પદ્યવાર્તા
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપ્રકાર. મધ્યકાળ દરમિયાન વિશેષખેડાણ પામેલાં લોકપ્રિય સાહિત્યસ્વરૂપોમાં આખ્યાન, રાસ અને પદ્યવાર્તાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્વરૂપોમાં વસ્તુ અને નિરૂપણરીતિને કારણે પદ્યવાર્તા રાસ અને આખ્યાનથી અલગ તરી આવે છે. સામાન્ય રીતે આખ્યાન જેવા કાવ્યપ્રકારમાં વસ્તુ રામાયણ, મહાભારત કે પુરાણાદિ પર અવલંબિત રહેતું, જ્યારે પદ્યવાર્તાઓનું વસ્તુ ઇતિહાસ-પુરાણ પર નહિ પણ કલ્પિત અને લોકોને આકર્ષતી પ્રચલિત લોકકથાઓ કે ‘બૃહત્કથા’ જેવી કથાઓ પર આધારિત રહેતું. મધ્યકાળના કવિઓએ સંસ્કૃત-પ્રાકૃત કથાસાહિત્યના અઢળક ખજાનામાંથી છૂટે હાથે સામગ્રી લીધી છે.
મધ્યકાલીન સાહિત્યમાં ‘કથા’ અને ‘વાર્તા’ એ શબ્દો એકબીજાના પર્યાય રૂપે પ્રયોજાતા. આખ્યાનમાં જેમ ધર્મકથાઓ આવતી તેમ કથાવાર્તામાં સામાજિક કથાઓ આવતી. આખ્યાનની અસરથી આ વાર્તાસાહિત્ય સાવ અલિપ્ત રહી શક્યું નથી. આખ્યાનમાં જેમ વાર્તાની શરૂઆત મંગળાચરણ કે ઇષ્ટદેવની સ્તુતિથી થતી ને વાર્તાને અંતે કવિ-પરિચય કે ફળશ્રુતિ આપતાં, તેવી રીતે કથાવાર્તામાં પણ પ્રારંભમાં ઇષ્ટદેવની સ્તુતિ તથા મંગળાચરણ આવતાં અને અંતે ફળશ્રુતિ પણ આવતી. પ્રેમકથાઓની શરૂઆત કેટલાક વાર્તાકારોએ કામદેવસ્તવનથી પણ કરી છે ! આખ્યાનમાંથી કેટલીક ઘટનાઓ પણ વાર્તાઓમાં પ્રવેશ પામતી; જેમ કે, ‘નળાખ્યાન’માં નળને કર્કોટક નાગ અગ્નિમાંથી તેને બચાવ્યો હોવાથી વરદાન આપે છે, એ રીતે શામળની પદ્યવાર્તા ‘મદનમોહના’માં પણ મોહના સાપને આગમાંથી બચાવે છે એટલે સાપ એને વરદાન આપે છે. આખ્યાનની જેમ કથાવાર્તામાં પણ પ્રત્યક્ષ કથનશૈલી પ્રયોજાઈ છે.
‘ફાગુ’, ‘પ્રબંધ’, ‘રાસ’ અને ‘આખ્યાન’ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જેવી નિશ્ચિત સ્વરૂપસંજ્ઞાઓ છે તેવી ‘પદ્યવાર્તા’ નથી. ‘આખ્યાન’, ‘રાસ’, ‘ફાગુ’ વગેરે સંજ્ઞાઓ પહેલેથી નિશ્ચિત હોવાને લીધે તે કૃતિના નામ સાથે સંજ્ઞા સંકળાયેલી જોવા મળે છે. જ્યારે લોકકથાના નિરૂપણની પરંપરામાં સ્વરૂપગત તત્ત્વો સુનિશ્ચિત ન હોવાને કારણે એ પ્રકારની કૃતિઓ ‘કથા’, ‘વારતા’, ‘ચુપઇ’ તો ક્યારેક ‘રાસ’ કે ‘પ્રબંધ’ને નામે ઓળખાયેલી જોવા મળે છે. સંસ્કૃતમાં ‘કથા’ ગદ્યપ્રકાર છે; પરંતુ મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય પદ્યમાં વિશેષ પ્રમાણમાં મળે છે. શામળ આ સ્વરૂપને સૌથી વધુ સફળતાપૂર્વક ખેડનાર મધ્યકાલીન કવિ છે. તેની રચનાઓમાં વ્યક્ત થયેલાં ‘પદ્ય’ અને ‘વાર્તા’ એવાં બે મુખ્ય પરિમાણોને આધારે ‘પદ્યવાર્તા’ સંજ્ઞા રૂઢ થઈ છે.
