માં 108 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો તેમજ બૅંગાલુરુ સ્થિત આઇબેકરી ગોલધેર કંપનીને સુરક્ષાની આ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી હતી. સંસદની સુરક્ષા-વ્યવસ્થા ફુલપ્રૂફ બનાવવા માટે 80 કરોડના ખર્ચે ઍન્ટિએક્સપ્લોઝન ડિવાઇસ લગાવવાનો નિર્ણય સુરક્ષા એજન્સીઓ અને સંસદીય સચિવાલયના અધિકારીઓની બેઠકમાં લેવાયો હતો.

1980 સુધી સંસદ એકંદરે પદ્ધતિસર ઢબે કાર્ય કરતી હતી. સાંસદો જવાબદારીની ઊંડી સભાનતા અને ઊંચી શિસ્ત સાથે ચર્ચા-વિચારણા કરતા હતા; પરંતુ તેની આ ગંભીર કાર્યવહીમાં તે પછીનાં વર્ષોમાં ક્રમશ: ઓટ આવી છે. સૂત્રો પોકારવાં, ગૃહની પ્રક્રિયાને અવરોધવી, ગૃહના અંતરાલમાં ધસી જવું – જેવી ઘટનાઓ દિન-પ્રતિદિન ચિંતાજનક હદે વ્યાપક બનવા લાગી છે, તે એટલે સુધી કે અધ્યક્ષને ગૃહની કાર્યવહી દિવસો સુધી મોકૂફ રાખવાની ફરજ પડે છે. વિધાયકો વિધાનસભામાં અને સાંસદો સંસદમાં હાજરી નહિ આપીને તથા વારંવાર ગૃહત્યાગ (‘વૉકઆઉટ’) કરીને સરકારી તિજોરીનાં કીમતી નાણાં અને સમયનો દુર્વ્યય કરે છે. આથી તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની અરજ ગુજારતી અને ખાસ રજા માગતી એક અરજીને સર્વોચ્ચ અદાલતે આ મામલો અદાલતના સત્તાક્ષેત્રમાં આવતો ન હોવાથી 24 જાન્યુઆરી, 2004ના રોજ ફગાવી દીધી છે. આવાં કારણોસર તેમજ મતદારોના ઉદાસીન વલણને કારણે ગુનાઇત તત્ત્વો મોટા પ્રમાણમાં સાંસદો તરીકે પ્રવેશ મેળવી સંસદીય લોકશાહીને ડહોળી રહ્યાં છે. 14મી લોકસભાના 542 સાંસદોમાંથી 100 સાંસદો પર હત્યા, બળાત્કાર, લૂંટ, ધાડ, હુલ્લડ, અપહરણ અને છેતરપિંડી જેવા ગુનાઓ નોંધાયેલા છે. આ 100 કલંકિત સાંસદોમાંના 37 સાંસદો રાષ્ટ્રીય લોકશાહી મોરચા(એન. ડી. એ.)ના ગઠબંધનના અને 36 સાંસદો યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ ગઠબંધનના છે.

આ ઉપરાંત સાંસદોની ગેરશિસ્ત ઘેરી ચિંતાનો વિષય છે. દેશના વર્તમાન અને પૂર્વ સાંસદો મળી 650 સાંસદોએ ટેલિફોનનાં બિલ ભર્યાં નથી. આ રકમ 2003 સુધીમાં લગભગ 12 કરોડનાં લેણાં પર પહોંચી છે. ભારત સંચાર નિગમ અને દિલ્હી મહાનગર ટેલિફોન નિગમે અનેક પત્રો પાઠવવા છતાં બિલોની ચુકવણી કરાતી નથી. વીજળીનાં બિલોની બાબતમાં પણ આવી જ હાલત છે. પ્રતિષ્ઠિત વિસ્તારમાં સાંસદોને ફાળવવામાં આવેલ આવાસ માટેના બંગલાઓ તમામ સરકારી નિયમોનો ભંગ કરી સાંસદો ભાડે આપે છે તેમજ આ ભાડાકીય આવક સરકારી તિજોરીમાં જમા કરાવવાને બદલે તેમની અંગત આવકનું સાધન બને છે. એક સત્તાવાર મોજણી અનુસાર 200થી વધુ સાંસદનિવાસો એક યા બીજા નિમિત્તે ભાડે અપાઈ ગયા છે. બીજી તરફ ચૂંટણી હારી ગયેલા સાંસદો તેમને ફાળવાયેલાં નિવાસસ્થાનો ખાલી કરતા નથી.

