પરભણી : મહારાષ્ટ્ર રાજ્યના 36 જિલ્લાઓમાંનો આ એક જિલ્લો અને જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 19 30´ ઉ. અ. અને 76 45´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે હિંગોલી અને બુલધાના જિલ્લા, પૂર્વે નાંદેડ અને હિંગોલી જિલ્લા, દક્ષિણે લાતૂર અને પશ્ચિમે બીડ અને જાલના જિલ્લા આવેલા છે. તે સમુદ્રસપાટીથી સરેરાશ 357 મીટર ઊંચાઈએ આવેલો છે.
આ જિલ્લાની ઈશાને અજંતાની ડુંગરાળ હારમાળા આવેલી છે. જે જિંતુર જિલ્લામાંથી પસાર થાય છે. જ્યારે દક્ષિણે બાલાઘાટની ડુંગરાળ હારમાળા આવેલી છે. અહીં ડેક્કન ટ્રેપના બૅસૉલ્ટ ખડકો જોવા મળે છે. જેની જાડાઈ 2000 મી.થી પણ વધુ છે. જે મોટે ભાગે નક્કર અને કાળમીંઢ જોવા મળે છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ પૈનગંગા, ગોદાવરી અને તેની શાખા નદીઓ દૂધના, મસૌલી, કારપારા અને પૂર્ણા નદી છે.
આ જિલ્લો ખંડીય પ્રકારની આબોહવા અનુભવે છે. કારણ કે દરિયાકિનારાથી તે ખૂબ દૂર આવેલો છે. આબોહવા ગરમ, સૂકી અને વિષમ રહે છે. ઉનાળાનું તાપમાન 25 થી 40 સે. વચ્ચે રહે છે. જ્યારે શિયાળાનું તાપમાન 15 થી 30 સે. વચ્ચે રહે છે. ફેબ્રુઆરીથી માર્ચ સુધીનો ગાળો સૂકો પરંતુ સ્વાસ્થ્યપ્રદ રહે છે. વર્ષાઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ ગણાય છે. વરસાદ સરેરાશ 800 મિમી.થી 900 મિમી. જેટલો પડે છે. ખડાકળ ભૂમિ અને વરસાદની માત્રા મર્યાદિત હોવાથી આ જિલ્લામાં જંગલોની ટકાવારી ફક્ત 3% છે.
અર્થતંત્ર : આ જિલ્લાની જમીનને રેગૂર કે કાળી કપાસની જમીન કહી શકાય. લાવાના ઘસારાથી તે નિર્માણ પામી છે. જમીનમાં લોહ, ચૂનો, પોટાશ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ જેવાં તત્ત્વોનું પ્રમાણ અધિક છે. જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ વ્યવસાયમાં આશરે 80% થી 82% લોકો રોકાયેલા છે. જુવારની ખેતી મહત્તમ થાય છે. જે ખાદ્યાન્ન પાકોના કુલ ઉત્પાદનના 65% જેટલું પ્રમાણ ધરાવે છે. આ સિવાય બાજરી, ડાંગર, ઘઉંની ખેતી થાય છે. કઠોળમાં મુખ્યત્વે ચણા, સોયાબીન અને તુવેર છે. રોકડિયા પાકોમાં કપાસ, તમાકુ, શેરડી અને મગફળી છે. કપાસ એ જિલ્લાની મુખ્ય નિકાસ છે. ખેતીનો વિકાસ વધે તે માટે નાની નદીઓ ઉપર સિંચાઈ યોજનાઓ ઊભી કરી છે. જેમાં પૂર્ણા નદી ઉપર થેલદારી બંધ, દૂધના નદી ઉપર દૂધના બંધ, ગોદાવરી નદી ઉપરનો મુડગલ બંધ, મસૌલી નદી ઉપર મસૌલી બંધ, કારપારા નદી ઉપર કારપારા બંધ મુખ્ય છે. જિલ્લામાં જીનિંગ અને પ્રેસિંગ એકમો, વનસ્પતિ તેલ, ખાદ્યપ્રકમણ અને લાકડાની ચીજવસ્તુઓ બનાવતા મધ્યમ કદના ઔદ્યોગિક એકમો જોવા મળે છે. ખેતી સાથે પશુપાલનપ્રવૃત્તિ સંકળાયેલી છે. જેથી દૂધની પેદાશો અને ચર્મ સાથે સંકળાયેલા નાના એકમો આવેલા છે.