આ પદ્યવાર્તા – કથાવાર્તાઓ પર સંસ્કૃત તથા જૈન-કથાઓનો પ્રબળ પ્રભાવ અનુભવાય છે. ‘કાદંબરી’, ‘દશકુમારચરિત’, ‘પંચતંત્ર’, વગેરેમાં તથા કેટલાક જૈન રાસાઓમાં એક કથામાં અનેક આંતરકથાઓ ગૂંથાયેલી જોવા મળે છે. કથાનું એક પાત્ર પોતાના વક્તવ્યના સમર્થનમાં અન્ય પાત્રને આડકથા કહે છે. આ પ્રયુક્તિનું પુનરાવર્તન મધ્યકાલીન જૈનેતર કથાવાર્તાસાહિત્યમાં દૃષ્ટિગોચર થાય છે; દા. ત., શામળકૃત ‘મદનમોહના’માં પંડિત મદન મોહનાને તથા મોહના મદનને અને પંડિતને છ દૃદૃષ્ટાંતકથાઓ કહે છે. આ પ્રકારની નિરૂપણરીતિ મોટાભાગની પદ્યવાર્તાઓમાં જોવા મળે છે. જૈન-કથાઓમાં અનેક જન્મોની કથાઓ આવે છે. શામળરચિત ‘ઉદ્યમકર્મસંવાદ’, વીરજીકૃત ‘કામાવતી’, શિવદાસરચિત ‘હંસાઉલી’ વગેરેમાં પણ આવી કથાઓ આવે છે.
પદ્યવાર્તા પર સંસ્કૃત તથા જૈનકથાઓની બીજી અસર તે વાર્તામાં વચ્ચે વચ્ચે ડહાપણનાં મુક્તકો અને પ્રહેલિકાઓ આવે એ છે. ઘણી વાર સંસ્કૃતમાં પણ તેવું જોવા મળે છે. જૈનકથાઓમાં શ્રોતાઓમાં વૈરાગ્ય જન્માવવા અને તેમને કામવાસનાથી દૂર રાખવા સ્ત્રીનિંદા સારી પેઠે થતી અને સ્ત્રીપાત્રોને કુટિલ ચીતરવામાં આવતાં. જૈનકથાઓના આ સ્ત્રીવિરોધી વલણનો પ્રભાવ વત્તાઓછા પ્રમાણમાં જૈનેતર કથાઓ પર પડ્યો છે. વાર્તાકાર કાં તો જાતે જ સ્ત્રીનિંદા કરે છે અથવા સ્ત્રીઓને કુટિલ તથા દુરાચારી દર્શાવી પુરુષપાત્રોના મુખે તેમની નિંદા કરાવે છે. આની સાથે એ પણ નોંધવું જોઈએ કે ઘણીખરી પદ્યવાર્તાઓમાં સ્ત્રીપાત્રો પુરુષપાત્રોની સરખામણીમાં વધારે તેજસ્વી લાગે છે. એ પોતે જ પતિની પસંદગી કરે છે; જો પ્રેમી આનાકાની કરે તો જબરદસ્તીથી એને પરણે છે; એટલું જ નહિ, સ્ત્રીઓ પોતે પુરુષવેશમાં ફરે છે, અનેક સાહસો કરે છે અને એ વેશમાં અનેક સ્ત્રીઓને પરણે છે. ‘હંસાવલીવિક્રમચરિત્ર’ની હંસાવલી, શામળની ‘પદ્માવતી’ વાર્તાની પદ્માવતી અને સુલોચના, ‘મદનમોહના’ની નાયિકા મોહના વગેરે સ્ત્રીઓ મધ્યકાલીન પદ્યવાર્તાઓની પ્રતિનિધિ નાયિકાઓ છે. આવાં સ્ત્રીપાત્રો સમક્ષ પુરુષપાત્રો નિર્માલ્ય અને નિસ્તેજ લાગે છે.
મધ્યકાલીન પદ્યવાર્તા શ્રોતાઓ માટે એવી સૃદૃષ્ટિ ખડી કરતી જ્યાં એ લોકો વાસ્તવિક સૃદૃષ્ટિનાં બંધનો ને નિષેધોમાંથી મુક્ત થઈ યથેચ્છ વિહાર કરી શકે. ધર્મકથાના આદર્શો જ્યારે અકળાવી મૂકે ત્યારે તેનાથી ભિન્ન એવી સૃદૃષ્ટિમાં પલાયન કરવાની સુવિધા આ વાર્તાઓ પૂરી પાડતી હતી. જીવનમાં જે અભાવો હતા એની પૂર્તિ પણ આ વાર્તાસાહિત્યમાં થતી હતી; જેમ કે, એ સમયે સમાજમાં જ્ઞાતિબંધનો દૃઢ હતાં. તેથી વાર્તાઓમાં વર્ણાન્તર-લગ્નો થતાં. એ વાર્તાઓમાં કન્યા પોતે જ પ્રેમલગ્ન કરતી, કારણ કે બાળલગ્નના રિવાજને લીધે વ્યવહારજીવનમાં કન્યાને એવી છૂટ મળતી ન હતી. ઘૂમટો અને લાજ કાઢવાનો રિવાજ હોવાથી જે યુગમાં સ્ત્રીઓનું મુખ જોવા મળતું નહિ એ યુગમાં પુરુષના વેશમાં ફરતી અને પુરુષના જેવાં સાહસો કરતી સ્ત્રી વાર્તાઓમાં મળી શકતી હતી !