માર્ચ, 2002માં સાંસદોએ ગૃહની અંદર તથા બહાર કેવી રીતે વર્તવું તે માટેની એક આચારસંહિતા ઘડવામાં આવી હતી. તેની પાછળનો ઉદ્દેશ સંસદની કાર્યવહી સુમેળથી અને સરળતાપૂર્વક ચાલે તે હતો. લોકસભાના અધ્યક્ષ બાલયોગીની પહેલ અને પ્રેરણાથી ઘડાયેલી આ આચારસંહિતાનું પાલન થયું નથી તેમજ તેમના અવસાન બાદ આ આખી વાતને હાંસિયામાં ધકેલી દેવાઈ છે. વાસ્તવમાં સાંસદો માટે આચારસંહિતાની અનિવાર્ય આવશ્યકતા છે. અલબત્ત, આ અંગે 1 માર્ચ, 2004ના રોજ જનહિતની અરજીની સુનાવણી દરમિયાન દિલ્હીની ઉચ્ચ અદાલતે એક મહત્ત્વનો ચુકાદો આપી સાંસદો તેમજ આગામી સંસદીય ચૂંટણીમાં ઊભા રહેનાર ઉમેદવારો પાસેથી વીજળી, ટેલિફોન, પાણી, મકાનભાડા અને મુસાફરી પેટે બાકી રહેલાં બિલોની તમામ વિગતો દર્શાવતી ઍફિડેવિટ રજૂ કરવા આદેશ આપ્યો છે. કસૂરવાર ધારાસભ્યો તથા સાંસદોનાં ટેલિફોન તથા વીજળી-જોડાણ કાપી નાંખવાં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ અને નવી દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનને આદેશ કર્યો છે. વધુમાં ચૂંટણી પંચે આવી માહિતી બે સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધ કરવી તેમ પણ જણાવ્યું છે. વર્તમાન અને પૂર્વ સાંસદો મળી કુલ 669 સભ્યો પાસેથી કરોડો રૂપિયાની વસૂલાત બાકી હોવાના સંદર્ભે આ ચુકાદો આપવામાં આવ્યો હતો.

સાંસદોનાં વેતન અને ભથ્થાં : સંસદે ‘ઍલાઉન્સ ઍન્ડ પેન્શન ઑવ્ મેમ્બર્સ ઑવ્ પાર્લમેન્ટ ઍક્ટ’ ઘડેલો છે. 1954થી ઑગસ્ટ, 2006 સુધીમાં સાંસદોએ ભારે વેતનવધારો મેળવ્યો છે. છેલ્લા સુધારા અનુસાર પ્રત્યેક સાંસદને મહિને 16,000 રૂપિયા વેતન મળે છે, જેમાં અન્ય વિશેષાધિકારો માટે મળતાં નાણાં ઉમેરીએ તો તેની રકમ લાખોમાં પહોંચે છે. તેમાંની કેટલીક મહત્ત્વની બાબતો અહીં ઉલ્લેખપાત્ર છે : પ્રત્યેક સાંસદને દર મહિને રૂ. 4,000નું નિવૃત્તિવેતન મળે તેવી જોગવાઈ ઉપર્યુક્ત કાયદામાં માર્ચ 2006માં ઉમેરવામાં આવી. પ્રત્યેક સાંસદને નિજી કાર્યાલયના ખર્ચ માટે મહિને રૂ. 14,000; મદદનીશની સેવા માટે મહિને રૂ. 10,000 મળે છે. દર મહિને રૂ. 10,000 મતક્ષેત્ર-ભથ્થું મળે છે. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે રોજનું રૂ. 500 ભથ્થું, રોજના 1 કિમી.દીઠ રૂ. 8 લેખે મુસાફરી-ભથ્થું; સાંસદ અને તેમના પતિ કે પત્ની યા એક સાથીદાર સહિત દેશભરમાં પ્રથમ વર્ગની અમર્યાદ મુસાફરી, 40 વખત દેશભરમાં ગમે ત્યાં એક વ્યક્તિ સાથે બિઝનેસ વર્ગમાં નિ:શુલ્ક વિમાની મુસાફરી, મહિને રૂ. 2,000ના પ્રતીકાત્મક ભાડાનું નિવાસસ્થાન, રૂ. 50,000 સુધીની કિંમત ધરાવતા યુનિટ જેટલી નિ:શુલ્ક વીજળી, ત્રણ ટેલિફોન લાઇનો અને વર્ષે 1,10,000 ફોન-કોલ નિ:શુલ્ક પ્રાપ્ય છે. વધુમાં સાંસદની ખુદની માંદગી સમયે હૉસ્પિટલનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે. સાંસદને તેમના મતવિસ્તારના વિકાસ માટે પ્રત્યેક વર્ષે 2 કરોડ રૂપિયા પ્રાપ્ત થાય છે. સાંસદપદ છોડ્યા પછી સમગ્ર ભારતમાં વાતાનુકૂલિત બીજા વર્ગમાં વિનામૂલ્યે મુસાફરીનો રેલવે-પાસ, સંસદભવનમાં રાહત દરે ખાવાપીવાની અને સંસદભંડારમાંથી મોંઘી અને દુષ્પ્રાપ્ય ચીજો કિફાયત ભાવે મેળવવાની સગવડો પણ ઉપલબ્ધ હોય છે.