ખૂબ અલ્પપ્રમાણમાં જંગલો આવેલાં છે. જ્યાં મહુડો, ખાખરા અને કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. પ્રાણીઓમાં શિયાળ, વરુ, હરણ તેમજ ભૂંડ જોવા મળે છે.
પરિવહન અને પ્રવાસન : આ જિલ્લાની પશ્ચિમે રાજ્યનું પાટનગર મુંબઈ આવેલું છે. આથી અહીં રાજ્ય ધોરી માર્ગો વધુ આવેલા છે. જે જિલ્લાના અને પડોશી જિલ્લાઓનાં મુખ્ય શહેરો સાથે રસ્તા માર્ગે સંકળાયેલા છે. તેલંગાણા અને મરાઠાવાડ રેલમાર્ગ ઉપર આવેલું મુખ્ય રેલવેસ્ટેશન છે. અહીં રાજ્ય પરિવહન અને ખાનગી બસોની સુલભતા છે.
આ જિલ્લો સંતોની ભૂમિ ગણાય છે. મહારાષ્ટ્રના બે મોટા સંતો નામદેવ અને જમનાબાઈનું જન્મસ્થાન આ જિલ્લામાં આવેલું છે. મહાનુભાવ પંથના જાણીતા કવિ ભાસ્કર ભટ્ટ પણ આ જિલ્લામં જન્મેલા. ભારતનાં 12 જ્યોતિર્લિંગોમાંથી એક ઔંધ નાગનાથ આ જિલ્લામાં આવેલું છે. જિંતુરમાં ઐતિહાસિક જૈન મંદિર પણ આવેલું છે. શ્રી સાઈ જન્માષ્ટમ મંદિર જે સાંઈબાબાનું જન્મસ્થળ ગણાય છે. સાંઈબાબાના ગુરુ શ્રી બાબાસાહેબ મહારાજ, જેઓ 12 વર્ષ અહીંના સેલુ શહેરમાં વસ્યા હતા. તુરાબુલ ડે હક્ક – દરગાહ અહીં આવેલી છે.
મુદગલેશ્વર (Mudgaleshwar) મંદિર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. આ મંદિર નદીના મધ્યમાં આવેલું છે. જેનું નિર્માણ આશરે 900 વર્ષ પહેલાં થયું હતું. તેના સંદર્ભમાં ત્યાં એક તકતી પણ છે. અહીં આવેલા જૂના ઘાટ કે જેનું નિર્માણ 250 વર્ષ પહેલાં અહલ્યાબાઈએ કર્યું હતું. નરસિંહ સ્વામીએ ‘શિવલિંગા’ મંદિરનું આયોજન કર્યું હતું, જે માટે તેમને તેમનાં પત્ની મહાલક્ષ્મી, પુત્ર મોદુગલ્યા અને પુત્રવધૂ જાબલાબાઈનો સહકાર સાંપડ્યો હતો. તેમનો પરિવાર આ મંદિરનું સંચાલન કરે છે. આ નદી ઉપર અહીં બંધનું આયોજન પણ થયું છે.
વસ્તી : આ જિલ્લાની વસ્તી (2011 મુજબ) 18,36,086 છે. જ્યારે વિસ્તાર 6,251 ચો.કિમી. છે. આ જિલ્લાનો સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 940 મહિલાઓ છે. જ્યારે સાક્ષરતાનું પ્રમાણ 72.25% છે. આશરે 31% લોકો શહેરોમાં વસે છે. પછાત જાતિ અને આદિવાસી જાતિની ટકાવારી અનુક્રમે 13.47% અને 2.21% છે. આ જિલ્લામાં હિન્દુઓની વસ્તી 72.35% છે જ્યારે મુસ્લિમ, બૌદ્ધ લોકોની વસ્તી અનુક્રમે 16.69% અને 10.23% છે. શહેરી વિસ્તારોમાં મુસ્લિમોની સંખ્યા અધિક છે, જેમાં જીન્તુર અને પથરી કોમના લોકો વસે છે. આ જિલ્લામાં મરાઠી ભાષા બોલનારાની સંખ્યા 78.35% છે જ્યારે ઉર્દૂ, હિન્દી, લમ્બાડી ભાષા બોલનારાનું પ્રમાણ અનુક્રમે 11.97%, 4.99% અને 3.06% છે. આ સિવાય દક્ષિણી, અન્ધ, ભાષા પણ બોલાય છે. ભૌગોલિક દૃષ્ટિએ સમગ્ર મરાઠાવાડ એક સમયે હૈદરાબાદ રાજ્યનો એક ભાગ હતો. 1956માં તેનો સમાવેશ ‘બૉમ્બે’માં થયો હતો. 1960 પછી આજે તે મહારાષ્ટ્રનો એક જિલ્લો બન્યો છે.