પદ્યવાર્તાઓમાંની કથાઓને નિરૂપણની દૃષ્ટિએ બે વિભાગોમાં વહેંચી શકાય : પ્રેમકથાઓ અને અદ્ભુત કથાઓ. પ્રેમકથાઓમાં સામાન્યપણે પ્રથમ દૃષ્ટિએ પ્રેમ, પછી વિરહ અને અંતે પુનર્મિલન એ જાતનો ક્રમ જોવા મળે છે. શામળરચિત ‘મદનમોહના’ ને ‘પદ્માવતી’, માધવકૃત ‘રૂપસુંદરકથા’, ગોપાળ ભટ્ટરચિત ‘ફૂલાંચરિત્ર’ વગેરે પ્રેમકથાઓ છે. આ કથાઓમાં ઉપર દર્શાવ્યો એવો ક્રમ દૃષ્ટિગોચર થાય છે. અલબત્ત, એમાં પ્રણયત્રિકોણ આવતો નથી. એમાં પ્રેમીઓના માર્ગમાં જે વિઘ્નો આવે છે તે સમાજ કે માબાપ તરફથી આવે છે. આ પ્રેમકથાઓના પણ ત્રણ વિભાગ પાડી શકાય : (1) વર્ણનની અધિકતા ધરાવતી વર્ણનપ્રધાન કથાઓ, (2) ગતિમય નિરૂપણ ધરાવતી કથનપ્રધાન કથાઓ, અને (3) હૃદયના ભાવોનું સવિશેષ ચિત્રણ ધરાવતી ભાવપ્રધાન કથાઓ.
પદ્યવાર્તાઓનો બીજો મુખ્ય વિભાગ અદ્ભુત રસની કૌતુકપ્રધાન કથાઓનો છે. શામળની ‘નંદબત્રીસી’ આ વર્ગની કૃતિ છે. આવી કૃતિઓમાં ચમત્કારોનું પ્રમાણ વધારે હોય છે. ચમત્કારો કાં તો ધાર્મિક શ્રદ્ધા વધારવા અથવા જનસામાન્યની કૌતુકપ્રિયતા સંતોષવા નિરૂપાતા. ‘નંદબત્રીસી’માં પ્રધાનપત્ની એના સતીત્વના પ્રભાવે અગ્નિ વિના બળે અને રાજાને સજીવન કરે એ ધર્મશ્રદ્ધા જન્માવનારો ચમત્કાર છે. ‘વિદ્યાવિલાસિની’ જેવી પદ્યવાર્તામાં માનવનું પોપટમાં પરિવર્તન થાય છે. એ સામાન્ય મનુષ્યની કુતૂહલપ્રિયતા પોષવા માટે પ્રયોજાયેલો ચમત્કાર છે. ગુજરાતી વાર્તાકારો વસ્તુ અને રીતિની દૃષ્ટિએ જે પરંપરાને અનુસરતા તે અતિ પ્રાચીન છે.
મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાની કેટલીક સ્વરૂપગત વિશિષ્ટતાઓ પણ નજરે પડે છે. પ્રથમ નજરે પ્રણયોદ્ભવ થવામાં ઉપકારક હોય એવા પ્રસંગથી વાર્તા શરૂ થતી. પછી પ્રેમીઓનાં મિલન અને પરિણયમાં અનેક વ્યવધાનો આવતાં. આ વ્યવધાનોને અતિક્રમવામાં પ્રેમની કસોટી થતી. વળી વિરહવેદનાને આલેખવા માટે અવકાશ ઊભો થતો. વચ્ચે કેટલીક કૌતુકનિષ્પાદક ઘટનાઓ ઘટતી અને અંતે પ્રેમી પાત્રોની તાવણી પૂરી થતાં તેમનું પુનર્મિલન થતું.
મધ્યકાલીન પદ્યવાર્તામાં શૃંગાર અને અદ્ભુત રસ પછી વાર્તાની રસાત્મકતામાં વૃદ્ધિ કરનાર ત્રીજો મહત્ત્વનો રસ છે વીર. પરાક્રમી અને પરદુ:ખભંજક, વેતાલવિજેતા વીર વિક્રમ પદ્યવાર્તાની સૃદૃષ્ટિનું આકર્ષક પાત્ર બની રહે છે. પ્રજાના સુખદુ:ખને જાણવા રાજા નગરચર્યા કરવા રાત્રે નીકળતો. કોઈનું દુ:ખ જોતાં જ રાજા તે દૂર કરવા સાહસે ઊપડતો અને એ રીતે એના શૌર્યના પ્રસંગોમાંથી વીરરસ નિષ્પન્ન થતો. અન્ય વાર્તાઓમાં ભિન્ન ભિન્ન નિમિત્તે પ્રગટ થતું નાયક કે નાયિકાનું શૌર્ય વીરરસ ઉત્પન્ન કરતું. આ સાહસકથાઓ વીરરસની સાથે અદ્ભુત રસની સૃદૃષ્ટિ પણ ઊભી કરતી. અદ્ભુત રસ નિષ્પન્ન કરવા કવિ પૂર્વજન્મસ્મૃતિ, સંજીવનીવિદ્યા, પરકાયાપ્રવેશ, જાદુઈ દંડ, ઊડતી પવનપાવડી, મનુષ્યબોલી બોલતાં પક્ષીઓ, અદૃશ્ય થઈ જવાની વિદ્યા, આકાશવિહાર, મનુષ્યનું પ્રાણીરૂપમાં પરિવર્તન, પુરુષનું સ્ત્રીમાં પરિવર્તન વગેરેનો આશ્રય લેતો અને ભાવકોને અવાસ્તવના આનંદનો અનુભવ કરાવતો.