કેન્દ્ર સરકારે 1993-94થી સંસદસભ્યોની સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અમલમાં મૂકી હતી; જેમાં પ્રત્યેક સાંસદને આ યોજનાના પ્રથમ વર્ષે વાર્ષિક રૂ. 5 લાખની ફાળવણી કરવામાં આવી હતી. 1994-95થી આ રકમ વધારીને રૂ. 1 કરોડ કરવામાં આવી. જ્યારે 1998-99થી આ રકમ રૂ. 2 કરોડ કરવામાં આવી. આ યોજનાનો અમલ ભારત સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે દરેક સાંસદની ગ્રાન્ટ જે તે જિલ્લા-કલેક્ટર હસ્તક જમા થાય છે. સાંસદ કલેક્ટરને દરખાસ્ત મોકલે પછી અંદાજ તૈયાર કરી, તેના ટેન્ડર બહાર પાડીને કામ પૂરું કરવા સુધીની તમામ કાર્યવહી કલેક્ટર મારફતે થતી હોય છે. વહીવટી અગવડોને લીધે સાંસદો આ યોજનાનો પૂરો લાભ ઉઠાવી શકતા નથી.

જાહેર જીવનના પ્રશ્ર્ને, જાહેર નાણાંના પ્રશ્ર્ને સપ્તાહો સુધી ધાંધલધમાલ અને અવાજોની કાગારોળ કરી રુકાવટ ઊભી કરતા કાબેલ સાંસદોએ પગાર અને ભથ્થાં અંગેનો ખરડો પસાર કરવા માટે 30 મિનિટની પણ ચર્ચાવિચારણા ન કરી હોવાના ઘણા દાખલા મોજૂદ છે. ઉપર્યુક્ત કાયદાની ચર્ચાવિચારણા દરમિયાન કોઈ પણ દેશભક્ત સાંસદ સાંપડ્યો નહિ કે જેણે આ ગેરવાજબી વધારાનો વિરોધ કર્યો હોય. કોઈ પણ રાજકીય પક્ષે પણ આ કાયદાનો વિરોધ કર્યો નથી. વેતનવધારાનો ખરડો જ્યારે જ્યારે રજૂઆત પામે ત્યારે સાંસદો તેને મિનિટોમાં, એક અવાજે માન્ય કરે છે. આ વેતન કે ભથ્થાં-વધારો ગેરવાજબી એટલા માટે છે કે એથી દેશની આમજનતા પરના કરવેરાનું ભારણ વધતું જ જાય છે. સામે પક્ષે વધુ ને વધુ કરવેરા ચૂકવવા છતાં પ્રજાની સેવા કે સગવડમાં કોઈ જ વધારો થતો નથી. એક અંદાજ મુજબ પ્રત્યેક સાંસદની પાછળ વર્ષે 32 લાખનો ખર્ચ કરવામાં આવે છે. વેતન અને ભથ્થાંનો આ કમરતોડ બોજ પ્રજાએ ઊંચકવો પડે છે. વિદેશી સાંસદોને મળતા વેતન અને વિશેષાધિકારોની તુલનામાં ભારતીય સાંસદોને મળતી સવલતો અપર્યાપ્ત છે તેવી રાજ્યસભામાંની ચર્ચાને આધારે સાંસદોનાં વેતન-ભથ્થાં વધારવા માટે એક પંચની રચના કરવામાં આવશે તેમ સંસદીય બાબતોના રાજ્યપ્રધાને (સુરેશ પચૌરી) નવેમ્બર, 2006માં જણાવ્યું હતું. ઑગસ્ટ, 2006માં વેતન અને ભથ્થાંઓમાં વધારો સૂચવતો સુધારો કરવામાં આવ્યો. જે અનુસાર સાંસદનું વેતન રૂ. 12,000માંથી રૂ. 16,000 કરવામાં આવ્યું એટલે કે એકાએક 33 ટકાનો વેતનવધારો કરવામાં આવ્યો. આ છેલ્લો પાંત્રીસમો વેતનવધારો છે. આ સાથે પ્રવાસ, વીજળી, ટેલિફોન વગેરે મબલખ સહાય સાંસદો મેળવે છે. તેમને અપાતા વેતન અને સગવડોની કિંમત અંગેનો એક અંદાજ નવેમ્બર, 2006માં તૈયાર કરવામાં આવ્યો, જે અનુસાર પ્રત્યેક સાંસદ પાછળ વરસે 32 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