પરભણી (શહેર) : આ શહેર 19 27´ ઉ. અ. અને 76 47´ પૂ. રે. પર આવેલું છે. જ્યારે તે સમુદ્રની સપાટીથી 347 મીટર ઊંચાઈ ધરાવે છે. અહીંની ભૂમિ બૅસૉલ્ટિક ખડકોને કારણે ખડકાળ અને કાળી છે, પરંતુ ગોદાવરી નદીના ખીણવિસ્તારમાં આ શહેર વસ્યું હોવાથી આ જમીન ફળદ્રૂપ અને ખનિજ તત્ત્વોથી સમૃદ્ધ છે. તે દૂધના અને પૂર્ણા નદીના સંગમે આ શહેરને વિકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 49 સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 2 સે. જેટલું રહે છે. વરસાદની માત્રા 1,700 મિમી. છે.
આ શહેર ખેત-પેદાશોનું મુખ્ય બજાર છે. અહીં જુવાર, કપાસ, મરચાં, શાકભાજી, ફળોનો નોંધપાત્ર વેપાર થાય છે. કેટલીક પેદાશોની નિકાસ પણ થાય છે. ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો જોવા મળે છે. જેમાં યંત્રો બનાવવાના, કપાસ પીલવાના, ખાદ્યપ્રકમણના, ડેરી પેદાશો બનાવવાના એકમો આવેલા છે.
આ શહેરનો વિકાસ રેલવેને કારણે જ થયો છે. દક્ષિણ મધ્ય રેલવે વિભાગના સિકન્દરાબાદ મનમાડ પેટા વિભાગમાં તેનો સમાવેશ થાય છે. પરભણી રેલવેસ્ટેશન મહારાષ્ટ્રનાં મોટાં શહેરો સાથે સંકળાયેલ છે જેમાં મુખ્ય મુંબઈ, પૂના, નાગપુર, નાંદેડ, ઔરંગાબાદ, નાશિક અને કોલ્હાપુરનો સમાવેશ કરી શકાય. આ સિવાય ભારતનાં મુખ્ય શહેરો ન્યૂ દિલ્હી, બૅંગાલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, અજમેર, ભોપાલ, અમૃતસર, રામેશ્વર, તિરુપતિ વગેરે શહેરો સાથે પણ સંકળાયેલ છે.
આ રેલવે જંકશન ઉપર રેલવેવિભાગે ઘણી આધુનિક સગવડો ઊભી કરી છે; જેવી કે મેટલ ડિટેક્ટર, VIP લૉન્જ, કૅન્ટીન, પોસ્ટઑફિસ, wifi, ATM વગેરે.
પરભણી બસ મથક આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યની બસોની સુવિધા ધરાવે છે. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસો અને ખાનગી બસો પણ મળી રહે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 61 અહીંથી પસાર થાય છે. રાજ્યના ધોરી માર્ગો અને જિલ્લાના માર્ગોની સગવડ છે. ઑટો રિક્ષાનો આ શહેરમાં મહત્તમ ઉપયોગ થાય છે. આ શહેરમાં એક પણ હવાઈ મથક નથી.