આ વાર્તાઓમાં આવતી પાત્રસૃષ્ટિ વૈવિધ્યસભર છે. મનુષ્ય ઉપરાંત દેવદાનવ અને અન્ય માનવેતર પાત્રો તેમાં આવે છે. એને કારણે એની પાત્રાલેખનકલા ધ્યાનાકર્ષક બને છે. જોકે મહદંશે વાર્તાકાર વાર્તા-ઘટનાનિરૂપણના મુકાબલે પાત્રાલેખનમાં ખાસ કલાદૃષ્ટિ દર્શાવતો નથી. આ વાર્તાઓનાં અધિકાંશ પાત્રો પરંપરાગત ગુણ-લક્ષણો ધરાવતાં જોવા મળે છે. પુરુષપાત્રો ચતુર પણ ધૈર્યહીન, ડરપોક, ક્યારેક વ્યવહારુ તો ક્યારેક વ્યવહારકુશળ હોય છે. ખરેખર તો આવા નાયકોનું નાયકત્વ માત્ર નાયિકાના પ્રેમપાત્ર બન્યા હોવાને કારણે સ્થપાતું. બાકી નાયિકા કરતાં તે બધી દૃષ્ટિએ ઊણા પડતા. તેમના વિશેનાં રૂપવર્ણનોમાં પણ દેહના સૌન્દર્યનું વર્ણન પરંપરાગત ચીલાચાલુ હોય છે; એમાં ચમત્કૃતિજનક મૌલિકતા જવલ્લે જ જોવા મળતી હોય છે. વીરાંગના કે ગણિકાનું પાત્ર મધ્યકાલીન પદ્યવાર્તાનો એક વિશેષ કહી શકાય. ‘પદ્માવતી’, ‘વિદ્યાવિલાસિની’, ‘માધવાનલકામકંદલા’ વગેરે અનેક વાર્તાઓમાં એ પાત્ર પારંપરિક રીતે આલેખાયું છે. ‘મદનમોહના’ જેવી વાર્તામાં તે બનાવોની સહજ ગતિમાં વિક્ષેપ ખડો કરી મુખ્ય પાત્રોના ગુણોને પ્રગટ કરવામાં અને વાર્તાને નૂતન વળાંક આપવામાં કારણભૂત બને છે. અન્ય અનેક પ્રકારનાં વર્ણનોમાં તેમ ગણિકા, માળણ, વાણિયો, હજામ વગેરે ગૌણ પાત્રોના આલેખનમાં પણ રૂઢતા નજરે પડે છે.
પદ્યવાર્તાઓની સૃષ્ટિ વાસ્તવિક સૃષ્ટિના કાર્યકારણના નિયમોથી એ જાણે પર હોય એવી કેટલીક અપ્રતીતિકરતા ધરાવતી હોય છે. શામળરચિત ‘પદ્માવતી’માં નાયક પુષ્પસેન નાયિકા પદ્માવતી સાથે ત્રણ ત્રણ વર્ષ સુધી રહે છતાં કોઈને પણ એ વાતની ગંધ સુધ્ધાં આવતી નથી. ‘મદનમોહના’માં બને છે તેમ સ્ત્રી પુરુષના વેશમાં અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે, સ્ત્રીઓ સાથે લગ્ન પણ કરે તોયે તેનો છદ્મ વેશ કોઈના ધ્યાનમાં આવતો નથી. આ વાર્તાઓની કેટલીક સ્ત્રીઓ એવી નાજુક હોય છે કે ફૂલના બોજથી ચગદાઈ જાય છે અને ખસખસનો દાણો પેટમાં જવાથી તેમનું પેટ દુખે છે. કથાલેખક વ્યવહારજગતથી ભિન્ન કથાની એવી નવી સૃદૃષ્ટિમાં વાચકને લઈ જાય છે, જ્યાં તેને આ વાસ્તવિક જગતની મર્યાદાઓ નડવાનો પ્રશ્ન રહેતો નથી અને લેખકની ઉત્તેજના પ્રમાણે જગતમાં અસંભવિત કે અશક્ય લાગે એવી ઘટનાઓ તેમાં ઘટતી રહેતી હોય છે.
મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાના બાહ્ય સ્વરૂપનાં કેટલાંક લક્ષણો તો સ્પષ્ટ છે : એની રચનામાં મુખ્યત્વે દોહરા, ચોપાઈ તથા છપ્પા પ્રયોજાયા છે. કોઈ કોઈ વાર્તામાં કુંડળિયા, કવિત અને મનહર જેવા છંદો પણ વપરાયા છે. વાર્તારચનામાં સામાન્યપણે બે પ્રકાર દૃષ્ટિગોચર થાય છે : એક એવો પ્રકાર, જેમાં એક જ વાર્તાવસ્તુ હોય. આ પ્રકારની વાર્તાઓમાં વાર્તાકાર મુખ્ય વાર્તાથી ઝાઝો આડો ફંટાતો નથી, કે આડવાતોમાં સરી પડતો નથી. બીજા પ્રકારને સંકુલ કહેવો પડે. તેમાં મુખ્ય વાર્તાપ્રવાહ કે કથાપ્રવાહમાં અનેક આડકથાઓ અને દૃષ્ટાંતકથાઓની જાળ જોવા મળે છે. આવી વાર્તાઓમાં અવારનવાર રસાનુભૂતિનું સાતત્ય પણ ખંડિત થતું હોય છે.