પક્ષપલટા વિરોધી કાયદાઓ છતાં પક્ષપલટા છાવરવામાં જ આવે છે. સાંસદોના પરોક્ષ ખરીદ-વેચાણની રીતરસમોથી સરકાર ટકાવી રાખવામાં કોઈ નામોશી અનુભવાતી નથી. પ્રશ્નો પૂછવા માટે નાણાં લેતા સાંસદો ‘ઑપરેશન દુર્યોધન’ દ્વારા ઉઘાડા પડ્યા છે. સાંસદોએ સ્વયં ઘડેલા કાયદા વ્યક્તિગત સ્વાર્થની ભીંસમાં અર્થહીન બનાવી દેવામાં આવે છે. એથી સંસદીય લોકશાહીનું કલેવર છેદાઈ રહ્યું છે. અગ્રવર્ગીય, શિક્ષિત, લોકશાહીવાદી ઉદાર મૂલ્યો અને અસાધારણ સાંસદીય કુનેહ ધરાવતા અને સંસદને ગરિમા પ્રદાન કરતા સામાજિક કાર્યકરો અને સ્વચ્છ રાજનીતિજ્ઞો વીતેલા યુગની દાસ્તાન રૂપે સ્મૃતિશેષ બન્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં લોકહિત અને રાષ્ટ્રીય હિતો જેવી બે પાયાની બાબતોને સદંતર ભૂલવાની કામગીરી કોઠે પડી ગઈ છે. સાંસદો અધ્યક્ષશ્રીના ચુકાદાઓ કે વિનંતીઓનો આદર કરવાને બદલે તેમના હોદ્દાના ગૌરવને વારંવાર ખંડિત કરતા હોય છે. ગુજરાતમાં વિધાનસભ્ય મહેન્દ્ર દેસાઈએ નિવૃત્તિવેતન ખરડાનો ભારે પ્રતિકાર કરી, અનશન પર ઊતરવાની નૈતિક હિંમત દાખવેલી, જેને પરિણામે રાજ્યસરકારને તે ખરડો પાછો ખેંચી લેવાની ફરજ પડી હતી. આવા નિ:સ્પૃહી અને લોકહિતના રખેવાળ સાંસદોની પ્રજા વાટ જોઈ રહી છે.

