પન્નું (emarald) : બેરિલ(3Beo. A12O3. 6SiO2)નો આછા લીલા રંગવાળો, પારદર્શક, તેજસ્વી રત્નપ્રકાર. લીલો રંગ તેમાં રહેલી ક્રોમિયમની માત્રાને કારણે હોય છે. આ રત્ન પીળા કે વાદળી રંગની ઝાંયવાળાં પણ મળે છે. વાદળી ઝાંયવાળું પન્નું પીળા રંગની ઝાંયવાળા પન્નું કરતાં વધુ કીમતી ગણાય છે. પન્નાના મોટાભાગના સ્ફટિકો સૂક્ષ્મ પ્રભંગ (fracture) ધરાવે છે, તેમને ‘વેઇલ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. પન્નાના કેટલાક સ્ફટિકો તડક્ષતિ તેમજ આગંતુકોવાળા પણ હોય છે. ખનિજવર્ગોમાં તે સાઇક્લોસિલિકેટ ગણાય છે અને હેક્ઝાગોનલ પ્રણાલીમાં તે સ્ફટિકીકરણ પામે છે. તેની કઠિનતા અને વિ. ઘ. બેરિલને સમકક્ષ છે. બધા જ પ્રકારનાં કીમતી રત્નોમાં ઉત્કૃષ્ટ કક્ષા અને સુંદર રંગવાળાં તેમજ તડ અને આગંતુકવિહીન પન્નાના સ્ફટિકોનું ઊંચું મૂલ્ય અંકાય છે અને તેમની ઘણી બજારમાંગ રહે છે; ક્યારેક તો પ્રતિ કૅરેટે 10,000 ડૉલર જેટલી કિંમત પણ આંતરરાષ્ટ્રીય બજારમાં રહે છે. પન્નાના સ્ફટિકોની પ્રાપ્તિ આમ તો મર્યાદિત હોય છે. સંપૂર્ણપણે શુદ્ધ કહેવાય એવા ઉત્તમ પ્રકારના પન્નું-સ્ફટિકો કુદરતમાં વિરલ ગણાય છે અને તેથી જ તેમની હીરા કરતાં પણ વધુ કિંમત અંકાય છે. બહુમૂલ્ય રત્ન તરીકે તેમનો ઉપયોગ થાય છે. મોટેભાગે મળતા પન્નું-સ્ફટિકો તડક્ષતિવાળા અને વાદળ જેવા આભાસી દેખાવવાળા હોય છે. ઊંચી ગુણવત્તા ધરાવતા પન્નું સ્ફટિકો જ બહુમૂલ્ય બની રહે છે. પારદર્શક બેરિલ અને રત્નપ્રકારવાળાં બંને લીલા રંગમાં મળતાં હોઈ સરખાં જ દેખાતાં હોય છે. તેમની તફાવતરેખા પારખવાનું કાર્ય માત્ર નિષ્ણાત અને અનુભવી રત્નપારખુઓનું ગણાય.