પદ્યવાર્તામાં સમસ્યાઓ, છપ્પાઓ, સામાન્ય નીતિનાં વિધાનો વગેરે વિપુલ માત્રામાં આવે છે. એને લીધે વાર્તાપ્રવાહ વારંવાર સ્ખલિત પણ થાય છે. જોકે વાર્તાકાર તો એ દ્વારાયે ધૈર્યવાન શ્રોતાઓને વાર્તારસની સાથે નીતિજ્ઞાન અને વ્યવહારપટુતા શીખવતો હશે અને કથારસ સાથે ઉખાણાં અને પ્રશ્નોત્તરમાળાઓ દ્વારા બૌદ્ધિક આનંદ પણ અર્પતો હશે.
મધ્યકાલીન પદ્યવાર્તાનું માળખું પ્રત્યક્ષ કથનપદ્ધતિનો આશ્રય લેતું જણાય છે. મંગલાચરણ ટૂંકમાં પતાવી વાર્તાકાર વાર્તા સાથે સંબદ્ધ નગરનું પરંપરાગત વર્ણન આપે છે. ત્યારબાદ તે નાયકનાયિકાના પરિચય પર આવે છે. પછી સીધો તે વાર્તાના કેન્દ્રવર્તી પ્રસંગને નિરૂપે છે. કેટલાક વાર્તાકારો વાર્તાના અંતભાગમાં આત્મપરિચય પણ આપે છે. ઉપર નિર્દિષ્ટ સરળ અને સંકુલ કથાપ્રકારો ઉપરાંત કેટલીક સળંગસૂત્ર સુદીર્ઘ સ્વતંત્ર કથાઓ પણ મળે છે. ‘મદનમોહના’, ‘નંદબત્રીસી’, ‘સદયવત્સકથા’ વગેરે વાર્તાઓમાં પરંપરા પ્રમાણે અવાંતર કથાઓ મળતી હોવા છતાં આ વાર્તાઓ અંતે તો એક સ્વતંત્ર એકમરૂપ છે; પણ ‘સિંહાસનબત્રીસી’, ‘વેતાલપચીસી’, ‘સૂડાબહોતેરી’ જેવી વાર્તાઓ સ્પષ્ટતયા વાર્તાચક્રોનાં ઉદાહરણ છે.
પદ્યવાર્તાઓમાં વાર્તાકાર સમસ્યાઓ, પ્રશ્નોત્તરી વગેરે દ્વારા શ્રોતાઓને સીધો બોધ આપવાનો પ્રયાસ કરતો હોય છે. કથાના ઉપસંહારમાં પોતે જેમાં શ્રદ્ધા ધરાવતો હોય અને વાર્તાનાં પાત્રો-પ્રસંગો સાથે જે બંધબેસતાં હોય તેવાં જીવનમૂલ્યોની હિમાયત કરતો હોય છે; દા. ત., શામળ ‘વેતાલપચીસી’માં નીચ સંગનાં માઠાં પરિણામો કે ‘નંદબત્રીસી’ના ઉપસંહારમાં વિસ્તારથી શીલમહિમા વ્યક્ત કરે છે.
જનસમુદાયને જ્ઞાન અને ઉપદેશ સાથે આનંદ આપવા રચાયેલી પદ્યવાર્તાઓમાં જે સમાજજીવન નિરૂપાયું છે તે પણ મહદંશે પરંપરાગત જણાય છે. જોકે એમાંના કેટલાક અંશો વાર્તાકારનાં દેશકાળ અને સમાજસ્થિતિનો ખ્યાલ આપી રહે એવા હોય છે. આ વાર્તાસૃદૃષ્ટિમાં અદ્ભુત રસની સૃદૃષ્ટિનું સર્જન કરવા છતાં વાર્તાકાર પોતાના પરિવેશને પૂરેપૂરો અતિક્રમી શકતો નથી. ગુજરાતમાં મધ્યકાળમાં બાળલગ્નનો રિવાજ પ્રચલિત હતો અને કુંવારી દીકરીને માતાપિતા બોજ ગણતાં હતાં. તેથી શામળની નાયિકાઓની સરેરાશ ઉંમર બારેક વર્ષની જોવા મળે છે. ‘ઉદ્યમકર્મસંવાદ’ની નાયિકા તો માત્ર સાત વર્ષની જ છે ! બાળલગ્નની સાથે સાથે તે કાળે પ્રચલિત વૃદ્ધલગ્ન પણ કેટલીક વાર્તાઓમાં જોવા મળે છે. શામળકૃત ‘પંચદંડ’ વાર્તામાં શ્યામકુંવરને વૃદ્ધ પતિ મળતાં તે પોતાના ઘરમાં ઘૂસેલા ચોર સાથે વ્યભિચાર કરે છે ! આ વાર્તાઓની નાયિકાઓનું કામોન્મત્ત પ્રગલ્ભ વર્તન તત્કાલીન વિષમ સામાજિક આચારો સામેનું પ્રતિક્રિયાત્મક પરિણામ દેખાય છે. આ વાર્તાઓમાં આવતા સામાજિક પરિવેશમાંનું ઘણુંખરું તત્કાલીન સમાજના પ્રતિબિંબરૂપ લાગે છે. વળી લોકમાનસ ચમત્કારમાં, નસીબમાં, જ્યોતિષ-જાદુ વગેરે તત્ત્વોમાં કેટલી શ્રદ્ધા ધરાવતું તે પણ આવી વાર્તાઓમાંથી જાણવા મળે છે. એ સમયે કર્મફળ અને પુનર્જન્મવિષયક માન્યતાઓ વ્યાપક હશે એમ લાગે છે. વાર્તાઓમાં નિરૂપિત તત્કાલીન લગ્નવિધિનાં ભિન્ન ભિન્ન અંગો, તે સમયના આચારો, નિમંત્રણ માટેની કંકોત્રીઓ, શુકનઅપશુકનો, વહેમો, મેલી વિદ્યાના પ્રયોગો વગેરેના ઉલ્લેખો સ્વાભાવિક રીતે જ તત્કાલીન સમાજની મનોદશાનું દર્શન કરાવે છે.