બંધારણ ઘડતર-સમયની ઉચ્ચ લોકશાહી પરંપરાઓનું સંવર્ધન કરી સાંસદો સાચોસાચની ‘સેવા’માં પ્રવૃત્ત બને તો હજુ પણ પરિસ્થિતિ સાચવી લઈ શકાય તેમ છે. સ્થૂળ ચર્ચા, શોરબકોર, નિરર્થક ઊહાપોહ, ઊતરતો વ્યવહાર, બિનસંસદીય ભાષાપ્રયોગો અને હીન ધોરણોનો આશ્રય લઈ સંસદની ગરિમાનું ધોવાણ કરતો વ્યવહાર અટકાવી સંસદીય આચારસંહિતાનું પાલન સાંસદો કરે તે અત્યાવશ્યક છે. આવી સંસદીય આચારસંહિતા થકી જ સંસદીય લોકશાહીને વેગવંતી બનાવી શકાય.

સંસદની સત્તાઓ અને કાર્યો : ભારતીય સંસદ રાજ્યસભા અને લોકસભાનાં બે ગૃહોની બનેલી છે, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા ભારતીય સંઘનાં વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ દ્વારા અને નીચલું ગૃહ લોકસભા પુખ્તવયમતાધિકારના આધારે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓથી રચાય છે. લોકસભા લોકો દ્વારા રચાયેલ ગૃહ હોવાને કારણે બંને ગૃહોમાં વધુ પ્રતિષ્ઠિત, વધુ ઊંચું અને બંધારણીય રીતે વધુ સત્તા ધરાવતું ગૃહ છે. લોકસભા લોકો દ્વારા ચૂંટાયેલ ગૃહ હોવાથી તેની નાણાકીય સત્તાઓ વિશેષ છે, કારણ સરકાર પાસે આવતાં નાણાં આખરે તો પ્રજાનાં હોય છે, પ્રજાના પરિશ્રમનો પરિપાક હોય છે. રાજ્યસભાની નાણાકીય સત્તા સીમિત હોય છે. તે નાણાકીય ખરડો વધુમાં વધુ 14 દિવસ સુધી વિચારણા માટે રાખી શકે છે, ત્યારબાદ તેણે અચૂક તે અંગે નિર્ણય આપવાનો રહે છે.

લોકસભામાં બહુમતી મેળવનાર પક્ષનો નેતા વડાપ્રધાનનું સ્થાન મેળવે છે અને તે પક્ષને સરકાર રચવાનો અધિકાર મળે છે. બહુમતી પક્ષ દ્વારા રચાતી સરકાર લોકસભાને જવાબદાર હોય છે. જો લોકસભા સરકાર વિરુદ્ધ અવિશ્વાસની યા નાણાકીય કાપની દરખાસ્ત મંજૂર કરે તો સરકારે કે પ્રધાનમંડળે રાજીનામું આપી દેવું પડે છે.

સંસદનું સૌથી મહત્ત્વનું કાર્ય કાયદા ઘડવાનું છે. પ્રત્યેક દેશમાં તેની સંસદ કાયદા ઘડનારી સર્વોચ્ચ સંસ્થા છે. આ માટે ખરડા એટલે કે કાચા સ્વરૂપનો કાયદો કે તેનો મુસદ્દો ઘડાય છે. તે સરકારના સંબંધિત મંત્રાલય અને કાયદા મંત્રાલય દ્વારા વિચારણા પામે છે. આવા ઔપચારિક ખરડા-ઘડતર પછી પ્રત્યેક ગૃહ સમક્ષ તે ત્રણ વાચન માટે મુકાય છે, આ વાચનો દરમિયાન વિગતે તેની પર વિચારણા થાય છે. તેમાં ભાવિ કાયદાના આશયોથી આરંભી તેના અમલ સુધીનાં વિવિધ પાસાંઓની ચર્ચાવિચારણા કરવામાં આવે છે. તે માટે અલગ અલગ સમિતિઓ નિયમ મુજબની સર્વાંગી વિચારણા કરીને કાયદા-ઘડતરમાં સક્રિય ભૂમિકા ભજવે છે. સમિતિનાં મંતવ્યોના સંદર્ભમાં ગૃહો ખરડાની ફેરવિચારણા કરી તેને અંતે મતદાન કરે છે અને તેને બહુમતી મળતાં ખરડો ગૃહ દ્વારા મંજૂર થયેલો માનવામાં આવે છે. આ પછી અન્ય ગૃહની મંજૂરી મળતાં, પ્રત્યેક ગૃહના અધ્યક્ષોની સંમતિથી ખરડો રાષ્ટ્રપ્રમુખની સંમતિ માટે મુકાય છે અને તેમની સંમતિ મળતાં કાયદો ઘડાયો તેમ સ્વીકારવામાં આવે છે.