આ શહેરે શિક્ષણક્ષેત્રે સારી પ્રગતિ સાધી છે. અહીં ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી, મરાઠાવાડ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી, મહારાષ્ટ્ર ઍનિમલ ઍન્ડ ફિશરી સાયન્સ યુનિવર્સિટી, પી. ડી. જૈન હોમિયોપેથિક મેડિકલ કૉલેજ, સરસ્વતી ધન્વંતરિ ડેન્ટલ કૉલેજ, ધ્યાનોપાસક(Dhyanopasak) કૉલેજ ઑફ આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ અને ટૅકનૉલૉજી, ડૉ. ઝાકીરહુસેન કૉલેજ, ડિપ્લોમા એન્જિનિયરિંગ કૉલેજ, ડિપ્લોમા ફાર્મસી જેવી અનેક કૉલેજો આવેલી છે. પ્રાથમિક શાળાથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જેમાં ગાંધી(Gandhi) વિદ્યાલય, ડૉ. ઝાકિરહુસેન હાઈસ્કૂલ, મરાઠાવાડ હાઈસ્કૂલ, બાલ વિદ્યામંદિર હાઈસ્કૂલ અને જુનિયર કૉલેજો પણ આવેલી છે.
આ શહેરનો વિસ્તાર 57.61 ચો. કિમી. અને વસ્તી (2011 મુજબ) 3,07,170 છે. જ્યારે મેટ્રો શહેરની વસ્તી (2011 મુજબ) 6,51,580 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 958 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમણ 84.34% છે. અહીં હિન્દુની વસ્તી 1,38,562, મુસ્લિમની 1,26,702, બૌદ્ધી 36,203, જૈન 2,870 અને ખ્રિસ્તીઓની વસ્તી 697 છે. ભાષાની દૃષ્ટિએ જોઈએ તો મરાઠી 55.04%, ઉર્દૂ 31.51%, હિન્દી 10.41% અને મારવાડી 1.04% છે.
આરોગ્યની દૃષ્ટિએ આ શહેરમાં સિવિલ હૉસ્પિટલ, આંખની હૉસ્પિટલ તેમજ સરકારના વિવિધ લક્ષને આધારે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના, નૅશનલ રૂરલ હેલ્થ મિશન, ડાયાબિટીસ, કૅન્સર, હૃદયરોગની સારવારનાં કેન્દ્રો પણ આવેલાં છે.
સ્વચ્છતાના સંદર્ભમાં આ શહેરનું કામ પ્રશંસનીય રહ્યું છે. ‘સ્વચ્છ સર્વેક્ષણ’ 2018માં થયું હતું જેમાં મહારાષ્ટ્રનાં ત્રણ શહેરો – ભુસાવળ, ભીવન્ડી અને પરભણી અગ્રતાક્રમે રહ્યાં હતાં.
પ્રાચીન સમયમાં આ શહેર ‘પ્રભાવતીનગરી’ તરીકે ઓળખાતું હતું. પ્રભાવતી એટલે લક્ષ્મી અને પાર્વતી એમ અર્થ થાય. આશરે 650 વર્ષ પહેલાં તે મુસ્લિમ શાસકોના તાબામાં હતું. જેમાં દક્ષિણના સુલતાન, મોગલો અને હૈદરાબાદના નિઝામ મુખ્ય હતા. 1948માં ભારત સરકારે નિઝામ ઉપર વર્ચસ્વ જમાવવા ‘ઑપરેશન પોલો’નું આયોજન કર્યું હતું. 1956 સુધી ભારતના હૈદરાબાદ રાજ્યમાં તેનો સમાવેશ થયો હતો. 1960માં તેનો સમાવેશ મહારાષ્ટ્ર રાજ્યમાં થયો.
અહીં પ્રભાવતી માતાનું મંદિર આવેલું છે. શ્રી મોથા મારુતિ ટેમ્પલ, બિલેશ્વર મંદિર, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર, હિગુંલામ્બિકા માતાનું મંદિર, મુડગલેશ્વર મંદિર વગેરે મંદિરો પણ છે. અહીં તુરાબુલ હક્ક દરગાહ આવેલી છે. જ્યાં દર વર્ષે ‘ઉર્સ’ ભરાય છે. આ દરગાહના પૂજારી અને ટ્રસ્ટીઓના હક્ક વંશ-પરંપરાગત હિન્દુઓ ભોગવે છે. આ સિવાય પણ અનેક દરગાહ અને ચર્ચ પણ આવેલાં છે.
1943ના વર્ષમાં નગરપાલિકાની સ્થાપના થઈ હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
નીતિન કોઠારી