મધ્યકાલીન પદ્યવાર્તાઓમાં વાર્તાકાર અને શ્રોતાઓની માનસિક કક્ષા, રુચિ અને અભિગમને લીધે ગ્રામ્યતા, પ્રાકૃતતા અને અનૌચિત્ય પણ વાર્તાઓમાં પ્રવેશે છે. શામળ જેવા નોંધપાત્ર વાર્તાકારે પણ ઉમદા સંસ્કારવાળાં પાત્રોનાં વાણીવર્તનમાં ક્યાંક ક્યાંક પ્રાકૃતતાઓ દાખવી છે.
મધ્યકાળમાં શામળ પૂર્વે અને પછી પણ કોઈ પ્રખર પ્રભાવશાળી પદ્યવાર્તાકાર સાંપડતો નથી; આમ છતાં પદ્યવાર્તાનો પ્રવાહ મધ્યકાળમાં સતત પ્રવહમાન રહ્યો છે. પદ્યવાર્તાનો પ્રકાર જૈન અને જૈનેતર કવિઓએ – વાર્તાકારોએ ઠીક ઠીક પ્રમાણમાં ખેડ્યો છે. નરસિંહ પૂર્વે બે જૈન કવિઓ પાસેથી પદ્યવાર્તાઓ સાંપડે છે. ઈ. સ. 1355માં વિજયભદ્ર ‘હંસરાજ વચ્છરાજ ચઉપઈ’ અને હીરાણંદ ઈ. સ. 1429માં ‘વિદ્યાવિલાસ પવાડુ’ આપે છે. જૈનેતર કવિઓમાં અસાઇત ઈ. સ. 1361ના અરસામાં ‘હંસાઉલી’ અને ભીમ ઈ. સ. 1410માં ‘સદયવત્સપ્રબંધ’ સર્જે છે.
પંદરમી સદીના ઉત્તરાર્ધમાં મધ્યકાલીન પદ્યવાર્તાઓમાં મુખ્ય કથાબિંદુ પરદુ:ખભંજક રાજા વિક્રમ છે. વિક્રમ પ્રેમશૌર્યભરી અદ્ભુત-રસિક વાર્તાઓના મૂળ સ્રોતરૂપ જણાય છે. કેટલાંક કથાનકો મૂળભૂત રીતે વિક્રમકથાચક્રમાંથી જન્મ્યાં છે તો કેટલાંક સ્વતંત્ર કથાનકો વિક્રમની લોકપ્રિયતાને લીધે વિક્રમકથાચક્ર સાથે જોડાઈ ગયાં છે. પંદરમી સદીના ઉત્તરાર્ધમાં વિક્રમકથાચક્રની કથાઓ જે ત્રણ વાર્તાકારો પાસેથી મળે છે તેઓ છે મલયચંદ્ર, નરપતિ અને ગણપતિ.
મલયચંદ્ર ઈ. સ. 1463માં ચોપાઈની 374 કડીમાં ‘સિંહાસનબત્રીસી’ રચે છે અને 220 ચોપાઈમાં ‘સિંઘલશીચરિત્ર’. પ્રથમ પદ્યવાર્તા વિક્રમના અદ્ભુત ગુણવ્યક્તિત્વને વ્યક્ત કરે એવી 32 વાર્તાઓનો ગુચ્છ છે. આ જ વાર્તામાં કેટલાક સુધારાવધારા કરી શામળ તેની યશસ્વી કૃતિ સર્જે છે. મલયચંદ્રની બીજી રચના સાહસશૌર્ય અને ચમત્કારોની અદ્ભુત સૃદૃષ્ટિ સર્જતી વિલક્ષણ પ્રેમકથા છે. નરપતિ ઈ. સ. 1489માં ‘નંદબત્રીસી’ અને 1504માં ‘પંચદંડ’ની વાર્તાઓ રચે છે. પંદરમી સદીના ઉત્તરાર્ધની ઉત્તમ કથા ઈ. સ. 1489ના અરસામાં ભાલણ પાસેથી મળે છે. એ છે બાણભટ્ટની સંસ્કૃત ‘કાદંબરી’નો સંક્ષિપ્ત અનુવાદ. સંસ્કૃત ગદ્યકૃતિનો આ સરળ પદ્યાનુવાદ ભાલણની કથાકવિ તરીકેની કૌશલસૂઝનો પરિચાયક છે.