ભારતનું બંધારણ લેખિત છે અને ભારતે સમવાયતંત્રી પદ્ધતિ સ્વીકારી હોવાથી કેન્દ્રીય સંસદ કેન્દ્ર-યાદી અને સંયુક્ત યાદીના વિષયો અંગે જ મુખ્યત્વે કાયદા ઘડી શકે છે. રાજ્યયાદીના વિષયો પર કાયદો ઘડવા માટે સંસદ અને વિવિધ રાજ્યો બંનેની સંમતિ આવશ્યક હોય છે. વધુમાં જે તે ગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કે સભાપતિ અને ઉપસભાપતિ ગૃહ દ્વારા ચૂંટાય છે. ગૃહની વિવિધ સમિતિઓની નિમણૂક કરવી, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મતદાનીય કામગીરી કરવી, જાહેરમતનું ઘડતર કરવું, પ્રશ્નોત્તરી-કલાક અંતર્ગત સરકારની કામગીરી પર ચાંપતી નજર રાખવી જેવાં કાર્યો સંસદનાં ગૌણ છતાં મહત્ત્વનાં કાર્યો છે. રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, સરનિધિ-નિયામક અને નિધિરક્ષક જેવા હોદ્દેદારો વિરુદ્ધ મહાઅભિયોગની દરખાસ્ત માત્ર સંસદનો જ વિશેષાધિકાર છે. કારોબારી સત્તાની મર્યાદામાં રહીને કાર્ય કરે તે જોવાની તેમજ તેની સત્તા પર અંકુશ રાખવાની કામગીરી પણ સંસદ બજાવે છે. પ્રત્યેક વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું, નાણાકીય દરખાસ્તો અંગે સૂક્ષ્મ વિચારણા હાથ ધરવી, નાણાકીય ફાળવણીની વિગતોમાં ઊંડાં ઊતરવું વગેરે કાર્યો સંસદે કરવાનાં હોય છે. સંસદ દ્વારા મુકાતી નાણાકીય કાપની દરખાસ્ત અત્યંત ગંભીર ગણવામાં આવે છે. દેશના બંધારણમાં નિયમ મુજબ ફેરફાર કરવાની સત્તા સંસદ ધરાવતી હોવાથી તે સર્વોચ્ચ શક્તિશાળી સંસ્થા બની રહે છે. જોકે 1977માં 43મા બંધારણીય સુધારા દ્વારા બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરવાની તેની સત્તા પર અંકુશ મૂકવામાં આવ્યો છે. આમ, સંસદ ભારતીય લોકશાહીનું શક્તિશાળી અંગ હોવા છતાં અંકુશોથી સદંતર પર નથી; તેણે પણ બંધારણ-જોગવાઈઓની મર્યાદામાં રહીને કામ કરવાનું રહે છે.

ભારતીય સંસદની આરંભથી આજ (2006) સુધીની કામગીરીની સમીક્ષા કરીએ તો સ્પષ્ટ છે કે પ્રારંભિક ત્રીસીનાં વર્ષો સુધી સાંસદોએ ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા ઉચિત કાયદાઓ ઘડીને, નીતિમત્તાનાં ઊંચાં મૂલ્યો જાળવીને દેશહિતમાં ભારતીય લોકશાહીને સર્વોત્કૃષ્ટતાની નજીક લઈ જવાના નોંધપાત્ર અને પ્રશસ્ય પ્રયાસ કર્યા હતા. એ વર્ષોમાં ઘડાયેલા કાયદાઓ દ્વારા દેશની લોકશાહીનું જતન થયું. પછીનાં વર્ષોમાં ઉત્તરોત્તર ઘટતી સાંસદીય શિસ્ત ચિંતાનો વિષય રહી હોવા છતાં એકંદરે અન્ય દેશોની તુલનામાં ભારત તેની લોકશાહીની માવજત કરી શક્યું છે તેનો યશ મતદારો અને સાંસદોને ફાળે જાય છે.

રક્ષા મ. વ્યાસ