બેરિલ, ઍક્વામરીન, મૉર્ગૅનાઇટ અને ગોશીનાઇટ જેવા સમકક્ષ ખનિજપ્રકારોની તફાવતરેખા પન્નું સાથે મર્યાદિત છે. પન્નું તો માઇકા-શિસ્ટ કે વિકૃતિજન્ય ચૂનાખડકોમાંથી જ મળી શકે છે, જ્યારે ઉપરના અન્ય પ્રકારો ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટનાં પોલાણોમાંથી મળે છે. દુનિયાભરમાં પન્નું માટે જાણીતું થયેલું વિરલ પ્રાપ્તિસ્થાન કોલંબિયાની મુઝો અને અલ્ શિવર ખાણો છે, જ્યાં તે પેગ્મેટાઇટજન્ય દ્રાવણો દ્વારા કણશ: વિસ્થાપન પામેલા ઘેરા રંગવાળા ચૂનાખડકો સાથે સંકલિત કૅલ્શાઇટ શિરાઓમાંથી મળી રહે છે. માઇકા-શિસ્ટમાં જ મળતા પન્નું-સ્ફટિકો માટેનાં અન્ય પ્રાપ્તિસ્થાનો પૈકી યુરલ પર્વતોમાંના ટોકોવોજાનો સમાવેશ કરી શકાય, જ્યાં પન્નું બેરિલિયમનાં ખનિજો ક્રાયસોબેરિલ (અને તેના રત્નપ્રકાર ઍલેક્ઝાન્ડ્રાઇટ) તેમજ ફેનાકાઇટ સાથે મળે છે. યુ. એસ.ના ઉત્તર કૅરોલિનામાંથી પણ તે મળેલાં છે. હબાશતાલ (ઑસ્ટ્રિયા), ટ્રાન્સવાલ (દક્ષિણ આફ્રિકા), ઝિમ્બાબ્વે અને કાલીગુમાન(રાજસ્થાન, ભારત)માંથી પણ તે મળી રહે છે. પન્નાના સ્ફટિકોનું ઉત્પાદન ભારતમાં માત્ર રાજસ્થાનમાં થાય છે. પન્નું-સ્ફટિકોનો અંતિમ ઉદભવસ્રોત તો તેમાં જોવા મળતાં આગંતુક દ્રવ્યોના અભ્યાસથી નિર્ધારિત થઈ શકે.

પન્નાના સ્ફટિકો

કૃત્રિમ આયોજન : ગુણવત્તા અને રંગમાં પૂરેપૂરી હરીફાઈ કરી શકે એવા પન્નું જેવા જ રત્નપ્રકારો પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવવામાં સફળતા સાંપડી છે. આ માટેની બે તકનીકી પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે :

(1) પ્રદાવક-ગલન પદ્ધતિ (molten-flux technique) : લિથિયમ મૉલીબ્ડેટ અને વેનેડિયમ પેન્ટૉક્સાઇડ જેવા પ્રદાવકો સાથે લગભગ બેરિલ-બંધારણ ધરાવતાં જેલ કે ઑક્સાઇડ સંયોજન મિશ્ર કરીને તે વિકસાવી શકાય છે. ગલન થઈ જાય પછી ઠંડા પાડવાની ધીમી પ્રક્રિયાને પરિણામે નાના પ્રિઝ્મૅટિક સ્ફટિકો વિકસતા જાય છે. (2) ઉષ્ણ જળજન્ય સંયોજનપદ્ધતિ (hydrothermal synthesis technique) : આ પદ્ધતિ દ્વારા ઊંચી ગુણવત્તાવાળા સ્ફટિકો વિકસાવી શકાય છે. કાપેલા ઍક્વામરીનની તક્તીનો બીજ તરીકે આધાર રાખીને તેના ઉપર ઉષ્ણજળજન્ય સંયોજનપ્રક્રિયાથી પન્નું વિકસાવી શકાય છે. વિકસેલા પન્નુંને નાની કરવતથી સિફતપૂર્વક કાપીને ફરીથી તેનો આધારબીજ તરીકે ઉપયોગ કરીને સારી કક્ષાનું પન્નું વિકસાવાય છે. કુદરતી પન્નામાં જોવા મળતી આબેહૂબ રંગપ્રાપ્તિ માટે આવી કોઈ પણ પદ્ધતિમાં 0.05થી 1.4 % Cr2O3 ઉમેરવું પડે છે, કારણ કે કુદરતી પન્નામાંના રંગ માટે Cr3+ ક્રોમોફોર જવાબદાર લેખાય છે. કૃત્રિમ પન્નું કુદરતી રત્નપ્રકાર જેવું જ હોય છે. કૃત્રિમ અને કુદરતી પ્રકારો વચ્ચેની ભેદરેખા સમજી શકાય તે માટે તલસ્પર્શી અભ્યાસ ચાલે છે, જોકે સૂક્ષ્મ રેસાઓ જેવા આગંતુકોને લીધે કૃત્રિમ પન્નુંને સૂક્ષ્મદર્શક હેઠળ પારખી શકાય છે.

ગિરીશભાઈ પંડ્યા