સોળમી સદીમાં પ્રમાણમાં વધારે પદ્યવાર્તાઓ મળે છે, જે પૈકી 2,500 દુહામાં આઠ અંગમાં વિભક્ત, ઈ. સ. 1518માં રચાયેલી ગણપતિની ‘માધવાનલ કામકંદલા દોગ્ધક’ મોટામાં મોટી રચના છે. કથાતત્ત્વ અને નિરૂપણ – ઉભય દૃષ્ટિએ આ રચના સત્ત્વસમૃદ્ધ છે. કૃતિ અલંકારપ્રધાન છે અને પ્રધાનરસ શૃંગાર છે. કથાનાયક માધવાનલ બ્રાહ્મણ છે અને નાયિકા કામકંદલા ગણિકાપુત્રી. તેમના પ્રેમની કથા નિરૂપતી આ રચનામાં નાયિકાના ઉત્કટ વિરહગાન અને નાયકના નાયિકાવિરહના 12 માસનું વર્ણન વિપ્રલંભ શૃંગારનું દૃષ્ટાંત પૂરું પાડે છે. વર્ણનની અતિશયતાને કારણે અતિલંબાણ દોષરૂપ બન્યું છે; તેમ છતાં રસિક વર્ણનો, સમસ્યાઓ, ચોટદાર દુહાઓ અને બારમાસી પ્રસ્તુત કૃતિની રસાત્મકતા ને ઉત્તમતા પ્રગટ કરે છે.
ઉપર્યુક્ત કથાને રાસ રૂપે લખનાર કુશળલાભ પાસેથી ઈ. સ. 1541માં ‘મારુઢોલા ચઉપઈ’ નામક પ્રેમકથા પ્રાપ્ત થાય છે. વિપ્રલંભ શૃંગારનું ઉત્કટતાથી નિરૂપણ કરનારી પ્રેમકથાઓમાં જ્ઞાનાચાર્યરચિત ‘બિલ્હણપંચાશિકા’ તથા ‘શશિકલાપંચાશિકા’ ઉલ્લેખનીય છે. બંને કૃતિઓ મુખ્યત્વે ચોપાઈબંધમાં લખાઈ છે. મધુસૂદન વ્યાસકૃત ‘હંસાવલી વિક્રમકુમાર ચરિત્ર’ સોળમી સદીના મધ્યભાગમાં રચાયેલી રસિક પ્રેમકથા છે. ચોપાઈઓની વચ્ચે વચ્ચે દોહરા અને છપ્પા મૂકીને વચ્છરાજે 605 કડીની ‘રસમંજરીની વાર્તા’ ઈ. સ. 1579ના અરસામાં પ્રેમાવતીની પ્રચલિત લોકકથાને આધારે રચી છે.
સોળમા શતકમાં રાસા રૂપે રચાયેલી લોકરંજક પદ્યકથાઓની પચાસેક રચનાઓમાંથી વિક્રમકથાચક્ર સાથે સંકળાયેલી ‘વેતાળપચીસી’ (દેવશીલ, હેમાણંદ, કલ્યાણ, સુજાણહંસ), ‘વિક્રમ અને ખાપરાચોર’ (મંગલમાણેક, જિનહર્ષ), ‘સૂડાબહોતેરી’ (રત્નસુંદર), ‘ચિત્રસેન પદ્માવતી’ (વિજયસમુદ્ર, ભક્તિવિજય – સોળમી સદી, કલ્યાણચંદ્ર) તથા રૂપચંદ, કનકાવતી, સુરસુંદરી, ભોજ, અમર દત્ત, પરદેશી રાજા, મલયસુંદરી, શ્રીપાલ, કુલધ્વજ વગેરે પાત્રો સાથે સંકળાયેલી કથાઓ મુખ્ય છે. આ ઉપરાંત સિંહકુશલની ‘નંદબત્રીસી ચઉપઈ’, વિજયસમુદ્રની ‘આરામશોભા’, મતિસારરચિત ‘કર્પૂરમંજરી’, સિદ્ધસૂરિ અને હીરકલશની ‘સિંહાસન-બત્રીસી’ઓ, રત્નસુંદરરચિત ‘શુકબહોતેરી’ વગેરે પદ્યવાર્તાઓ સોળમી સદીમાં સાંપડે છે.
સત્તરમી સદીના પદ્યવાર્તાના પ્રવાહમાં સોળમી સદીની પરંપરાની મારુઢોલા, સગાળશા, વિદ્યાવિલાસ તથા વિક્રમકથાચક્રની અનેક વાર્તાઓ મળે છે. આ સદીની નોંધપાત્ર નૂતન વાર્તાકૃતિઓમાં ‘હંસાવતી’, ‘કામાવતી’, ‘શીલવતી’, ‘ચંદનમલયાગીરી’, ‘અંજનાસુંદરી’ વગેરે છે. આ સદીનો મુખ્ય વાર્તાકાર શિવદાસ છે. ‘હંસાવતી’ (ઈ. સ. 1612) અને ‘કામાવતી’ (ઈ. સ. 1617) તેની મહત્ત્વની રચનાઓ છે. સ્વપ્નસુંદરીની શોધ અને જાતિસ્મૃતિએ પુરુષદ્વેષિણી નાયિકા એ બે કથાઘટકો બંને કૃતિઓમાં સમાન છે. પ્રથમ રચનામાં શિવદાસે હંસાવતીના પ્રસિદ્ધ કથાનકને સળંગ સૂત્ર-રૂપે 1,362 કડીમાં, ચાર ખંડમાં નિરૂપ્યું છે. લોકરંજક કથાને આધારે કાવ્યત્વ પ્રગટ કરતી એક ઉલ્લેખનીય કૃતિ માધવરચિત ‘રૂપસુંદરકથા’ (ઈ. સ. 1651) છે. આ રચના કવિએ અક્ષરમેળ વૃત્તોના 192 શ્ર્લોકમાં રચી છે. કથાની દૃષ્ટિએ તો તે બિલ્હણકથાનો જ એક વિશિષ્ટ અંકુર જણાય છે. સંભોગ અને વિપ્રલંભ શૃંગારથી છલકાતી આ એક આકર્ષક પ્રેમકથા છે.
નરસિંહ પૂર્વેથી પ્રારંભાયેલો પદ્યવાર્તાનો પ્રવાહ જૈન અને જૈનેતર કવિઓને હાથે સમૃદ્ધ થયો છે; પરંતુ આ સ્વરૂપની લગભગ બધી લાક્ષણિકતાઓને શામળ પોતાની સર્જકપ્રતિભાના બળે ખેડી એક ઉત્તમ પદ્યવાર્તાકાર પુરવાર થાય છે. શામળે કુલ કેટલી પદ્યવાર્તાઓ રચી છે એ કહેવું કપરું છે; પણ નિમ્નલિખિત પદ્યવાર્તાઓ શામળની જ છે એ નિર્વિવાદ છે : (1) ‘પદ્માવતી’, (2) ‘ચંદ્રચંદ્રાવતી’, (3) ‘નંદબત્રીસી’, (4) ‘મદનમોહના’, (5) ‘બરાસકસ્તૂરી’, (6) ‘સિંહાસનબત્રીસી’ અને (7) ‘સૂડાબહોતેરી’.
આમાંથી ‘સિંહાસનબત્રીસી’ અને ‘સૂડાબહોતેરી’ વાર્તામાળાઓ છે. સ્વતંત્રપણે ઊભી રહી શકે એવી ‘વેતાલપચીસી’ અને ‘પંચદંડ’ની વાર્તામાળાઓ શામળે ‘સિંહાસનબત્રીસી’ની અંદર ગૂંથી લીધી છે. ‘પદ્માવતી’, ‘મદનમોહના’ જેવી વાર્તાઓ કોઈ વાર્તામાળાનું અંગ ન હોય એવી લાંબી વાર્તાઓ છે. અલબત્ત, આવી વાર્તાઓમાં પણ કવિ દૃષ્ટાંત અર્થે વાર્તામાં વાર્તા જેવી આડકથાઓ તો મૂકે છે જ.
પદ્યવાર્તાકાર શામળનું પ્રથમ લક્ષ્ય છે જનમનરંજન. એને લીધે તેણે વાર્તાઓને અદ્ભુતરસિક બનાવી છે. તે આમજનતાનો કવિ હોવાથી તેની પાત્રસૃદૃષ્ટિમાં જાણે ‘અઢારેય વરણ’નો સમાવેશ થાય છે. શામળનાં સ્ત્રીપાત્રો પુરુષપાત્રો કરતાં વધારે તેજસ્વી, ચતુર, હિંમતબાજ અને કાર્યદક્ષ છે. સમસ્યાઓ પણ શામળની પદ્યવાર્તાઓનું અગત્યનું અંગ જણાય છે. ‘મદનમોહના’નો નાયક મદનમોહના તથા રૂપાવતીની રાજપુત્રીને પોતાના સમસ્યા-નૈપુણ્યથી જ પ્રાપ્ત કરે છે. સમસ્યાઓ જેવું જ શામળની વાર્તાઓનું એક લક્ષણ તેમાં ઠેરઠેર આવતાં બોધક સુભાષિતો અને નીતિ-ઉપદેશવિષયક છપ્પાઓ છે. તેની પાછળ કવિનું બળવાન સંસાર-નિરીક્ષણ અને લોકવ્યવહારનું જ્ઞાન છે. શામળનો મુખ્ય ઉદ્દેશ તેના શ્રોતાઓને આનંદ આપવાનો હતો તેથી તે કાળે પ્રચલિત પદ્યવાર્તાનું મનોરંજક સ્વરૂપ પસંદ કરી તેણે પદ્યવાર્તાકાર તરીકેની સિદ્ધિ મેળવી છે.
શામળ પછી મધ્યકાલીન યુગમાં વાર્તાપ્રવાહ સાવ મંદ પડી જાય છે. અર્વાચીન યુગમાં વિનોદ જોશીએ ‘તુણ્ડિલતુણ્ડિકા’ નામક પદ્યવાર્તા રચવાનો પ્રયાસ કર્યો છે. એ સિવાય આ સ્વરૂપ મધ્યકાળમાં જ સમેટાઈ જાય છે. મધ્યકાળમાં આ સ્વરૂપ અગત્યનું સાહિત્યિક અને સામાજિક કાર્ય બજાવે છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